(ગતાંકથી આગળ)
પારસની વાત સાંભળી બધાએ ડોકટર ગવાસકર સામે પ્રશ્નાર્થ દ્રષ્ટીએ જોયું
‘બસ સાંજ સુધી બીજું કોઇ રિએકશન નહીં આવે તો સાંજે રજા ઓ.કે યંગમેન ?
ડોકટર ગવાસકરે પારસની પીઠ થાબડતા કહ્યું
બધુ સમુ સુતરું પાર પડ્યુંને પારસને લઇ માવિત્રો ઘેર જવા રવાના થવાના હતા ત્યારે ઇન્સપેકટર સાવંતે આવીને કહ્યું
‘પારસની યાદશક્તિ પાછી મળે તો મને પોલીસ સ્ટેશન પર જાણ કરજો જેથી આગળની કાર્યવાહી થઇ શકે’
‘પણ સાયેબ અમે તો આજે અમારે ઘેર ભુજ જઇ રહ્યા છીએ’વિનાયકે કહ્યું
‘કંઇ વાંધો નહીં આ મારો કાર્ડ રાખો ને જે કંઇ પારસને યાદ આવે તે મને કાર્ડમાં આપેલ નંબર પર કોલ કરી મને જાણ કરજો બાકીનું હું સંભાળી લઇશ’ઇન્સ્પેકટર સાવંતે વિનાયક સાથે હાથ મેળવી કહ્યું
‘જરૂર અમે પણ ઇચ્છીએ છીએ કે પારસ પર આ કાવત્રુ કરનાર ને સજા થાય ભલે રજા આપો’વિનાયકે હાથ જોડી ઇન્સપેકટર સાવંતની રજા લઇ સૌ રાહ જોતી ટેક્ષી તરફ વળ્યા.
પારસ ઘરમાં દાખલ થતાં આસ પાસ જોવા લાગ્યો પણ એને કશું યાદ ન આવ્યું અચાનક પારસની નજર સામેની દિવાલ પર પડી જેમાં અમૃતા અને વિનાયક વચ્ચે પોતાને ઊભેલો જોયો એટલે એને ખાત્રી થઇ ગઇ કે,આ બંને તેના માવિત્રો છે અને આ પોતાનું ઘર છે.
-૦૦૦૦0-
વિપુલની ટોળકીએ પારસના માથા પાછળથી માર મારી પાટા ઉપર ફેંક્યાના બીજા દિવસે વિપુલના પિતા જગદીશને એનો જુનો મિત્ર લક્ષ્મીદાસ, લીલાવતી અને દીકરા ભાવેશ સાથે મળવા આવ્યો.લક્ષ્મીદાસે ડોરબેલ મારી તો પલ્લવીએ દરવાજો ખોલ્યો અને આગંતુકને જોઇ હાંક મારી
‘એ સાંભળો છો લક્ષ્મીદાસ ભાઇ આવ્યા છે જયશ્રી કૃષ્ણ આવો આવો’
‘અરે લખુ તું જયશ્રી કૃષ્ણ ભાભી તું…આજે…આમ અચાનક…?’આગળ શું કહેવું એની અવઢવમાં જગદીશ અટવાયો
‘માણસ આવનારને આવકારે બેસાડે પછી ખબર અંતર પુછે તમે તો ઓલા ફોજદાર જેમ મંડ્યા છો સવાલ કરવા.’ કહી મલ્કીને પલ્લવી રસોડામાં ગઇ.
‘હેં..હા…હા બેસો બેસો’ સોફા તરફ હાથ લંબાવતા જગદીશે છોભાઇને કહ્યું તો સૌ હસીને સોફા પર બેઠા.
‘જગલા વાત જાણે એમ છે કે,ભાવેશનું લંડનનું ભણતર પુરું થયું અને એક સારી કંપનીમાં તેને નોકરી પણ મળી ગઇ તો તારી મૌસમીનો હાથ મારા ભાવેશ માટે…’
‘આપી…આપી અત્યારથી તારી…અરે સાંભળે છે કે,લખુ ને ભાભીને મીઠું મોઢુ કરાવ મૌસમી ક્યાં છે?’લક્ષ્મીદાસની વાત કાપતા જગદીશે અતિ ઉત્સાહ આગળ કંઇ કહે તે પહેલા પલ્લવી નાસ્તા સાથે બરફી લાવી તેનું બટકું લીલાવતીને ખવડાવતા કહ્યું
‘વધામણી વેવાણ’
સૌએ એક બીજાને બટકા ખવડાવ્યા તો પલ્લવીએ ભાવેશને કહ્યું
‘ભાવેશ દીકરા મૌસમી ઉપર પોતાના રૂમમાં છે જા મળી આવ’
પલ્લવી અને જગદીશની ઉંચા સાદે થતી વાત મૌસમીએ પોતાના રૂમના બારણે ઊભા રહી સાંભળી હતી.પારસના અચાનક ગાયબ થયાના સમાચાર એને મળી ગયા હતા અને શંકાની સોય એના અડવિતરા ભાઇ વિપુલ તરફ જતી હતી અને એને ખાત્રી હતી કે વિપુલ છેલ્લા પાટલે બેસતા કંઇ પણ કરી શકે એમ છે એટલે એણે પારસને મળવાની આશા મૂકી દીધી હતી.
જગદીશ અને લક્ષ્મીદાસ ખાસ મિત્રો હતા અન લક્ષ્મીદાસ જ્યારે ભારતમાં હતો ત્યારે એક બીજાના ઘેર અવર જવર હતી એટલે ભાવેશ મૌસમી માટે અજાણ્યો નહતો.ભાવેશ મૌસમીના રૂમમાં આવ્યો તો મૌસમીએ હસીને આવકાર્યો
‘મૌસમી મને અહીં શા માટે મોકલવામાં આવ્યો છે એ તું સમજી શકે છે.’
(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply