(ગતાંકથી આગળ)
‘ભમુની ભલામણથી મને શારજાહમાં નોકરી મળી ગઇ શો રુમની બાજુમાં જ એક ગુજરાતી રેસ્ટોરન્ટ હતી અને રહેવાની સગવડ પણ સારી હતી અને કામ મને ફાવી ગયું બે વરસ પછી અનસુયા સાથે મારા લગ્ન થયા અને હું પાછો શારજાહ જતો રહ્યો.બે વરસ નોકરી પછી મેં મારા મેનેજરને ફેમિલી વિઝાની વાત કરી પણ એણે ના પાડી એટલે બે વરસ પુરા થતા માંડવી આવ્યો અને અનસુયાના ભાઇની મદદથી મુંબઇમાં એક સ્પેર પાર્ટસની નાની દુકાન ખોલી.અહીં શારજાહમાં થયેલ અનુભવ કામ લાગ્યું,એવામાં લ્યુનાની એજન્સી મળી અને કામ ચાલી પડ્યું પછી તો પ્રીમીયર પદ્મિની અને અશોક લેલેન્ડના પાર્ટ્સના સ્ટોકિસ્ટ તરિકે નામના મળી આજે મારો વિજયા ઓટોમોબાઇલનો મોટો શો રોમ એમ.જી.રોડ પર છે’
‘વાહ સારી જમાવટ થઇ ગઇ કહેવાય’બાલુભાઇએ કહ્યું
‘એ બધુ છોડ તું શું કરે છે..?’ચંદ્રકાંતે પુછ્યું
‘મને તો બાપુજીના વરસામાં બે પેટ્રોલ પંપ મળ્યા છે તે ચલાવું છું’
આ બાજુ ઘરમાં ફરતા પંકજા અને વ્યોમેશ પંકજાના રૂમમાં આવ્યા તો વ્યોમેશે કહ્યું
‘પંકજા તને ઘર દેખાડવાનું શા માટે કહેવામાં આવ્યું તું જાણે છે ને…?’
‘હા આપણો એક બીજાથી પરિચય થાય એ માટે’આંખો ઢાળી પંકજાએ કહ્યું
‘આપણા માવિત્રો શું વિચારે છે એ ક્યાંક છુપાઇને જાણી શકાય..?’વ્યોમેશે પુછ્યું
‘આ બારણાથી બાલ્કનીમાં જવાય છે તે સીટિન્ગ રૂમ સુધી જાય છે ચાલ ત્યાં જઇએ’કહી પંકજા આગળ ચાલી અને એક પિલરની આડમાં બંને ઊભા રહ્યા
‘જો મંગલા તું હા પાડે તો હું પંકજાનો હાથ મારા વ્યોમેશ માટે માંગુ છું’ચંદ્રકાંતે કહ્યું
‘ઘણી ખુશીથી પણ બંનેનો એક બીજાથી પરિચય થઇ જાય અને એમની મરજી જાણીને આગળ વધીએ એ હિતાવહ છે’બાલુભાઇએ કહ્યું
‘કંઇ વાંધો નહીં તે પ્રમાણે જ કરીશું પણ…’
‘પણ શું..? તારા મનમાં જે હોય તે બોલી નાખ’વચ્ચેથી વાત કાપતા બાલુભાઇએ કહ્યું
‘જો છોકરાઓ હા પાડે તે પહેલા એમના જોડામેળ જોવડાવી રાખીએ એટલે તારી પંકજાની કુંડળી આપ’અનસુયાએ કહ્યું
‘પંકજાની જન્મ કુંડલી નથી..’
‘તમારી દીકરીની તમે જન્મ કુંડલી નથી બનાવી..?’
‘જુઓ અનસુયા.. બેન હું તમને અંધારામાં નથી રાખવા માંગતી…’
‘કેવા અંધારામાં ભારતી બેન…?’અરધે થી વાત કાપતા અનસુયાએ પુછ્યું
‘એ જ કે પંકજા અમારી દીકરી નથી..’
‘મતલબ..?’ અધિરાઇથી અનસુયાએ પુછ્યું
‘અમારા લગ્નને પાંચ વરસ થયા અમને કોઇ સંતાન ન હતું એટલે એમના આગ્રહ થી અમે લેબોરેટ્રી ટેસ્ટ કરાવ્યો તો ખબર પડી કે હું તેમને સંતાન આપવા અસમર્થ છું મેં એમને મારાથી છુટા છેડા લઇ બીજા લગ્ન કરવા સમજાવ્યા તો એ એક ના બે ન થયા મારા નસીબનો વાંક તેમાં તું શું કરી શકે આમે મારે એક ભવ માંથી બે ભવ નથી કરવા અને તારા પ્રેમનો અનાદાર હું ન કરી શકું કારણ કે તારા સાથે જે સંધાન છે એ તોડી હું બીજો ન કરી શકું…’કહેતા,ભારતીના ગળે ડૂમો ભરાયો અને આંખો ભીની થઇ ગઇ.અનસુયાએ પાણી પિવડાવી તેમને શાંત પાડ્યા પણ અનસુયાના મનમાં તો પંકજા કોની દીકરી એ સવાલ હજી ગુમરાયા કરતો હતો પણ ભારતી એ બાબત ખુલાસો કરે તેની રાહ જોવા લાગી.કંઇક સ્વસ્થ થતા ભારતીએ કહ્યું (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply