

ઘણી વખત આપણા અંતરંગ મિત્રો કે સગાને મળવાની ઇચ્છા બળવતર બની જાય ત્યારે તેમના જ વિચાર આવતા હોય છે કેમ કશો સંપર્ક થયો નથી…? કેટલા દિવસ થયા…? એવું જ કંઇક અમુલખ વિચારી રહ્યો હતો આ ઘનશ્યામ ને મળ્યે ઘણા દિવસ થયા…અને ફોન પર પણ સરખી વાત નથી થઇ…આમ વિચારી અમુલખે ઘનશ્યામ ને ફોન લગાવ્યો.
‘હલ્લો…. પરમાર આજે સાંજે પાર્ક માં આવી જજે…ઘણા દિવસો થયા મળ્યે…’
‘…………..’
‘વાહ તને પણ મને મળવાના વિચાર આવતા હતા ગુડ ગુડ તો ફોન કેમ ન કર્યો….?’
‘…………’
‘અરે રહેવા દે…રહેવા દે ખોવાઇ હું ગયો કે તું……હું તો સદા ઘેર જ હોઉં છું….ચાલ ફોનપર ઝઘડવાનું બંધ કર…’
‘………….’
‘સારૂં તો આજે સમય કાઢીએ અને સાંજે શાંતિથી છ વાગે પાર્કમાં મળીયે….ઘણી વાતો કરવાની છે…’
આમ સાંજે મળવાનો વાયદો કરી ને અમુલખે ફોન મુક્યો…સાંજે અમુલખ ઘનશ્યામને આપેલ સમય કરતા થોડો વહેલા પાર્કમાં પહોંચી ગયો.. ખબર નહીં કેમ પણ તેનું અંતર વલોવાતું હતું..પાછલા જીવનમાં સાથે ચાલવા… અને ઘડપણમાં સાથ આપવા માટે સાકર જવો સથવારો તો હતો….એટલે ઘડપણ એકલવાયું તો નથી જ વીતાવવાનું…એ વાત ની ધરપત હતી…પણ છતાંય હજુ ક્યાંક કંઇક ખુટતુ હતું એવો અનુભવ સતત તેને થતો હતો.. શાંતિમય ઘરનું વાતાવરણ હતું…સંપતિ પણ સારી એવી હતી…પણ પછી…? આ બધુ જ સરવાળે નકામું હતું..એવો અનુભવ સતત થયા કરતો હતો!
આવા અમુલખ ના વિચારોમાં ભંગ પડ્યો….પાછળના બાંકડા પર એક યુગલ બેઠું હતું…ન ઇચ્છવા છતાં પણ અમુલખથી પાછળ જોવાઇ ગયું… બંને સોહામણા હતા..યુવતીના દેખાવ પરથી લાગતું હતું કે, બંને નવા જ પરણેલા હતા એટલે જ એકબીજાનો હાથ પકડીને બેઠા હતા..અમુલખ ને એની પત્ની જશોદા યાદ આવી જતા તેની આંખો ભીની થઇ ગઇ…
-૦-
આ મહેશ અને માલતી નું યુગલ હતું…
બંને નાનપણથી એક જ અનાથાશ્રમમાં રહી ને ઉછર્યા હતા.સાથે જ જમતા..રમતા.. લડતા..ઝગડતા..પણ તોંય સાથે ને સાથે જ રહેતા હતા.. એક બીજાના સાનિધ્યમાં સાથે જ મોટા થયા અને યૌવનમાં પદાર્પણ પછી પ્રેમ પણ થયો…બંને સંસ્કારી હતા…માલતી સમજદાર હતી અને મહેશ પણ મહેનતુ હતો..બંનેની એકબીજા પ્રત્યેની લાગણી જોઇ આશ્રમના ટ્રસ્ટીઓએ અને સ્ટાફે મળી ને ઉભયના ખુશી ખુશી લગ્ન કરાવી આપ્યા હતા.હવે બાકીની જિન્દગી સાથે જ વીતાવવાની છે અને ક્યારેય અલગ નહીં થવું પડે એ હૈયા ધરપતથી બંને જણ ઘણા જ ખુશ હતા..એમનુ લગ્ન જીવન ખુબ જ સુંદર રીતે આગળ વધી રહ્યુ હતું…પણ માલતી ક્યારેક અચાનક સાવ શાંત અને ઉદાસ થઇ જતી… એ મહેશને સમજાતું ન હતું
માલતી ને આમ અચાનક શું થઇ જાય છે….? એમ દર વખતે માલતી ને પુછવા ઇચ્છા થતી પણ માલતીનું ચહેરાના હાવ ભાવ જોઇને માલતી મન દુભાય એવી કોઇ વાત કરવાની તેને ઇચ્છા ન થતી …પણ માલતી નું મૌન તેને ખુંચ્યા કરતું હતું…એની ઉદાસી મહેશને અકળાવતી હતી….તે મનોમન ભગવાન ને પ્રાર્થના કરતો કે માલતીને જે પણ મુંઝવણ હોય એ જલ્દી થી દુર થઇ જાય.
માલતી ને મહેશનો સાથે હોવા છતાં પણ એક અજાણી એકલતા એને સતત સતાવતી હતી….એ પડોશમાં રહેતા લોકોનો ભર્યો ભાદર્યો પરિવાર જોતી ત્યારે એને થોડી ઇર્ષ્યા પણ થતી… પણ એ કંઇ કરી શકે એમ ન હતી…પડોશના સાસુ-વહુ ની કચ કચ જોતી તો પણ એને પેલી વહુ કેટલી નસીબદાર છે અને પોતે કેટલી કમનસીબ એવા વિચાર એને આવતા અને એનું મન ઉદાસ થઇ જતું…એ માનતી હતી કે ઘર ના વડીલ પરિવારને બાંધી ને રાખે છે…વડીલો એમની વીતેલી જિન્દગીના અનુભવોનું ભાથુ પીરસે છે અને એમના પ્રેમના છાંયડા નીચે જીવતો પરિવાર ખુશનશીબ હોય છે ત્યારે જીવન એકદમ જીવવા જેવુ લાગે છે..
Filed under: નવલકથા |
Leave a Reply