ખ..ન..ન..ન..!! કાંચ ટૂટવાનો અવાઝ સાંભળી સોફા પર બેસી છાપાના પાના ઉથલાવતી કવિતા
‘વળી શું ભાંગ્યું….?’કરતીક રસોડામાં આવી તો પાણીની ભાંગેલી બોટલના કાંચ અને પાણી વેરાયેલું જોઇ કાંચ ભેગા કરવા જતા જમનાબાનો હાથ પકડી ઉમેર્યું
‘રહેવા દો કાંચ હાથમાં લાગશે તો નવી ઉપાધી જાવ બહાર બેસો…હે ભગવાન આ રોજની રામાયણથી તો હું વાજ આવી ગઇ…’એવા બળબળાટ સાથે કાંચ વીણી સુપલીમાં નાખ્યા અને હળવા હાથે પાણી લુછ્યું
‘કેટલીવાર કહ્યું છે કે,હું કરી લઇશ પણ સાંભળે કોણ…? હે ભગવાન….’
ઘરમાં દાખલ થતા કમલે આ સાંભળ્યું જોકે આવા ડાયલોગ તો તેને અવાર નવાર સાંભળવા મળતા પણ ત્યારે માનો વિલાયલો અને ઓછપાયેલો ચહેરો જોઇ તેનું મન ખાટું થઇ જતું
પંદરેક દિવસ પછી એક દિવસ કમલે જમનાબાને કહ્યું ‘આજે રસ્તામાં કાશી કાકી મળ્યા હતા તેમણે કહ્યું જમનાને મળવું છે પણ આ સુરિયાના જોડકાની સંભાળ પાછળ નીકળાતું નથી તો જમનાને મારા ઘેર લઇ આવ’
‘હા કાશીને મળવાની તો મને પણ ઇચ્છા થાય છે….’
‘તો બા ચાર જોડી કપડા લઇ લે તું કાશીકાકીના ઘેર રહેજે તો તને અને એમને પણ ગમશે…’
કમલના કહેવા પ્રમાણે જમનાબા તૈયાર થઇ ગયા અને કમલ કાશીના ઘેર જમનાબાને મુકી ગયો ત્યારે જમનાબાએ કહ્યું ‘જો કમલા આજે મંગળવાર છે મને શુક્રવારના પાછો લેવા આવજે..’
શુક્રવારે કમલ જમનાબાને કાશીના ઘેરથી લઇને એક સોસાયટીમાં આવ્યો તો જમનાબાએ પુછ્યું
‘એલા…કમલા આ મને તું ક્યાં લઇ આવ્યો…?’
‘બા તું ચાલ તો ખરી…’કહી લિફ્ટ પાસે આવ્યા અને પાંચમા માળનું બટન દબાવ્યું.લિફ્ટમાંથી બહાર આવી ૫૦૧ નંબરના ફ્લેટની ઘંટી દબાવી તો એક સ્ત્રીએ બારણું ખોલી કહ્યું
‘જયશ્રી કૃષ્ણ બા…’
જયશ્રી કૃષ્ણ….’
‘કમલા આ કોણ છે અને મને તું અહીં શા માટે લાવ્યો છો…?’
‘બા…આ આપણું ઘર છે અને આ સાકર તમારી અને ઘરની સંભાળ રાખનાર ૨૪ કલાક તારી સાથે જ રહેશે હવે તારે અહીં જ રહેવાનું છે…’
‘પણ શું કામ….?’
‘કવિતાની રોજની કચકચ અને તારૂં વિલાયેલું મ્હોં જોઉ છું ત્યારે મન દુઃખી થઇ જાય છે તેના કરતા તું અહીં રહે તો તારે કે મારે કોઇ કચકચ સાંભળવાનો વારો ન આવે…’
‘દીકરા મારા ઘર હોય ત્યાં ચાર વાસણ ખખડે તેથી….’
‘ના….બા…તું સહન કરી લે છે પણ મારાથી હવે સહન નથી થતું બસ તું અહીં જ રહેજે તાર કમલાનું તું એટલું માન નહીં રાખે…?’ભીની આંખે કમલે કહ્યું
‘સારૂં દીકરા તારૂં દિલ દુભાય એવું મારે નથી કરવું હું અહીં જ રહીશ બસ..’કમલને બાથમાં લઇ તેનું માથું ચુમતા જમનાબા એ કહ્યું ત્યાં સુધી સાકર ચ્હા બનાવી લાવી તે સૌ સાથે બેસી પીધી.કમલે ઊભા થતા કહ્યું
‘ બા…હું સાંજે ઓફિસથી ઘેર જતા પહેલા તને મળવા આવીશ…’કહી કમલ ગયો.
આમ કમલની ગોઠવણી મુજબ બધું ગોઠવાઇ ગયું.જમનાબા પાછા ન આવતા કવિતાએ કમલને પુછેલું
‘બા ક્યાં…?તો કમલે કહું
‘કાશીકાકીની પડોશવાળા જાતરાએ જતા હતા તેના સાથે બા પણ જાતરાએ ગઇ.’
-૦-
એક દિવસ કવિતાની સહેલી સારિકાએ ઘેર આવીને કવિતાને પુછ્યું
‘તારો અને કમલનો કંઇ ઝઘડો કે વાદ વિવાદ કે મન મુટાવ તો નથી થયોને…?’
‘ના…કેમ અલી આમ પુછે છે….?’
‘તું ભલે ના કહે પણ જો આવું ન હોય તો હરાયા ઢોરની જેમ કોઇ બીજે મોઢા ન મારે…’
‘તું કહેવા શું માંગે છે આ અલંકારી ભાષા મૂકી સીધી સીધી વાત કર…’ગડમથલમાં અટવાતા કવિતાએ સારિકાના ખભા પકડી પુછ્યું
‘કમલને મેં ત્રણ ચાર વખત સાંજે નવરંગ સોસાયટીમાં જતો જોયો છે ત્યાં એનું કોઇ લફરૂં તો નથી ને…?’
‘ના…ના…કમલનો કોઇ ફ્રેન્ડ ત્યાં રહેતો હશે એટલે તેને મળવા જતો હશે’
‘એમ હોય તો સારી વાત છે આ તો મેં જોયું તે તને કહ્યું ચાલ હું જાઉ..’કહી સારિકા ગઇ પણ કવિતાના મન પર એક ઉચાટ મુકી ગઇ.
બીજા દિવસે કવિતા કમલની ઓફિસની સામે આવેલ બસ સ્ટેન્ડ પર કમલની રાહ જોતી બેઠી હતી. સાંજે કમલ ઓફિસમાંથી બહાર આવ્યો અને પોતાની કારમાં બેઠો તો કવિતાએ એક રિક્ષા પકડી એના પાછળ પાછળ ગઇ.કાર નવરંગ સોસાયટી પાસે પાર્ક થઇ અને કમલ લિફ્ટ તરફ વળ્યો લિફ્ટ ઉપર જવા લાગી અને પાંચમા માળે રોકાઇ એટલે કવિતા લિફ્ટથી પાછી ઉપર આવી અને કમલનો અવાઝ ક્યાંથી આવેછે એ સાંભળવા રોકાઇ અને પાંચસો એકમાં કમલ આવે છે એ નક્કી કરી તરત જ પાછી વળી ને ઘેર આવી.
બીજા દિવસે એ પાછી નવરંગ સોસાયટી આવી અને પાંચસો એક નંબરના ફ્લેટ પાસે ઊભી રહી બેલ મારવા જતી હતી ત્યાં અંદરથી જમનાબા નો અવાઝ સંભળાયો એ કોઇને કહી રહ્યા હતા
‘આ કમલાના જીદને લીધે હું અહીં આવી પણ મને અડવું અડવું લાગે છે કમલાના બાપુજી સાથે જે ઘરમાં આવી તે ઘર એમ જલ્દી થોડું ભુલાય છે….? મારી કવિતા વહુ બોલવાની જરા આકરા પાણિયે છે પણ મનમાં કપટ નથી બોલતા બોલી જાય પછી એ ભુલી જાય કંઇ ખટકો નથી રાખતી એમ સમજને ભોળી ભટાક છે ઘરમાં ચાર વાસણ ખખડે પણ ખરા તેથી આમ અલગ રહેવાનું….?’કહેતા જમનાબાનો ડૂસકો સંભળાયો અને કવિતાએ બેલ મારી તો સાકરે દરવાજો ખોલ્યો અને કવિતા ‘બા….’ કહી જમનાબાના ગળે વિટળાઇ રડી પડી સાકરે લાવેલું પાણી પાઇ જમનાબા એને શાંત કરી.
‘તમારા દીકરાએ તો મને કહ્યું હતું કે,બા કાશી કાકીની બાજુમાં રહેતી કોઇ સાથે જાતરાએ ગયા છે…’
‘એમ કમલાએ તને એમ કહ્યું….’જમનાબા એ કવિતાની પીઠ પસવારતા પુછ્યું
‘ભલે એ જે હશે તે હવે તમને અહીં નહીં રહેવા દઉ સાકર માશી તમે પણ બા સાથે ચાલો’
સાંજે કમલ ઘેર આવ્યો ત્યારે સોફા પર બેસી જમનાબા કવિતાના માથામાં તેલ ઘસતા હતા અને સાકર ઘરની સફાઇ કરતી હતી અને સોફાની પાછળની દિવાલ પર એક કાર્ડ બોર્ડ ચોટાળેલું હતું
HAPPY MOTHER’S DAY
૦૯/૦૫/૨૦૧૬
Filed under: Stories |
Leave a Reply