(ગતાંકથી ચાલુ)
બીજા દિવસે અનુપમ અને પાગલો પાછા જમુભાની ડેલીએ ગયા એટલે ડેલીનું તાળું ખોલી અનુપમે પુછ્યું
“હા બોલ હવે તું શું બતાવવાનો છે….?”
“પહેલા મકાનનું તાળું તો ખોલો”પાગલાએ કહ્યું તેમ અનુપમે તાળું ખોલ્યું તો પાગલાએ પહેલા માળની ધરી ખોલી ફંફોસવા લાગ્યો આખરે તળિયાની લાદી સાથે લાવેલ લોખંડનો ખીલો ભેરવી ને ખસેડી લાદી ભીંતમાં સરકતી જોઇ અનુપમને આશ્ચર્ય થયું તળિયામાં ખાનું હતું તેમાં એક માટીની હાંડલી હતી પણ એ ખાલી હતી.તેણે લાદી પાછી સરકાવી યથાવત કરી.
“ખાલી છે….”પાગલો બોલ્યો
“એટલે…?”અનુપમે પુછ્યું
“જુના વખતમાં જ્યારે તીજોરીઓ ન્હોતી અને બેન્કના લોકર ન હતા ત્યારે લોકો પોતાનું નાણું આ રીતે છુપાવીને રાખતા હતાં”પાગલાએ સમજાવ્યું
“તો તને ખબર હતી…?”
“ના મને વહેમ હતો કે, આવું કશું મળી આવે”પાગલાએ તાળું વાંસતા કહ્યું
ત્યાર બાદ બે માળના બધા મકાનમાં ખાંખાખોળા કર્યા પણ કંઇ હાથ લાગ્યું નહીં છેલ્લે ત્રણ માળના મકાનમાં ગયા.પહેલા કે બીજા માળમાંથી તો કશું ન મળ્યું પણ ત્રીજા માળની ધરીના તળીયેથી એક મોટી હાંડલી મળી તેમાં મખમલની એક ભારે કોથળી નીકળી.ખોલીને જોયું તો અનુપમ આભો થઇ ગયો તેમાં ચાંદીના પાંચિયા હતાં અને પાછી એમાં એક નાની કોથળી હતી જેમાં હેમના રાણીછાપ સિક્કાઓ હતાં.
“જોયું…..?મને લાગે છે આ જમુભાએ મુક્યા હશે”પાગલાએ કહ્યું
બંને બધા તાળા વાંસીને હાંડલી લઇને બહાર આવ્યા.પાગલો પોતાની હોટલ ઉપર ગયો અને અનુપમ એ હાંડલી લઇને ઘેર આવ્યો.કિશોરભાઇ અને કસ્તુરકાકી બંને હાજર હતાં.
“આ હાંડલી કેવી લઇ આવ્યો અનુપમ…?”કસ્તુરકાકીએ પુછ્યું
“તમે જાતે જ જુઓ”કહી અનુપમે હાંડલી તેમના હાથમાં આપી.
કાકીએ સંભાળીને હાંડલી ડાઇનિન્ગ ટેબલ પર મુકી અને ઉપર બાંધેલું કપડું કાઢીને ઢાંકણું ખોલ્યું અને એમાંથી મખમલની કોથળી કાઢી.કોથળી ખોલતાં અંદર ચાંદીના પાંચિયા જોયા.
“અરે…!!! આ તું ક્યાંથી લઇ આવ્યો….?કોણે આપ્યા….?”
“હજુ બીજી કોથળી તો જુઓ….”અનુપમે કહ્યું
“ઓહો….”બીજી કોથળીમાંના રાણીછાપ સોનાના સિક્કા જોઇ કાકી બોલ્યા.
“અરે શું ચાલે છે…..?મને તો કહો…”છાપું બાજુમાં મુકતાં કિશોરભાઇ બોલ્યા
“લ્યો તમે પણ આવીને જુઓ..”
“અરે…આ તો આપણા રા’બાવાના વખતના પાંચિયા છે.કચ્છનું જુનુ ચલણ અને આ તો બ્રીટનની રાણી વિક્ટોરિયા છાપની સોનાની આખી ગીની… આ બધું તને ક્યાંથી મળ્યું…?ક્યાંથી લાવ્યો…? આ તને કોણે આપ્યું….?” કિશોરભાઇએ પુછ્યું
“જમુભાએ…..”અનુપમે કહ્યું
“જમુભાએ…?”કિશોરભાઇએ નવાઇ પામતાં કહ્યું
અનુપમે એમને અતઃ થી ઇતી સુધીની બધી વાત જણાવી,કસ્તુરકાકી અને કિશોરભાઇ એક ધ્યાનથી સાંભળતા હતાં
“તો હવે કાકી આ સંભાળીને તમે રાખો”
“આપણએ એમ કરીએ બેન્કમાં જઇએ અને તારા નામનું લોકર ખોલાવીને લોકરમાં મુકી આવીએ. ઘરમાં આવું જોખમ રખાય નહી.હું બેન્કમાં તપાસ કરાવું છું જો અહીં મળશે તો ઠીક છે નહીતર ભુજની બેન્કમાં તપાસ કરાવીશું અને ત્યાં ખોલાવીશું.”કિશોરભાઇએ કહ્યું
“તે તમને યોગ્ય લાગે તે ત્યા સુધી કાકી તમારા કબાટમાં મુકી રાખો.”કહી અનુપમે હાંડલી કાકીને આપી.
કિશોરભાઇના પ્રયત્નથી ભુજની એક બેન્કમાં એક લોકર મળી ગયું.બધી વિધિ પુરી કરીને હાંડલીમાંની કોથળીઓ લોકરમાં મુકાઇ ગઇ.બેન્કની પાસબુક અને લોકરની ચાવી અનુપમને સોંપતાં કિશોરભાઇએ કહ્યું
“હવે લોકર નંબર યાદ રાખજે,પાસબુક અને ચાવી સંભાળજે”
“ના હો આને હું મુંબઇ લઇ જઇને શું કરૂં…?એ તમે જ સાંચવો અને પાસબુકના છેલ્લાપાને લોકર નંબર લખી રાખો જેથી યાદ રખવાની પંચાત નહી.”અનુપમે બધુ પાછું આપતા કહ્યું.
“ભારી પાકો છો…”કહી કિશોરભાઇ હસ્યા.
ઘેર આવીને કિશોરભાઇએ લોકરની ચાવી અને પાસબુક કસ્તુરબેનને આપતાં કહ્યું
“લે ઓલી હાંડલી સાચવેલી છે તેમાં આ પાસબુક અને લોકરની ચાવી મુકીને સાચવજે.”
બપોરે અનિલે મુંબઇ દામોદરકાકાને ફોન કર્યો.
“હલ્લો દામોદરકાકા અનુપમ બોલું છું માંડવીથી….”
“હાં બોલ અનુપમ કેમ છે તારી તબિયત….?કેવી લાગી જમુભાની ડેલી…?”
“દામોદરકાકા હું એકદમ મજામાં છું.હું ડેલી જોઇ આવ્યો.લાકડા પર કરેલી નક્શી મસ્ત છે. ઇમારતની હાલત જોયા પછી પણ તોડી પાડવાની ઇચ્છા નથી થતી પણ મેં વિચાર્યુ છે કે,તમે કોઇ સારા આર્કિટેક્ટને અહીં મોક્લાવો તો એ પહેલાં જે હાલતમાં ઇમારત છે તેના ફોટા પાડીલે અને તેના મેજરમેન્ટ લઇને નકશા બનાવી લે અને તેમાં વપરાયેલું ઇમારતી લાકડું સલામત રીતે કાઢીને ફરીથી એ જ નક્શા મુજબ નવેસરથી ઇમારત ઊભી કરી આપે જેથી જમુભાની ડેલી જેવી હતી એવી પણ નવી રીતે તૈયાર થઇ જાય”
“વાહ! તને તો જમુભાની ડેલી સાથે પ્રેમ થઇ ગયો સારૂં સારૂં હું વ્યવસ્થા કરૂં છું.જરા કિશોરભાઇને આપ”
“દમોદરકાકા તમારી સાથે વાત કરવા માંગે છે”કહી કિશોરભાઇને ફોન આપ્યો.
“હલ્લો દામોદરભાઇ…હું કિશોર…જયશ્રી કૃષ્ણ કેમ છો?”
“જયશ્રી કૃષ્ણ…હું આનંદમાં અનુપમની તબિયત હવે કેમ છે…?”
“તે એકદમ ફીટ અને ફાઇન છે ફિકર નહી કરતાં”
ત્યારબાદ પાગલાની અને ઇમારતમાંથી મળેલ મુડીની અને લોકર વગેરેની વિગતે વાત કરી..(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply