(ગતાંકથી આગળ)
‘હા હરિભાઇ અમારી તો દુનિયા લુંટાઇ ગઇ..’
આ સાંભળી હરેશે કૃષ્ણકાંત સાથે થયેલ અને પછી પુણે જઇ સુજાતા સાથે જે વાત થઇ એ બધી વાત કરી તો ઉત્સાહિત થઇને કૌમુદીએ પુછયું
‘એમનાથી સુજાતાને બબ્બે દીકરા છે…?’હર્ષાવેશમાં બે હાથ હોઠ પર મુકી કૌમુદીએ પુછયું
‘હા ટ્વિન છે…મોટો નરેશ ડોકટર છે અને નાનો યોગેશ ઇન્જીનીયર છે.’
‘હરિભાઇ મને મારા દીકરાઓ પાસે લઇ ચાલો..’અતિ ઉત્સાહિત અને અધિરાઇથી હરેશનો હાથ પકડી ગળગળા સાદે કૌમુદીએ કહ્યું
‘ભાભી આપણે આવતી કાલની ટ્રેઇનમાં સીધા પુણે જઇશુ અને ત્યાંથી મહાબળેશ્વર અને ત્યાં તમારા દીકરાઓ અને સુજાતા સાથે મેળાપ કરાવી આપીશ..’
કૃષ્ણકાંત,હરેશ અને સુજાતાની કરેલ ગોઠવણ મુજબ સૌ મહાબળેશ્વરમાં ભેગા થયા. કૃષ્ણકાંત અને કૌમુદીના રૂમમાં હરેશ સુજાતા,નરેશ અને યોગેશને લઇ આવ્યો તો વર્ષોથી કૃષ્ણકાંતને મળવા આતુર બંને હર્ષાશ્રુ સાથે પપ્પા કહીંને કૃષ્ણકાંતના ચરણ સ્પર્શ કરી ગળે મળ્યા.કૌમુદીએ સુજાતાને બાથ ભીડી તો એ રડી પડી અને કહ્યું
‘મોટીબેન મને મારા ગુન્હા બદલ માફ કરજો..’
‘તેં ફકત એક જ વખત એમનો પડખો સેવ્યો તેથી બબ્બે રતન આપ્યા અને આખી જીંદગી એકલી વિજોગણ તરિકે કાઢી નાખી તારો ત્યાગ અનન્ય છે છતા માફી માંગે છે….?’કહી કૌમુદી રડી પડી.
આ બધાના સાક્ષી સૌની આંખ ભીની થઇ ગઇ. કૃષ્ણકાંતથી છુટા પડી નરેશ અને યોગેશ કૌમુદીને ‘મોટીબા..કહી ચરણ સ્પર્શ કરી ગળે વિટળાયા. ઔપચારિક વાતો પછી સૌ જમવા ગયા અને મહાબળેશ્વરમાં ફર્યા રાત્રે સૌ જમી રહ્યા એટલે હરેશના આગ્રહથી સૌ પુણે જવા રવાના થયા.
સુજાતા પોતાના રૂમમાં આવી તો પલંગ ઉપર કૌમુદી બેઠી હતી અને એના ખોળામાં માથુ મૂકી નરેશ અને યોગેશ સુતા હતા અને કૌમુદી બંનેના માથાના વાળમાં આંગળા ફેરવતી હતી એ જોઇ સુજાતા બારણામાં જ ખોડાઇ ગઇ ત્યાં તો કૌમુદી ક્યાં..? એ શોધતા આવેલ કૃષ્ણકાંતને જોઇ કૌમુદી સફાળી ઊભી થઇ અને સુજાતાને કૃષ્ણકાંત તરફ ધક્કો મારતા કહ્યું
‘ઉપાડ તારો ભાયડોને થા રવાની હવે તો હું મારા દીકરાઓ સાથે જ રહીશ’સાંભળી નરેશ અને યોગેશ બારણા બંધ કરી ‘મોટી બા…’કહી એને ગળે વિટળાયા..(સંપુર્ણ)
Filed under: Stories |
Leave a Reply