(ગતાંકથી આગળ)
‘કાકી પપ્પાને શું ભાવે અને શું નહીં એ તમે તો જાણતા હશો એ જાણવા જ આવી છું’
ભાગેરથી તો સવાલથી માનસી પર ઓવારી ગઇ અને એણે માનસીને બધી વિગત આપી. બધા સાથે બેસી પ્રેમથી જમ્યા અને પછી ખાલી વાસણ લઇ માનસી ઉટકવા લાગી તો ભાગેરથીએ કહ્યું
‘તું રહેવાદે દીકરી હું કરી લઇશ’
‘ના કાકી તમે બહાર બેસો હું કરી લઇશ’માનસીએ કહ્યું
આ રકઝક સાંભળી ભવાનજી રસોડામાં આવ્યો અને કહ્યું
‘તમે નકકી કરી લ્યો કોણ વાસણ ઉટકશે ત્યાં સુધી હું જેટલું પતે એ પતાવી દઉ’
‘તમને રસોડામાં કોણે બોલાવ્યા હતા કાકા…?ચાલો કાકીને લઇને બહાર બેસો’
આખરે ભવાનજી અને ભાગેરથી રસોડા બહાર ગયા પણ લીલાધર તો માનસી ઉપર ઓવારી ગયો કે ભવાનજીએ પોતા માટે દીકરીથી વિશેષ દીકરા વહુ ગોતી આપી,આગળ જતા મનસુખે સ્ટોર અને માનસીએ ઘર સંભાળી લીધું.હવે લીલાધર લહેરથી સ્ટોર પર જતો અને મનસુખે સ્ટોર સંભાળ્યો તેના પહેલા દિવસે એને કેશ કાઉન્ટર જ બેસવા કહ્યું હતું તેમ એ ત્યાં બેસતો અને ઘેરથી સાથે લાવેલ છાપું વાંચતો.
ત્રણ જણાનો સુખી સંસાર ચાલતો હતો,આમ જ ત્રણ વરસના વહાણા વાઇ ગયા અને એક દિવસ સવારની ચ્હા પીને આરામ ખુરશીમાં લીલાધરના હાથમાંથી છાપું પડી ગયું ને લીલાધરનું માથું ખુરશીની પીઠ પર રહી ગયું અને મોઢું અને આંખો ખુલ્લી રહી ગઇ. વાયરાથી નીચે પડી ગયેલ છાપાના પાના ફફડાટ સાથે રસોડામાં ગયા તો માનસી પાના ભેગા કરી લીલાધરને આપવા આવી અને ખુરશી પર લીલાધરની હાલત જોઇ ચીસ પાડી ‘પ….પ્પા’ માનસીની ચીસ સાંભળી સફાળો મનસુખ પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને લીલાધરની હાલત જોઇ કાળજુ કઠણ કરી માનસીને સાંત્વન આપતા પાણી પાયું અને ભવાનજીને ફોન કરતા એટલું બોલી શક્યો
‘કા..કા પ…પ્પા….’
સાંભળી ભવાનજીને ફાળ પડી અને રસોડામાં વ્યસ્ત ભાગેરથીનું બાવડું પકડી કહ્યું
‘ભાગી લીલાને કશુંક થઇ ગયું છે ચાલ’
બંને ઘર વાંસી રસ્તામાંથી રિક્ષા પકડી રવાના થયા.ભવાનજીએ ગુણવંતને સત્વરે લીલાધરના ઘેર આવી જવા કહ્યું.ભવાનજીની તાકિદથી ગુણવંત અને શશીકલા પણ રવાના થયા.ભવાનજી અને ભાગીરથી આવી ગયા અને દ્રશ્ય જોઇ પરિસ્થિતી સમજી ગયો મનસુખે માંડ ખાડી રાખેલ ડૂમો ભવાનજીને બાથ ભીડતા મોટા સાદે રડી પડયો.ભાગેરથીએ માનસીને સંભાળી લીધી ત્યાં સુધી ગુણવંત અને શશીકલા આવી ગયા શશીકલાએ મગરના આંસુ સારતા માનસીને સાંત્વન આપવા લાગી.
‘મનસુખ આમ ભાંગી પડે કેમ ચાલશે દીકરા લીલાધર સાથે આપણી લેણાદેણી પુરી થઇ ગઇ’કહી મનસુખની પીઠ પસવારીને સાંત્વન આપવાનો ગુણવંતે પ્રયાસ કર્યો.
ભવાનજીએ ફોન કરી સ્ટોરના માણસ શંભુને બધી વાત કરી માણસ ભેગા કરવા કહ્યું.વાયુવેગે ગામમાં લીલાધર ગુજરી ગયાના સમાચાર પસરી ગયા અને પાંચમાં પુછાતા લીલાધરને સ્મશાન યાત્રા માટે માણસો ભેગા થવા લાગ્યા,ગુણવંત અને ભવાનજીએ લીલાધરને સ્નાન કરાવી કોરા કપડા પહેરાવ્યા અને તૈયાર થયેલી નનામી પર સુવડાવી રવાના થયા.એક ખુણામાં બે ગોઠણ વચ્ચે માથું રાખી રડતા મનસુખને ભવાનજીએ ઊભો કર્યો અને સ્મશાનમાં લઇ આવ્યો અને મનસુખના હાથે લીલાધરની ચિતાને અગ્નિદાહ અપાવ્યો.સ્મશાનેથી આવીને બધાએ મરણોતર સ્નાન કર્યું.ભાગરથીએ માનસીને સ્નાન કરાવ્યું પછી બધાને તૈયાર રાખેલી ચ્હા પાઇ.(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply