(ગતાંકથી આગળ)
અંજલીએ ફોન પર મા સાથે ઘણી વાતો કરી ફોન મૂકી દીધો ત્યાં ઓફિસે જવા નિકળેલા અક્ષય પાછળ સુશિલા ગઇ અને બાઇકને કિક મારતા અક્ષયને હળવેક થી કહ્યું
‘અંજુને લઇને ચેક અપ કરાવજે કે આવનાર બાળકની જાતી કઇ છે..?’
‘કેમ એ જાણીને તારે શું કરવું છે…?’મલકીને અક્ષયે પુછયું
‘મને તો મારો વારસદાર જોઇએ…’
‘અને દીકરી હોય તો…?’ઝીણી આંખ અને કાન સરવા કરી અક્ષયે પુછ્યું
‘મને દીકરી નથી જોતી..’કટાણું મ્હોં કરી સુશિલાએ કહ્યું
‘મા તું કોઇની દીકરી ન હોત તો આજે તું મારી મા ન હોત અને અંજુ કોઇની દીકરી ન હોત તો એ આજ મારી પત્નિ ન હોત એ સમજે છે છતાં આ હઠાગ્રહ શા માટે..?’
‘એ જે હોય તે પણ…’આગળ શું બોલવું તેની અવઢવમાં સુશિલા અટવાઇ
‘જો મા ગર્ભ પરિક્ષણ અને ગર્ભપાત આજના જમાનામાં સરકારના કાયદા મુજબ ગુન્હો છે તે માટે એ ગુન્હો કરનાર અને કરાવનાર બંનેને જેલની સજા અને દંડ થઇ શકે છે…’સમજાયું એવું અક્ષયની આંખો કહી રહી હતી એ જોઇ
‘હાય રામ…’બે હાથ હોઠ પર રાખી સુશિલાએ કહ્યું
‘આ મારા કે અંજલીના હાથની વાત નથી એટલે જે અવતરે તેને પ્રેમે આવકારજે..’કહી અક્ષય બાઇકને કિક મારી ત્યારે રસોડાની બારીમાંથી બધું સાંભળતી અંજલીને આંખ મારી તે ઓફિસ જતો રહ્યો.
ત્રણ મહિના પછી સામાન્ય ચેકઅપ માટે ગયા ત્યારે ડોકટરે કહ્યું કે ગર્ભમાં ટ્વિન છે એ સમાચાર સુશિલાએ જાણ્યા ત્યારે એની ચિંતા બેવડાઇ ગઇ આ એક પણ ન્હોતી જોઇતી તેના બદલે બબ્બે આવશે તો..?
આખર ડિલેવરીનો સમય આવ્યો ત્યારે સુશિલા બહાર બાંકડા પર બેઠી હતી અને વાસંતી અંજલીના બિછાના નજીક એને સધિયારો આપતી બેઠી હતી મનોમન અંજલીનો સુખદ છૂટકારો થાય એવી પ્રભુ પ્રાર્થના કરતી હતી અને અચાનક અંજલીની ઓ…મા… ચીસ સાથે ઉંવા ઉંવા બાળક રડવાના અવાઝ સાંભળાયો જેને નવડાવી નર્સ બાળોતિયે વીટી લાવીને કહ્યું દીકરી છે એને લઇ વાસંતી સુશિલા પાસે લઇ ગઇ જાવ દીકરી દાદી પાસે કહી નવજાત સુશિલાને સોંપે તે પહેલા બિચારી ભુખી હશે પાછી લઇ..જા અંજુ પાસે કહી નવજાતને લેવાનું ટાળ્યું હવે સુશિલાને પુરી ખાત્રી થઇ ગઇ હતી કે બીજી પણ દીકરી જ હશે હાયરે કિસ્મત જેનો ભય હતો એજ થયું ત્યાં અંદરથી અવાઝ ઉભર્યો સુશિલા તને તો એક પણ દીકરી ન્હોતી જોઇતી ને આતો બબ્બે આવવાની છે લે લેતી જા લે લે લેતી જા એવી અવઢવમાં હતી ત્યાં વાસંતી બીજા બાળક લઇ આવી જાવ..દીકરા દાદી પાસે કહ્યું તો સુશિલાના કાન સરવા થયા ને પુછ્યું
‘હેં દીકરો છે..?’
‘હા ભાઇ બહેનની જોડી છે..આને તો તું મધ ચટાડીશ ને…?’
‘ના પહેલો હક્ક બહેનનો છે…’ કહી અંજલીની બેડ પાસે આવી તો ત્યાં હાજર અક્ષયે સુશિલાને કાનમાં ગણગણયો
મમ્મી તને તો દીકરી ન્હોતી જોઇતી ને..?’ તો સુશિલાએ કહ્યું
‘આ દીકરી નથી એ તો મારા ઘરની લક્ષ્મી છે જે પોતાના સાથે મારો વારસદાર લાવી ‘આવો આવો ઓ તું મારી મા…’ કહી બહુ પ્રેમથી દીકરીને ઉપાડી કપાળ ચુમી ખોળામાં લઇ વાસંતીએ લાવેલ મધ ચટાડયું તે જોઇ અક્ષય અને અંજલી એક બીજા સામે જોઇ મલક્યા તો સુશિલાએ અંજલીને સોંપતા કહ્યું
‘મારી પોત્રીને છાતીએ વળગાડ બિચારી ભુખી હશે..’કહી બીજા બાળકને મધ ચટાળ્યું (પુરી)
૨૦-૦૪-૨૦૧૮
Filed under: Stories |
Leave a Reply