કોઇ સમયિકમાં એક વાર્તાનું શિર્ષક વાંચેલું “વાંઝણી” આ શબ્દ માનવ જીવનમાં સાંભળવા મળે છે પણ જાનવરમાં પણ લાગુ પડતું હશે એ ખબર ન હતી પણ આજે જનાવરમાં પણ લાગુ પડતી હતી એની જુની બની ગયેલી સત્ય ઘટનાની વાત કરૂં છું.
વાત ઘણી જુની છે લગભગ ૬૦ વરસ જેટલા સમય ગાળા પહેલાની.અમારા ફળિયામાં એક રાતી કુતરી હતી અને કોણ જાણે ક્યાંથી એક કાળી કુતરી અમારા ફળિયામાં આવી ચડી હતી. કાળી કુતરી જેટલી ભોળી એટલી રાતી કુતરી નીચ.કાળી કુતરી જાડી પાડી જ્યારે રાતી કુતરી હાડકાનું પોટલું.રાતી કુતરીના ડીલે ચોટેલા વાળ હતા જ્યારે કાળી કુતરીના ડીલે બે ઇંચ જેટલા લાંબા વાળથી એ ભીછરી દેખાતી.રાતી કુતરી સતત કાળીથી લડયા કરતી અને જંપવા ન જ દે. વરસાદની મોસમ બેઠી અને કાળી કુતરી વિયાઇ ને એના જેવા જ ભીછરા ચાર ગલુડિયા આપ્યા તેમાંનું એક કયારે રાતી કુતરીએ મારી નાખ્યું એની અમને ખબર ન પડી પણ જયારે બીજું મારી નાખ્યું ત્યારે મારી માએ નક્કી કર્યું કે,હવે રાતી કુતરીને કાળીના ગલુડિયા મારવા નહીં દે.મારી મા રોજ રાતે એક કંતાનની કોથળીમાં બંને ગલુડિયાને મુકી ને કોથળી ખીટી પર ટાંગી દેતી.સવારે પોતે દાતણ કરવા બેસે ત્યારે કોથળી ઉતારી તેમાંથી કાઢી બંને ગલુડિયાને આંગણામાં રમતા કરે.ગલુડિયા પણ એવા આખી રાતમાં કોથળીમાં ઝાડો પેશાબ ન કરે.
આ બન્યું એ દરમ્યાન અમારી જ્ઞાતિના પુસ્તકાલયમાંથી ‘મોતિયો’ નામની બાળવાર્તાની ચોપડી વાંચવા હું લાવેલો તે ચોપડી પ્રમાણે નર ગલુડિયાનું નામ મોતિયો અને માદા ગલુડિયાનું નામ ચંપી રાખ્યું.ફળિયા આખાના છોકરાઓ આ ગલુડિયાને પ્રેમથી રમાડે.દિવાળીના દિવસો હતા અમે બંને ભાઇ નવા કપડા અને ફટાકડાની વાતો કરવામાં રહ્યા અને મોતિયો ને ચંપીને કોથળીમાં મુકવાનું ભુલાઇ ગયું.લાગ જોઇને રાતી કુતરી મોતિયો ઉપાડી ગઇ.પોતે જયાં બેસતી હતી એ ઊડાં ખાડામાં મોતિયો મુકી એના પર એ બેસી ગઇ એમ ગુંગળાવીને મોતિયો મારી નાખ્યો.
કાળી કુતરી બિચારીએ ઘણા વલખા માર્યા પણ રાતી કુતરી ઊભી ન થઇ.કાળી કુતરીનો કકળાટ સાંભળી મારી માને યાદ આવ્યું હાય રામ ગલુડિયા કોથળીમાં મુકવાનું તો ભુલાઇ ગયું અને કાળી કકળાટ કરે છે મતલબ કશું અણબનાવ બન્યો છે.મારી માએ કહ્યું
‘છોરા જોતો મોતિયો ને ચંપી ક્યાં છે…?’
ફળિયામાં મેં જોયું ચંપી મળી મોતિયો ન મળ્યો.કાળી જયાં કકળાટ કરતી હતી ત્યાં શેરીના બધા છોકરા ભેગા થઇ ગયા હતા તેમણે કેટલા પાણા માર્યા પણ રાતી કુતરી ઊભી ન થઇ મને એકે કહ્યું
‘રાતીએ ખાડામાં મોતિયાને નાખી તેના ઉપર બેસી ગઇ છે કેટલી લાકડીયો મારી પાણા માર્યા પણ રાતી ઊભી નથી થતી.’
એટલામાં કોઇ ગરમ પાણી લઇ આવ્યું એ રાતી કુતરી પર નાખ્યું ત્યારે એ માંડ ખાડામાંથી ઊભી થઇ પણ મોતિયો તો મરી ગયો હતો.
કાળી મરેલા મોતિયા પાસે બેસી આખી રાત રડી.સવારના મારીમા દાતણ કરવા બેઠી ત્યારે કાળી મરેલો મોતિયો લઇને રવાની થઇ એ જોઇ મારી માએ મને જગાડીને કહ્યું
‘છોરા જોતો આ કાળી મરેલો મોતિયો લઇ ક્યાં જાય છે..?’
હું કાળી પાછળ ગયો તો એ અમારા ઘરથી થોડે દૂર માણસોના દરબારી સંડાસની પાછલી ગલીમાં થઇને ધાધલીમાઇ નામથી જાણીતી જબલેશ્વર મહાદેવના મંદિર પાસે બાળકોના સ્મશાનમાં આવી ત્યાં આગલા પગથી ખાડો ખોદીને મોતિયો તેમાં નાખી મોઢાથી ધૂળ વાળી દાટયું અને પછી ત્યાં ચાર પરિક્રમા કરી ને મ્હોં ઉપર કરી કેટલી વાર સુધી રડી.ભાઇ મોતિયાના વિયોગમાં બહેન ચંપી ભીંતમાં માથા પછાડીને મરી ગઇ.મારી માએ કહ્યું
‘આ કાળી કુતરી જરૂર કોઇ પુણ્યાત્મા છે તેવી જ તેની ઓલાદ પણ હતી જયારે આ રાતી કુતરી વાંઝણી છે પોતાને ઓલાદ થતી નથી અને કાળીની થાય છે તે એનાથી સહન થતી નથી’
૦૨-૧૧-૨૦૧૦ (સંપુર્ણ)
Filed under: Stories |
Leave a Reply