(ગતાંકથી આગળ)
‘બસ…બસ તારે આગળ કંઇ કહેવાની જરૂર નથી, બસ આજથી આ જ તારૂં ઘર. તું અહીં જ રહેવાની છે આ ઘરમાં…’કહી અમુલખ પોતાના રૂમમાં જતો રહ્યો.
સાકરને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો.એ જાણતી હતી કે અમુલખ એને ઇજ્જત આપતો હતો.અમુલખે કોઇ દિવસ એના કામ સામે ફરિયાદ નહોતી કરી કારણકે, સાકરના કામમાં કશું કહેવાપણું ન હતું.સાકરને તેના દીકરાએ આપેલ આઘાતમાંથી બહાર આવતા વાર લાગી પણ જે હતી એ હકિકત સામે હતી.પહેલાં એ સવારે આવતી અને સાંજે ચાલી જતી પણ હવે એણે ૨૪ કલાક આ ઘરમાં રહેવાનું હતું એ દ્ર્ષ્ટીએ જોતા એને આ ઘર પોતાનું લાગવા લાગ્યું.
સાકર એ જાણતી હતી કે અમુલખને એના પ્રત્યે કુંણી લાગણી છે.સાકર ઘરમાં આવે ત્યારથી અમુલખની બધી જવાબદારી એને માથે હોય.અમુલખને અવ્યવસ્થા જરા પણ પસંદ ન હતી,એટલે ખાવા પીવાનું કપડા લતા બધી વાતનું એ સારી રીતે ધ્યાન રાખતી હતી.અમુલખ નિશ્ચિત થઇ પોતાની પ્રવૃતિમાં મશગુલ રહેતો એ વાતથી માહિતગાર સાકરને પોતાના કામનો સંતોષ હતો અને તે હવે એને ફાવી ગયું હતું.
અહીં આવ્યાના બીજા દિવસે નિત્યક્રમથી પરવારી સાકરે એજ કપડા પહેર્યા હતા, તે અમુલખના ધ્યાનમાં આવ્યું કે સાકર પહેરેલે કપડે જ આ ઘરમાં આવી હતી એટલે એને પૈસા આપતા કહ્યું
‘આ લે બઝારમાંથી તારા માટે ચાર જોડી કપડા લઇ આવ…’
‘ના…ના..એની જરૂર નથી હું વૃધ્ધાશ્રમમાંથી મારા કપડા લઇ આવીશ…’
‘કંઇ જરૂર નથી, અતિતને ભંડારી નવી જીંદગી શરૂ કરવા નવા કપડા લઇ આવ…’અમુલખે કહ્યું તો એ શબ્દો સાકરના હ્રદયને સ્પર્શી ગયા.
સાકરે પોતાના માટે ચાર સુતરાઉ સાદી સાડી,ચાર ચણિયા અને ચાર બ્લાઉઝ પીસ જો પોતાને પૈસા ખર્ચવાના હોય તો એનું બજેટ શું હોય એ લક્ષમાં રાખી લઇ આવી. ઘેર આવતા રસ્તામાં એની સખી જે સિલાઇ કરતી હતી એને ચાર બ્લાઉઝ પીસ આપતા કહ્યું
‘આમાંથી ગમે તે એક સાંજ સુધી સીવી આપ..’
‘કેમ ક્યાં લગનમાં જવું છે કે શું…?’
‘એમજ સમજ ચાલ સાંજે લેવા આવું છું…કહી સાકર ઘેર આવી.યદુરામને એ પોતાની ખરિદી બતાવતી હતી ત્યારે યદુરામને ચ્હા બનાવવાનું કહેવા અમુલખ આવ્યો તેને સાકરે
‘આ તમે આપેલા પૈસામાંથી બચેલા…’કહી પૈસા પાછા આપ્યા તો ઘડી ભર અમુલખ જોઇ રહ્યો પછી સાકરે ખરીદેલી સાડી જોતા કહ્યું
‘આ તો સાદી સાડીઓ છે ભારે માયલી ન લીધી..?’
‘મેં કોઇ દિવસ પહેરી નથી અને ફાવે નહીં…’નિર્લેપ સાકરે કહ્યું
કોઇ કવિતામાં ક્યારેક અમુલખ ખોવાઇ જતો તો સાકરને ચ્હા બનાવવા કહેતો તો સાકર હસતી અને કહેતી
‘ચ્હા પી ને પછી રાતે વૈયા ઉડાડયા કરજો…એના કરતા ઉકાળો બનવી લાવું છું એ પીજો તો સારી સ્ફૂર્તિ અને પછી મીઠી ઊંઘ પણ આવશે…’
સાંજે સાત વાગે બગિચામાં લટાર મારી આઠ વાગે અમુલખના આવી ગયા પછી સૌ સાથે જમવા બેસતા. અમુલખ ડાઇનિન્ગ ટેબલ પર જમતો પણ સાકર ક્યારે ત્યાં બેસતી નહી એ તો હંમેશા રસોડામાં યદુરામ સાથે જ જમવા બેસતી જો અમુલખ સાથે બેસે તો મલકણ અને નોકર જેવો ભેદ પડી જાય અને યદુરામનું દિલ દુભાય એવું તે નહોતી ઇચ્છતી.આમ તો રસોઇ યદુરામ બનાવતો પણ ક્યારે દાળ શાકનો વઘાર સાકર કરતી એ સ્વાદનો ભેદ અમુલખ પામી જતો અને ખુશ થતો પણ ક્યારેક આવું થાય એ જ સારૂં.
સાકર આવી ગયા પછી મહિનાની પહેલી તારીખે અમુલખે યદુરામને ઘર ખર્ચ માટે પૈસા આપતો હતો તો યદુરામે કહ્યું
‘સાયેબ પૈસા મોટીબેનને આપો..’(ક્રમશ)
Filed under: નવલકથા |
Leave a Reply