બાલ્કનીમાં ઇઝીચેરમાં બેઠેલા હરેશને સવારના શિતળ વાયરાની લહેર શરીરને લપેટાઇ તો તેણે એક નજર રસોડા તરફ કરી,અંદરથી એલચીની સુગંધ આવતી હતી એ એલચીવાળી ચ્હા કયારે મળે એની રાહ જોતો હતો.સુર્યોદયની આછી લાલીમા ફેલાઇ હતી.ચકચક કરતી ચકલીઓનું એક ઝુંડ સામેના પિપળાના ઝાડ પર બેઠું એમની ચેષ્ઠા એ જોતો હતો ત્યાં…
‘આ તમારી ચ્હા…’ કહી તરૂલત્તાએ હરેશને કપ પકડાવ્યો
‘તો તારી ક્યાં…?’
‘લાવું છું…’કહી તરૂલત્તા પોતાની ચ્હાનો કપ લાવી હરેશની સામે મુકેલી બીજી ઇઝી ચેરમાં બેઠી અને બંને આછા મરકતા ચ્હાની ચુસકી લેવા લાગ્યા પણ હરેશ તો કોઇ કારણ વગરની અવઢવમાં હતો કે,આજે બુધવાર છે કે,ગુરૂવાર છે..?
તરૂલત્તાને તો આ વાત પુછાય જ નહીં એના પાસે તો રોકડો જવાબ હોય
‘તમારે ઇ જાણી શું કરવું છે..? તમારે ક્યાં માણેકથંભ રોપવા જવું છે..? આજે બુધવાર હોય કે ગુરૂવાર તમને શું ફરક પડે છે..?’
‘આ છાપા વાળો હજી નથી આવ્યો…?’બુધવાર કે ગુરૂવારની અવઢવમાં હરેશથી પુછાઇ ગયું
‘ઇ સાત વાગે આવશે..હજી સાત ક્યાં વાગ્યા છે..?’ચિડાઇને તરૂલત્તાએ કહ્યું
હરેશના મગજમાં ઝબકારો થયો હોય તેમ તરૂલત્તાને પુછયું
‘ગઇકાલનું છાપું ક્યાં છે…?’
‘આજે સવારના પહોરમાં તમને છાપાનું ભુત કેમ ભરાયું છે…? ગઇ કાલે સાંજે ઓલો ભિખુ પસ્તી લેવા આવ્યો હતો તેને પસ્તી ભેગું ઇ પણ આપી દીધું…કેમ કંઇ ખાસ હતું એમાં…?’જરા ચિતીત સ્વરમાં તરૂલત્તાએ પુછયું
‘ના…આ તો એક લેખ વાંચ્યો હતો તેનો લખનાર કોણ હતો એ જાણવું હતું…’ ઓછપાઇને હરેશે કહ્યું
થોડી વાર કોઇ કંઇ બોલ્યું નહીં તરૂલત્તા ખાલી વાસણ લઇ રસોડામાં ગઇ ઘરના ઘડીયાલમાં સાતના ટકોરા પડયા અને બાલ્કનીમાં છાપાનું ભુંગળુ પડયું એ જોતા હરેશે ચિત્તો શિકાર પર ઝપટ મારે તેમ ઉપાડયું અને છાપાનું મથાળુ વાંચતા ખબર પડી કે, આજે ગુરૂવાર હતો પણ એકાએક તેની નજર સંપાદકના નામ પર પડી કૃષ્ણકાંત ગગલાણી વાંચીને નવાઇ લાગી.
‘આ કાંતિયો તો સિમલામાં હતો એ કચ્છમાં ક્યાંથી ના..ના..નક્કી આ બીજો કોઇ કૃષ્ણકાંત હશે..પણ બીજો કૃષ્ણકાંત હોઇ શકે પણ ગગલાણી તો ન જ હોઇ શકે…’ મનોમન હરેશે કહ્યું
પેલું આજે બુધવાર છે કે ગુરૂવાર એમ ધુણતું ભૂત તો શાંત થઇ ગયું અને એની જગાએ આ કૃષ્ણકાંત ગગલાણી કોણ એવા નવા ભૂતે કબજો કરી લીધો.એક વખત વિચાર આવ્યો કે છાપાની ઓફિસમાં ફોન કરી પુછી જોવું પછી થયું જો એ કાંતિયો જ હશે તો મળવાનો આનંદ ઓસરી જશે.ફટાફટ નિત્યક્રમથી પરવારી ચ્હા નાસ્તો પતાવીને હરેશ કૃષ્ણકાંત ને મળવા ચાલ્યો
‘તરૂ હું જરા લાયબ્રેરીમાં જઇ આવું…’એમ કહી હરેશ બહાર નીકળી ગયો.
રસ્તા પર જતી રિક્ષા પકડી એ મંગલ પ્રભાતની ઓફિસમાં આવ્યો અને ત્યાં પસાર થતાં કર્મચારીને પુછયું
‘આ ગગલાણી સાહેબ ક્યાં બેસે છે..?’
‘ડાબા હાથની કેબિનમાં..’
હરેશે એ કેબિનના દરવાજા પર ટકોરા મારી પુછયું
‘My I come in sir…?’
‘yaa…’ કશું વાંચવામાં વ્યસ્ત એ વ્યક્તિએ ચશ્મા ઉતારી કોરાણે મૂકતા કહ્યું
‘કાંતિયા તું…?’કહી હરેશ બેઠેલી વ્યક્તિનો હાથ પકડી ઊભો કરી બાથ ભીડી
‘હરિયા તું…? બેસ બેસ..’સામેની ખુરશી તરફ હાથ લંબાવતા કૃષ્ણકાંત બેઠો
‘તું તો સિમલામાં હતો પછી અહીં એકાએક…?’ઉત્સુકતાથી હરેશે પુછયું
‘એ જરા લાંબી પણ અટપટી વાત છે…’કહી કૃષ્ણકાંત ઊભો થયો ને કહ્યું
‘ચાલ બીજે ક્યાંક બેસીએ..’કહી બહાર આવેલા કૃષ્ણકાંતે એક ટેબલ પર બેઠેલા માણસને કહ્યું
‘જેન્તીભાઇ હું જરા બહાર જાઉં છું કલાક વારમાં આવી જઇશ ત્યાં સુધી કેબીનમાં રહેજો..’
‘જી ભાઇ..’કહી જેન્તીભાઇ કૃષ્ણકાંતની કેબિન તરફ ગયા.
ઓફિસ બહાર આવીને બંને સ્ટેશન રોડ પર આવ્યા અને એક રેસ્ટોરન્ટમાં બેસી બે ચ્હા અને સેન્ડવીચ મંગાવી
‘આપણે કોલેજ ની ફાઇનલ પછી સિમલા ગયેલા..’
‘તને સિમલામાં જોબ મળતા અને તું ત્યાં રહી ગયો અને હું કાકાને ત્યાં કંપાલા ગયો એ બધી સ્ટોરીની મને ખબર છે આગળ બોલ…’
‘સિમલામાં જોબ મળ્યાના બે વરસ પછી બાની મરજી મુજબ મેં નલિયાની કૌમુદી સાથે લગ્ન કરી લીધા અને એક જ વર્ષ પછી આવેલ પૌત્ર ઉદયને જોઇ બા બહું ખુશ થઇ ગઇ.ઉદયનો પહેલો બર્થ-ડે ઉજવી કચ્છનું ઘર બંધ કરી અમે બધા સિમલા જતા રહ્યા.એક વરસનો ઉદય ક્યારે ઉદય ગગલાણી સીએ થઇ ગયો ખબર ન પડી.કોલેજ કાળમાં જ ઉદયની ઓળખાણ અમેરિકન ગ્રીન કાર્ડ હોલ્ડર જોન્સન એન્ડરશનની એકની એક લાડલી કેથેરીન સાથે થિઇ ગઇ અને બંને પ્રેમમાં હતા. કેથેરીન ઉદય સાથે લગ્ન કરી બેટર ફ્યુચર માટે તેને અમેરિકા લઇ જવા માંગતી હતી કૌમુદીનો મત જાણી આખર આર્ય સમાજ વિધીથી બંનેને પરણાવી દીધા અને ઉદય અમેરિકા ગયો.’
‘હા બાળકોના ભવિષ્યનો વિચાર કરવો જોઇએ અને આ તો બેસ્ટ ચાન્સ હતો..’(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply