
આ વાત ચાલતી હતી ત્યાં યદુરામ ચ્હા લઇ આવ્યો તો કપ લેતા કહ્યું
‘વાહ…વાહ આ સારૂં કર્યું..’
ચ્હા પીને સિગારેટ સળગાવી લાઇટર અને પાકિટ અમુલખને આપતા કહ્યું
‘તો હવે તું આગળ લખીશ ને…?’
‘હા મારા ભાઇ હા લખીશ બસ…’સિગારેટ સળગાવી લાઇટરને પાકિટ ઘનશ્યામને આપતા ઉમેર્યું
‘પણ પ્રોમિસ કર કે, તું આમ ઘોડે ચઢી તકાજા કરવા નહીં આવે..’
‘ભલે વીસેક જેટલા કે તેથી વધુ પાના લખાઇ જાય ત્યારે તું કોલ કરજે હું આવીને લઇ જઇશ બસ રાજી…?
આમ ગોઠવણ થયા મુજબ અમુલખ લખતો રહ્યો અને ઘનશ્યામ એ કોપ્યુટરાઇઝ કરતો રહ્યો.આખર ત્રણ મહિના પછી છેલ્લા પાના લખાયા અને એક નવલકથાનું રૂપ ધારણ કર્યું
પછી ઘનશ્યામે તે ટાઇપ સેટિન્ગ માટે પોતાના પ્રેસમાં આપ્યું
“આપણા શહેરના મુશાયરાઓની જાન ઉદ્ઘોસન અને સંચાલનની શાન એવા જાણિતા અને માનિતા સાક્ષર અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત/કાંતની કસાયેલી કલમે લખાયેલી અને ટૂંક સમયમાં પ્રકાશિત થનાર નવલકથા “જીવન સાથી” વાંચવામાં આપને રસ છે…? મર્યાદિત નકલમાંથી વહેલો એ પહેલો એ રૂએ આપની કોપી મેળવવા સંપર્ક કરો.. કલમના ક્લાકાર બુક ડીપો લેન્ડ લાઇન નંબર
xx xxx xxx xx”
આવી જાહેરાત સ્થાનિક સમાચર પત્રના પહેલા પાને ચમકી અને ચાર દિવસ પછી
‘મરણ પથારીએ પડેલી પત્નિ જશોદાની જીવન માટેનો વલવલાટ જોઇ એને સાંત્વન આપતા તેણે કહ્યું જશોદા…બોલ રાધે શ્યામ…બોલ રાધે શ્યામ….જશોદા સંસારનો મોહ છોડ તારા આત્માની સદ્ગતિ કર…બોલ રાધે શ્યામ….’
આ શબ્દો કોઇ નાટકની પટ કથાના નથી માનિતા સાક્ષર અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત/કાંતની કસાયેલી કલમે લખાયેલી અને ટૂંક સમયમાં પ્રકાશિત થનાર નવલકથા “જીવન સાથી”એ નવલકથા વાંચવામાં આપને રસ છે…? મર્યાદિત નકલમાંથી વહેલો એ પહેલો એ રૂએ આપની કોપી મેળવાવા સંપર્ક કરો.. કલમના ક્લાકાર બુક ડીપો લેન્ડ લાઇન નંબર
xx xxx xxx xx”
આમ જીવન સાથી નવલકથામાંથી અવતરણો ટાંકી ઘનશ્યામે તેનો ધાર્યો હતો એવો ઉત્સુકતાનો માહોલ ઊભો કરી શક્યો અને કલમના કલાકાર બુક ડીપોની લેન્ડ લાઇનની ઘંટી વાગતી રહી અને બુકિન્ગ ચાલુ હતી.
સૌથી પહેલા સિલ્વર સ્ટોન પ્લાઝાના હોલનું એડવાન્સ પેમેન્ટ આપી બુકિન્ગ પતાવ્યું અને પુસ્તકની ૧૦૦૦ નકલ છપાવવાનું નક્કી કરી તેણે પ્રિન્ટીન્ગનું કામ શરૂ કરાવ્યું.આમંત્રણ પત્રિકાઓ છપાઇ.
વિમોચન વિધી માટે વસંત પંચમી નક્કી કરી.આ પુસ્તકની વિમોચન વિધી માટે જાણિતા સાક્ષરશ્રી મનોજ કોઠારીનો સંપર્ક કર્યો અને તેમણે કવિ કમલકાંતની લખેલ આ નવલકથા છે સાંભળી આનંદથી સ્વિકાર કરી લીધો.
આમંત્રણ પત્રિકા
શ્રી શારદાયૈ નમઃ
શ્રીમાન/શ્રીમતિ………………………………….
કલમના કલાકાર બુક ડિપો દ્વારા પ્રકાશિત થનાર “આપણા શહેરના મુશાયરાઓની જાન ઉદ્ઘોષણ અને સંચાલનની શાન એવા જાણિતા અને માનિતા સાક્ષર અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત/કાંતની કસાયેલી કલમે લખાયેલી “જીવન સાથી”વિમોચન વિધી આપણા શહેરના જાણિતા સાક્ષર શ્રી મનોજભાઇ કોઠારીના વરદ હસ્તે થનાર છે આ મંગલમય સમયે આપને હાર્દિક આમંત્રણ આપતા ગર્વ અનુભવે છે તો નીચે જણાવેલ સ્થળે અને સમય આપ ઉપસ્થિત રહેશો એવી અભ્યર્થના
તારીખઃસાંજે૭મી ફેબ્રુઆરી ૨૦૧૧ સોમવાર (વસંત પંચમી)
સ્થળઃસિલ્વર સ્ટોન પ્લાઝાનું સભાગૃહ
સમયઃસાંજે ૦૭–૦૦ કલાકે
કાર્યકમઃ
સાંજે ૦૭–૧૫ કલાકે દીપ પ્રાગટ્ય
સાંજે ૦૭–૨૦ કલાકે સરસ્વતિ વંદના
સાંજે ૦૭–૩૦ કલાકે શ્રી મનોજભાઇ કોઠારીના વરદ હસ્તે “જીવનસાથી “નવલકથાની વિમોચન વિધી
સાંજે ૦૭–૪૦ કલાકે શ્રી અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત/કાંતનું શ્રી મનોજ કોઠારીના વરદ હસ્તે સન્માન
સાંજે ૦૮–૦૦ કલાકે ઉપસંહાર
નોંધઃ કાર્યક્રમના અંતે અલ્પાહાર લેવા ભૂલતા નહીં
નિમંત્રકઃ
કલમના કલાકાર બુક ડિપો
Filed under: નવલકથા |
Leave a Reply