(ગતાંકથી ચાલુ)
“આવો…”કહી સવિતાએ અનુપમને જોઇ આવકાર્યો અને બાથરૂમમાં ગયેલા પાગલાને સાદ પાડયો.
“કહું છું સાંભળો છો સાહેબ આવી ગયા..” કહી અનુપમને પાણીનો ગ્લાસ આપ્યો.
“આવી ગયા સાહેબ…?”હાથ લુછતાં બહાર આવેલા પાગલાએ કહ્યું
“હા ખીચડી ખાવા….”
“બસ તૈયાર જ છે તમે હાથ મ્હોં ધોઇલો ત્યાં સુધીમાં થાળી પિરસાય”થાળી લુછતાં સવિતાએ કહ્યું
આડી અવડી વાતો સાથે જમવાનું પુરૂ થયું.પાગલા માટે પાન લેવા જતાં મંગલે પુછ્યું
“તમે પાન ખાસો…?”
“હા મસાલાવાળુ ચાલશે…”
પાન ખાધા પછી ગામ ગપાટામાં અગ્યાર વાગ્યા એટલે અનુપમે સાથે લાવેલ થેલીમાંથી સેટનો બોકસ કાઢયો અને સવિતાના હાથમાં આપ્યો.
“આ શું…સાહેબ…?”સવિતાએ બોકસ લેતાં કહ્યું અને ખોલલો સેટ જોઇ પાગલો બોલ્યો
“અરે…આટલું…બધું ન હોય…?”સવિતાના હાથમાંથી બોકસ લઇ પાગલાએ અનુપમને આપતા કહ્યું
“આ હું તને નહીં મારી બહેનને આપું છું”કહી સવિતાને પાછું આપ્યું.
“પણ………..”
“પણ અને બણ મુકી મારી બહેનના ગળે મંગળસુત્ર બાંધો બનેવીલાલ…”
પાગલાએ સવિતાને મંગળસુત્ર પહેરાવ્યું એટલે સવિતાની આંખ ઉભરાઇ આવી અને એ અનુપમને પગે પડવા ગઇ તેને રોકી.
“અરે..આ શું કરે છે દીકરીઓ પગે ન લાગે.આજથી તું તને નિરાધાર ન સમજતી..કાળી રાત્રે હાંક મારજે તારો આ ભાઇ તારા પડખે હશે”અનુપમે સવિતાનું માથું ચુમી માથા પર હાથ મુકી કહ્યું ત્યારે
“અનુપમભાઇ…” કહીને સવિતા મુકત મને રડી પડી.
“રડ નહી બેન તારા બાઇના હોતાં તું આમ રડે એ મને નહી ગમે”મંગલે લાવેલ પાણી પિવડાવતાં અનુપમે કહ્યું
બીજા દિવસે અનુપમ પાગલાની હોટલ પર ગયો.પાગલાએ તેને કોફી પીવડાવી.ત્યારે પાગલાએ તેને પુછ્યું
“તમે માંડવીમાં જ રહો છો…?પહેલાં કદી જોયા હોય એ યાદ નથી આવતું. કિશોરભાઇ તમારા શું સગા થાય….?હોસ્પિટલમાં સૌથી પહેલાં એ જ આવેલા”
“કિશોરભાઇ અમારી માંડવીમાં જે પ્રોપર્ટી છે તેની દેખરેખ રાખે છે અને કચ્છમાં અમારૂં જે કામ હોય તે સંભાળે છે….?”
“માંડવીમાં તમારી પ્રોપર્ટી…….? ક્યાં છે….?”
“જમુભાની ડેલી ખબર છે….?”
“હા..ને….?પણ ત્યાં કોઇ રહેતું નથી”
“મને ખબર છે.ધરતીકંપના લીધે મકાન જર્જરિત થઇ ગયા છે.નગરપાલિકા કહે છે,આ મકાનો જોખમી છે.કાંતો પાડી નાખો કાં રીપેર કરાવો તો શું કરવું એ જોવા દામોદરકાકાએ મને મુંબઇથી અહીં મોકલાવ્યો છે.”
“તો તો ચાલો જોઇ આવીએ જમુભાની ડેલી….” કહી પાગલો ઊભો થયો.
બંને જમુભાની ડેલી પર આવ્યા.જુના મજબુત બારણાંની બારસાંખ પર કરેલ નક્શી જોઇ, બારણે લાગેલું મજબુત જુનુ અલીગઢનું તાળું સાથે લાવેલ ચાવીથી ખોલ્યું. ઘણા વખતથી બંધ પડેલ બારણાં કિચુડ અવાઝ કરતાં ખુલ્યા બારણાં ખોલી બંને ડેલીના આંગણામાં આવ્યા. ડેલીના ડાબા હાથ તરફ એક ડેલો હતો જેના બે બારણાં શેરીમાં પડતા હતા એક બારણું આંગણામાં અને એક બારણું બાજુમાંના બે માળના ઘરમાં પડતું હતું એ બે માળના ઘરની બાજુમાં બે તેવાજ બે માળના ઘર હતા તો જમણી તરફ એક બેઠા ઘાટનું એકજ લાઇનમાં બે રૂમનું ઘર હતું તેની બાજુમાં બે બેમાળના ઘર હતા તેમાં છેલ્લા ઘરના પણ બે દરવાજા ઊંચા ઓટલા પર શેરીમાં પડતા હતા અને એક આંગણામાં પડતું હતું.
અનુપમને એક વિચાર આવ્યો આ જમુભાએ શું હિસાબ માંડી આ ડેલીની રચના કરી હશે આવી ડેલીજો મુંબઇમાં લેવી હોય તો અબજો રૂપિયા પણ ન મળે. અનુપમે ડાબા હાથ તરફનું પહેલા મકાનનું તાળું ખોલ્યું.ઠેક ઠેકાણે કરોડિયાના ઝાળા બાઝેલાં હતાં.તેના પપ્પાના કહેવા મુજબ બારણાની બારસાંખ,ધરી,બારીના બારણાં,મંદીરિયા તરિકે કદાચ વપરાતી જગા માટે ઊભા કરેલ પાર્ટિશન પર ઇવન ભાલના ખુણા પર કરેલ નક્શીકામ ખુબ જ બારિક અને સુંદર હતું.એક પછી એક બધા મકાન ખોલીને જોયા તેમાં ત્રણ માળની ઇમારત તો સૌથી સુંદર હતી.
આવી સરસ ઇમારત તોડી નાખવાની….? અનુપમના મનમાં એક પ્રશ્ન થયો.બંને તાળુ વાસીને પાછા આવતા હતા ત્યારે પાગલાને લાગ્યું કે જરૂર અનુપમના મનમાં કશી ગડમથલ છે એટલે તેને પુછ્યું
“શું વિચારો છો અનુપમભાઇ….?”
“પાગલા આવી સુંદર ઇમારતો તોડી પાડવાની….?”અનુપમે તેના મનની વાત કરી.
“જર્જરીત હાલતમાં છે એટલે જોખમી તો ખરી જ અને જો પડી જશે તો સૌથી પહેલાં કાટમાળમાંથી લાકડા ચોરાઇ જશે”
“એમ…?”
“હા..આ ધરતીકંપ પછી આ પ્રવૃતિ અહીં બહુ જોરમાં ચાલી,તેમાં આપણાં મકાનોમાં તો ઇમારતી લાકડુ છે અને ઓલ્યા પાર્ટિશન તો અસલ સીસમના છે બહુજ કીમતી.”
“પાગલા એક કામ થાય આ બધા મકાન જે હાલતમાં છે તે હાલતના નકશા બનાવીને ફરીથી એ નમુના અને નકશા મુજબ નવા બનાવીએ તો….? જેમાં આજ લાકડું વપરાય તો…?”
“એમ કરવા માટે પહેલાં સંભાળપૂર્વક કોઇ તૂટફૂટ વગર લાકડા કાઢી લેવા પડે.એ પછી મકાનો પાડવા જોઇએ”પાગલા કહ્યું
“તો હું મુંબઇથી એન્જીનીયરને બોલાવું છું એ આના ફોટા પાડી ને નકશા બનાવી લે,પછી પાડી ને નવેસરથી બનાવીએ”
“અત્યારે તો સાંજ પડવા આવી છે,કાલે આપણે સવારના આવીએ ત્યારે તમને એક બીજી વસ્તુ બતાવીશ”પાગલાએ કહ્યું
“એવું શું છે…?”અનુપમે ઉત્સુકતાથી પુછ્યું
“કાલ બતાવીશને….”પાગલાએ હસીને કહ્યું
“એવું તો શું છે…?”અનુપમે ફરીથી પુછ્યું
“તમે કલ્પના કરી જોજો આજની રાત…”પાગલાએ ફરી મલકીને કહ્યું
“ભલે તો કાલે વાત”કહી બંને પાગલાની હોટલ પર આવ્યા.(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply