એ મળી ચાલી ગઇ આભાસ બાકી છે;
એ ફરીથી આવશે વિશ્વાસ બાકી છે
આ તમસ ચોપાસ ને ચોફેર બેઠો છે;
હું રહ્યો શોધી કશે અજવાસ બાકી છે
પાળિયા ઊભા કરો એ વાત ન્યારી છે;
શોધવા દફનાવવાને લાશ બાકી છે
ઘાવ જે લાગ્યા હ્રદય પર દુશ્મનો હાથે;
તે થકી ઊંડા પડેલા ચાસ બાકી છે
પ્રેમના સુરજ પરે જોખમ રહ્યું એવું;
ભય સતાવે છે સતત ખગ્રાસ બાકી છે
ખલકના દુઃખો બધા ભેગા થયા રાખ્યા;
હો અગર બાકી હજુ અવકાશ બાકી છે
ફૂલ સૌ અરમાનના ખિલ્યા ને કરમાયા;
તે છતા મૂકી ગયા સુવાસ બાકી છે
પ્રેમથી મળતા અબોલા એ કરી બેઠા;
યાદમાં તો પણ હજુ મિઠાશ બાકી છે
આ “ધુફારી”ની કલમ તો લખતી રહે કવિતા;
એ મહીં સૌ પ્રાસ કે અનુપ્રાસ બાકી છે
૨૨/૧૨/૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply