અનંત યાત્રા (૪)

heaven

(ગતાંકથી શરૂ)

          બારણા પાસે જ સુતેલા રઘુનાથ અને સીતારામ બંને સફાળા જાગીને રૂમમાં દોડયા,ફર્શ પર,બિછાના પર અને બિન્દુના કપડા પર રક્ત છંટાયેલું હતું.પ્રશાંતે ઉધરસ ખાતી બિન્દુંનું મુખ ઉપરણાથી સાફ કરી પાણી પાતા કહ્યું

‘સીતારામ જલ્દી વૈદકાકાને જગાડો..’

      હાંફતી બિન્દુએ હાથના ઇશારાથી કહ્યું ના…ના પાણી પિધા પછી કંઇક શ્વાસ બેસતા એણે પ્રશાંતને કહ્યું

‘હું ચાર દિવસની મહેમાન છું એટલે આ બધુ વ્યર્થ છે’

‘ના..ના..બિન્દુ તારૂં મૃત્યુ મેં શિખેલી મંત્ર સિધ્ધીથી હું ટાળી દઇશ અને તને પુનઃજીવન અપાવીશ..’પ્રશાંતે એને સાંત્વન આપતા કહ્યું

‘ના પ્રશાંત હું એવું માંગેલુ જીવન આવા જર્જરિત દેહથી જીવવા નથી માંગતી જો થઇ શકે તે હમણાં મારા પિતાજીને અત્રે બોલાવી મંગાવો મારે એમને કંઇક કહેવું છે તમને આપણા પ્રેમના સોગંદ જો મને જીવાડવાની કોશીશ કરી છે તો..’

‘………..’ડળડળ આંખમાંથી પડતા આંસુ સાથે પ્રશાંતનો જીવ ગભરાઇ ગયો,ગળે ડૂમો બાઝી ગયો અને રડતી આંખે રઘુનાથ સામે જોયું

‘સમજી ગયો માલિક હું હમણાંજ આપણી જીપમાં મુંબઇ જાઉ છું અને ઘનશ્યામદાસ શેઠને લઇ આવું છું..’ભીની આંખે રઘુનાથ જલ્દી જલ્દી બહાર નિકળ્યો અને સીતારામ વૈદરાજને લઇને અંદર દાખલ થયો.વૈદરાજે બિન્દુની નાડી તપાસી,આંખો જોઇ અને ફર્શ પર પડેલું રક્ત જોયું પછી પોતાની પોટલીમાંથી ઔષધીના પડિકા કાઢીને સીતારમને ખોરાક સમજાવ્યો.પ્રશાંતે દયાદ્ર નજરથી વૈદરાજ તરફ જોયું ત્યારે વૈદરાજે પ્રશાંતને બહાર આવવા ઇશારો કર્યો એ જોઇ ફિક્કુ હસ્તા બિન્દુએ કહ્યું

‘હું થોડા સમયની મહેમાન છું ખરૂંને વૈદકાકા..?’

‘ના..ના બેટા,તને સારૂં થઇ જશે ગભરાવાની જરૂર નથી’વૈદરાજે બિન્દુના માથા પર હાથ ફેરવતા કહ્યું

‘હવે કહો…’વૈદરાજનો હાથ પોતાના માથા પર પક્ડી રાખતા બિન્દુએ કહ્યું

‘……….’વૈદરાજ વિજળીના જીવતા તારને અડક્યા હોય તેમ હાથ ઉપાડી લેતા ચુપ રહ્યા તો બિન્દુ ફિક્કુ હસી 

‘હું જાણું છું વૈદકાકા એ જ વાત તમે મારા પતિને કહેવાના છો…’બિન્દુ ફરી મલકી તો પ્રશાંતી ઉદાસ ચહેરે વૈદરાજ સામે જોઇ રહ્યો તો વૈદરાજ આંખોથી મૂક સંમતિ આપતા બહાર નીકળી ગયા પ્રશાંત પણ સફાળો ઊભો થયો.

‘ક્યાં જાવ છો…?’બિન્દુએ પ્રશાંતનો હાથ પકડતા પુછ્યું

‘મહા મૃત્યુંજયના જાપ કરવા તને જીવાડવા’

‘તમે મને વ્યર્થ નહીં જીવાડો તમે મને વચન આપ્યું છે..’

‘પણ તારા પિતાજી આવે ત્યાં સુધી…’

‘ત્યાં સુધી હું મરવાની નથી એમ મારૂં મન કહે છે’

‘પણ…’

‘શંકા ન રાખો બસ મારી સામે રહો..’કહી બિન્દુએ પ્રશાંતને બેસાડી દીધો.

‘માલકિન આ દવા લઇલો….’સીતારામ પડિકી અને પાણી લાવ્યો,બિન્દુ દવા ખાઇ રહી એટલે સીતારામે પ્રશાંતને કહ્યું

‘માલિક માલકિનને આપણે કોંચ પર સુવડાવીએ તો હું બિસ્તરની ચાદર બદલી કાઢું’

‘પ્રશાંત…તું મને બાગમાં લઇજા….’બિન્દુએ કહ્યું

    બિન્દુના હાડકાના માળખાને ફૂલ ઉપાડતો હોય એટલી સાવચેતીથી પ્રશાંતે ઉપાડીને બાગમાં લઇ ગયો.બાગમાંના લત્તામંડપ નીચે મુકેલા સુવાળા ઝુલામાં સુવડાવી એને આસ્તેથી હિંચોળવા લાગ્યો.બિન્દુ એકીટશે તેના ચહેરાને જોઇ રહી.લત્તામંડપમાંથી ચળાઇને આવતા ચાંદનીના આછા પ્રકાશમાં એ પ્રશાંતના ચહેરાની રેખાઓ ઉકેલવા મશગુલ હતી ત્યારે બિન્દુના ગાલપર બે ગરમ આંસુના ટીપા પડયા.

‘પ્રશાંત…’બિન્દુએ ઉઠવાનો પ્રયત્ન કર્યો.

‘ના…બિન્દુ ના…ઉઠવાનું રહેવા દે…’કહી પ્રશાંત એને પસવારવા લાગ્યો.

‘પ્રશાંત…તું રડ નહીં’

‘હું કાલે જ તને ડૉ.વિલ્સન પાસે લઇ જઇશ ત્યાં…..’

‘નહીં પ્રશાંત તું મને ક્યાં પણ નહીં લઇ જાય અને મને જીવાડવાનો વ્યર્થ પ્રયાસ કરીશ નહીં એવું તેં મને વચન આપ્યું છે,મને અહીં જ આ ઘરની છત નીચે શાંતિથી મરવા દેજે…’બિન્દુએ પ્રશાંતનો હાથ પોતાના હાથમાં લઇ પસવારતા કહ્યું

‘……….’પ્રશાંતે ગળે બાઝેલા ડૂમાથી કંઇ ન બોલતા મૂંક સંમતી આપી.

‘પ્રશાંત તું ઝુલા ઉપર બેસ હું તારા ખોળામાં માથું રાખી સુઇ જાઉં..’

        પ્રશાંત ઝુલા ઉપર બેસીને બિન્દુનું માથું ખોળામાં લઇ સુવડાવી બિન્દુના વાળોમાં આંગળા ફેરવતા અતીતમાં ખોવાઇ ગયો.તેણે આચરેલી ક્રુરતાના ચિત્રો તેની મિંચાયેલી આંખો સામેથી પસાર થવા લાગ્યા.તેના ગળે ફરી ડૂમો ભરાઇ આવ્યો. કેટલા મનોહર સ્વપ્ન બિન્દુ સાથે રહેવાના,બિન્દુને આશ્ચર્યમાં ડૂબાડવાના જોયા હતા એ બધા પત્તાના મહેલ જેમ કડડભૂસ થઇ ઢગલો થઇ ગયા,ત્યાં સીતારામના શબ્દોથી આંખ ખુલી.

‘માલિક મેં ચાદર બદલી કાઢી છે,બહાર બહુ જ ઠંડક છે ઘરમાં ચાલો’

       પ્રશાંતે બિન્દુને હળવેકથી ઉચકીને પોતાના શયનખંડમાં લઇ આવ્યો,બિન્દુને હળવેકથી સુવડાવી તો સીતારામ હળવેકથી દરવાજો બંધ કરી ચાલ્યો ગયો.પ્રશાંતે સાવચેતીથી બિન્દુના રક્તરંજીત વસ્ત્રો દૂર કર્યા ત્યારે તેની આંખોમાં પાણી ફરી વળ્યા.જ્યાં ક્યારેક યૌવનનો સાગર હિલાળા લેતો હતો એ જાજલ્યવાન દેહની આ દુર્દશા…? એવું વિચારતા મ્હોં ફેરવી ઊભો થઇ ગયો,જલ્દીથી કબાટમાંથી બીજા વસ્ત્રો લાવી બિન્દુને પહેરાવ્યા અને રક્તરંજીત વસ્ત્રો બાથરૂમમાં મુક્યા.તેણે બિન્દુને રજાઇ બ્લેંકેટ ઓઢાળી એના પાસે બેસતા પુછ્યું

‘બિન્દુ તને હજી વધુ ઠંડી લાગતી હોય તો વધુ ઓઢાળું…?’

‘તું પાસે હશે તો તારી ઉષ્મા મારા માટે ઘણી છે’બિન્દુએ તેને નજીક બોલાવી કહ્યું

       પ્રશાંતે એના બાજુમાં લંબાવી એની પીઠ પસવારવા હાથ મુક્યો ત્યારે એ પ્રશાંતને વળગી અને ઝાડને વેલ વિટળાય એમ તેને વિટળાઇ પડી.રાત પસાર થઇ ગઇ પણ સવારના બિન્દુને આવેલા ઉધરસના હુમલાથી પ્રશાંત સફાળો જાગી ગયો અને પાણીનો જગ લેતા ‘સીતારામ…સીતારામ…’ બુમ પાડવા લાગ્યો અને બિન્દુને પાણી પાયું તો એક ઘુટળા પાણીથી ઉધરસ બેસી ગઇ ત્યાં માર માર દોડતા આવતા સીતારામને જોઇ બિન્દુ મલકી.

‘માલકિન દવા લઇલો આરામ થશે…’સીતારામે પડિકી ખોલી આપતા કહ્યું

‘તું એ નો એ જ રહ્યો સીતારામ..’બિન્દુએ દવા લેતા કહ્યું તો અંગુછાથી આંખો લુછતા સીતારામ બહાર ચાલ્યો ગયો.

       બે દિવસ આરામથી પસાર થઇ ગયા.પ્રશાંત સતત બિન્દુની આસપાસ જ રહ્યો.ત્રીજા દિવસની સવારે ઘનશ્યામદાસને લઇને રઘુનાથ આવી ગયો.બિન્દુની તબિયત વધુ કથળી ગઇ હતી.ઘનશ્યામદાસ આવ્યા તેની આગલી રાત્રે બિન્દુ પ્રશાંતને સતત એક જ સવાલ પુછતી હતી

‘બાપુજી આવ્યા…? બાપુજી આવ્યા…?’

      ઘનશ્યામદાસના આગમનથી બિન્દુની આંખ અને ચહેરાની ચમક અનેક ઘણી વધી ગઇ.‘દીકરી બેટા…’ઘનશ્યામપ્રસાદે બિન્દુની બાજુમાં બેસતા કહ્યું.

       હર્ષાવેશમાં બિન્દુ કશું બોલી શકી નહીં પણ એને સખત ઉધરસનો હુમલો થયો.પ્રશાંતે જલ્દીથી એને પડિકી સાથે પાણી પાઇ તેના ખોળામાં એક મોટો ટોવેલ પાથર્યો.બિન્દુને પડિકીથી થોડી રાહત થઇ પણ શ્વાસ ધમણની જેમ ચાલતો હતો. પ્રશાંતે ભીની આંખે ઘનશ્યામદાસ સામે જોયું ત્યારે એટલી જ ભીની આંખે પ્રશાંતને સાંત્વન આપતા ઘનશ્યામદાસે કહ્યું 

‘રડો નહીં જમાઇરાજ આ શું…? આમ હિંમત હારી જાવ એ તમને ન શોભે..’કહી પોતાની આંખો લુછતા ખસિયાણું હસ્યા.

‘બાપુજી તમારી દીકરીને સમજાવો કે એ ડૉ.વિલ્સનને ઇલાજ કરવા આપે…’પ્રશાંતના સ્વરમાંથી આજીજી ટપકતી હતી.

‘પ્રશાંત….તમે….મને….’બાકીના શબ્દો ઉધરસમાં અટવાઇ ગયા.થોડો શ્વાસ હેઠો બેઠા પછી બિન્દુએ ઘનશ્યામદાસને કહ્યું (ક્રમશ)

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: