પિતાંબર અને રતનનો નાનો ઘર સંસાર હતો.પિતાંબર એક પેઢીનું એકાઉન્ટ સંભાળતો હતો અને સાથે બે ત્રણ છુટક નામા કરી ઘર સંસારનું ગાડું ગબડાવે જતો હતો.રતન એક બાંધેલી દુકાન માટે પાપડ અને ખાંખરા બનાવતી હતી.ત્રણ દિકરા હતા દામો (દામોદર) ઘરના એક ઓરડામાં બનાવેલી ભઠ્ઠી પર શેકી આખી મગફળી વહેંચવાનું કામ કરતો હતો.બીજા નંબરનો સુંધો(સુંદરજી) ભણવાનું મુંકી સતસંગ આશ્રમમાં પડ્યો પાથર્યો રહેતો હતો અને એક દિવસ એક સાધુઓના સંઘ સાથે જતો રહ્યો.નાનો જાધુ(જાદવજી) ભણતો હતો.મેટ્રિક ભણી લીધા પછી નોકરી માટે વલખા માર્યા પણ ક્યાં મળતી ન હતી તેથી દામાની તોછડાઇ વધી ગઇ અને રોજની કચકચ ‘કામ કાજ કરવું નથી બસ મફતના રોટલા તોડવા છે આ મગફળી શેકતા પરસેવો પડે છે ત્યારે માંડ ચાર પૈસા મળે છે….’
એક દિવસ જાધુ ઘર છોડી જતો રહ્યો.કોઇ ઘાસના ખટારામાં,કોઇ કપાસના ખટારામાં,કોઇ ઘેટા બકરા ભરેલા ખટારામાં એમ કુંટાતો મુંબઇ પહોંચ્યો.ઘણી રજળપાટ પછી એના એક જુના મિત્ર જીવલાનું ઘર મળ્યું.જીવલો વહેલી સવારે છાપા પહોંચાડવાનું કામ કરતો અને બાકીનો સમય એક હોટલમાં ચ્હા બનાવવાનું કામ કરતો હતો તે જીવલાએ તેને કહ્યું
‘જો જાધુ તું અહીં મારી સાથે રહે તેનો વાંધો નથી.મનેજે પૈસા મળે છે તેમાંથી મારી માને મનીઓર્ડર કરી મોકલાવું છું અને જે બચે છે તેમાંથી એક વખત હું વડા પાઉં ખાઇને માંડ ગુજારો કરૂં છું તેથી તને હું ખવડાવી શકું એમ નથી….’
‘તેં મને માથું મુકવાની જગા આપી એ ઘણું છે બાકી હું મારૂં ફોડી લઇશ…’
દામાના ઘરવાળા બેના પાસે નોકરી નથી મળતી કહી રોજ રડયા વગર જાદવજીએ ધાન ન હોતું ખાધું મળી જશે દીકરા રડ નહીં કહી બેના તેને જમાડતી.દામાની કચકચથી વાજ આવીને બેનાએ પોતાના પાસેના થોડા રૂપિયા આપી સલાહ આપી કે, ‘દિકરા દોકડો ને છોકરો ફરતો સારો તું મુંબઇ જા…’ એ પૈસા તેણે જીવ જેમ સાંચવ્યા હતા તેમાંથી તે પણ એક વખત વડા પાઉં ખાઇ ગુજારો કરતો હતો.તેમના રહેણાંકની ચાલી બહાર એક ચ્હાની લારી ઊભી રહેતી હતી ત્યાં મુકેલા છાપામાંની જાહેરાતથી તેને એક જગાએ પટાવાળાની નોકરી મળી ગઇ તેવા સમાચાર જીવલાને આપી એ કામે લાગી ગયો.
પંદર દિવસ જેવો સમય નોકરીમાં રહ્યા પછી એક દિવસ તે ઇકોનોમિક ટાઇમ્સ વાંચતો હતો તે ત્યાંના એકાઉન્ટ્ના હેડ પ્રાણલાલ ભાઇ જોઇ ગયા તેમણે પુછ્યું
‘એલા જાદવજી તું અંગ્રેજી જાણે છે…?’
‘જી પ્રાણભાઇ હું મેટ્રિક ભણ્યો છું…પણ…’
‘પણ શું દીકરા…..?’
‘મારે આગળ ભણવું હતું પણ……’
‘બસ એટલી જ વાત ને તું એક્સટર્નલ કોર્સ કર ઘેર રહી ભણવાનું અને પરિક્ષા આપવાની..’
‘સાચે જ પ્રાણભાઇ એમ થઇ શકે…?’
‘હા એ થ્ઇ રહેશે હાલ તો ચાલ મારી સાથે…’કહી એક ખાલી ટેબલ પર બેસાડીને કહ્યું
‘એકાઉન્ટના વાઉચર અને ઇનવોઇસ…બધા ફાઇલ કરવાનું સંભાળજે’કહી કામ સોંપી દીધું
પહેલી તારીખે મળેલા પગારના પૈસા જોઇ તેની આંખમાં હરખના આંસુ આવી ગયા.ઘેર આવીને જીવલાને કહ્યું ‘આજે પાઉં ભાજી ખાવાનું રહેવા દે આજે આપણે ઇરાની હોટલમાં જમીશું’
બંને મિત્રો એ પહેલી વખત ધરાઇને ખાધું અને પછી દર રવિવારનો નિયમ થઇ ગયો. બે મહિના પસાર થઇ ગયા અને પ્રાણલાલની કરેલ વ્યવસ્થાથી જાદવજી દિવસે નોકરી કરતો અને ફાઝલ સમયમાં અભ્યાસ કરતો. પ્રાણલાલ તેના કામથી ખુશ હતા.એક દિવસ જાદવજી બે ત્રણ વખત પ્રાણલાલની ટેબલ પાસે આવ્યો ને જોયું કે,પ્રાણલાલ પાકા ચોપડા વારંવાર ફેરવીને જોતા હતા અને પછી પાછા મુકી દેતા હતા.ત્રીજી વખત જ્યારે આવ્યો ત્યારે તેનાથી ન રહેવાતા પ્રાણલાલને પુછ્યું
‘માફ કરજો પ્રાણભાઇ એક વાત પુછું…?’
‘હા બોલ દીકરા…’
‘ભાઇ તમે વારંવાર આ ચોપડા ખોલીને જુઓ છો ને પાછા મુકી દો છો હું કંઇ મદદ કરી શકું…?’
‘આ ગયા મહિનાના સરવૈયામાં ૩૬ પૈસાનો ફરક આવે છે એ મળતો નથી…’
‘આપને વાંધો ન હોય તો મને આપો હું જોઇ આપુ…’
‘તો લઇ જા આ ચોપડા…’ એમ કહી રોકડ,ખાતાવહી અને નોંધ તેને આપી.જાદવજી ત્રણેય ચોપડા લઇ પોતાની ટેબલ પર આવ્યો અને બારીકાઇથી જોવા લાગ્યો એકાદ કલાક પછી તે નોંધ અને ખાતાવહી લઇ પ્રાણલાલ પાસે આવ્યો અને કહ્યું
‘ભાઇ આ જુઓ ૧૩૫૧૫.૫૧ રૂપિયાની બદલે ખતવણી ૧૩૫૧૫.૧૫ રૂપિયા થઇ છે ૫૧માંથી ૧૫ જાય તો ૩૬નો ફરક આવે ને…?’
આ જોઇ પ્રાણલાલ ખુશ થઇ ગયા અને બીજા દિવસથી કાચી નોંધમાંથી પાકા ચોપડા લખવાનું કામ જાદવજીને મળી ગયું.જાદવજી પણ બહુ ચીવટથી એ કામ કરતો હતો.પગાર વધ્યો અને ચાલીમાં ખાલી થયેલ એક રૂમ મળી ગઇ પણ જાદવજી અને જીવલો સાથે જ જમતા હતા.
#પ્રાણલાલને સરવૈયામાંનો ફરક શોધી આપ્યા પછી થયેલ પગાર વધારામાંથી બચાવેલી રકમમાંથી પહેલી વખત જાદવજીએ બેનાના નામે રૂપિયા ૫૦૦નું મનિઓર્ડર કર્યું.મનીઓર્ડર આપવા જતો માવજી ટપાલી દામાને મળી ગયો
‘તે શું એલા માવજી તું આ બાજુ ભુલો પડયો….?’
‘બેના ભાભીના નામે ૫૦૦ રુપિયાનું મનિઓર્ડર આવ્યું છે તે આપવા જાઉં છું…’
‘ત્યાં ધક્કો ખાવાની શું જરૂર છે મને આપી દે હું આપી દઇશ….’
‘ના…હો મનિઓર્ડર તો જેના નામે હોય તેને જ અપાય…’
‘જો મને આપે તો રૂપિયા ૧૦ તારા પાકા….’
બેનાને છેલ્લા સ્ટેજમાં આવેલ મેલેરિયાની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરી અને ડોકટરે લખી આપેલ દવાઓ જ્યારે એ લઇ આવ્યો ત્યારે રતને પુછ્યું
‘એલા દામા તું તો હંમેશા પૈસાના નામે કરિયારો કરતો હતો તો આ પૈસા…?’
‘મારી સિંગ વેચવાની હાથલારી નવી લેવા બચાવેલા હતા લારી નહી પણ હમણા બેનાની દવા લેવી જરૂરી છે કહી…’દામાએ મગરના આંસુ પાડ્યા,પણ ૧૫ દિવસની અંદર બેના અવસાન પામી.દામાએ આ સમાચાર જાદવજીને ન આપ્યા એ બીક થી કે કદાચ મનિઓર્ડર બંધ થઇ જાય.
આ ગોઠવણ મુંજબ દામાને દર મહિને રૂપિયા મળવા લાગ્યા અને એ જુગાર અને છાંટો પાણી કરવામાં વપરાતા હતા જેનાથી ઘરના અજાણ હતા. (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply