(ગતાંકથી શરૂ) પ્રશાંત ભારે પગલે ત્યાંથી વિદાય થયો.જુના ઘરની ચાવી તેની કી-ચેઇનમાં હતી તેથી ઘર ખોલ્યું.જ્યાં ત્યાં કરોળિયાના જાળા અને ધૂળના થર દરેક વસ્તુ પર જામેલા હતા, એ જોતો એ પહેલા માળે આવ્યો.સામેના ખુણામાં પડેલી કાળી પેટી ખેંચીને બારીમાંથી આવતા સૂર્ય પ્રકાશમાં તેણે બંસીધરે આપેલ ચાવી અને બતાવેલ વિધીથી પેટી ખોલી.પોતાના પિતાશ્રીના મોતીના દાણા જેવા અક્ષરો જોઇને પ્રશાંતની આંખેથી આંસુ ઉમટી પડયા.તેણે હસ્તપ્રતને આંખે લગાળી ચુમીને યથાવત મુકીને તાળુ માર્યું અને પેટી જ્યાંથી ઉપાડી હતી ત્યાં પાછી મુંકીને મુંબઇની ગાડી પકડી. મુંબઇના ઘરમાંથી જોઇતી ચીજ વસ્તુઓ ઉપાડી વષો જુનો નોકર સીતારામ અને પુજા માટે જોઇતા જુદા જુદા ફૂલો માટે ખાસ રાખેલ માળી રઘુનાથ સાથે પોતાના ગામ પાછો ફર્યો.ત્રણેય મળીને ઘરની સાફ સફાઇમાં લાગી ગયા સાંજ પડતા ઘર દીપી ઉઠયું.
બીજા દિવસથી પ્રશાંત હસ્તપ્રતોના અભ્યાસમાં લાગી ગયો.ભલે આખો દિવસ પસાર થઇ જાય પ્રશાંતને કશું પણ પુછવા સીતારામે કે રઘુનાથે ઉપલા માળે આવી તેને અભ્યાસમાં ખલેલ ન કરવી એવી ખાસ અને સખત તાકીદ પ્રશાંતે કરેલી. સમયના વ્હાણા વાતા રહ્યા.એક વરસ પસાર થઇ ગયું.એક દિવસ બધા મુંબઇ પાછા ફરતા હતા ત્યારે પ્રશાંતનો એક પ્રાધ્યાપક મિત્ર સંતોષ સકસેના મળી ગયો.
સકસેના હાલમાં સિમલામાં રહેતો હતો અને થોડા સમયમાં જ એ સિમલા પાછો જવાનો હતો.તેની શ્રીમતિનો પ્રસવકાળ નજીક છે એ જાણ્યા પછી પ્રશાંતે પોતે પણ સિમલા આવવા ઇચ્છે છે એવી ઇચ્છા વ્યકત કરી જે સકસેનાએ વધાવી લીધી. પ્રશાંતે રઘુનાથ અને સીતારામને મુંબઇ મોકલાવી તે સકસેના સાથે સિમલા આવી ગયો.એક જ અઠવાડિયામાં તો એ ઘરના દરેક સભ્યો સાથે હળી ભળી ગયો.
નવજાત બાળકની નામાકરણ વિધી થઇ એ રાત્રે જ્યારે સૌ જંપી ગયા ત્યારે ઘરના મધ્યસ્થખંડના અંધકારમાં એક પ્રશાંત જાગતો હતો અને ધ્યાનસ્થ અવસ્થામાં એ કંઇક મંત્ર જાપ કરી રહ્યો હતો.મધ્યસ્થખંડમાંની જુની ઘડિયાળમાં બારના ટકોરા થયા ત્યારે એક તેજના અંબારસમી કો અભિસારિકાની જેમ એક આકૃતિ પસાર થઇ એની સાડીનો પાલવ પ્રશાંતે પકડી લીધો.
‘કોણ છો…?’
‘હું વિધાતા..’
‘શું લખ્યું તેં નવજાતના ભાગ્યમાં એ નહી પુછું પણ મારા ભાગ્યનું શું…?’
‘પાલવ છોડ તારે શું જોઇએ…?’
‘ધનવાન થવાનો સરળ માર્ગ…’
‘આ ઘરના નૈરૂત્ય ખુણા તરફ નવસો પગલા જજે ત્યાં તને નવફૂલનું ઝુંડ દેખાશે, ત્યાંથી ઉત્તર દિશામાં જજે ત્યાં એક ટેકરો દેખાશે ત્યાં ખોદકામ કરાવજે એમાંથી તને એક ચંડિકાની મૂર્તિ મળશે જેના હાથમાં ત્રિશુળ હશે.મુર્તિ મળે એના ડાબા પગથી ૯૦ ત્રિશુળ જેટલી દૂર ફરી ખોદાવજે પણ યાદ રાખજે ત્યાં કોઇને સાથે નહીં લઇ જતો ત્યાં તને એક ચરૂ મળશે જે સુવર્ણમુદ્રાથી ભરેલો હશે તે ચરૂ કોઇ સાધનમાં ખાલી કરી લેજે.એ સુવર્ણમુદ્રાઓ તું વાપરીશ તો બાકીની કોડી થઇ જશ.એ જ ચરૂમાં તને એક મખમલની કોથળી મળશે તેમાં એક મુઠી સુવર્ણમુદ્રા નાખીને તને મળેલી ચંડિકાની મૂર્તિ પાછળ રાખી વિધીવત પૂજા કરજે ત્યાર બાદ તે કોથળી લઇ લેજે જેમાંથી તને વર્તમાન યુગનું નાણું મળશે.તે નાણાના બે ભાગ કરજે એક ભાગ તને મળેલ ચંડિકાની મૂર્તીનું મંદિર બનાવવામાં મન મુકીને વાપરજે અને બીજો ભાગ તું તારા ઉપભોગ માટે વાપરજે હવે પાલવ છોડ’કહીને એ આકૃતિ અદશ્ય થઇ ગઇ.
પ્રશાંત ત્યારે જ ચાલી નિકળ્યો અને સંકેત મુજબની જગા જોઇ આવ્યો. બીજા દિવસે ત્યાં ખોદકામ શરૂ કરાવ્યું ખરેખર તે માંથી એક કાળા આરસમાંથી કંડારેલી તેજોમય અષ્ટભુજાળી ચંડિકાની મૂર્તિ મળી આવી જેના એક હાથમાં મોટું ત્રિશુળ હતું. મજુરોને મહેનતાણું આપી વિદાય કરી એ મૂર્તિની પ્રશાંતે વિધિસર પૂજા કરી.આ જોઇ પ્રશાંત સાથે આવેલ સકસેના આશ્ચર્યમાં ડૂબી ગયો.
ત્રિશુળના કદનો અંદાઝ બાંધતા થોડે દૂર આવેલ એક જર્જરિત ઝુંપડીનો સંકેત મળતો હતો.સાત દિવસની રઝળપાટ પછી એ ઝુપડીનો માલિક મળ્યો.તેની માંગણી મુજબ ૧૫૦૦ રૂપિયા આપી એ ઝુંપડી પ્રશાંતે ખરિદી લીધી.આશ્ચર્યની વાત એ હતી કે એ ઝુપડીની આસપાસ અફાટ મેદાનમાં ઝાડ અને ઝાડિયોથી ઘેરાયેલા ઘાઢ જંગલ શિવાય કશું પણ ન હતું.
પ્રશાંતે થોડો ખર્ચ કરીને એ ઝુંપડી રહેણાક લાયક બનાવી અને પછી સંકેત મુજબ ખોદતા તેને એક ચરૂ મળ્યો.બીજા ખુણામાં ખાડો ખોદી એ ચરૂમાંની બધી જ સુવર્ણમુદ્રાઓ ભંડારી દીધી તેના પર એક પાટિયું ઢાંકી દીધું.પોતે કરીદેલ ઝુંપડીની બાજુમાં મજુરો બોલાવી બીજી એક ઝુંપડી તૈયાર કરાવી ત્યાર બાદ એક માણસને મુંબઇ મોકલાવી સીતારામ અને રઘુનાથ સાથે કાળી પેટી અને જોઇતો સામાન મંગાવી લીધો.
કાળી પેટી આવી ગયા પછી બધી સુવર્ણમુદ્રાઓ એ પેટીમાં ભરી તાળુ મારી દીધું.ઝુપડીની આસપાસના અફાટ મેદાનમાંથી બે એકર જેટલી જમીન તેણે ખરીદી લીધી.સીમલામાં થોડી તપાસ કર્યા બાદ એક આર્કિટેકટ પાસેથી માતાજીના મંદિર અને પોતાના સ્વપ્ન મહેલ બનાવવા માટેના નક્શા તૈયાર કરવા કહ્યું.
આ દરમ્યાન પ્રશાંત પેલી કાળી પેટીમાંથી એક મુઠી સુવર્ણમુદ્રા પેલી મખમલની થીલીમાં મુકી ઝુપડીમાં રાખેલ ચંડિકાની મૂર્તિની પાછળ મૂકી વિધિવત પુજા કરતો.પૂજા પછી મળેલ નાણા માંથી સરખા બે ભાગ કરતો એમ તેણે પોતાના ખર્ચ અને મંદિરના બાંધકામ માટે ખર્ચાનાર વર્તમાન સમયનું નાણું ભેગું કરવાની શરૂઆત કરી.નક્શા તૈયાર થઇ ગયા બાદ તેણે મંદિર અને રહેણાંકના બાંધકામ માટે એક કોન્ટ્રાકટરને નિર્માણની જવાબદારી સોંપી.
એક વર્ષના અથાગ પરિશ્રમ પછી એક તરફ મંદિર અને બીજી તરફ તેના સ્વપ્નનો મહેલ તૈયાર થઇ ગયા.પ્રશાંત મુંબઇ આવ્યો અને પોતાની બેઅદબી બદલ બિન્દુ અને શેઠ ઘનશ્યામદાસની માફી માંગી તેણે કહ્યું કે, તે બિન્દુને પોતાના ઘેર લઇ જવા આવ્યો છે.પ્રશાંત જયારે બિન્દુને મળ્યો ત્યારે એને જોઇ તે આંચકો ખાઇ ગયો અને વિસ્ફરિત નયને જોયું એ બિન્દુ નહતી એતો હાલચાલતું નરકંકાલ હતું એને રાજરોગ ક્ષય લાગુ પડી ગયો હતો.
મંદિરમાં માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઇ અને બંગલાનું વાસ્તુ પુજન કરાવી ગૃહપ્રવેશ થયો.બંને ઉત્સવોની ધમાલ પછી રાત્રે ઉભયનું મિલન થયું ત્યારે પ્રશાંત રડી પડ્યો.
‘રડ નહીં પ્રશાંત…’કહી બિન્દુએ પોતાના જર્જરિત હાથથી પ્રશાંતને બાથમાં લેવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો પણ પ્રશાંતે બિન્દુને પલંગ પર સુવડાવી ચુંમતા કહ્યું
‘બિન્દુ તારી આ દશા મારા લીધે જ થઇ છે એ માટે મને જે સજા થાય એ ઓછી છે. ઓહ..! ઇશ્વર…ઓહ..! ઇશ્વર આ મેં શું કર્યું? આ સંપતિ આ મહેલ સમુ રહેઠાણ શા કામના જેને મારી બિન્દુ ન માણી શકે….’કહેતા પ્રશાંત ખુબ વ્યથિત થઇ ગયો તો બિન્દુની આંખો પણ ભીની થઇ ગઇ.
‘ખરેખર તો જે કડવા વેણ મેં તારા સામે ઉચાર્યા તે મારે ન્હોતા ઉચાર્વા…’
‘ના…બિન્દુ ખરેખર તો મારે તને કહેવું જોઇતુ હતું કે, પહેલા પાંચ હજાર મારા મિત્ર બનવારીના શ્રીમતિના પેટમાંની ગાંઠના ઓપરેશનમાં ખુટતી રકમ આપવા માટે લઇ ગયો હતો, જયારે બીજા પાંચ હજાર….’કહી પ્રશાંત ઊભો થયો અને કબાટમાંથી એક બોક્ષ લાવી ખોલીને બતાવતા કહ્યું
‘ઓપરેશન બાદની સારવાર અને દવાદારૂ માટે જોઇતી રકમ માટે મેં તારા પાસેથી આ હાર જુંટવીને રામવિલાસ મારવાડી પાસે ગીરવી મુકી મેળવેલ’
‘ના પ્રશાંત એ વખતે ન તું ગુસ્સે થાત,નતું મને થપ્પડ મારત અને નતો ગુસ્સામાં આવી હું ઘર મુકી ને ચાલી જાત અને મારા ઘમંડને લીધે જ પિતાજીને આણ આપી હતી કે, તેઓ તમને મળવા પણ ન જાય. આજે મારૂં ઘમંડ ચૂર ચૂર થઇ ગયું મારા આ દેહ સાથો સાથ, એમાં તારો કોઇ દોષ નથી પ્રશાંત…’એમ એક બીજાને સાંત્વન આપતા એક બીજાના આશ્લેષમાં ઊંઘી ગયા.
રાત્રીના ત્રણના સુમારે બિન્દુને સખત ઉધરસ ઉપડી અને રક્તની ઉલટી થઇ એ જોઇ બેબાકળા પ્રશાંતે જોરથી બુમ મારી
‘રઘુકાકા…સીતારામ…’ (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply