(ગતાંકથી શરૂ)
માતાના મૃત્યુનો શોક પ્રશાંત જીરવી ન શક્યો અને ત્યારથી એ સતત શુન્ય મનસ્ક રહેવા લાગ્યો.ક્યારેક વિચાર મગ્ન થઇ જતો ત્યારે તેની આસપાસ મંડરાતી બિન્દુ તેને ગમગીનીમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરતી.મહાવિદ્યાલયમાં પણ એ જે મન મુકીને પ્રવચનો આપતો તેમાં પણ ફરજનું તત્વ રહ્યું.સાંજે એ વાંચનાલય-પુસ્તકાલયમાં વ્યતીત કરતો હતો તેના બદલે સમુદ્ર કિનારે બેસી ઉભરાતી લહેરો જોયા કરતો.
એક દિવસ સમુદ્ર કિનારે પ્રશાંતને તેનો જુનો મિત્ર બનવારી ત્રિવેદી મળી ગયો. બનવારી તેને પોતાની બેઠક પર લઇ આવ્યો.ત્યાં બેસી બંને જુની વાતો અને પ્રસંગો યાદ કર્યા.તે દરમ્યાન બનવારીએ પ્રશાંતને ભાંગ પિવડાવી એટલામાં અહમદ અલ્લારખા આવ્યો તેમણે ઢોલકની થાપે ભોજપુરી ગીતો ગાયા જેમાં બનવારીએ હાર્મોનિયમ વગાડતા સાથ આપ્યો.પ્રશાંતની ગમગીની ખંખેરાઇ ગઇ.તે દિવસથી સમુદ્ર કિનારે જવાના બદલે બનવારીની બેઠક પર તેનો વધુ સમય પસાર થવા લાગ્યો.બિન્દુ આ બધું મુંગા મોઢે જોયા કરતી હતી પણ ઘેર પાછા ફરતા પ્રશાંતને ખુશ જોઇ એને ખુશી થતી.
એક દિવસ અલ્લારખાની ઢોલક અને હાર્મોનિયમના સંગતમાં ગવાતા ભોજપુરી ગીત સાંભળી આલબર્ટ ડીસોઝા બનવારીની બેઠક પર આવ્યો અને દાદર ઉપર જ ઊભા રહી સાંભળતો રહ્યો.ગીતોને વિરામ આપતા તેણે બેઠકમાં પ્રવેશ કર્યો.
‘ગુડ ઇવનિન્ગ એવરી બડી’
‘ગુડ ઇવનિન્ગ’પ્રશાંતે કહ્યું એટલે તે બેસી ગયો તો બધા તેને જોવા લાગ્યા.
‘હમ આલબર્ટ ડીસોઝા,ન્યુ થિયેટરકા માલિક હમ ટુમ્હારા મ્યુઝિક સુના ટુમ્હારા ગાના સુના,હમકો બહોટ પસંદ આયા.હમ બહોટ ખુશ હુવા ઇસકે લીયે ઇધરકો આયા’
‘થેન્ક્યુ…થેન્ક્યુ સો મચ’પ્રશાંતે કહ્યું
‘હમ માંગટા ટુમ હમારે સાથ કામ કરો,હમારે થિયેટરમેં મ્યુજીક ડો,ગાના ગાવ હમ ટુમ લોગકો જાનના માંગટા ટુમ આયેગા? હમ બહુટ ખુશ હોગા હમ ટુમ્હારે સાથ મીલકે કામ કરનેકુ માંગટા’
‘મીટ મિસ્ટર બનવારી હી ઇસ ગુડ હાર્મોનિયમ પ્લેયર એન્ડ સિંગર’બનવારીનો પરિચય આપ્યો તો બનવારીએ હાથ મેળવ્યા
‘મીટ મિસ્ટર અહમદ અલ્લારખા હી ઇસ ગુડ ડ્રમ પ્લેયર એન્ડ સિંગર’એટલે અલ્લારખાએ હાથ મેળવ્યા.
‘એન્ડ માય સેલ્ફ પ્રશાંત ચતુર્વેદી બી.એ. વીથ સંસ્કૃત લેક્ચરર ઇન ગ્રેટ બોમ્બે યુનિવર્સીટી’કહી પ્રશાંતે હાથ લાંબો કર્યો
‘ટુમ સંસ્કૃટ જાનટા..?મેઘદૂટ,કાલીદાસ જાનટા..? પ્લીઝડ ટુ મીટ યુ મેન હમ કિટના ખુસ હુવા બટાનેકુ નહી શકટા.હમ ટુમારે જૈસા મેન મંગટા હમ શાકુન્ટલ ઇન્ગ્લીસમેં ટ્રાન્સ્લેટ કરનેકુ માંગટા હમારા મેઇન ડ્રામા ઇન્ગલીસ હમ ઇન્ગલીસ ડ્રામા કરટા..’ડીસોઝાએ કહ્યું
‘સાલુ પ્રશાંત મારૂં ત્યાં શું કામ અને અહમદનું પણ શું કામ..?’બનવારીએ કહ્યું
‘નઇ નઇ મેન ટુમ હમારા બાટ નઇ સમજા હમ સબ લેંગ્વેઝમેં ડ્રામા કરનેકુ માંગટા.
હમ ગુજરાથી સમજનેકુ શકટા બોલના નહી આટા.હમ પારસી કોમેડી પ્લે કિયા,ટુમારે વાસ્ટે ગુજરાથી ડ્રામા,હિન્ડી ડ્રામા કરનેકુ માંગટા.ટુમ સબ આવ હમ કલ ઇધરીચ ગાડી ભેજટા ટુમ જરૂર આવ ઓકે..?’
એ ઊભો થાય એ પહેલા બનવારીએ તેને ભાંગનો ગ્લાસ આપ્યો જે એ ‘થેન્ક યુ’ કહી પી ગયો પછી બનવારીએ કહ્યું ‘યહ ભાંગ હૈ..’
‘ડોન્ટવરી પરવા નઇ હમ ભાંગ બહોટ પીયા ફિકર નઇ કરને કા,ઓકે કલ સાટ બજે’ કહી એ નીકળી ગયો પણ પ્રશાંતની જિન્દગીનો આ નવો વણાંક હતો
હવે પ્રશાંત,બનવારી અને અહમદ અલ્લારખા ન્યુ થિયેટરમાં જ મળતા ત્યાં જ ભાંગ ઘૂંટાતી પિવાતી,રિયાઝ થતી,રિહર્સલ થતી,ડ્રામા થતા અને આમ બધા ન્યુ થિયેટરના અંગ બની ગયા.જ્યોતિષ કાર્યાલયનો વિટો વળી ગયો,લેકચર શીપમાંથી રાજીનામું અપાઇ ગયું.પૈસાની જરૂર પડતી ત્યારે જ પ્રશાંત ઘેર આવતો આના સિવાય તે ઘરમાં દેખાતો નહીં.આવક બંધ થઇ ગઇ અને જાવક વધી ગઇ.બે ત્રણ વખત બિન્દુએ પ્રશાંતને વાળવાનો પ્રયત્ન કર્યો પણ પરિણામ શુન્ય આવ્યું.એક દિવસ પ્રશાંત ઘેર આવ્યો
‘બિન્દુ…ઓ..બિન્દુ…’
બિન્દુ પાણીનો લોટો લઇ બહાર આવી
‘મારે પાણી નહીં રૂપિયા જોઇએ..’
‘……….’
‘મારા મોઢા સામે શું જુવે છે પાંચ હજાર લાવ..’પ્રશાંતે માંગણી કરી
‘પણ ત્રણ દિવસ પહેલા તો પાંચ…..’
‘મને હિસાબના લેકચર નહીં જોઇએ પાંચ હજાર લાવ..’
‘મારી પાસે રોકડા નથી…’
‘તો આ હાર આપી દે..’કહી પ્રશાંતે બિન્દુએ પહેરવા લીધેલ હાર ખેંચવા આગળ વધ્યો બિન્દુ જરા પાછળ હટતા કહ્યું
‘આ હાર,આ ધન,આ દોલત બધું મારા બાપનું છે તેમાં તમારૂં કશું નથી આ બધાની માલકણ હું છું…’
‘મ્હેણાં મારે છે નાલાયક…’કહીને પ્રશાંતે બિન્દુને એક તમાચો મારી હાર જુંટવીને જતો રહ્યો અને ફરી દેખાયો જ નહીં.એક દિવસ એ ઘેર આવ્યો ત્યારે બિન્દુ પિયર જતી રહેલી એમ માળી રઘુકાકાએ કહ્યું.પ્રશાંતમાં એટલી હિંમત ન હતી કે,બિન્દુને મળવા એના પિયર જાય.ખરેખર તો ઘનશ્યામ પ્રસાદ મિશ્રાનો સામનો તે કરી શકે એમ ન હતો કારણ કે,બિન્દુનું પિયરમાં આગમન વિષે તે શું કેફિયત આપે.
એક દિવસ બંસીધર શર્માએ મોકલાવેલ એક માણસ તેને મળવા આવ્યો જે તેના પોતાના મુળ વતનના ગામ લઇ ગયો.પથારીવસ બંસીધરે ફિક્કુ હસી પ્રશાંતને આવકાર્યો.બંસીધરની પથારીની બાજુમાં મુકેલ ખુરશી પર બેઠેલા પ્રશાંતને કહ્યું
‘મેં આજ દિવસ સુધી સાચવેલી તારી અમાનત તને સોંપી દઉ એટલે હું બંધન મુક્ત થઇ આરામથી મરી શકું…’પ્રશાંત અપલક અને આંસુ ભીની આંખે સાંભળતો રહ્યો.
‘આપણાં ઘરના ઉપલા માળ પર તારા પિતાએ સોંપેલી કાળી પેટી છે,તેના ચોર ખાનામાં એક કળ છે એ દબાવીશ તો પેટીનું તળિયું ખુલશે તેમાં તારા પિતાના હાથે લખેલી હસ્તપ્રતો છે,તેમાં તેમને જે કંઇ વિદ્યા હસ્તગત હતી તે બધી વિધીસર સિધ્ધ કરવાના પ્રયોગો લખેલા છે,તેમની ઇચ્છા મુજબ મારે તને તારા ૨૫માં વર્ષે સોંપવાની હતી.ત્યારે તારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો પણ તું મળ્યો નહીં હવે મારી કાયાનો કંઇ ભરોસો નથી અને હું એ ફરજ ચુકી જાઉ એ પહેલાં તને સોંપણી કરૂં છું. આ તે પેટીની ચાવી છે’કહી બંસીધરે માથા નીચે મુકેલા ઓશિકાના ગ્લેફમાંથી કાઢીને એક ચાવી પ્રશાંતને આપી પણ એ ચાવી લેતા પ્રશાંત રડી પડ્યો.
‘કાકાજી તમે જરાય નિરાશ ન થસો,તમારી તબિયત બરાબર થઇ જાય પછી આપણે સાથે બેસીને બધું વિગતવાર જોઇશું’
‘ના બેટા એવી કંઇ જરૂર નથી,તું આજ આ ઘડીએ એ પેટી ખોલી શકે છે,તને ન સમજાય એવું એમાં કશું જ નથી,તું દીવા જેવું સમજી શકે એટલું સ્પષ્ટ લખાણ છે, મારૂં અનુભવેલું છે પણ વચન આપ કે,તું તારા પિતાની એ બધી સિધ્ધીઓ હસ્તગત કરીશ અને તે માટે જ તને પાયાનું જ્યોતિષ જ્ઞાન અને સંસ્કૃત શિખડાવવામાં આવ્યા છે તે તને સહાયરૂપ થશે’
એમ કહી બંસીધરે પ્રશાંતના માથાપર હાથ મુકી આશિષ આપ્યા ત્યારે કેટલીવાર સુધી પ્રશાંત બંસીધરનો પોતાના માથાપરનો હાથ પકડી બેસી રહ્યો ત્યારે આછું મરકતા અને ગાલ પસવારતા બંસીધરે કહ્યું
‘જા બેટા તું એ પેટી ખોલી અભ્યાસમાં લાગીજા મા આદ્યશક્તિ તારી સહાય કરશે’
(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply