સવારના ટાઢા પહોરમાં આંગણાના તુલસી ક્યારે દીવો મુંકી કાંતા જ્યાં પાછી વળી તો ઝાળિયું ખોલીને આવેલી ઝવેરે કહ્યું ‘જયશ્રી કૃષ્ણ’
‘જયશ્રી કૃષ્ણ આવ ઝવી…’કહી કાંતા ઘરમાં દાખલ થઇ અને સોફા પર બેસતા કહ્યું
‘બેસ…તે શું આજે ઘણા દિવસ પછી દેખાણી ક્યાં હતી આટલા દિવસ…?’
‘અરે…શું વાત કરૂં મારી સાસુની તબિયત આટલી બગડી તોંય મારી જેઠાણીએ મને જાણ ન કરી બોલ… એ તો ભલુ થજો ભુલાભાઇનું તેમણે મને સમાચાર આપ્યા ને સાંજની બસમાં જ જેતપુર ગઇ’
‘ત્યારે બરાબર….ચાલ આ તુલસી ક્યારે દિવો કર્યા વગર હું ચ્હા નથી પીતી તો તને પણ પિવડાવું’કહી કાંતા રસોડામાં ગઇ.ચ્હા બની અને સાથે બેસીને બંને પ્રેમથી પીધી.
‘તો હવે કેમ છે તારી સાસુમાને…?.’કાંતાએ પુછ્યું
‘દોઢ મહિનો જેતપુરમાં રહી એટલી જ સેવા મારા કરમે લખી હતી…’કહી ઝવેર રડી પડી
‘એટલે તારી સાસુએ મોટું ગામતરૂં કર્યું એમને…?’કાંતાએ ઝવેરને બાથમાં લઇ સાંત્વન આપતા કહ્યું અને પછી પાણી લાવીને પિવડાવ્યું
‘આ તું પાણી લાવી તે તારી વહુ મંજરી ક્યાં…?’આસપાસ જોતા ઝવેરે પુછ્યું
‘મારો વિશાલ પરણ્યો જ ક્યાં….?’મોટો નિસાશો નાખી કાંતાએ કહ્યું
‘તે કેમ શું વાંધો પડયો…?’જીણી આંખ અને કાન સરવા કરતા ઝવેરે પુછ્યું
‘એના કહેવાથી જ હું મંજરીની દાદી જીવીબાને મળવા ગયેલી તો એમણે કહ્યું આપણા છોકરા રાજી તો આપણે રાજી જોકે મારી મંજરીને તો હું જ્યાં પરણાવું ત્યાં વગર આનાકાનીએ પરણી જાય..’
‘હા….હું મંજરીને ઓળખું ને બહું ડાહી છોડી છે…હંતો પછી….?’ઝવેરે વચ્ચે સુર પુરાવ્યો
‘સગાઇની તારીખ પણ નક્કી કરી હતી.આમ તો મંજરી જીન્સ-ટી શર્ટ કાં ડ્રેસજ પહેરે છે સગાઇની આગલી સાંજે સગાઇની વિંટી લેવા બંને સાથે ગયેલા ત્યારે વિશાલના કહેવાથી મંજરીએ સાડી પહેરેલી અને ખુલ્લી પીઠના બ્લાઉઝમાં વિશાલે પહેલી વખત મંજરીના ગળાનીચે મોટું લાલ લાખું જોયેલો એ વાતની પછી ખબર પડી….સગાઇના દિવસે જ સવારથી ઘરમાંથી વિશાલ ક્યાંક ચાલ્યો ગયો હતો, છેક બપોરે ફોન કરી પરણવાની ના પાડી દીધી. તેને ન પરણવાનું કારણ પુછ્યું તો કહે કારણ બારણ કંઇ નહીં કહી વાત ટાળી…..’
‘આ તો ઢિંગલા ઢિંગલીની રમત જેવું થયું બસ નથી રમતા….’
‘હા ને તેણે છેવટ સુધી કહ્યું નહીં.ભોઠી પડી હું જીવીબાને મળવા ગઇ હતી અને બધી વાતની જાણ કરી…’કહી કાંતાએ મોટો નિસાશો નાખ્યો અને એની આંખ ભીની થઇ ગઇ.
‘આ મંજરીની મા નીલમણી મારી સહેલી થાય.નીલમણીને ઓધાન રહ્યું ત્યારે ચંપકલાલ બેન્કમાં હેડ કલાર્ક હતો તે પ્રોમોશન થતા આસિસ્ટંટ બેન્ક મેનેજર થયો અને મંજરીના જનમ પછી બેન્ક મેનેજર થઇ ગયો.બેન્કની નોકરી સાથે એ શેર બઝારમાં શેર લે-વેંચનું કામ-કાજ પણ કરતો હતો એ શેર બઝાર તેને એવી ફળી કે, જેને કહેવાય અભર્યા ભરાણા તે અભર્યા ભરાણા ત્યારે કેટલી ખુશ હતી નીલમણી,કોણ જાણે કોની કાળી નજર લાગી ગઇ એ ભર્યા ભાદર્યા ઘરને.’એક મોટો નિસાશો નાખી ઝવેરે કહ્યું
‘તે કેમ…એવું શું થયું હતું…..?’ઉત્સુકતાથી કાંતાએ પુછ્યું
‘મંજરી પંદર વરસની હતી ત્યારે આખું કુટુંબ હરદ્વાર ગયું હતું ત્યાંથી ગોકુળ મથુરા.પાછા ફરવાના આગલા દિવસે જમના નદીમાં તેમની નાવ પલટી ખાઇ ગઇ.ઉંધી થયેલી નાવને જીવીબા અને મંજરી વળગી રહ્યા હતા એમને બચાવ ટૂકડી કિનારે લાવી પણ નીલમણી અને ચંપકલાલ વહેણમાં તણાઇ ગયા તેમની લાશો છેક સાંજે મળી.’અતીત જોતા ઝવેરની આંખ ભીની થઇ ગઇ.
‘હાય રામ….કુદરત પણ કેવી કેવી ક્રૂર રમતો રમતી હોય છે…’
‘એટલે છેવટ સુધી વિશાલે ન પરણવાનું કારણ ન કહ્યું એમને…?’ઝવેરે પુછ્યું
‘એના પપ્પાએ બે અડબોથ ઝીકી ત્યારે મોઢામાંથી ફાટયો કે મંજરીની ડોક નીચે પીઠ પર મોટું બેડોળ લાલ લાખું છે એટલે એ મંજરીને પરણવા નથી માંગતો’કહેતા કાંતાની આંખ ઉભરાઇ.
‘હે રામ પછી…?’ઝવેરે વાત સાંધતા પુછ્યું
‘આ તારા બનેવીના મિત્ર ભોગીલાલને વિશાલની મુર્ખાઇની ખબર પડી ત્યારે ઘેર આવી વિશાળને ઉધડો લીધો ને પુછ્યું તને તે પત્નિ જોઇતી હતી કે ગામને દેખાડવા શણગારેલી ઢિંગલી…? અને મંજરીને ખુલ્લી પીઠ વાળું બ્લાઉઝના બદલે આખું બ્લાઉઝ ન પહેરાવી શકાય…? મુરખના સરદાર…’કાંતાએ જુની વાત યાદ કરતા કહ્યું
‘હા ભોગીભાઇની વાત સાચી હતી આવી ધૂળ જેવી વાત માટે સામેથી ચાંદલો કરવા આવેલ લક્ષ્મીને પાછી વળાય…?’ઝવેરે કહ્યું
‘વિશાલને એની ભુલ સમજાઇ અને માફી માંગવા જીવીબાને મળવા ગયેલો એમને ઘેર કામ કરતી ક્રિશ્નાએ સમાચાર આપ્યા કે,જીવીબા તો મંજરીને લઇને અમદાવાદ જતા રહ્યા છે.બે અઠવાડિયા પછી એવા સમાચાર પણ મળ્યા કે,જીવીબાની સહેલી મણીબાના પૌત્ર ગિરીશ સાથ મંજરીના લગ્ન થઇ ગયા’ કાંતાએ ભીની આંખે કહ્યું
‘તે થઇ જાય જ ને…? તું જીવીબાને ઓળખતી નથી આ એમના મોભાદાર કુટુંબની દીકરીની આવી અવગણના…? અને આવું ઘોર અપમાન થયું એ એમનાથી ક્યાં સહન થાય….? એટલે ધાર્યું કરી બતાવ્યું બીજુ શું…?’ ઝવેરે કહ્યું
‘હા તારી વાત સાચી છે…’
‘આ વિશાલે જે કર્યું એતો એ તો રાંડ્યા પછીનું ડહાપણને…?મંજરી ખુદ લક્ષ્મી હતી અને સાથે અઢળક લક્ષ્મીની વારસદાર પણ એ એકલી જ હતી જે વિશાલે પોતાની મુર્ખામીથી ખોઇ…ચાલ હું જાઉ મારા નલિનની ટેણકી મારી રાહ જોતી હશે’કહી ઝવેર ઊભી થઇ.(પુરી)
૨૫-૦૧-૨૦૧૬
Filed under: Stories |
Leave a Reply