(ગતાંકથી આગળ)
‘સવુ ચાલ શિરામણના વાસણ ઉટકી નાખ’રામી વાસણ ચોકડીમાં મૂકતા કહ્યું
‘મામી ઉટકી નાખ મતલબ..?’
‘વાસણ સાફ કરી નાખ’ કહી રામી મલકી પણ સિલવિયા હજુ અવઢવમાં હતી કે કેમ સાફ કરવા એ રામી પામી ગઇ
‘ચાલ પહેલાં તો ડંકીથી ડોલ ભરી લાવ પછી તને સમજાવું’કહી સાથે લાવેલ બીજો પાટલો મૂકી બેસતા કહ્યું
સિલવિયા પાણી ભરી લાવી અને રામી સામે બેઠી તો રામીએ પાસે પડેલ એક ડબલામાંની રાખમાં નાળિયેરનો છોતરો પડેલો હતો તેનાથી થાળી ઉટકી તો સિલવિયાએ કહ્યું
‘બસ બસ મામી સમજી ગઇ’
સિલવિયાએ રામીએ બતાવ્યું હતું તેમ બધા વાસણ ઉટકીને ઊંધા મૂક્યા પછી હાથ ધોઇ ઘરમાં આવી તો રામીએ એક સીકું આપી કહ્યું
‘વાસણ આમાં મૂકીને લઇ આવ’ સિલવિયાએ તેમ કરી રામીને પુછ્યું
‘મામી અહીં વાસણ સાફ કરવાના ડિટરજ્ન્ટ નથી?’
‘ના અહીં ગામડામાં બધા આમ જ ચૂલાની રાખથી વાસણ ઉટકે’કહી રામી હસી અને સાવરણી લઇને ચોકડી સાફ કરી
‘આ શું મામી તમે કહ્યું હોત તો ચોકડી હું સાફ કરી નાખત’
‘આ તને ખબર પડે એટલા માટે જ મેં સાફ કરી’કહી રામી ઘરમાં ગઇ ને મોલા કપડા લઇ આવી
‘ચાલ સિવુ બે ડોલ પાણી ભરી લાવ’કહી બીજી ડોલ સિલવિયાને પકડાવી
‘હવે..?’સિલવિયાએ બંને ડોલ ભરીને ચોકડીમાં મૂકી
રામીએ એક ડોલમાં જબોડીને ભીના કપડા એક ગમેલામાં મૂક્યા અને પછી સાબુની ગોટી કપડા પર ઘસીને ધોકાથી ધોકાવવા લાગી પછી એક ડોલમાં સાબુ વાળુ કપડું જબોડીને ને બહાર કાઢી નિચોવ્યું અને ધોયલું કપડું બીજી ડોલમાં તારવી નીચોવીને બીજા ગમેલામાં મૂક્યો.સિલવિયા આ બધું જોતી હતી એણે રામીને કહ્યું
‘બસ બસ મામી સમજી ગઇ તમે બેસો હું કપડા ધોઇ કાઢીશ’
‘બે ચાર કપડા તારવ્યા બાદ પાણી બદલતી રહેજે’કહી રામી ઓટલા પર બેઠી
સિલવિયાએ બધા કપડા ધોઇ કાઢ્યા અને ગમેલામાં મૂક્યા.રામી ઓટલા પર બેસી બધું જોતી હતી પછી કહ્યું
‘સિવુ કપડા જરા ફરી એક વાર નીચોવીને જાટકીને દોરી પર સુકવા મૂકી દે’કહી શું કરવું એ સમજાવ્યું
‘મામી અહીં વોશિન્ગ પાઉડર નથી વાપરતા?’કપડા સુકવા મૂકી સિલવિયાએ પુછ્યું
‘ના દીકરી બધા અહીં આમ જ સાબુની ગોટીથી જ કપડા ધોય’કહી રામી હસી
રસોડામાં આવીને રામીએ સ્ટવ પેટાવ્યો અને એક તપેલીમાં દુધ અને પાણી ઉમેરી તપેલું સ્ટવ પર મૂક્યો પછી ખાંડ, ચ્હાની ભૂકી અને એલચીનો પાઉડર ઉમેરીને કહ્યું
‘આ બે જણ માટેની ચ્હાનું પ્રમાણ છે યાદ રાખી લે’
ચ્હા ઉકળવા લાગી તો સ્ટવ બંધ કરી સ્ટવ પરથી ઉતારી ગરણીથી બે કપમાં ગાળીને સિલવિયાને એક કપ આપ્યો અને પોતે રકાબીમાં ચ્હા રેડી ફૂંક મારી પિવા લાગી તો સિલવિયાએ એનું અનુસરણ કર્યું.ચ્હા પિવાઇ ગઇ તો સિલવિયાએ કપરકાબી અને તપેલું સાફ કરી રસોડામાં લટકાવેલ સિકામાં મૂક્યા એ જોઇ રામી મલકી.
રામીએ રસોડામાં પડેલ સગડી બહાર લાવીને એક ખુણામાં કરેલ ઢગલામાંથી પથ્થરિયા કોલસા ઉમેરી બહાર ગોખલામાં પડેલ એક ડબલામાં કાકડા હતા તેના પર કેરોસીન રેડી સગડીના નીચે મુક્યો અને કોલસા પર કેરોસીન રેડી કાકડો પેટાવ્યો.
‘મામી રસોઇ અહીં કરવાની છે..?’ સિલવિયાએ પુછ્યું
‘ના રસોઇ તો રસોડામાં જ થાય પણ રસોડામાં સગડી પેટાવિયે તો ધુમાડો રસોડામાં અને ઘરમાં ફેલાઇ જાય’
‘હં..હં…’
રામીએ શાકની ટોપલી લાવી પુછ્યું
‘બોલ સિવુ શેનું શાક બનાવું’
‘મામી તમે જેનું બનાવશો એ ખાઇ લઇશ’કહી સિલવિયા મલકી
‘તો આજે ભાજી અને મગદાળનું શાક બનાવું છું’કહી ભાજી સમારવા લાગી ભાજી સમારીને પાણીમાં મૂકી પછે મગદાળ પાણી ભરેલી એક તપેલીમાં મૂકી કહ્યું
‘ચાલ સિવું તને બતાવું ભાજીનું શાક અને મગદાળનું શાક કેમ બને’કહી આંગણામાં પેટાવેલી સગડી બે મસોટાથી પકડી રસોડામાં લાવી મૂકી.(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply