‘શારદાબેન….’
‘એ આવો વેવાણ….’કહેતા શારદાબેન રસોડામાંથી આવ્યા
‘…………’
‘આવો આવો બેસો…’
‘હું બેસવા નથી આવી સંભાળો તમારો સંપેતરો…’કહી બાવડું પકડી મયુરીને શારદાબેન તરફ ધકેલતા અનુબેન બોલ્યા
‘હાય…હાય… વેવાણ આ શું બોલો છો આ તમારી પુત્રવધુ છે તેને સંપેતરો કહો છો…?’શારદાબેને આશ્ચર્ય પામતા કહ્યું
‘ભલે સંપેતરો નહીં તો નમુનો કહું..?’અનુબેન ફરી ગર્જયા
‘આજે તમે કેવી વાત કરો છો..? અને મયુરીને તમે કેમ અહીં લાવ્યા…? દીકરી વળાવ્યા પછી તો સાસરે જ રહેને..?’શારદાબેને દલીલ કરી
‘એ જે હોયતે…’મ્હોં મચકોડી અનુબેને કહ્યું
‘ઓહો…હવે સમાજાયું…મમ્મી…આજે સવારના પહોરમાં બહુ હસી હસીને આ બાઇએ મને કહ્યું ચાલ મયુરી આપણે શારદાબેનને મળી આવીએ, ત્યારે મને તો થયું કે મારી માના તો ઉઘડી ગયા ધન ભાગ ને ધન ઘડી પણ આ બાઇ મને આ માટે અહીં લાવી હશે એની ખબર ન હતી..’ઘુરકિયું કરતા મયુરીએ કહ્યું
‘મયુ… બેટા આ તારી સાસુમા છે તેન માટે આ બાઇ….આ બાઇ….શું કર્યા કરે છે..?’શારદાબેને ઠપકો આપતા પુછ્યું
‘જોઇ….જોઇ તમારી દીકરીની ભાષા જોઇ…? એટલે જ આનો ટાંટિયો મારા ઘરમાં તો નહીં જ જોઇએ…’અનુબેને કહ્યું
‘ઓ મેડમ અનસુયા મને પણ તારા ઘરમાં રહેવાનો કંઇ શોખ નથી તું મને અહીં ન લાવી હોત તોંય હું મારા માવતરે આવી જ જવાની હતી..’મયુરીએ સામે દલીલ કરી
‘મયુ…મયુ…આ તું શું બોલે છે..?’આશ્ચર્ય પામતા શારદાબેને પુછ્યું
‘મમ્મી હું બોલું છું તે તને ગમતું નથી અને આ બાઇ જેમ ફાવે એમ બોલી શકે એમ…?’ભીની આંખે રડમસ મયુરીએ કહ્યું
‘જેમ ફાવે તેમ…?’શારદાબેને આશ્ચર્યથી પુછ્યું
‘નહીં તો શું જેમ ફાવે તેમ..’
‘અરે પણ શું જેમ ફાવે તેમ…?’
‘જેમ ફાવે તેમ રોજનો એકનો એક ટકટકારો…?’
‘પણ શું જેમ ફાવે તેમ શું રોજનો ટકરડતા ટકારો મયુ..મયુ..કંઇ ફોડ પાડ તો ખબર પડે..મારો તો જીવ કપાય છે..’શારદાબેને અધિરાઇથી પુછ્યું
‘તે મારો જીવ નહીં કપાતો હોય..? જેમ ફાવે તેમ આ બાઇ બોલે એમને…?’રડતી મયુરીએ કહ્યું
‘મયુ…મયુ પુરી વાત કર શું થયું…?’શારદાબેને અધીર થઇ પુછ્યું
‘આ બાઇ મને કહે તું તો મોઢે ચડાવેલી છો…તને આ નથી આવડતું…તને તે નથી આવડતું….તારી માએ ભુત જેવી અમારે ગળે વળગાળી દીધી છે…’કહી મયુરી શારદાબેનને બાઝીને રડી પડી
‘કોણ જાણે કઇ કાળ ઘડીએ મારો જયલો આના પર મોહી પડયો..?’નિશ્વાસ નાખી અનુબેને કહ્યું
‘તે તમે સામે ચાલીને મારી દીકરીનો હાથ માંગવા આવ્યા હતા હું કંઇ તમને સામે ચાલીને સોંપવા નહોતી આવી..’શારદાબેને મયુરીની પીઠ પસવારતા કહ્યું
‘ત્યાં જ ભુલ થઇ…’કપાળે હાથ મારી અનુબેને કહ્યું
‘તમારી દીકરી એ મારી દીકરી એમ કોણ બોલ્યું હતું…?’શારદાબેને પ્રશ્ન કર્યો
‘એ જે હોય તે પણ આનો ટાંટિયો મારા ઘરમાં તો નહીં જોઇએ…’દ્રઢતાથી અનુબેને કહ્યું
‘તો તમે ખાંડ ખાવ છો મેડમ અનસુયા હું કંઇ મારી માને ભારે પડવાની નથી એજ્યુકેટેડ છું એજ્યુકેટેડ જોબ કરી મારી રીતે રહી શકું એમ છું હા….’મયુરીએ આંખો લુછતા કહ્યું
‘અરે છોકરાઓ ભુલ કરે તેને સમજાવીને સુધારવાની કોશિશ કરવી જોઇએ એના બદલે આમ માવતરના ઘેર ધકેલવી એ ક્યાંનો ન્યાય..?’શારદાબેને દલીલ કરી
‘એ શારદાબેન મને ઉપદેશ આપતા પહેલા પોતાના ઘરમાં જુવો..આ તો પોતાની લિપયલી હોય ને બીજાની ધોવા ચાલ્યા..’મ્હોં મચકોડી અનુબેન બોલ્યા(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply