(ગતાંકથી ચાલુ)
‘હુકમ કરો શેઠ….’અબ્દુલા શેઠે ટેબલ પર પડેલા અબુબકરનો હાથ પકડતા કહ્યું
‘બે દિવસ પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવજો કે તમારી ટ્રક ગુમ થઇ ગઇ છે…’
‘પણ ટ્રક તો તમે લઇ જાવ છો પછી…..?’અવઢવમાં અટવાતા અબ્દુલા શેઠે ઝીણી આંખ કરી પુછ્યું
‘શેઠ તમને રોટલાથી કામ છે કે ટપ ટપથી…?’આંખ મિંચકારતા અબુબકરે પુછ્યું
‘જેવી તમારી મરજી….ભલે તમે કહ્યું એ થઇ જશે..’કહી અબ્દુલા શેઠે અબુબકરથી હાથ મેળવ્યા
અબુબકરે ટ્રક સ્ટાર્ટ કરી ને રેલ્વે સ્ટેશન તરફ વહેતો થયો અને આગળ જતાં જ્યાં ગીચ ઝાડીઓ હતી તેની પાછળ ટ્રક પાર્ક કરી દીધી.
-૦-
અબુબકરની સુચના મુજબ અબ્દુલા શેઠે પોલીસ સ્ટેશનમાં આવીને સામે બેઠેલા પોલીસ ઓફિસરને કહ્યું
‘સાહેબ મારે ફરિયાદ નોંધવવી છે….’અબ્દુલા શેઠે કહ્યું
‘બોલો શેઠ સાહેબ શું ફરિયાદ છે…?’સ્થાનિક પોલીસ ઓફિસરે પુછ્યું
‘મારી ટ્રક બે દિવસથી લા-પતા છે કોઇ ચોરી ગયું છે…’
‘ભલે આ કાગળ પર ટ્રકનો મોડેલ, ટ્રકનો કલર અને નંબર બધુ લખી આપો અમે તપાસ કરીશુ…’
‘મહેરબાની સાહેબ….’બધી વિગતનો કાગળ આપતા અબ્દુલા શેઠે કહ્યું
‘અરે…કેવી વાત કરો છો શેઠ આ તો અમારી ડ્યુટી છે…ભલે ટ્રકની ભાળ મળેથી તમને જાણ કરીશું’
-૦-
અબુ બકર મુલચંદની ઓફિસમાં આવ્યો અને પટાવાળાને કહ્યું
‘તમારા શેઠને જાણ કરો અબુબકર તમને મળવા માંગે છે…’
અબુબકરનું નામ સાંભળી મુલચંદ સાવધ થઇ ગયો કદાચ એ શકિનાના આપઘાત બાબત કંઇ પુછવા તો નહીં માંગતો હોય…? તેને કશી ગંધ તો નહીં આવી ગઇ હોય…? એવા વિચાર કરી મન મનાવ્યું કે જેવા પડશે એવા દેવાશે કહી પટાવાળાને અબુબકરને મોકલવા કહ્યું
‘અસ્લામ વાલેકુમ મુલચંદ શેઠ…!!’
‘વાલેકુમ સલામ આવો અબુબકર મીયાં બેસો બેસો….આ રમજુ માથે તો આભ ફાટ્યું…’ અબુ બકર કંઇ કહે તે પહેલા જ મુલચંદે કહ્યું
‘હોય કિસ્મતની વાત છે….અલ્લાહ તાલાની જેવી મરજી…’અબુબકર નિર્લેપ ભાવથી કહ્યું
‘બોલો શું ખિદમત કરૂં…?’
‘સાંભળ્યું છે સરકાર આ એરિયાને પ્રવાસી સ્થળ બનાવવા માંગે છે તો મારી ઇચ્છા છે કે અહીં એક હોટલ હીલ એરિયામાં ખોલવી…’અબુબકરે પહેલી ચાલ ચાલી કહ્યું
‘હા સાંભળ્યું તો મેં પણ છે…’
‘તમારા ધ્યાનમાં એવી સારી જગા હોય તો ૩૫% રોકાણ તમારૂં ૬૫% મારા…હોટલનું બાંધકામ અને ચલાવવાને જવાબદારી તમારી કારણ કે, હું તો દુબઇમાં જ રહું છું એટલે અહીં આ બધુ કરવા રોકાઉ તો મારો ત્યાંનો ધંધો ચોપટ થઇ જાય….તમે સમજો છોને મારી વાત…?’અબુબકરે આંખ ઝીણી કરી બીજી સોગઠી મારી
‘હા…નવા સાહસ માટે જુના જામેલા ધંધા પર અસર ન થવી જોઇએ…’
‘હોટલ ચાલશે પછી પ્રોફિટમાંથી ફિફ્ટી-ફિફટી…’અબુબકરે છેલ્લો દાવ રમતા કહ્યું
મુલચંદને તો આ તો આકડે મધ અને પાછું માખિયો વગરનું જાણીને અબુબકરની વાત ઘીથી લચબચતા શીરા જેમ ગળે ઉતરી ગઇ તેથી વાત વધારવા કહ્યું
‘ઊંચી હીલ પર મારૂં એક ફાર્મ હાઉસ છે તે તમે નક્કી કરો ત્યારે તમને દેખાડી દઉં તેમાં જ થોડા ફેરફાર કરવામાં આવે તો સરસ હોટેલ ઊભી થઇ જાય…’પોતાનો હરખ દબાવતા મુલચંદે કહ્યું
‘અરે વાહ!! તો જોઇ આવીએ આવતી કાલે…પણ સરકારી ફોર્માલીટી વગેરે….’અબુબકરે મમરો મુક્યો
‘એની ફીકર નહીં કરો હું અહીંના મંત્રી ભવરલાલને વાત કરીશ તો એ બધુ સંભાળી લેશે…ભલે કાલે સાંજે હું તમને લેવા…’અબુ બકર ક્યાં હશે એ અવઢવમાં વાત અધુરી મુકી
‘હું રમજુના ઘેર જ છું…’
‘ભલે તો કાલે મળીયે…’
-૦-
અબુબકરના ગયા પછી મુલચંદે ભવરલાલ અને કમિશ્નર વી.કે.શર્માને ફોન કરી અબુબકર સાથે થયેલ વાતની જાણ કરી અને તેને આવતી કાલે ફાર્મ હાઉસ પર બોલાવ્યો છે એ પણ કહ્યું. મુલચંદ પોતાનું ફાર્મ હાઉસ અબુબકરને ગળે મ્હોં માંગી રકમથી વડગાળવાની અને ફેરફારના બહાને રકમ સેરવવાની અને મળનાર પ્રોફીટની રકમમાંથી મળનાર હિસ્સાના સોનેરી સપના ગુંથવા લાગ્યો.ભવરલાલ અબુબકર દુબઇ રહે છે તો ત્યાંથી જોઇતો માલ સ્મગલિન્ગ કરાવવાના ધંધાના શરૂ કરવાનો વિચાર કરવા લાગ્યો અને શર્મા આ બંને પાસેથી કટકી વસુલ કરવાના સ્વપ્નાઓ જોવા લાગ્યો.
બીજા દિવસે સાંજે પોલીસની પેક જીપ રમજુના મકાન પાસે આવી ઊભી રહી અને જીપમાંથી જ મુલચંદે રમજુને સાદ પાડયો ‘અરે રમજુ….તારા મામુજાન ક્યાં છે…?’
‘હાજર છું મુલચંદ શેઠ…’કહી અબુબકરે ઘરમાંથી બહાર આવી કહ્યું
‘તૈયાર….ચાલો બેસો જીપમાં તો નીકળીયે…’જીપનો આગલો દરવાજો ખોલતા ડ્રાઇવિન્ગ સીટ પર બેઠેલા મુલચંદે કહ્યું
‘સોરી મુલચંદ શેઠ મને હમણાં જ મારી દુબઇ ઓફિસથી ફોન આવ્યો હતો ત્યાં કશીક ગડબડ થઇ છે તો હું જરા મારા મેનેજરની વાત સાંભળી ને શું પગલા લેવા તે સમજાવી તમને મળવા તમારા ફાર્મ હાઉસ પર આવું છું જરા જગાનો પત્તો આપો….’અજાણ થતા અબુબકરે કહ્યું
‘કંઇ આંટી ઘૂટી નથી રેલ્વે સ્ટેશનથી સામેજ જે રસ્તો દેખાય છે ત્યાંથી સીધે સીધું આવવાનું છે..’મુલચંદે કહ્યું
‘ભલે તમે નીકળો હું અર્ધા કલાક પછી આવી જાઉ છું..’કહી અબુબકરે જીપનો દરવાજો બંધ કર્યો.
-૦-
સૌ પોત પોતાને થનાર ફાયદાનો વિચાર કરતા રવાના થયા.ચાલી જતી જીપ પાછળ એક ટ્રક રવાના થઇ અને એક સાંકડા રસ્તા પર જ્યાં બીજી તરફ ૨૦૦ ફૂટ ઊંડી ખાઇ હતી ત્યાં પાછળ આવતી ટ્રકે જીપને જોરદાર ધક્કો માર્યો અને જીપ ખાઇના ખડકો સાથે અથડાતી નીચે પડી સળગી ગઇ.ટ્રકને રીવર્સ ગેરમાં મુકીને પાછળ સરકતી ટ્રકમાંથી રમજુ કુદકો મારી બહાર આવી ગયો અને ટ્રક બીજી તરફ ખાઇમાં પડીને સળગી ગઇ.કપડા ખંખેરતા રમજુ પાર્ક કરેલી કારમાં બેઠો અને અબુબકર,રાઘવજી અને રમજુ ઘેર આવી ગયા.
રાત્રે સૌ હોટલમાં જમ્યા અને ઘેર આવી અબુબકરે પોતાનો સામાન પેક કરતા કહ્યું
‘રમજુ મિયાં તમારો સામાન પણ પેક કરી મારી સાથે દુબઇ ચાલો અહીં રહેશો તો તમને શકિના યાદ આવ્યા કરશે’
(સંપૂર્ણ) ૨૪-૦૪-૨૦૧૬
Filed under: Stories |
Leave a Reply