(ગતાંકથી આગળ)
રામી કથરોટમાંના લોટ પર પાણી છાંટી લોટ બાંધવા લાગી તો સિલવિયાએ પુછ્યું
‘મામી આમાં તેલનું મોણ કેમ ન નાખ્યું..?’
‘બાજરાના લોટમાં મોણ ન પડે’કહી મલકીને રામીએ કઢીનું તપેલું ઉતારી તાવડી મૂકી
રામીએ કથરોટમાં બાંધેલા લોટનો ગોળો વાળી રોટલો ઘડવા લાગી અને રોટલો તાવડી પર શેકવા મૂક્યો તો સિલવિયાએ પુછ્યું ‘મામી હું રોટલો ઘડુ..?’તો રામીએ કથરોટમાં બીજો લોટ ઉમેરી કથરોટ સિલવિયાને આપી તો એણે રામીએ કેમ લોટ બાંધ્યો હતો એ જોયું હતું અને એમજ લોટ બાંધી ગોળો વાડી રોટલો ઘડવા ગઇ પણ ક્યાંકથી લાંબો ક્યાંકથી તૂટીને કથરોટમાં પડ્યો તો રામી હસીને કહ્યું
‘સવી લોટ નરમ બંધાયો છે થોડો કોરો લોટ ઉમેરીને ફરીથી ઘડ’
સિલવિયાએ થોડા લોટ ઉમેરી ફરી લોટ બાંધી ગોળો વાળીને ફેરી ઘડવા ગઇ તો રોટલો વચ્ચે જાડો આસ પાસ જીણો થયો તો રામીએ કહ્યું
‘બહુ મોટા રોટલા ઘડવાનું રહેવા દે ગોળાના બે ભાગ કરી ચાનકીઓ બનાવ..?’
‘મામી ચાનકી એટલે..?’
‘નાના રોટલા..’કહી રામી મલકી અને સિલવિયાએ ચાનકીઓ સરસ ઘડી ત્યાં તો ખેતરેથી નાંઇયો આવ્યો
‘શું ચાલે છે…?’
‘બસ હાથ મોં ધોઇ જમવા બેસો’રામીએ પાણીનો લોટો આપતા કહ્યું
નાંઇયો બેઠો તો થાળીમાં ખીચડી પિરસાઇ એક છાલિયામાં કઢી લસણની ચટણી છાસ્નું બોંગરણું અને બીજા છાલિયામાં સિલવિયાએ ઘડેલ ચાનકીઓ મૂકી તો નાંઇયા રામી સામે જોયું તો રામીએ મલકીને કહ્યું
‘આ મારી સવીએ ઘડેલી છે’
‘સારું સારું આજે ચાનકીઓ ઘડી છે આગળ જતાં રોટલા પણ ઘડશે’કહી નાંઇયો હસ્યો ને જમવા લાગ્યો
નાંઇયો જમી રહ્યો તો થાળીઓ પિરસતા રામીએ કહ્યું ‘ચાલ સવી જમવા’
આવી ખીચડી ને કઢી સિલવિયાએ ક્યારે ખાધી ન હતી પહેલો કોળિયો ભરતા જ ખુશ થઇ ગઇ.પોતે ઘડેલી ચાનકીઓ સાથે એણે લસણની ચટણી ખાધી અને ખાતા જ સિસકારો બોલાવી ગઇ પણ સ્વાદ એને ગમ્યો તરત છાસ પીધી આખર જમણ પુરુ થયું.એઠા વાસણ ભેગા કરીને ચોકડીમાં મૂક્યા અને ઉટકી કાઢ્યા તો રામીએ હાંડલું આપતા કહ્યું
‘આને પણ ઉટકી કાઢ પણ જોજે સંભાળીને ઉટકજે હાંડલું ભાંગી ન નાખતી’કહી રામી ઓટલા પર બેઠી અને સિલવિયા બરોબર કામ પુરુ કરી ચોકડી સાફ કરી વાસણ સીકામાં મૂકી ને રસોડામાં મૂક્યા અને આસતેથી હાંડલું ખીટીમાં ટિગાંડયું.
રામીએ આંગણામાં ખાટલા પાથરી તેના પર ગાદલા ઓશિકા મૂક્યા.ગામમાં આંટો મારી આવેલ નાંઇયો આવીને પાથરેલ ખાટલા પર લંબાવ્યું.આખો દિવસ કામ કરતા જરા થાકેલી અને વાળુમાં ખાધેલ ખીચડી ને કઢીના ઘેનમાં ઓટલા પર બેઠેલી સિલવિયાના આંખના પોપચા બિડાવા લાગ્યા એ જોઇ રામી હસી અને બાવડું પકડી કહ્યું
‘ચાલ સવી સુઇજા’કહી ખાટલા પર સુવડાવી અને પાંચ મીનિટમાં સિલવિયા ઊંઘી ગઇ.
બીજા દિવસની સવારે પક્ષીઓના કલબલાટથી સિલવિયાની આંખ ખુલી ગઇ ત્યારે પથારીમાં બેસી પોતાના બે હાથ જોતા રામી કશું બોલતી અને પછી પથારી સંકેલી ઘરમાં જતી જોઇ સિલવિયાએ પોતાની પથારી સંકેલી ને ઘરમાં લાવી એ જોઇ રામી મલકી ને કહ્યું ‘જયશ્રી કૃષ્ણ સવી’
‘જયશ્રી કૃષ્ણ મામી’હાથ જોડી સિલવિયાએ કહ્યું
‘મામી તમે બંને હાથ જોઇ શું બોલતા હતા..?’
‘સવારના પોતાના બંને હાથ જોતા કહેવાનું ‘કરાગ્રે વસતી લક્ષ્મી,કર મૂલે સરસ્વતી,કરા મધ્યે તૂ ગોવિન્દમ્ પ્રભાતે કર દર્શનમ્’ એટલે હાથના ઉપલા ભાગમાં વસેલી લક્ષ્મીમાતા હાથના મૂળમાં વસેલી સરસ્વતી માતા,હાથના વચ્ચે વસેલા ગોવિન્દ એટલે શ્રી કૃષ્ણ એવા સૌના હાથમાં જોતા દર્શન કરું છું’ ચાલ દાતણ કરી લે’કહી રામીએ એક દાત્ણની જુડીમાંથી એક દાતણ પોતાના મ્હોંમાં ઘાલી બીજો સિલવિયાને આપ્યો અને ઓટલા પર બેસી ગોખલામાં મૂકેલ ગોળ પથ્થરથી દાતણનો એક છેડો કચડીને સિલવિયાને આપ્યો પછી પોતાના દાંતમાં પકડેલા દાતણનો એક છોડો કચડીને દાંતમાં ઘાલી ચાવવા લાગી તો સિલવિયા એને અનુસરી ચાવેલા દાતણના છેડાનો કુચડો થઇ જતા રામી પોતાના બધા દાંત પર ઘસવા લાગી સિલવિયાએ પણ તેમ કર્યું આખર દાતણના બે ફાડિયા કરીને જીભ પરથી બંને ફાદિયાથી ઉલ ઉતારી દાતણના ફાડિયા વાડ તરફ ફેંક્યા તો સિલવિયાએ તેમ કર્યું અને ડંકીમાંથી પાણીનો લોટો ભરી કોગળા કરી ખાલી લોટો સિલવિયાને આપ્યો અને સિલવિયાએ તેમ કર્યું (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply