શિતળ વાયરા સાથે ઘુમરાતી ગુલાબી ઠંડી હતી.વાતાવરણ ખુશનુમા અને આહલાદક હતું. શિયાળાના મોસમને કારણે હોટલ તરફથી સર્વ થયેલી આદુવાળી ગરમ ચ્હાની ચુસકી લેતા મહિમે ચ્હા પુરી કરી અને સિગારેટ સળગાવી ત્યાંતો
‘ગુડ મોર્નિન્ગ સર…’કહેતો એમણે નક્કી કરેલ ગાઇડ આવી પ્હોંચ્યો
‘તૈયાર…?’ગરમાવા માટે હથેળીઓ ઘસતા તેણે ઉમેર્યું
‘બસ મેડમ આવે એટલે નિકળીયે..અરે..નયના…ટાઇમ થઇ અયો..’મહિમે હોટલ તરફ જોઇ સાદ પાડ્યો.
‘ચાલો…’પોતાનો કોટ પહેરતા બહાર આવેલી નયનાએ કહ્યું
‘તો સાહેબ આપણે આજે આ હોટલ ‘હોમ સ્વીટ હોમ’ના પ્રાંગણથી જ શરૂઆત કરીએ’ કહી ગાઇડ આગળ ચાલ્યો તો મહિમ અને નયના તેની પાછળ ચાલ્યા.હોટલના વિશાળ ગોલ્ફ મેદાનને પાર કરી આરસમાંથી કંડારેલી નકશીદાર છતરડી પાસે બધા ઉભા રહ્યા ત્યાં છતરડીમાં ત્રણ સમાધી હતી.
‘આ ત્રણ સમાધી આ હોટલના સ્થાપક અને માલિકની છે પહેલી સમાધી બિન્દુ ચતુર્વેદીની વચ્ચે પ્રશાંત ચતુર્વેદીની અને છેલ્લે છે બિન્દિયા ચતુર્વેદીની છે’ગાઇડે કહ્યું
‘એટલે લાગે છે કે, માતા પિતા અને…..’
‘હં…હં…હં…રખે ભૂલ કરતા…’મહિમ કંઇ આગળ બોલે તેને રોકતા ગાઇડે કહ્યું
મહિમ અને નયના પ્રશ્નાર્થ ગાઇડ સામે જોયું તો તેણે કહ્યું
‘વચ્ચેની સમાધી માલિકની છે અને આજુબાજુ માલકણની છે’ગાઇડે દરેક સમાધી નીચે લગાડેલી તકતી તરફ અંગુલીનિર્દેશ કરતા કહ્યું
શ્રીમતિ બિન્દુ ચતુર્વેદી જન્મ ૧૬–૦૧–૧૬૦૬ મૃત્યુ ૧૯–૦૧–૧૯૩૨
શ્રી પ્રશાંત ચતુર્વેદી જન્મ ૧૮–૦૩–૧૯૦૨ મૃત્યુ ૨૦–૦૬–૧૯૮૦
શ્રીમતિ બિન્દિયા ચતુર્વેદી જન્મ ૨૦–૦૧–૧૯૩૩ મૃત્યુ ૨૦–૦૬–૧૯૮૦
‘અરે…! આ બંનેના અવસાનની તારીખ એક જ છે શું બંને કોઇ અકસ્માતમાં…’મહિમે ગાઇડ સામે જોતા પુછ્યું
‘ના સાહેબ એતો સામાન્યપણે મૃત્યુ પામેલા આ સમાધી સામે બોગન વેલિયાના માંડવા નીચે મળી આવેલા પણ તેમના મૃત્યુનું કારણ હજુ મળ્યુ નથી અને સાચું કારણ લોકો માનતા નથી…’
‘કેમ…?’
‘સાચું કારણ માલિકનો વિશ્વાસુ નોકર સીતારામ જાણતો હતો એ જ આ દુનિયામાં નથી એ પણ માલિકના અવસાન બાદ એક જ અઠવાડિયા પછી તેમને મળવા ચાલ્યો ગયો.’
‘ઓહ..! તો એ રહસ્ય રહસ્ય જ રહ્યું એમને…?’મહિમે ગાઇડને પુછ્યું
‘ના સાહેબ કંઇ રહસ્ય નથી પણ ચાલો આપણે પહાડો તરફ જઇએ એ બહુજ લાંબી અને અટપટી વાત છે..’કહી ગાઇડ આગળ ચાલવા લાગ્યો
‘તો આપણે અહીં જ બેસીને વાતો કરીએ તો…?’નયનાએ કહ્યું
‘હું તમને રસ્તામાં વાત કરીશ ને’કહી ગાઇડે કહ્યું
એટલે મહિમ અને નયના પણ તેના પાછળ મુંગા મુંગા ચાલવા લાગ્યા અને એક સારા ઊંચા ટેકરા પર આવીને પોતાનું પિકનીક પેક મુકયું.ગાઇડે સાથે લાવેલ તંબુ ઊભો કર્યો તો નયનાએ થર્મોસમાંથી ગરમ ચ્હા રેડીને એક કપ ગાઇડને આપ્યો અને એક કપ મહિમને આપતા પુછ્યું
‘તને કંઇ ખાવા જોઇશે…?’
‘ના…’ચ્હા પીતા મહિમે કહ્યું
‘તો ચાલો આપણે વાતો કરીએ મી.પ્રશાંતની..’પોતાનો કપ હોઠે માંડતા નયનાએ કહ્યું
‘મી.પ્રશાંતના પિતાશ્રી કૃષ્ણકુમાર ચતુર્વેદી એક કર્મકાંડી,મોટા જ્યોતિષાચાર્ય અને સિધ્ધપુરૂષ હતા પણ અમારા સાહેબના દુર્ભાગ્ય કે પાંચ વરસની કાચી ઉમરેમાં જ તેમણે પિતાની છત્રછાયા ગુમાવી.તેમના પિતાશ્રીના એક અંતરંગ મિત્ર બંસીધર શર્માએ કૃષ્ણકુમાર ચતુર્વેદીની મિલકતનો વહિવટ સંભાળીને એક આવક ઊભી કરી આપી,જેમાંથી એક સામાન્યજનની જીવન જરૂરિયાત તથા સાહેબના શિક્ષણની વ્યવસ્થા થઇ શકી,જેમાં ખોટા ખર્ચા માટે કોઇ અવકાશ ન હતો.બાળક પ્રશાંતને સારા સારા કપડા પહેરવાનો,સારા સારા પુસ્તકો વાંચવાનો,પર્યટન પર જવાનો શોખ થતો અને તે માટે જ્યારે જીદ કરતો ત્યારે તેના માતુશ્રી માયાદેવીની આંખમાં ઝળઝળિયા આવી જતા અને એમના મુખેથી કાયમ એક જ જાતના શબ્દો નીકળતા
‘દીકરા મારા આપણાં પાસે એટલા પૈસા ક્યાં છે કે,આપણે એવું બધું કરી શકિયે જે મુડી છે એમાંથી આપણો માંડ ગુજારો કરીએ છીએ…’
પણ આ સાંભળી પ્રશાંતના બાળ માનસમાં પૈસા જ બધું છે એવું ઠસાઇ ગયું. જેમે જેમ ઉમર વધતી ગઇ તેમ પૈસા પ્રત્યેનો મોહ વધુ દ્રઢ થતો ગયો.સાત ગુજરાતી ભણાવતી ગામઠી શાળાનું શિક્ષણ પુરૂં થતા તેના પિતાશ્રીની ઇચ્છા અનુસાર જ્યોતિષ વિશારદ બનાવવા માટે કાશી ભણવાની વ્યવસ્થા કરવામાં આવી.
સમય વિતતો ગયો અને બાળક પ્રશાંતમાંથી તે પ્રશાંત ચતુર્વેદી બી.એ. વિથ સંસ્કૃત થયો.કાશીમાંજ એક મહાવિદ્યાલયમાં સંસ્કૃતના પ્રોફેસર તરિકે નોકરી મળી ગઇ પણ તેઓ એ નોકરી સ્વિકારે તે પહેલા જ બંસીધર શર્મા આવ્યા અને તેને મુંબઇ લઇ આવ્યા કારણ કે,ત્યાં રહેણાંક,નોકરી અને વર્ષોથી રાહ જોતી માતા બધું જ હતું તેથી તેણે તે સ્વિકારી લીધું.ઘરથી પાંચ મિનીટના અંતરે એક મહાવિદ્યાલય હતું જ્યાં તે પ્રવચનકાર થયો.ક્યારેક ચોરીછુપીથી માયાદેવી એ મહાવિદ્યાલયના પ્રાંગણમાં પડતી એક બારીમાંથી પ્રવચન કરતા પ્રશાંતને જોતા અને ખુશ થતા.
એમની ખુશી ત્યારે બેવડાઇ ગઇ જ્યારે સમાચાર પત્રોમાં પ્રશાંતના લેખો પ્રકટ થવા લાગ્યા અને ઘણી વખત રાત્રે મિત્રો સાથે જન્મકુંડળીઓ પર ગરમાગરમ ચર્ચા કરતો સાંજના સાત થી આઠ વાગ્યા સુધીનો સમય નજીકના વાંચનાલય–પુસ્તકાલયમાં જ વ્યતિત થતો.
એક દિવસ પુસ્તકાલયમાંથી લાવેલ એક જુનું પુસ્તક લઇને સમુદ્ર કિનારે વાંચવામાં મશગુલ હતો ત્યારે,ખભા ઉપર મુકેલ રૂમાલ પવનની લહેરખી તરતો જઇ રહ્યો હતો જે સામેથી આવતી યુવતીના શરીરમાં અટવાયો.
‘આ તમારૂં હશે…!!!’યુવતીએ રૂમાલ આપતા કહ્યું
‘ઓહ…!!’રૂમાલ લેતા પ્રશાંતે કહ્યું
‘આભાર…’
યુવતી આછેરૂં મલકીને આગળ જતી રહી.થોડે દૂર જઇ એ પણ સમુદ્રકિનારે રેતીમાં બેસીને સમુદ્રમાં ઉભરાતી લહેરોમાં ખોવાઇ ગઇ.અચાનકે પ્રશાંતે ઉચેં જોયું બંનેની આંખો મળી આ તારામૈત્રકથી બંને મલક્યા.ફરી પ્રશાંત પુસ્તકમાં અને યુવતી લહેરો જોવામાં ખોવાઇ ગઇ પણ પ્રશાંતે ફરી ઉપર જોયું ત્યારે એ યુવતી ત્યાં ન હતી.એનું નામ બિન્દુ હતું
જેમ જેમ સમય પસાર થતો ગયો બંને વચ્ચેનું અંતર ઘટતું ચાલ્યું આ નિકટતા પ્રણયમાં અને આગળ જતાં પરિણયમાં પલટાઇ ગયું,બિન્દુ એક મોટા માલદાર પિતા ઘનશ્યામદાસની એકની એક પુત્રી હતી.એને પણ સંસ્કૃત અને સાહિત્યમાં રસ હતો.જ્યારે પ્રશાંત કોઇ જન્મકુંડળીમાં મગ્ન થઇ જતો ત્યારે બિન્દુ તેની બાજુમાં બેસીને સમજવાનો પ્રયાશ કરતી અને આમ તેમનો સુખી સંસાર સરળતા અને શાંતિથી ચાલતો હતો.પ્રશાંતે એને વધુ અભ્યાસ માટે સમજાવી પણ એ એકની બે ન થઇ અને પોતાના સંસારમાં પરોવાઇ ગઇ.આવો સુખી સંસાર,આવુ સુખ અને આવી કુલિન કુળવધુની સેવા માયાદેવી વધુ વખત ન પામ્યા અને શાંતિ અને સંતોષનો શ્વાસ લઇ સ્વર્ગવાસી થયા.(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply