બેડરૂમની બારી બહાર લટકાવેલી છાબડીમાં ચોખાના દાણા અને કુંડીમાં પાણી મુકી રાખેલ.વહેલી સવારથી ચકલીઓનું ઝુંડ ચણવા આવતું અને તેનો કલરવ ખુલ્લી બારીમાંથી સંભળાતો એ સાંભળતા જ અમુલખ મણિયારની સવાર પડતી.સવારના નિત્યક્રમથી પરવારીને તે યોગાસનમાં બેસતો ઘણી વખત ક્ષણેક તેને ધ્યાન સમાધી લાગી જતી એટલે તેણે તેના જુના વફાદાર નોકર યદુરામને તાકીદ કરી રાખેલી કે, જ્યાં સુધી એ સિટીન્ગ રૂમમાં સ્વયં બહાર ન આવે ત્યાં સુધી તેને ડિસ્ટર્બ કરવા અંદર ન આવવું.
બારીની બાજુમાં આવેલ પિપળાના ઝાડ પર ગણી વખત એક કાબર આવીને બેસતી. ત્યારે અમુલખ બધુ ભુલી બારી પાસે ઊભો રહી એ કાબર બોલે તેની રહ જોતો.એ કાબર જુદા જુદા અવાઝમાં ટહુકા કરતી અને માથું હલાવતી એ જોવામાં અમુલખ નાના બાળકની જેમ મશગુલ થઇ જતો.અમુલખે એ કાબરના ટહુંકા રેકોર્ડ કરવાનો ઘણી વખત પ્રયાસ કરેલ પણ ત્યારે કાં કાબર બોલતી નહીં કે ત્યાથી ઉડીને જતી રહેતી તેથી એ પ્રયાસ તેણે છોડી દીધો.
સિટીન્ગ રૂમમાં બેસી એ છાપા પર ઉપરછલ્લી નજર ફેરવી યદુરામે આપેલી ચ્હા પીને મોર્નિન્ગ વોક માટે નિકળી જતો.ઘણી વખત જુના મિત્રો મળી જતા તેના સાથે વાતો કરતા એ વોક કરતો નહીંતર પાર્કમાં લોન પર ખુલ્લા પગે વોક કરતો. ઝાકળ છાયેલા ઘાસ પર વોક કરવું રોમાંચક લાગતું.પાર્કમાં એક ચંપાના ઝાડ હેઠળ મુંકેલો બાંકડો અમુલખનું માનિતું સ્થળ હતું. ત્યાં બેસીને તેણે આજ દિવસ સુધી કવિ કમલકાંત અથવા તો કાન્તના નામે ગણી કાવ્ય રચનાઓ કરી હતી જે મુશાયરામાં વંચાઇ હતી. એ જ્યારે પોતાની રચનાનું પઠન કરતો ત્યારે પીન્ડ્રોપ સાયલન્સથી લોકો સાંભળતા એક રીતે કહો કે એ વાતાવરણમાં છવાઇ જતો.
એક વખતએ જુની સાંકડી ચાલીના રૂમમાં રહેતો હતો એની પત્નિ અનુરાધાના મૃત્યુ પછી એના મિત્ર ઘનશ્યામ પરમારે તેની એકલતા દૂર કરવા સ્થાનિક ન્યુઝ પેપરમાં કોલમ લખવાની પ્રેરણા આપી.
ન્યુઝ પેપરની કેન્ટીનમાં એક વખત શે’ર બઝારની ચર્ચા થતી તેમાં કોઇએ કહ્યું કે,હમણાં ભાવ નીચે છે જો અત્યારે શે’ર અંકે કરી લેવાય તો આગળ જતા ચાંદી થઇ જાય અને અમુલખના મનમાં શું તુરંગ આવ્યો અને તેણે પેલાએ જે કંપનીના શે’ર ખરિદવાની વાત કરી હતી તે તેણે જોખમ ખેડીને અંકે કરી લીધા.
ખરેખર ભાવ ઉચકાયા ત્યારે પોતે રોકેલ મુડી જેટલા શેર વેંચીને પોતાની મૂડી બચાવી લીધી.આગળ જતા કિસ્મતના પાસા પલટાયા અને શે’ર બઝારમાં શે’ર લે વેંચ કરતા ધુમ કમાયો ત્યારે તેણે એ ચાલી વળી ખોલી ખાલી કરી શહેરથી દૂર એકાંત જગામાં આવેલ એક વખત ભૂતિયા તરિકે ઓળખાતા આ બંગલો તેણે ખરિદી લીધો આગળ જતા ખબર પડીકે એક વખત એ ડ્રગની હેરાફેરી માટે વપરાતી જગા હતી અને કોઇ આ બાજુ ફરકે નહી એ પેલા ડ્રગ માફિયાના ભુતાવળના કારસ્તાન હતા.ઘર ફૂટે ઘર જાય આપસમાં ફાટફૂટ થતા ત્યાં પોલીસની રેડ પડી અને બંગલો ખાલી થઇ ગયો પણ ભૂતાવળવાળી છાપના લીધે કોઇ ખરીદતું નહોતુ એ અમુલખને મળી ગયું.
સ્થાનિક છાપાની ઓફિસમાં ઘેર જતા અમુલખ એક ઇરાની હોટલમાં ચ્હા પીવા જતો.એક દિવસ હોટલના માલિકે તેને ત્યાં બાવરચી સાથે કામ કરતા યદુરામના હાથે દાલ ફ્રાય માટે વઘાર કરતા તેલ વધુ પડતું ગરમ થઇ ગયું અને તેમાં વઘાર માટે પડેલા લાલ મરચાની ધાંસ આખી હોટલમાં ફેલાઇ તેથી ખાંસતા આઠ ગ્રાહકનું ગ્રુપ ભાગી ગયું તે જોઇ માલિકની કમાન છટકી અને યદુરામને તતડાવતા કહ્યું
‘બસ આવા જ કામ કરજે એટલે હોટલનો વિટો વળી જાય..’
‘ના..ના શેઠ મેં જાણી જોઇને તો નહોતું કર્યું….હું તો એકઝોસ ફેન ચાલુ કરવા ગયો ને…’
‘તે વઘાર પહેલા એકઝોસ ફેન ચાલુ ન કરાય…?મને ઊઠા ભણાવે છે…? તારાથી તો વાજ આવી ગયો છું’
‘શેઠ હવે ફરી એવી ભુલ નહી થાય…’કરગરતા યદુરામે કહ્યું
‘ના ભુલ તો મારાથી થઇ ગઇ કે તને નોકરીમાં રાખ્યો….જા કામ કર’
માલિક ભાંડતો હતો ત્યારે એ ઓછાપાયેલા યદુરામનો ચહેરો જોઇ અમુલખ બહાર આવી ને હોટલની સામે ઊભો રહ્યો.પાણી ઢોળવા બહાર આવેલા યદુરામને ટીચલી આંગળી ઊચી કરી ને એ બહાને બહાર આવવા ઇશારો કર્યો.યદુરામ અમુલખને મળ્યો ત્યારે અમુલખે પુછ્યું
‘આ હોટલવાળો આટલો ભાંડે છે તે બીજે ક્યાં નોકરી કેમ નથી કરતો..?’
‘સાયેબ મારા ઘરમાં આગ લાગેલી તેમાં મારૂં ઘર ખંડેર થઇ ગયું ને મારી ઘરવાળી બળીને મરી ગઇ, હવે મને રહેવાની જગા નથી આ હોટલના માળિયા પર રહું છું અને હોટલનો માલિક ખાવાનું આપે છે એટલે….’
‘મારે ત્યાં કામ કરીશ…? ૨૪ કલાક મારી સાથે જ રહેવાનું અને તારા અને મારા માટે ખાવાનું બનાવવાનું ફાવશે…?’
‘તમે મને તમારે ઘેર લઇ જતા હો તો તમે મારા માટે ભગવાન….’ગળગળા થઇ યદુરામે કહ્યું અને એ પાછો વળ્યો તો અમુલખે કહ્યું
‘કેમ નથી આવવું…? હમણાં તો તું કહેતો હતો…’
‘સાયેબ મારા કપડા લઇ આવું….’દયામણા સ્વરે યદુરામે કહ્યું
‘જુના કામ સાથે જુના કપડા જવાદે હું તને નવા અપાવીશ ચાલ..’
બસ ત્યારથી યદુરામ અમુલખને ત્યાં મોજથી રહેતો હતો.ઘરની સાફ સુફી માટે લગભગ ચાર પાંચ બાઇઓ આવી કોઇ હાજરીમાં ખાડા કરતી હતી તો કોઇ ઘરમાંથી સામાન કે રાશન ચોર નીકળી આખર સાકર આવી અને એ ટકી ગઇ.આખા ઘરને પોતિકા ઘર જેમ સાફ અને સ્વચ્છ રાખતી.અમુલખને અવ્યવસ્થા ગમતી નહીં.ઘરમાં રાખેલી દરેક વસ્તુ મુકરર કરેલ સ્થાનથી જ મળવી જોઇએ એ સાકર સુપેરે જાણતી હતી એટલે અમુલખનો રૂમમાં ખાસતો પલંગ પર બેછાવેલી ચાદર એ સરખી કરતી અથવા બદલતી રહેતી.
વહેલી સવારે આવી એ ઘરમાં સાફ સફાઇ કરી પછી આંગણું વાળતી.યદુરામે આપેલી ચ્હા પીને યદુરામને શાક સમારવામાં કે ચટણી વાટી આપવા જેવા કામમાં મદદ કરતી.ઘણી વખત યદુરામ બજારમાંથી કશું લાવવા મોકલતો એ પણ રાજી ખુશીથી લાવી આપતી.
એક દિવસ દરરોજની જેમ ચકલીઓના કલરવથી અમુલખની સવાર પડી નિત્યક્રમ પતાવી તે યોગાસનમાં બેઠો અને ક્યારેક લાગતી ધ્યાન સમાધી લાગી ગઇ અને એ ભંગ થતા તે સિટીન્ગ રૂમમાં આવ્યો.સોફાની બાજુમાં મુકેલ સાઇડ ટેબલ પરથી છાપું ઉપાડ્યું અને પાન ફેરવતા સમાચારની હેડ લાઇન્સ નજર ફેરવી છાપું કોરાણે મુકી દીધું.યદુરામે મુકેલ ચ્હા પીને પગમાં ચપ્પલ ઘાલી મોર્નિન્ગ વોક માટે નિકળી ગયો.
આજે સારી ધ્યાન સમાધી લાગી એટલે ખુશખુશાલ સવાર પડી એવું તેને લાગતું હતું પણ એ ખુશી ત્યારે હવા થઇ ગઇ જ્યારે સામેથી આવતા સાન્તનુંને જોયો ‘હે ભગવાન આ લપ ક્યાં સામે આવી.’સ્વગત બોલ્યો ત્યાં સુધી તો એ બરોબર સામે આવી ગયો
‘હાય..!! કાન્ત ગુડ મોર્નિન્ગ…’
‘મોર્નિન્ગ કવિ શુન્ય કેમ છો…?’
‘મજામાં એટલે એકદમ મજામાં આ શુક્રવારે ટાઉન હોલમાં મુશાયરો છે ત્યારે બે જોરદાર, ધારદાર, મજેદાર…..’આગળ શું બોલવું તેમાં એ અટવાયો તો અમુલખે પ્રોત્સાહિત કરવા ઉમેર્યું
‘દમદાર…વગેરે વગેરે નહીં…?’
‘હા એ વગેરે વગેરે સાથે બંદા રજુ થશે….પણ સોરી હમણાં મારી સજની મને આ બાગમાં મળવાની છે તેની ઉતાવળમાં છું….બાય’કહીને એ ગયો
‘ચાલો બલા ટળી…,નહીતર એ પોતાના જોડકણાં સંભળાવવા પાછળ અર્ધો ક્લાક ખાઇ જાત’ ભગવાનનો પાડ માની અમુલખ પોતાના પંથે પડ્યો.
પેલા ચંપાના ઝાડ હેઠળના બાંકડા પાસે આવીને બેઠો અને સામેથી ક્યાંક સંતાઇને બેઠેલી કોયલનો ટહુંકો સંભળાયો અને તે બાંકડા પર બેસી પોતામાં ખોવાઇ ગયો અને અચાનક સ્ફુરણા થતા બે પંકતિએ ગણગણ્યો અને એ ગણગણતા જ એ ઘેર આવ્યો.જેવો એ પોતાના રૂમમાં દાખલ થયો તો સદા સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાતો પોતાના પોતાનો રૂમ સવારના તે ગયો તેવો જ અસ્ત વ્યસ્ત હતો પલંગ પરની ચાદર ચોળાયલી જ હતી અને ગઇકાલે તેણે જમીન પર ફેંકેલા કાગળના ડૂચા ત્યાં જ પડ્યા હતા ક્યારે નહીં ને આજે આમ કેમ એટલે તેણે બૂમ પાડી
‘યદુરામ….’
‘જી આવ્યો સાહેબ…’
ક્યારે આટલા ઊંચા અવાઝે કદી અમુલખે સાદ નહોતો પાડ્યો એટલે રઘવાયો યદુરામ લગભગ દોડતો અમુલખના રૂમમાં આવ્યો
‘શું છે આ બધુ…? પોતાના પલંગની ચાદર પકડી ને દેખાડતા અને જમીન પર વેરાયલ કાગળ ના ડૂચા ડેખાડી પુ્છતા ઉમેર્યું ‘સાકર ક્યાં છે? બોલાવ એને…’
‘સાહેબ સાકરબેન આજે નથી આવ્યા’દયામણા ચહેરે રૂમમાં નજર ફેરવતા યદુરામએ કહ્યું
‘સારૂં, તું ચ્હા બનાવ હું તપાસ કરૂં છું શું વાત?’ છેલ્લા દશ વરસથી નિયમિત કામ કરનાર ઘરના સભ્ય જેવી સાકર ન આવતા અમુલખને ચિંતા થવા લાગી.
યદુરામે આપેલી ચ્હા પીને અમુલખ સાકરના ઘેર આવ્યો. ઘર બંધ હતું અને બારણે તાળું મારેલું હતું.પડોશમાં રહેતા ગંગાબાને અમુલખે પુછ્યું
‘માજી આ સાકર ક્યાં ગઇ છે તમને ખબર છે…?’
‘તું કોણ છો દીકરા અને સાકરનું પુછાણું કેમ કરે છે..?’
‘માજી મારૂં નામ અમુલખ છે આ સાકર મારા ઘેર કામ કરવા આવે છે તે આજે આવી નથી તેથી પુછું છું ક્યાં છે સાકર….?’
‘આ સાકર અભાગણી જ પેદા થઇ છે એનો નપાણિયો અને નફ્ફટ ઘરવાળો કશું કામકાજ તો કરતો ન હતો, બિચારી સાકર ગામના કામ કરીને ઘર ચલાવતી હતી એ ઓટીવાળ એક દિવસ સાકર અને એના દીકરાને સુતા મેલી કયાંક જતો રહ્યો છે.ક્યાંથી વાવડ પણ નથી કે મુવો જીવતો છે કે, મરી ખુટયો એ વાતને વરસોના વહાણા વાઇ ગયા અને અઠવાડિયા પહેલા મુંબી રહેતા દીકરો આવ્યો હતો.જેને પેટે પાટા બાંધીને ભણાવીને પગભર કર્યો એ, દીકરાએ ભોળી ભટાક સાકરને રામ જાણે શું અષ્ટમ પષ્ટમ સમજાવી સાકરને સાથે લઇ ગયો અને કાલે કોઇ વૃધ્ધાશ્રમમાં મુકી આવ્યો છે.આ ઘરની ઘરવખરી વેંચી મારી અને મકાન પણ વેંચી માર્યુ ને એના પૈસા લઇ પોતે ભાગી ગયો. માવતર ઘઇડા થાય ત્યારે કોઇ એની હંભાળ લે, માટે દીકરા માંગતા હોય છે પણ સાકરના પેટે દીકરો નહી પથરો પાક્યો, હાય રે નશીબ’કહી ગંગાબાએ કપાળે હાથ મારી નિશાસો નાખ્યો
‘ભલે માજી હું વૃધ્ધાશ્રમ તપાસ કરવા જાઉં જયશ્રી કૃષ્ણ…’
‘જયશ્રી કૃષ્ણ…’કહી ગંગાબાએ હાથ જોડ્યા
અમુલખે ગાડી વૃધ્ધાશ્રમ તરફ વાળી વૃધ્ધાશ્રમની ઓફિસમાં આવીને તેણે ત્યાં બેઠેલી એક આધેડ બાઇને કહ્યું
‘મારે સાકરબેનને મળવું છે….’
‘તમે તેમના શું સગા થાવ…?’
‘જી એ મારે ત્યાં છેલ્લા દશ વરસથી કામ કરે છે, આજે ન આવી તેથી હું તમના ઘેર ગયેલો સાકરબેનના પડોશી ગંગાબાએ કહ્યું કે, એમને એમનો દીકરો અહીં મુકી ગયો છે’
‘સાચી વાત છે, પણ આજ સવારથી અમે પણ ચિંતામાં છીએ, સાકરબેન કોઇને કશું કહ્યા કારવ્યા વગર ક્યાંક જતા રહ્યા છે.અમે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે’
‘સારૂ…આભાર..’કહી અમુલખ વૃધ્ધાશ્રમમાંથી બહાર આવ્યો.હવે સાકરને કયાં શોધવી એ વિચાર કરતા તે ગાડીમાં બેસવા જતો હતો ત્યાં પાછળથી બૂમ સંભળાઇ
‘મણિયાર….’
અમુલખે પાછા વળીને જોયું તો એનો ખાસ મિત્ર ઘનશ્યામ પરમાર સામેથી આવતો હતો
‘એલા મણિયાર તું શું કરતો હતો આ અનાથાશ્રમમાં…?’
‘અરે યાર, મારી હાઉસમેઇડ સાકરને એના દીકરાએ અહીં દાખલ કરી છે એને મળવા આવ્યો હતો, પણ એ ક્યાંક જતી રહી છે…’(ક્રમશ)
Filed under: નવલકથા |
Leave a Reply