પાણકોરાની ચોરણી જેનો નાડો ગોઠણ સુધી લટકતો હોય,પાણકોરાનો ટુંકો ઝભ્ભો કે ખમીશ ઉપર પીળી જાકીટ,માથા પર ટોપી,જમણા કાન પર ટોપીમાં ખોસેલી પેન્સિલ,ડાબા કાનમાં ચારઆની અને ખમીશના કોલરમાં ફૂટ ભેરવેલી હોય,હાથમાં કુતરા હાંકવા અને કામ કરતી વખતે કાણા પાડવા હાથ શારડી ચલાવવા વપરાતી આછણી (દોરી વાળી લાકડી) હોય,ખભા પર સીમેન્ટની કોથળીમાં ઓજાર હોય જેમાંથી કરવત બહાર દેખાતી હોય અને સવારના નવ અને બાર વાગ્યા વચ્ચે અથવા સાંજે ચાર અને છ વાગ્યા વચ્ચે માંડવીની કોઇ પણ શેરીમાં સાદ સંભળાય “છે સુથારનું કામ…?” તો એ ખેતો વાઢો*.
જો કોઇ કામ કરવા બોલાવે તો ખેતો તમને મજુરીના પૈસા કહે તે આપવા જોઇએ તેમાં જો રકજક કરો તો તમે ઠરાવેલા પૈસા ખીસામાં મુકીને પછી કામ કરે,દાખલા તરીકે તમારા દરવાજાનું જાળિયું તૂટી ગયું હોય ને ખેતો કહે બાર આના થસે તેના જો તમે છ ક આઠ આના આપીશ એમ કહો તો કહેશે ભલે આપો મજુરીના પૈસા તમે કહો કામ તો કર પછી આપશું તો કહે આ બાર આનાના છ આના કર્યા પછી ઇ પણ ન આપો તો હું શું કરી શકું એટલે મજુરી આપો તો કામ કરૂં નહીતર રામ રામ કહી હાલતો થાય તમે પૈસા આપો એટલે થીગડ થાગડ કરી કામ પાર પાડી ચાલવા લાગે અને છોકરાઓ આમ પણ અડવિતરા હોય એ જાળિયામાં લટકે એટલે જાળિયું અને છોકરો બંને નીચે પડે ને તમે જો ખેતાને બોલાવી તતડાવો તો કહેશે છ આના વાળું કામ આવું જ હોય.પછી પાછા બાર આના આપો તો કામ કરી આપે નહીંતર રામરામ.
આમ તો ખેતાને કામ કરવાની જરૂર જ નહતી ઘેર બેસીને એ ચકલા,વેલણ,દાંડિયા,રવાઇ
ખાટલાના પાયા,ઘોડિયા જેવી અનેક વસ્તુ મુંબઇમાં ખેતાના બાપુજી ખેરાજ બાપાના બાંધેલા દુકાનદાર હતા તેમના ઓર્ડર મુજબ બનાવીને માંડવીથી મુંબઇ જતી સરસ્વતી કે સાબરમતી સ્ટીમરમાં કામ કરતા કાસમ કે રમજુ ભડાલા સાથે અથવા મુંબઇ જનાર વહાણમાં આ અસબાબ મોકલાવી આપતો અને બે મહિના પછી એક આંટો મુંબઇ જઇને હિસાબ કરી આવતો.
ખેતો એટલે સાચા બોલો,દિલનો સાફ અને ભોળો માણસ.ખેરાજ બાપાના હાથે આછણીનો માર ખાઇને ખેતો એક નંબરનો કારીગર થયો અને સાત ચોપડી ભણ્યો.અમારી મોટા તળાવ અને નાના તળાવને જોડતા પુલ પર સાંજે બેસતી મંડળીનો ખાસ સભ્ય.કોઇ પણ સ્વારથ વગર કોઇની દવાખાનામાં સેવા ચાકરી કરવાની હોય,કોઇને સ્ટીમર પર લેવા કે મુંકવા જવાનું હોય,ભુજથી કાંઇ મંગાવવાનું હોય એવા ઘણા કામો ખેતો કરી આપે પણ શરત એટલી કે એના કહ્યા પ્રમાણે થવું જોઇએ તેમાં કોઇ આનાકાની કરે તો સમજાવી ફોસલાવીને કામ પાર પાડે નહીંતર કાળી રાતના અધવચ્ચે લટકાવી “જઇને પડ ચુલામાં” કહી ત્યાંથી જતો રહે પછી તમે ગમે એટલે માફી માંગો ખેતાની ના એટલે ના તે હા ન થાય.
લગનસરામાં પોખણાં સપ્લાય કરવાની એની પોલીસી હતી.જ્યાં લગન હોય ત્યાં સવારના ખમીશના ખોળામાં પોખણા લઇ પહોંચી જાય અને ઘરની મુખ્ય બાઇને નામથી સાદ પાડી પોખણા લેવા કહે
‘પહેલા મને ચાંદલો કરો પછી આને ચાંદલો કરો અને વધાવીને થાળીમાં પોખણા લો મને આખિયાણું (સવાકીલો જેટલા ઘઉ) આપો,પંગત કેટલા વાગે બેસસે તો જમવા આવી જાઉ’
કેટલાક રસોઇનું કામ કરનાર ખેતાને હંમેશા સાથે રાખે.તમારે ત્યાં લગ્નનું આયોજન હોયને જો બે દિવસ પહેલા ખેતાને ઇ જવાબદારી સોંપાઇ હોય તો તમે બે ફિકર થઇ જાવ માણેકથંભ રોપવાથી કન્યાની વિદાય સુધી કઇ વસ્તુ,કેટલી જોઇશે અને ક્યારે જોઇશે એ ખેતો તમને લખાવી દે એ લાવી ખેતાને સોંપી દો પછી તમે છુટા એક માણસ ખેતાની તહેનાતમાં હોવો જોઇએ જે એને દર કલાક દોઢ પછી ચ્હા પાય ૧૨૦ તંબાકું વાળા પાન અને તાજછાપ સીગારેટનું પાકીટ લાવી આપે.
મોટેરા એને ખેતો કહે કંઇ વાંધો નહીં પણ કોઇ નાનું છોકરૂં એને ખેતો કહી બોલાવે તો જુઓ મજા ઓલાને બાવડું પકડી હલબલાવીને પુછે
‘નંગ કોનો છો તું…? માવિત્રો એ મોટાની આમન્યા જાળવતા નથી શીખાડી ખેતસીભાઇ કે ખેતસીકાકા શું કહેતા જીભ ઘસાઇ જાય છે…?’
છોકરાનો બાપ ન મળે ત્યાં સુધી ખેતો ઓલાનું બાવડું ન મુકે અને એનો બાપ આવી જાય પછી એને છોકરૂં શોંપતા ત્રણ કટકા ગાળો આપે અને પેલાને ભાગવું ભારે થઇ પડે.ખેતાને કોઇ કામ માટે શોધવો હોય તો લાભુ ટેભલા*ની દુકાને મળે લાભુ અને ખેતાની ખાસ દોસ્તી નહીંતર લાભુને કહી દો તો ખેતો તમારે ત્યાં અચૂક આવી જાય.
હું નોકરી અંગે બહાર રહું છું પણ કચ્છમાં હાજર રહું ત્યારે ખેતો મારા ઘેર અચુક આવે. પ્રભુલાલનું પ્રભુભા એને બોલતા ફાવતું નહીં હોવાથી એ મને બાબભા કહી બોલાવે.મારા ઘરમાં દાખલ થતા જ મારી ભાભીને સાદ પાડે
‘ભાભી ચ્હા પીવડાવો’
મારી બા ઘણી વખત ખીજાય ને કહે
‘મુવા ચ્હા તો એવી રીતે માંગે છે કેમ જાણી પિવડાવતા ન હોઇએ’
‘કાકી એ તમે જે કહો તે મને આ એક જ આપણું ઘર જ મને મારૂં પોતિકું ઘર હોય એવું લાગે છે. તમે મને મારી મા જેવા લાગો છો અને મારે કોઇ ભાઇ તો છે નહીં જેના ઘરવાળાને હું ભાભી કહી શકું વાત સાચી કે ખોટી..? એટલેજ હક્કથી ચ્હા માગું છું’મારી માની ગોઠણ પકડીને કહી પછી હસે.
૨૭-૦૨-૨૦૧૬
*વાઢો=કચ્છી શબ્દ છે મતલબ સુથાર
**ટેભલો= કચ્છી શબ્દ છે ટેભા લેનાર મતલબ સિલાઇ કરનાર દરજી
Filed under: General |
Leave a Reply