૧૯૫૦ની સાલમાં કરાંચીમાં કોમી રમખાણ ફાટી નિકળ્યા ત્યારે ખેંગાર જેવતનું મન ભયના ભારણ હેઠ પડિકે બંધાઇ ગયું.એક રાતે તેણે પોતાની ઘરવાળી રૂડીને કહ્યું
‘રૂડી હવે અહીં રહેવામાં જોખમ છે માટે આપણે અહીંથી વહેતી તકે ઉચાળા ભરી લેવા જોઇએ..’
‘તો શું કરીશું અને ક્યાં જઇશું…?’ચિતીત સ્વરે રૂડીએ પુછ્યું
‘બીજે ક્યાં જ્યાં આપણા વડવાના મૂળિયા છે એવા સરહદને પેલે પાર કચ્છડે જઇશું એટલે હળવે બધી તૈયારી કરી લે…’
બીજા દિવસે રૂડીએ પોતાના મનનો ઉભરો પાડોશમાં રહેતી તેની સખી હલિમા પાસે ઠાલવ્યો એ સાંભળી હલિમા પણ હાય અલ્લાહ કહી ગભરાઇ ગઇ એણે તેના ધણી હમીદ અલ્લારખાને બધી વાત કરી.બપોરા કરીને હમીદ ખેંગારને મળ્યો
‘આ હલિમા શું કહે છે એને ભાભીએ કહ્યું કે,તું સરહદને પેલે પાર કચ્છ જાય છે..?’
‘હા હમીદ અહીં ક્યારે પણ વેતરાઇ જવાના ભયના ઓથાર નીચે જીવવા કરતા વહેલી તકે કરાચી છોડી જવી સારી ત્યાં ચેન અને અમનથી જીવી તો શકાય..?’કહેતા ખેંગારની આંખ ભીની થઇ ગઇ.
‘તો હું પણ તારી સાથે જ આવીશ…’હમીદે ખેંગારને બાથ ભરતા કહ્યું
‘પણ તું તો મુસલમાન છે તને અહીં ભય કેવો..?’
‘ના યાર તું જઇશ તો તારા આ ખાલી ખોરડામાં કોણ જાણે કોણ રહેવા આવશે…કોઇ હિન્દુ તો આવશે નહીં અને કોઇ મુસલમાન આવે તો તું તો જાણે છે કે હું તારી જેમ શુધ્ધ શાકાહારી છું અને આવનાર પોતાના ઘરમાં જો માંસ મચ્છી રાંધે તો એના વઘારની ધાંસ ઘરમાં કોઇથી સહેવાય નહીં અને એ માટે પડોશીને કંઇ કહેવાય નહીં એના કરતા હું પણ તારી સાથે જ આવીશ બાકી અલ્લાહ મોટો માલિક છે એને જે મંજૂર હશે તે પણ હું તારા વગર અહીં તો નહીં જ રહું…’હમીદે પોતાનો દ્રઢ નિર્ણય ખેંગારને જણાવ્યો.
બંને મિત્રો કાળી રાત ઓઢીને સરહદ પાર જવા નિકળી ગયા અને અથડાતા કૂટાતા સરહદ પાર કરી ગયા અને એક માછીમારના હોડકામાં બેસીને માંડવીના સલાયામાં ઉતરી હાશકારો ભર્યો.
માંડવીમાં હમીદે પોતાના કસબ બાંધણીનું કામ શરૂ કર્યું અને ખેંગારે એક પાનની દુકાન ખોલી અને તેના દીકરા જખુને દુકાનની બાજુમાં ચ્હાની દુકાન ખોલી આપી અને બંને કુટુંબો ચેન અને અમનથી રહેતા હતા.ખેંગાર અને હમીદની મૈત્રી ભાઇચારાથી અદકેરી હતી જેમાં કોમ વાદ ન હતો.હમીદા અને રૂડીના બહેનપણા પૂર્વવત જ રહ્યા. હમીદાએ બનાવેલી સેવૈયા રૂડીના ઘેર જતી અને રૂડીના ઘેર બનેલી ખીર હમીદાના ઘેર જરૂર જતી.હમીદની દીકરી કુલસુમ અને જખુ વચ્ચે સગા ભાઇ બહેનથી પણ વધારે પ્રેમ હતો.રક્ષાબંધનના દિવસે કુલસુમ સરસ ગુજરાતી ઢબથી સાડી પહેરી,કપાળમાં ચાંદલો ચોડી રૂડીએ તૈયાર કરી રાખેલી પૂજાની થાળીમાંથી જખુના કપાળે ચાંદલો કરી આરતી ઉતારી રાખડી બાંધી આપતી અને બજારમાંથી ખાસ મંગાવેલી મિઠાઇ ખવડાવતી જખુ ખેંગારે આપેલા પૈસા તે રક્ષાબંધનની ભેટ તરિકે બહેન કુલસુમને આપતો. (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply