‘સાટું’    

patient

         મકનપર ચોકડી પાસેથી પસાર થતાં હાઇવે પાસે એક ઘેઘુર વડલા નીચે છાપરું બાંધી પાંચે કહેવાતી ચ્હાની હોટલ બનાવેલી.આખો દિવસ દૂધ પુરૂં થાય ત્યાં સુધી હોટલ ચલાવી સાંજે પાંચો ઘેર જવા નીકળતો.આખા દિવસ ખડે પગે રહેવા પછી મકનપર ગામના પાદરે તળાવની પાળને અડી આવેલા વડલાના ઓટલા પર રોજની જેમ થાક ખાવા આજે પણ રોકાયો.

      ગલ્લામાંથી ખિસ્સામાં ઘાલેલા આજની કમાણીના થોડાક રૂપિયાના ડૂચા અને વધારે પરચુરણ બહાર કાઢી ને ગણત્રી કરી. નિરાશ થઇ સ્વગત કહ્યું

‘પાંચા આતો રોજની બાંધી આવક જેટલા જ છે…?’ પછી પોતા પર જ હસ્તા ઉમેર્યું

‘તે આ ચ્હાની હોટલ તને થોડા જ હજારો કમાઇ આપવાની છે…વાત કરે છે?’

 ખિસ્સામાંથી વકરા સાથે બહાર આવેલ બીડીનું બંડલ અને બાકસ એક કોરાણે મુકી વકરો પાછો ગજવામાં નાખી બંડલમાંથી એક બીડી સળગાવી અને હળવેકથી ઓટલા પર લાંબો થ્‍ઇ ગયો.

          એકાએક એક વડનું પાકેલું પાંદડુ તેના પર આવી પડ્યું અને આખો દિવસ ખડે પગે ઊભા રહેવાથી થાકેલા પગને આરામ મળતા ઘણી વખત એ ઝોકે ચઢી જતો. આજે પણ કંઇક ઘેરાતી આંખ પર પાંદડું પડતા તેની નજર વડની ઘેઘૂર ઘટા અને હવામાં ઝુલતી વડવાઇઓ પર પડી જે જોતા એ અતીતમાં ખોવાઇ ગયો.

            બાળપણના એ કેવા સોનેરી દિવસો હતા ન હતી કશી ફિકર કે ન હતી કશી ચિંતા બસ મસ્તરામ જેમ દિવસો પસાર કરતા હતા.આ મંગલસર તળાવ ભરેલું હોય ત્યારે વડના ઝાડ પર ચડી કોણ વધુ ઊંચેથી ભૂસકો મારે છે તેની ચડસા ચડસી થતી પછી ભૂસકો મારી તળાવની સામે કિનારે આવેલી કનકાવતી વાવ સુધી જતા અને પાછા આવી તળાવના આ કિનારે આવેલી રતન વાવ પર થાક ખાતા. 

              આ જ વડલા પર ચોર પોલીસ રમત રમતા અને તેને યાદ આવ્યો મનહર તે દિવસે ઘણી ઉંચાઇએ ગયેલા મનહરને પકડવા પોતે કેટલું મથેલો પછી શું કરવું એ વિચારતો હતો ત્યાં જ મનહર જે ડાળખીના આધારે બેઠો હતો તેની પકડ ઢીલી થઇ જતા પોતે બેઠો હતો ત્યાં પડતો હતો તો મનહરનું પહેરણ વડની એક ડાળખીમાં ભેરવાઇ ગયું અને મનહરની નીકરનો પાયચોં તેના હાથમાં આવી ગયો તે ખેંચી તેણે મનહરને પકડી લીધો અને વડવાઇના આધારે નીચે લઇ આવ્યો ત્યારે મનહરની આંખ ઉભરાઇ એટલે મનહરના ખભે ધબ્બો મારી કહેલું

‘આ તો રમત છે તેમાં પકડાઇ જતા છોકરીની જેમ રોવા શું બેઠો…?’

‘નહીં પાંચા આ પકડાઇ જવાના ખેદના આંસુ નથી પણ તેં જો આજે મને બચાવ્યો ન હોત તો હું વડના ઓટલે પટકાઇ ને મરી ગયો હોત…’કહીં મનહર તેને ભાથ ભીડી ફરી રડી પડ્યો.

   આવી કેટલીએ દુઃખદ અને વધુ સુખદ યાદો ચિત્રપટની પટ્ટી જેમ ફરી વળી. વડલા પરથી અચાનક એક પારેવું ઉડયું એ જોતા પાંચાને વિચાર આવ્યો આ વડ પર માળા કરીને ઉડી ગયેલા પંખીઓ જેમ આ વડના ઝાડ પર તેના સાથે રમતા બધા મિત્રો પણ હળવે હળવે પેટિયું રળવા ગામ મુકી જતા રહ્યા,પાંચો ચાર દિવસ માંદી અને બે દિવસ સાજી રહેતી એની બિમાર ઘરવાળી જમનાને લઇને ક્યાં જાય…?

      આ ઇશાક પાસે સાઇકલ છે અને ડોકટરે લખી આપેલી દવાઓ લાવી આપી એ સારૂં થયું નહીંતર સુજાપર સુધી દવાઓ માટે લાંબા થવું પડત પછી બીડીના બે દમ મારી ઠુંઠુ ઓટલા પર ઘસીને ઓલવી થેલી ઉપાડી કહ્યું ‘ચાલ જીવ ઘેર જઇએ…’

        ઘરમાં દાખલ થતા યાદ આવ્યું કે,જમનાને તો એ સરકારી દવાખાનામાં મુકી આવ્યો છે એક મોટો નિશાસો નાખી ઇશાકના ઘર તરફ વળ્યો

‘ઝુબેદા માશી….’

‘હાં બોલ અરે પાંચા તું અહીં છે ઓલો ફટફટિયા પર કોઇ શહેરી જણ તને શોધતો હતો તેને મેં હોટલ પર મોકલાવેલો એ તને મળ્યો નથી..?’

‘ઇશાક ક્યાં….?’

‘ઇ નમાજ પઢવા મસ્જિદે ગયો છે…’

‘ભલે હું ત્યાં જ મળી લઉ…’ કહી દિવાલના ટેકે મુકેલ ઇશાકની સાઇકલ ઉપાડી પેન્ડલ માર્યા અને મસ્જિદ પાસે આવ્યો ત્યારે ઇમામ સાહેબ સામે મળ્યા

 ‘અ..સલામ વાલુકુમ ઇમામ સાહેબ ઇશાકને જોયો…?’

‘વા…અલેકુમ સલામ દીકરા એ તો નમાજ અદા કરીને ગયો કોઇ શહેરીના ફટફટિયા પર….’

‘ચાલ જીવ પારકી આશ સદા નિરાશ….’કહી સાઇકલને પેન્ડલ મારી સુજાપરની વાટ પકડી.  સુજાપરના સરકારી દવાખાનામાં આવ્યો અને જમનાના ખાટલા તરફ ગયો એ ખાલી હતો એટલે પાંચાને ફાળ પડી રઘવાયો થઇ તેણે ત્યાં હાજર નર્સને પુછ્યું

‘મારી જમના ક્યાં…..?’

‘એમના એપેન્ડીસનું ઓપરેશન જરૂરી હતું એટલે નારાયણી હોસ્પિટલમાં દાખલ કર્યા છે..’

‘પણ એને ત્યાં લઇ કોણ ગયું…ને ઓપરેશના પૈસા…?

‘ઇ મને ખબર નથી તમે લવારામાં ફોગટનો ટાઇમ બગાડયા વગર સીધા નારાયણી હોસ્પિટલમાં કેમ જતા નથી…?’પાંચાને તતડાવી નર્સ જતી રહી.

‘હેં…હા..હા….’કહી ખસિયાણો પડેલો પાંચો બહાર આવ્યો અને સાઇકલ ઉપાડતા કહ્યું

‘આ સારૂં છે ઇશાક સાઇકલ ઘેર મુકી ગયો હતો નહીંતર પાંચા તું તો ક્યાં નો પણ ન રહેત..’

       નારાયણી હોસ્પિટલના પ્રાંગણમાં પાંચો દાખલ થયો તે ઉપર બાલ્કનીમાં ઊભા રહી પાન ચાવતા મનહર અને ઇશાકે જોયું એટલે બંને અકેક પિલ્લરની આડમાં ઊભા રહી તેની રાહ જોવા લાગ્યા

‘આ…ઓપરેશનનો રૂમ ક્યાં છે..?’ત્યાંથી પસાર થતી નર્સને પાંચાએ પુછ્યું

‘બીજા…માળે..’

      ઉતાવળે હાંફળો ફાંફળો પાંચો ઉપર આવ્યો કુદરતી સામે ડોકટર મળ્યા તેમને પુછ્યું

‘સાયેબ મારી ઘરવાળી જમનાને કોઇ આંઇ લઇ આયવું છે આતરડાંના ઓપરેશન માટે એ ક્યાં છે…?’

‘આ સામેના વોર્ડમાં જ છે ચાલો…’

      જમનાના ખાટલા પાસે આવીને જોયું જમના ઘેનમાં હતી.

‘સાયેબ આનું ઓપરેશન થઇ ગીયું..?’

‘હા…આજે ન થયું હોતતો રોગ ફેલાઇ જાત અને દર્દીની જાનનું જોખમ હતું..’

‘પણ સરકારી દવાખાનાના સાયેબ તો કહેતા હતા ઓપરેશનની ફી તો ચા…લી…સ હ..હ..જા…ર એ કોણે…કોણે આપી..?’

‘મેં આપી…’ વોર્ડમાં દાખલ થતાં મનહરે કહ્યું

‘મનહર….તેં આજે મારા પર મોટો ઉપકાર કર્યો છે….’કહી પાંચો મનહરને બાથ ભીડી રડી પડ્યો.

‘એલા…વડ ઉપરથી પડતા મને તેં બચાવેલો ત્યારે તો મેં તને નહોતું કહ્યું કે તેં મારા ઉપર ઉપકાર કર્યો…’પાંચાની આંખ લુછતા મનહરે કહ્યું

‘એક રીતે એમ સમજ ને સાટુ વળી ગયું…’ઇશાકે કહ્યું સાંભળી ત્રણેય હસ્યા (પુરી)

 

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: