
(ગતાંકથી આગળ)’
તો બરકરાર છે ને..?’ ‘હું ને ઠાકોર નો વે….’ કહી બંને સાથે અલ્પાહારના આયોજનની દિશામાં પગ માંડયા તો વાતનો દોર સાંધતા ઘનશ્યામે આગળ ચલાવ્યું
‘એક તારા જેવા કવિઓ,બીજા લેખકો અને ત્રીજા પ્રેમી પંખીડાઓ ગમે ત્યારે ગમે ત્યાં વિચારોની દુનિયામાં એવા ખોવાઇ જાવ કે આજુબાજુ શું ચાલે છે એ પણ ભૂલી જાવ..હમંશા પોતાના વિચારોની દુનિયામાં જ વિચરતા હોવ છો પણ કોઇવાર અમારૂં પણ વિચારો…’ઘનશ્યામએ હસતા હસતા કહ્યું
‘અરે એલા પરમાર એ કેમ ભૂલી જાય છે કે અમારે તો વિચારો લખીને જ રોટલા રળવાના હોય છે..’અમુલખે કહ્યું
‘અરે હાં…એ વાત સો ટકા સાચી…જો કોઇ દમદાર વિચાર આવ્યો હોય તો ઉઠાવ કલમ અને લખવા માંડ…આ બુક પછી એક વાત પાકી છે કે, તારૂં ફેન સર્કલ બહુ મોટું થવાનું છે તેનાથી ચાલનારી હવાનો લાભ લઇ આપણે જલ્દીથી બીજી બૂક છપાવીશું..’
‘અરે પરમાર હું તો મજાક કરૂં છું..તું તો મારી પાછળ જ પડી ગયો છો કહ્યુંને કે કંઇ ખાસ નથી ચાલ ચાલ મહેમાનો પર પણ ધ્યાન આપવું જરૂરી છે.અચાનક મારા વિચારો મારા મન પર ગમે ત્યારે કબજો જમાવી લે એ સારૂં નથી જ.’
‘હા ચાલ પહેલા કશુંક ખાઇ લઇએ…’ખાવાના ટેબલ તરફ જતા બંને મિત્રોએ શ્રી મનોજ કોઠારી અને અન્ય મહેમાનો અને ઘનશ્યામને પણ સાથે લીધા.સૌ કોઇએ પોતા માટે ડિશમાં પોતાની પસંદગીની વાનગીઓ લઇ એક ટેબલની આસ પાસ ગોઠવાયા તો બીજા પણ ખાલી ખુરશીઓમાં ગોઠવાયા.
અલ્પાહારને ન્યાય આપ્યા પછી ચર્ચા ચાલી પ્રોગ્રામ બહુ સુંદર રહ્યોથી માંડી માતૃભાષા સંવર્ધન સુધીની ઘણી અલક મલકની વાતો પર ચર્ચા ચાલી રહી હતી ત્યાંજ અચાનક અમુલખની પીઠમાં જોરદર ધબ્બો પડયો
‘સાલા કમલા ….તેં આખી બુક ઘસડી મારી અને મને કહ્યું પણ નહી..?’
અમુલખે પાછળ ફરીને જોયું,તેને પોતાની આંખો પર વિશ્વાસ ન હોતો આવતો એ ધબ્બો મારનાર બીજું કોઇ નહીં પરંતુ એનો વર્ષો જુનો મિત્ર ધનંજય બ્રહ્મભટ્ટ હતો જે પાછલા કેટલા વર્ષોથી અમેરિકામાં સ્થાહી થયો હતો.એનો એ જ ઘેરો અવાઝ અને એમાં છલકતું એ જ પોતાનાપણું અમુલખ વર્ષો બાદ પણ ભુલ્યો ન હતો એટલે એનાથી જુની આદત પ્રમાણે બોલી જવાયું
‘જયલા તું..? તું અહીં ક્યાંથી..? તારો તો પત્તો જ ક્યાં છે…? તું તો બોલીવુડ છોડીને હોલીવુડ ગયેલોને…? અચાનક બોલીવુડ પર પ્રેમ ઉભરાયો કે શું…? જોતો તારો તો આખો દિદાર જ બદલી ગયો છે…આ ઝિપ્સી જેવા લાંબા વાળ અને આ દાઢી આ ઉમ્મરે પણ તારા લટકા પહેલા જેવા જ છે તને હોલીવુડનો રંગ બરોબર લાગ્યો છે..’
અમુલખની આંખોમાં ખુશી સમાતી ન હતી અને સાથો સાથ જીભ પર સવાલો…આમ અચાનક અને તે પણ આટલા સરસ સમયે આવી ચડેલા જીગરજાન મિત્રને કેમ આવકારવો તેની અવઢવમાં અમુલખ અટવાઇ ગયો.એક બીજાની તુંકારતા બંને મિત્રો ગળે મળ્યા.
‘બેસ બેસ તારા સાથે કંઇ કેટલી વાતો કરવી છે,સાહેબ બહુ મોંઘા થઇ ગયા છો સમયના કેટલા વહાણા વાઇ ગયા તારા કંઇ સમાચાર જ નથી..’
‘હા..હા..હા મોંઘો ને હું..નહી યાર મોંઘો તો તું થઇ ગયો છે..’કહી ધનંજયે હસ્યો અને ખુરશી લઇને અમુલખની બાજુમાં ગોઠવાયો તો અમુલખે બધાને ધનંજયની ઓળખાણ કરાવતા કહ્યું
‘આ મારો વર્ષો જુનો મિત્ર છે ધનંજય બ્રહ્મભટ્ટ જ્યારે એ અહીં હતો ત્યારે એણે અહીં ભારતીય સમાજના જુદા જુદા પાસા જેવા કે, બાળ વિવાહ,કુરિવાજો, અંધશ્રધ્ધા,વ્યાજ ખાઉ શેઠિયા,જુલ્મી જમીનદારો,ગરીબ ખેડૂતોની લાંચારી અને દારૂડિયા પતિઓ જેવા વિષયોને આવરી લેતી ઘણી ઓફ બીટ અને લો બજેટ ફિલ્મો બનાવેલી પણ અહીં લવ અફેર અને મારધાડ વાળી ફિલ્મો જોવા ટેવાયલા પ્રેક્ષકો એ ઓફ બીટ ફિલ્મોને આવકારી નહીં એટલે તેને એટલી પ્રસિધ્ધી ન મળી પણ તેની એક અંગ્રેજી સબ ટાઇટલ વાળી ઓફ બીટ ફિલ્મ હોલીવુડના એક ડાયરેકટરે જોઇ અને એના કામથી પ્રભાવિત થઇ ગયો તે એટલે સુધી કે એને ખાસ મળવા અમેરિકાથી મુંબઇ આવ્યો અને હોલીવુડ આવવા અને સાથે કામ કરવા આમંત્રણ આપ્યું અને આમ મુંબઇનો ધનંજય બ્રહ્મભટ્ટ હોલીવુડમાં DB નામે પ્રખ્યાત થઇ ગયો.’
Filed under: નવલકથા |
Leave a Reply