(ગતાંકથી આગળ)
સિલવિયા ધારી ધારીને બધુ જોતી હતી રામીએ એક તપેલી મૂકી એમાં પાણી ભરી અને ભીંજવેલી મગ દાળ નીતારીને નાખી કહ્યું
‘આ દાળ બફાઇ જાય પછી શું કરવું એ બતાવીશ’
‘મામી તમે દાળ ભેગી ભાજી કેમ ન નાખી?’કુતુહલ વસ સિલવિયાએ પુછ્યું
‘એ પણ તને પછી બતાવીશ’
દાળ બફાઇ ગઇ એ તપેલું ઉતારી બીજો મૂક્યો અને તેમાં તેલ રેડ્યું પછી રાઇ, મેથી, મીઠા લીમડાના પાન અને ચપટી હિન્ગ ઉમેરી વઘાર કરી અને પાણીમાં મૂકેલ ભાજી નીતારીને એમાં ઉમેરીને તવેથા હલાવી બફાયેલી દાળ ઉમેરી મીઠું અને હળદર નાખ્યા પછી સિલવિયા સામે જોઇ કહ્યું
‘સમજી ગઇ..?’
‘હા મામી’
‘ચાલ હવે તને ઘઉંના લોટની કણક બાંધતા શિખવાડું’
‘કણક મતલબ મામી..?’
‘રોટલી માટે લોટ બાંધતા’
રામીએ ઘઉંના લોટનો ડબ્બો લાવી ને મૂક્યો પછી ડબ્બામાં મૂકેલ પવાલો બતાવી કહ્યું
‘આને પવાલો કહેવાય એ લોટ માટેનું માપ છે’
એક થાળીમાં લોટ પવાલાથી કાઢી બતાવતા કહ્યું
‘આ આપણા ત્રણ માટે રોટલીનું માપ છે’
લોટના ઢગલા વચ્ચે ખાડો કરી તેલ ઊમેર્યું
‘આ તેલ શા માટે મામી?’સિલવિયાએ પૂછ્યું
‘એનાથી રોટલી મુલાયમ થાય’
તેલ લોટમાં ભેળવી હળવેથી પાણી રેડીને લોટ મસળ્યો અને સિલવિયાને દેખતા કણક બંધાઇ ગઇ.શાક તૈયાર થઇ ગયું હતું એ ઉતારી સગડી પર તાવડી મૂકી અને ચકલો વેલણ ઉપાડ્યા અને કહ્યું
‘રોટલી રોટલો આ તાવડી પર જ શેકાય અને રોટલી ચકલા પર વેલણથી વણાય’બધુ બતાવતા રામીએ કહ્યું
રામીએ કણકમાંથી લોટ કાઢી કહ્યું
‘આને લુવા કહેવાય’
હાથમાંના લુવાને હથેળીથી લાડું જેમ ગોળ કરી ચકલા પર મૂકી વેલણથી વણવાની શરૂઆત કરી નાની રોટલી વણાયા બાદ સૂકા લોટમાં ઝબોળી ફરી વણવા લાગી જેમ જેમ વેલણ ફરતું ગયું રોટલી ફરતા ફરતા વણાતી હતી એ જોતા સિલવિયાને મજા પડી ગઇ તો એનું ધ્યાન ભંગ કરતા રામીએ કહ્યું
‘આમ રોટલી વણાય’
તાવડી પર વણેલી રોટલી નાખી કપડાથી દબાવી તવેથાથી ઉથલાવી બીજી બાજુ શેકી પછી તાવડી ઉતારી રોટલી ચીપિયાથી પકડી બળતા કોલસા પર મૂકી તો રોટલી ફૂલીને દડો થઇ એ જોઇ સિલવિયાને નવાઇ લાગી રામીએ બીજી થાળીમાં રોટલી મૂકી તેના પર ઘી ચોપડ્યું.સિલવિયા બધુ રસપૂર્વક જોતી હતી.
‘મામી હવે હું રોટલી વણું..?’
‘હા નહીંતર શીખીશ કેવી રીતે’કહી ચકલો વેલણ આપ્યા
સિલવિયાએ રામીએ જેમ રોટલી વણી હતી તેમ વણવાની કોશીશ કરી પણ રોટલી ક્યાંક લાંબી ક્યાંક ટૂંકી થઇ એ જોઇ રામીએ કહ્યું
‘આપણને કોઇ ઉતાવળ નથી તું એ લુવાને ફરીથી વણ’
બીજી વખત ત્રીજી વખત વણતી વખતે રામીએ સમજણ પાડીકે વેલણ કેમ ચલાવવું આખર સિલવિયા સફળ થઇ.એક એક કરતા બધી રોટલી વણાઇ શેકાઇને તૈયાર થઇ ગઇ,એટલામાં નાઇયાંનો સાદ સંભળાયો
‘રામી…’
‘તમે હાથ મ્હોં ધોઇ લો રસોઇ તૈયાર છે’કહી રામીએ પાટલા ઢાળ્યા તો હાથ મ્હોં ધોઇ ખેસથી હાથ લુછતા નાંઇયો પાટલા પર બેસતા પુછ્યું
‘કેમ છો સવુ દીકરા શું શું શિખવાડયું તારી મામીએ’
‘ઘણું બધું ચ્હા બનાવતા,વાસણ ઉટકતા,કપડા ધોતા,શાક વઘારતા,રોટલી વણતા’મલકીને સિલવિયાએ કહ્યું
‘સરસ’
‘આ બધી રોટલી સવુએ બનાવી છે’રામીએ રોટલી અને શાક પિરસતા અને સિલવિયાને પોરસાવતા કહ્યું
‘અરે વાહ શું વાત છે સારું સારું’
નાંઇયો જમી રહ્યો એટલે નાંઇયાની થાળી વાટકો સિલવિયા ચોકડીમાં મૂકી આવી પછી રામી અને સિલવિયા સામ સામે બેસી જમવા બેઠી.સિલવિયાને ભાજી અને મગદાળનું શાક ભાવ્યું.સવારના સિસકારા બોલાવ્યા છતા અથાણું ખાધુ અને છાસ પીને રામીએ થાળીમાં હાથ મ્હોં ધોયા તેમ સિલવિયા અનુસરી પણ પુછ્યું
‘મામી અહીં હાથ ધોવા વોશબેસીન નથી?’
‘ના દીકરા ગામડામાં લોકો થાળીમાં જ હાથ ધોય’
સિલવિયા બંનેની થાળી ચોકડીમાં મૂકી વાસણ ઉટકવા બેઠી તો રામી શાકનું તપેલું મૂકી ગઇ.સિલવિયાએ બધા વાસણ ઉટકીને રસોડામાંથી શીકુ લાવી તેમાં મૂકી રસોડામાં લઇ આવી એ જોઇ રામી મલકી.(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply