શિવાંગી મંજરીને મળવા ગઇ ત્યારે મંજરી ગુંચવાયલા કેશમાં કાંસકો ફેરવતી હતી અને કાંસકાને લાગતા ઝટકાથી એના હાથમાં પહેરેલી લાલ બંગડીઓમાંથી છન છન અવાઝ આવતો હતો.શિવાંગીને મંજરીના હાથમાં બંગડીઓ જોઇને નવાઇ લાગી એટલે પુછ્યું
‘અલી મંજરી આ બંગડીઓ…?’
‘સરસ છે નહીં’કહી હાથ હલાવતા મંજરી મલકી
‘તું તો કહેતી હતી બંગડીઓ તો મણીબાઇ પહેરે તને મણીબાઇ થવાનો ઉજમ ક્યાંથી ઉપડ્યો..? આ ઓલા દેવજીબાપાની હાથલારી પરથી લીધી..?’
‘ના દેવજીબાપાએ આપી છે એટલે અમુલ્ય છે’કહી મંજરી મલકી
‘અમુલ્ય મતલબ પૈસા નથી આપ્યા એટલે અમુલ્ય..?’શિવાંગીએ મંજરીની બાજુમાં બેસી પોતાના ખભાથી મંજરીના ખભાને ધક્કો મારતા કહ્યું સાંભળી મંજરીએ મલકીને કહ્યું
‘ના…’
‘તો…?’
‘ચાર દિવસ પહેલા લાયબ્રેરીમાંથી હું પાછી આવતી હતી ત્યારે દેવજીબાપાની લારીથી જરા દૂર એક લોફર ઊભો હતો તેણે મને સીટી મારી…’
‘વાવ…તું છો જ સીટી મારવા જેવી’કહી શિવાંગીએ મંજરીની પીઠમાં ધબ્બો માર્યો તો એનો હાથ અડગો કરતા ખીજાઇને મંજરીએ કહ્યું
‘પૂરી વાત સાંભળ્યા વગર વચ્ચે ડબ ડબ કરવી જરુરી છે..?’
‘હવે નહીં બોલું બસ..?’શિવાંગીએ હોઠ આંગળી મૂકી કહ્યું
‘તેણે મને સીટી મારી મેં ગણકાર્યું નહીં તો એ બોલ્યો પલટ અને મેં તેની પાસે જઇ એક લાફો મારી દીધો’
‘વાહ ઝાંસીકી રાની શિવાંગીને કહેવાનું મન થયું પણ ન બોલી પણ એની આંખો પૂછી રહી હતી પછી?’
‘એ માવાલીએ મારું કાંડુ પકડી લીધું અને મારી સાડી ખેંચવા લાગ્યો હું સાડી બચાવવાની કોશિશ કરતી હતી ત્યાં લોકો ભેગા થઇ ગયા’કહેતા મંજરીની આંખ ભીની થઇ ગઇ
‘હાય રામ પછી..?’રઘવાટથી શિવાંગીએ પુછ્યું
‘ત્યાં તો આ બંગડીઓ લઇ દેવજીબાપા ત્યાં આવ્યા અને ભેગા થયેલા લોક વચ્ચે ઊભા રહી કહ્યું માળા હાળા બેશરમાઓ તમારી નજર સામે ઓલો એકલો બેન દીકરીની લાજ લૂટવા તૈયાર થયો છે અને તમે જોયા કરો છો..?હાળા બાયલાઓ લ્યો આ બંગડીઓ પેરી લો’કહી આંખ લુછતા મંજરી મલકી
‘વાહ દેવજીબાપા પછી..?’
‘દેવજીબાપાના શબ્દોથી ટોળા પર વિજળીનો ઝાટકો લાગ્યો હોય તેવી અસર થઇ અને પાંચ છ આગળ આવ્યા અને ઓલાને કોલરથી પકડી મારાથી અલગ કરીને ઢીબી નાખ્યો અને કોલરથી પકડી ઘસડીને પોલીસને સોંપવા લઇ ગયા’
‘એમજ થવું જોઇએ’કહી શિવાંગી મલકી
‘દેવજીબાપાએ આ બંગડીઓ મને આપતા મારા માથા પર હાથ રાખી કહ્યું લે આ પહેરી લે દીકરી અને મેં બંગડીઓ પહેરી લીધી પછી એમના ચરણ સ્પર્શ કરવા નમી તો દેવજીબાપા બે ડગલા પાછળ હટી કહ્યું હ…,હં દીકરી માવતરને પગે લાગે તો માવતરોને પાપ લાગે કહી એ લારી તરફ ગયા અને હું ભીની આંખે એમને જોતી ઘેર પાછી આવી
૧૭.૧૧.૨૦૧૯
Filed under: Stories |
Dhanya SHRI Devji bapa. at present need THOUSANDS of DEVJI BAPA -BANGDI VALA. IN ALL STATE OF INDIA.
Yes