લાલપર એટલે ડુંગરાઓની તળેટીમાં આવેલ સાંવરી નદીના કિનારે વસેલું ખેતર અને વાડીઓમાં લહેરાતા લીલા કુંજાર મોલથી શોભતું લીલુછમ ગામ. મુખ્ય વસ્તી માલધારી અને ખેડૂતોની એ મહીં હીરા (હીરજી) પટેલના એક સેઢાથી જોડાયલા બે ખેતર હતા.એકમાં શેરડી અને બીજામાં મગફળી અને કપાસનું વાવેતર કરેલું.બંને ખેતરના સેઢે આંબા,જાંબુ,જામફળ, વડ જેવા ઘટાદાર ઝાડો અને એક ખેતરમાં માંડવા જેમ ચાર લીમડાના ઘેઘૂર ઝાડ હતા જેની વચ્ચે હીરાએ એક ખાટલો રાખેલો.
પાંચ વરસના વહાણા વાઇ ગયા પછી રતનના ખોળે એક ગોળ મટોળ દીકરો આવ્યો નામકરણ તો ગોપાલ થયેલું પણ હુલામણું નામ હતું ગટ્ટુ તેને કાંખમાં ઘાલી હીરાને રતાં(રતન) ભાતું દેવા આવતી ત્યારે એજ ખાટલા પર બેસીને હીરો બપોરા કરતો અને રતન એઠાં વાસણ ઉટકી કાઢે ત્યાં સુધી ગટ્ટુને સાંચવતો અને રતન ઘેર જવા રવાની થતી ત્યારે એજ ખાટલા પર હીરો આડેપડખે થઇ જતો.ઘણા વખત ઘર લીપવાનું હોય કે,ગમાણ સાફ કરવાની હોય કે ભેગું કરી રાખેલ છાણના છાણા થાપવાના હોય ત્યારે રતન ગટ્ટુને હીરા પાસે મૂકી જતી અને હીરો લીમડામાં ખોઓ બાંધીને ગટ્ટુને ઝુલાવતા સાંચવતો.
ભાંખોડિયા ભરતા ચાલતા શિખેલ ગટ્ટુ ઘણી વખત ખેતરે જતા હીરાના પહેરણની ચાડ પકડી તેને ઉચકીને સાથે લઇ જવા કહેતો અને હીરો તેને કાંધે બેસાડીને લઇ જતો.ખેતરે આવ્યા પછી ગટ્ટુને આંબો, જામફળ કે ચીકુ જેવા ફળ ઉતારી ખાવા આપતો આમ ગટ્ટુને ખેતરે જવાની ચસકો પડી ગયો.
સમયના વહાણા વાયા અને ગટ્ટૂને નિશાળમાં બેસાડયો.નિશાળમાંથી નીકળીને પહેલે દિવસે જ ગટ્ટુ સિધો ખેતરે આવ્યો.હીરાએ વિચાર કર્યો કે,આને લાડ લડાવવા જઇશ તો એ ભણશે નહીં તેથી તેને કહ્યું
‘માસ્તરેજે શિખવ્યું હોય એ પાકું કરી લે પછી તને કંઇ ખાવા આપું અને ધ્યાન રાખજે જો ખોટે ખોટું કરીશ તો હું માસ્તરને પુછીશ ને એ કહેશે ગટ્ટુ ભણતો નથી તો ખેતરે આવવા નહીં દઉ’
ગટ્ટુ એ વાત સુપેરે પાળતો હતો.વખત જતા ગામઠી નિશાળમાં ગટ્ટુએ ચાર ચોપડી પાસ કરી.નિશાળના માસ્તરની સલાહથી હીરાએ ગટ્ટુનું નામ બાજુના શહેર કહો તો ગામડું લાગે અને ગામડું કહો તો શહેર લાગે એવા રાજપરની નિશાળમાં નામ મંડાવ્યું અને રાજપરમાં રહેતા નાના મામા નાંઇયા(નારાણ)ના ઘેર ગટ્ટુની રહેવાની અને ભણવાની વ્યવસ્થા કરી પણ ગટ્ટુ જેનું નામ શનિવારની સાંજે એ લાલપર આવી જતો અને રવિવારની સાંજે કમને જતો.લાલપર આવે ત્યારે ખેતરમાં કામ કરતો પણ જાજો વખત તો પેલા લીમડા વચ્ચેના ખાટલે જ જતો.આમ મેટ્રિક સુધી ભણ્યો પછી ના પાડી દીધી હવે આગળ નહીં ભણું
‘એલા ભણીશ નહીં તો શું કરીશ..?’એક દિવસ હીરાએ પુછ્યું
‘ખેતી કરીશ…’ગટ્ટુએ ઉડાઉ જવાબ આપ્યો
‘હવે મામાના ઘેરથી અહીં આવતો ત્યારે કેવી ખેતી કરતો એ હું જાણું છું ને…’હીરાએ ગટ્ટુની પીઠમાં ધબ્બો મારતા કહ્યું
એક દિવસ અમેરિકામાં રહેતો હીરાનો મોટો સાળો (સવો)શિવજી લાલપર આવ્યો. ભાણિયા માટે અને બહેન-બનેવી માટે લાવેલ ભેટો આપી.ચ્હા પાણી થઇ ગયા પછી હીરો અને સવાએ ખેતરે જવાની વાટ પકડી.પેલા લીમડા વચ્ચેના ખાટલા પર બેસતા ઠંડા પવનની લહેરખી માણતા સવાએ કહ્યું
‘ત્યાં અમેરિકામાં આવા વાતાવરણ માણવા ક્યાં મળે…?’
‘તમારે ત્યાં તો ઓલ્યા ગરમ હવાના અને ઠંડી હવાના મશીન હોય તે નથી ગમતા..?’ હીરાએ મલકીને પુછ્યું
‘એ બધું નકલી આવી અસલ હવા ત્યાં ક્યાંથી કાઢવી..? ઇ બધુ છોડો તમે રજા આપતો હો તો ગટ્ટુને અમેરિકા લઇ જાઉં…’
‘હું હા પાડું તો પણ ઇ નહીં આવે એ અહીં ખાટલા પર જ પડયો પાથર્યો રહે છે..પાછી રતાં પણ જવા નહીં દે…મને તો ઘણી વખત વિચાર આવે છે કે આ છોકરાનું શું થશે કહેતા હીરો ગળગળો થઇ ગયો.(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply