શીતળ પવનના વાયરો માણતા બે મિત્રો વ્યોમેશ અને દેવાંગ એક બાઇક પર લોંગ ડ્રાઇવ પર જઇ રહ્યા હતા.ક્યાં પહોંચવાની ઉતાવળ તો હતી નહીં એટલી સ્લો સ્પીડમાં બાઇક જઇ રહી હતી.અચાનક તેમની બાજુમાંથી ઝુમ કરતી એક બાઇક પસાર થઇ, બાઇક પર કોણ છે એ બંનેમાંથી કોઇ કંઇ સમજે તે પહેલા એ બાઇક વાંકી ચૂંકી ચાલી અને એક વીજળીના થાંભલા સાથે ધડામ દઇને ભટકાણી તો બાઇક એક તરફ અને બાઇક ચાલક ઉછળી બીજી તરફ પડ્યા.
‘વ્યોમેશ આ શું થઇ ગયું…? હાલ જોઇએ’પાછળ બેઠેલા દેવાંગે કહ્યું
તેમની બાઇક ઘટના સ્થળે આવી ત્યારે ખબર પડી કે,બાઇક ચાલક કોઇ યુવતી હતી અને અકસ્માતના આઘાતથી કદાચ બેહોશ થઇ ગઇ હતી.રસ્તા પરથી પસાર થતી રિક્ષા રોકી વ્યોમેશએ દેવાંગને કહ્યું
‘આને હું હોસ્પિટલ લઇ જાઉં છું તું બાઇક લઇને પાછળ આવ’ કહી યુવતીને રિક્ષામાં સુવડાવી ડ્રાઇવરની બાજુમાં બેસતા વ્યોમેશે પુછ્યું
‘અહીં નજીકમાં કઇ હોસ્પિટલ છે?’
‘સાહેબ નજીકમાં પ્રભાવતી હોસ્પિટલ છે આપણે ત્યાં જઇએ’કહી ડ્રાઇવરે રિક્ષાને કીક મારી.
રિક્ષા પ્રભાવતીના પ્રાંગણમાં ઊભી રહી તો વ્યોમેશ હોસ્પિટલમાં જઇ ડોકટરને વાત કરી.યુવતીને સ્ટ્રેચર પર સુવડાવી એડમિટ કરી,વ્યોમેશ શું થયું હતું તેની વિગત ડોકટરને જણાવી ત્યાં હાજર હવાલદારે ઇન્સપેકટર પારાશરને જાણ કરી તો પાંચ મિનીટમાં પોલીસ વેન આવી.ઇન્સપેકટર ડોકટરને મળ્યો તો ખબર પડીકે વ્યોમેશ એને ત્યાં લાવ્યો હતો.ઇન્સપેકટરે વ્યોમેશનું બ્યાન લીધું પેલી યુવતી હજી બેભાન જ હતી પણ ડોકટરે કહ્યું
‘કદાચ અર્ધી કલાકમાં ભાનમાં આવી જશે’
ઇન્સપેકટરે યુવતીની પર્સ ચેક કરી તેમાં નિકળેલ મોબાઇલમાં પપ્પા લખેલ નંબર પર કોલ કર્યો
‘હું ઇન્પેકટર પારશર બોલું છું આપની દીકરીનો અકસ્માત થયો છે તો આપ પ્રભાવતી હોસ્પિટલમાં આવી જાવ’
થોડીવારમાં એક ગાડી પ્રભાવતીના પ્રાંગણમાં પાર્ક થઇ તેમાંથી યુવતી જેનું નામ પંકજા હતું તેના પપ્પા બાલુભાઇ અને મમ્મી ભારતી ત્યાં આવ્યા.ઇન્સપેકટરે તેમને બધી બીના જણાવી તો ભારતીએ અધિરાઇથી ડોકટરને પુછ્યું
‘કેમ છે મારી દીકરી..?’
‘અમે માથાનો એક્સ રે લીધો છે હેલ્મેટના લીધે એને માથામાં કંઇ ઇજા નથી થઇ પણ અંગ પર થોડા ઉજરડા છે એ કંઇ ગંભીર નથી અકસ્માતના લીધે હેબતાઇને કદાચ એ બેહોશ થઇ ગઇ છે,પણ અમે ટ્રીટમેંટ આપી છે તેથી અર્ધા કલાકમાં એ ભાનમાં આવી જવી જોઇએ ચિંતા જેવું કશું નથી’
‘અમે એને મળી શકીયે’અત્યાર સુધી ચુપચાપ ઊભેલા બાલુભાઇએ પુછ્યું
‘ઓહ સ્યોર’કહી ડોકટર ગયો
બાલુભાઇ અને ભારતી પંકજાની બેડ પાસે આવ્યા.ભારતી પંકજાના માથા પર હાથ ફેરવતા રડી પડી.આ બાજુ ઇન્સપેકટરના જણાવ્યા મુજબના સ્થળે પોલીસની ટોઇન્ગ વેન આવી અને બાઇકને ટો કરી પોલીસ વર્ક શોપમાં લઇ ગઇ ત્યાં ચેક કરતા ખબર પડી કે બાઇકના પાછલા વ્હીલમાં પંકચર હતું અને બ્રેક ફેઇલ હતી જેની જાણ ઇન્સપેકટર પારાશરને કરવામાં આવી.અકસ્માતનું કારણ સ્પષ્ટ હતું છતા ફોર્માલિટી ખાતર ભાનમાં આવેલ પંકજાનું સ્ટેટમેન્ટ લઇ ઇન્સ્પેકટર ગયો.
‘સાહેબ મારી દીકરીને ક્યારે રજા આપશો’બાલુભાઇ ડોકટરને પુછ્યું
‘સાંજ સુધી ઓબ્ઝરવેશન માટે રાખીશું નહીંતર સાંજે તમે દીકરીને ઘેર લઇ જજો’
‘પંકુ દીકરી હવે તને કેમ લાગે છે..?’ભારતીએ પંકજાના બેડ પર બેસી એને બાથમાં લઇ પુછ્યું
‘મમ્મી આઇ એમ ઓકે તું ફિકર નહીં કર’પંકજાએ ભારતીની ભીની આંખો લુછતા કહ્યું
આખર સાંજે ડોકટરે ચેક કરી કહ્યું
‘નાઉ સી ઇસ ઓકે ચાલો હું ડિસ્ચાર્જના ડોક્યુમેન્ટ તૈયાર કરાવું છું ફોર્માલિટી પુરી થઇ જાય પછી આપ એને ઘેર લઇ જઇ શકો છો’
બાલુભાઇ બધી વિધી પુરી કરી પંકજાના બેડ પાસે આવી કહ્યું
‘પંકુ દીકરા ચાલ ઘેર જઇએ’(ક્રમશ)
–૦૦૦૦૦– ૧૮.૦૪.૨૦૧૮
Filed under: Stories |
Leave a Reply