સુશિલા અક્ષયના રૂમમાં પ્રવેશી ત્યારે અક્ષય પોતાના લેપટોપ પર કશું લખવામાં મશગુલ હતો,મા ને પોતાના રૂમમાં આવેલી જોઇ લેપટોપ કોરાણે મુકી પુછ્યું
‘હાં…બોલ મા કંઇ કામ હતું..?’,,
‘હા હવે કમાતા દિકરા માટે જીવનસાથીની શોધ આદરવી જોઇએ..’સુશિલાએ અક્ષયની બાજુમાં બેસી પીઠ પસવારતા કહ્યું
‘મારા લગ્નની તને અત્યારથી ચટપટી લાગી ગઇ આ નોકરી મળી તેને છ મહિના પણ નથી થયા..’અક્ષયે વાત ટાળતા કહ્યું
‘અરે હું તો ક્યારની રાહ જોતી હતી કે તું ભણી રહે ને કમાતો થાય તો તારા લગ્ન કરાવીને આ ઘરની જંજાળમાંથી ફારગ થઇ જાઉં..’
‘એ હશે તોય પણ…?’આગળ શું બોલવું તેની અવઢવમાં અક્ષય અટવાયો.
‘ભઇ આજના જમાનાનો યુવાન છો,કોઇ પસંદ આવી હોય તો બોલી નાખ તો મારે છોકરી શોધવાની પીંજણ મટે..’કહી સુશિલા મરકી
‘તું યે શું મા એવું કશું નથી..’મ્હોં બગાડી અક્ષયે કહ્યું
‘ભાઇ આજે નાત જાતનું કંઇ રહ્યું નથી લોકો આંતરજ્ઞાતિના છોકરા છોકરીના લગ્ન કરાવવા લાગ્યા છે તેમ તને કોઇ પર નાતની કે પર પ્રાંતની છોકરી પસંદ હોય તો બોલી નાખ તો મારે તારા માટે છોકરી જોવા ફાંફા ન મારવા પડે.’
‘મા એક વખત કહ્યુંને કે એવું કશું નથી..’નારાજ થતા અક્ષયે કહ્યું
‘તો હું તારા માટે મારી રીતે છોકરી શોધવાનું શરૂ કરુંને..?’
‘જેવી તારી મરજી…’કહી અક્ષય રૂમ બહાર જતો રહ્યો.
-૦૦૦૦૦-
આખર પુરોહિતજીની બતાવેલ અને સુશિલાએ પસંદ કરેલ એની જ સહેલી વાસંતીની દીકરી અંજલી સાથે અક્ષયના લગ્ન ધામધુમથી પુરા થયા.ત્રણ જીવનો સંસાર સુખ રુપ ચાલતો હતો.સુશિલાએ ખરેખર ઘરની બધી જવાબદારી અંજલીને સોંપી દીધી અને કહ્યું
‘દીકરી તું સમજદાર છે એટલે આ ઘર કેમ ચલાવવું એ તું વિચાર હા કંઇ વિઘ્ન આવે ત્યારે પણ તું તારી રીતે ઉકેલવાનું રાખજે નહીંતર હું તો છું જ એ વાતની ધરપત રાખજે..’
નદીના વહેણ જેમ સમયનો પ્રવાહ વહેતો હતો તેમાં ત્રણ વરસ ક્યારે વીતી ગયા ખબર ન પડી જાણે ગઇકાલની જ વાત છે.એક દિવસ સુશિલા આરામ ખુરશીમાં બેસી સવારનું છાપું વાંચતી હતી ત્યારે ઘરની બેલ વાગી સુશિલાએ દરવાજો ખોલ્યો તો એની જુની સહેલી રમિલાને ઊભેલી જોઇ
‘આવ રમી…કહી આવકારી પણ મનો મન કહ્યું આ લપ સવારના પહોરમાં ક્યાં ભટકાણી છતાં હસતું મોઢું રાખી પુછ્યું
‘તું તો જબલપુર હતીને અહીં ક્યારે આવી..બેસ બેસ..’સોફા તરફ હાથ લંબાવી કહ્યું
‘હા…જબલપુરમાંની કંપનીમાંથી તારા બનેવી રિટાયર થયા એટલે બે અઠવા.ડિયા પહેલાં એ ભાડાનું ઘર ખાલી કરી બધો લબાચો લઇ મુંબઇના ઘરમાં સેટ થયા..’સોફા પર બેસતા રમિલા કહ્યું ત્યાં સુધી અંજલી ટ્રેમાં પાણીના ગ્લાસ લાવી તો સુશિલાએ કહ્યું
‘અંજુ બેટા ચ્હા બનાવજે…’સાંભળી ખાલી ગ્લાસ લઇ અંજલી રસોડામાં ગઇ.(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply