તલકશી રાતના વાળુ પછી આરામથી હિચકે બેસીને ઝુલતો હતો .બાજુમાં બેસી વસુમતી પાનદાનીમાંથી પાન બનાવી રહી હતી.એણે એક પાન તલકશીને આપ્યું અને બીજું પોતાના ગલેફે દબાવ્યું
‘ખબર નથી વસુ તારા હાથમાં શું જાદુ છે તારા પાનની મજા અનેરી છે,ઘણી વખત મિત્રો સાથે ઓલા વીરજી માલમના પાનના ગલ્લે પાન ખાવાનો મોકો મળે ત્યારે એટલી મજા નથી આવતી…’
‘બસ…બસ…તલક તને જોઇએ તો બીજો પાન બનાવી આપીશ આમ ખોટા મસ્કા પાલીસ કરવાની જરૂર નથી. લાજો લાજો આ ઉમરે આવા વેવલા વેડા તમને શોભતા નથી…’વસુમતીએ છણકો કર્યો
‘આ લે સાચી વાત કરી તો મસ્કા પાલીસ થઇ ગઇ…?’
‘હશે ચાલ ડગલો પહેર તો જરા બહાર આંટો મારી આવીએ..’ચપ્પલમાં પગ ઘાલતા વસુમતીએ ઉમેર્યું
‘આ મુકલો હજુ નથી આવ્યો..?’
‘તારો દીકરો ધંધામાં ક્યાંક અટવાઇ ગયો હશે…’ખીંટી પર લટકતી ટોપી પહેરતા તલકશીએ કહ્યું
મુકેશ તલકશીનો એકનોએક લાડકવાયો દીકરો તલકશીએ નિવૃતિ લઇ સોંપેલો સ્ટોર ચલાવતો હતો. કોલેજમાં હતો ત્યારે લોકોને ઊંઠા ભણાવીને પારકા પૈસે જલસા કરવામાં તે અઠંગ ઉસ્તાદ હતો અને તેને ગમતી ગમેતે ચીજ યેનકેન પ્રકારેણ પડાવવામાં તેણે પાછી પાની કદી નથી કરી પણ સ્ટોરની જવાબદારી આવી પડતા એ બધી પ્રવર્તિ પર લગામ લાગી ગઇ.
એક દિવસ તલકશીને વસુમતીએ કહ્યું
‘આ મુકલા માટે હવે કન્યા શોધવી જોઇએ કેટલા દિવસ આમ વાંઢો ફર્યા કરશે…?’
‘મને લાગે છે આપણે કન્યા શોધવા પહેલા તેને જ પુછવું જોઇએ જો તેને કોઇ પસંદ હોય તો આપણને કન્યા શોધવાની પડોજણમાં પડવાનું મટે..’
‘હા વાત તો તારી સાચી છે આજના જમાનાના છોકરાઓ પોતા માટે કન્યા પોતે જ શોધી લેતા હોય છે’
રાતે વાળુ પત્યા પછી મુકેશ પોતાના રૂમમાં જતો હતો તો તલકશીએ કહ્યું
‘મુકલા અહીં આવ…’
‘બોલો પપ્પા શું કામ હતું…?’
‘એલા આમ હરાયા ઢોરની જેમ ક્યાં સુધી વાંઢો ફર્યા કરીશ તને કોઇ કન્યા પસંદ હોય તો વાત કર નહીંતર તારા માટે છોકરી શોઢવાનું શરૂ કરીએ..’બાવડૂં પકડી પોતાના પાસે બેસાડતા તલકશીએ કહ્યું
‘ના…પપ્પા એવું કશું નથી…’મલકીને મુકેશે કહ્યું
‘ભઇ કોલેજમાં ભણતા કોઇ આંતરજ્ઞાતિની છોકરી પસંદ આવી ગઇ હોય અને તને અમને કહેવામાં અવઢવ થતી હોય તો તેવું કહી દે ભાઇ આજનો જમાનાની તાસીર એવી છે..’
‘કહ્યું ને પપ્પા એવું કશું નથી…’મલકીને મુકેશે ફરી કહ્યું
‘સારૂ સારૂ તો હવે મારે દુરબીન લઇને શોધ કરવી પડશે…’કહી તલકશી હસ્યા
બે દિવસ પછી મુકેશના સ્ટોર પર કોલેજ કાળમાં મુકેશના બધા જાકબના ધંધામાં જમણા
હાથ જેવો વિપુલ સ્કોર્પિયન ગાડીમાં આવ્યો.મુકેશ તો ઘડી ભર વિપુલને પગથી માથા સુધી આશ્ચર્યથી જોતા જ રહી ગયો.
‘વાહ…!! સ્કોર્પિયન ગાડી…રેબનના ચશ્મા…સોનેરી રોલેક્ષ ઘડિયાળ…મોંઘો સુટ બુટ અને પરફ્યુમ વિપલા શું ઠાઠ છે તારા તો…? આવ આવ કેબીનમાં બેસીએ…અરે…જેનીફર જરા કાઉન્ટર પર ધ્યાન રાખજે…’કહી મુકેશ અને વિપુલ કેબીનમાં બેઠા તો મુકેશે બેલ મારી
‘જી સાહેબ…’પટ્ટાવાળાએ આવીને પુછ્યું
‘જરા સરસ બે ચ્હા બનાવી લાવ….’
‘જી….’
‘હાં તો વિપલા ક્યાં છો તું અને શું ચાલે છે કંઇ ખબર પડે…?’મુકેશે ઉત્સુકતાથી પુછયું
‘દુબઇમાં એક કંપનીમાં કામ કરૂં છું અને સારૂ ચાલે છે…’બે ફિકરાઇથી વિપુલે કહ્યું
ત્યાં સુધી ચ્હા આવી અને પિવાઇ ગઇ તો વિપુલે ૫૫૫ સિગારેટનું પાકિટ કાઢી એક સિગારેટ ગોલ્ડન લાઇટરથી સળગાવી પાકિટ અને લાઇટર મુકેશને આપ્યા.મુકેશે સિગારેટ સળગાવી લાઇટર ફેરવી ફેરવીને જોવા લાગ્યો તો વિપુલે કહ્યું
‘એમ ફેરવી ફેરવીને શું જુવે છે ગમતું હોય તો રાખી લે…’મુકેશની આદતનો જાણકાર વિપુલે કહ્યું
‘સાચે જ…?’
‘હા…મારે તને એક વાત કરવી છે…’વિપુલે મમરો મૂકયો
‘હાં…બોલ શું કહેવું છે….?’મુકેશે પુછ્યું
‘વાત જરા પ્રાઇવેટ છે તને તો ખબર છે કે દિવાલોને પણ કાન હોય છે એમ કર પરમ દિવસે રવિવાર છે આપણે ખંડાલા લોનાવલા જઇએ અને ત્યાં ક્યાંક બેસીને વાત કરીશું હું તને અહીં સ્ટોર પરથી…’
‘રવિવારે હું સ્ટોર બંધ રાખું છું..’
‘તો વાંધો નહીં પણ બસ અહીં મારી નવ વાગે રાહ જોજે અહીંથી જ આપણે જઇશું..ઓકે…ચાલ હું જાઉ છું…’કહી વિપુલ ગયો
રવિવારે નક્કી થયા મુજબ નવ વાગે વિપુલની સ્કોર્પિયન ગાડી મુકેશના સ્ટોર પાસે આવીને ઊભી રહી. વિપુલે ડ્રાઇવર સીટ પરથી જ બારણું ખોલ્યું અને મુકેશ ગાડીમાં બેઠો અને ગાડી ખંડાલા ઘાટ તરફ વહેતી થઇ બંને જુની વાતો યાદ કરતા હતા.આખર રસ્તા ની બાજુમાં એક એકલાયદી જગાએ ગાડી ઊભી રહી. બંને ગાડીમાંથી બહાર આવ્યા તો ગાડીનું પાછલું બારણું ખોલી વિપુલે બે ફોલડિન્ગ ચેર્સ કાઢી અને સાથે એક બેગ ઉપાડી.બંને ફોલ્ડિન્ગ ચેરમાં ગોઠવાયા તો વિપુલે બે બીયરની બોટલ કાઢી અને પોટેટો ચિપ્સના પેકેટ્સ કાઢયા બંને બોટલ ઓપનરથી ખોલી એક પ્લાસ્ટિકની ડબ્બીમાંથી લિંબુની બે સ્લાઇઝ કાઢી એકેક બોટલમાં મુકી અને એક મુકેશને આપી બોટલથી બોટલ અડાડી કહ્યું ‘ચીયર્સ…..’
ચિપ્સના પેકેટ ખુલ્યા અને બંને બીયરનો આનંદ માણી રહ્યા.લગભગ અરધી બોટલ પીવાઇ ગયા પછી મુકેશે પુછ્યું
‘હાં…તો હવે બોલ તું શું કહેવા માંગતો હતો…?’સાંભળી ચિપ્સ ચાવતા વિપુલ મુકેશ સામે મલક્યો
‘બાટલી તો પુરી થવા દે એટલી બધી શી ઉતાવળ છે..?’ કહી વિપુલે બોટલમાંથી ઘુંટડો ભર્યો
હવે આ વિપલો સ્વયં બોલે નહીં ત્યાં સુધી રાહ જોવી રહી એમ વિચારી મુકેશે પણ એક ઘુંટડો ભર્યો..બાટલી ખાલી થઇ ગઇ ત્યાં વિપુલે આઇસ બોક્ષમાંથી બીજી બે બોટલ કાઢી.મુકેશ શું થાય છે એ જોતા ચુપચાપ અહીં ત્યાં નજર ફેરવતા બીયર પીવા લાગ્યો અને ચિપ્સ ચાવતો હતો.આખર બીજી બોટલ પણ પુરી થઇ ગઇ તો વિપુલે સિગારેટનું પાકિટ અને લાઇટર કાઢયા અને એક સળગાવી પાકિટ અને લાઇટર મુકેશને આપ્યા.મુકેશે પણ એક સિગારેટ સળગાવી અને બે ફિકરો થઇ સિગારેટની મોજ માણી રહ્યો. (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply