(ગતાંકથી ચાલુ) પ્રાગજીનું હુલામણું નામ પાગલો હતો અને નાદિયા તો અમે મિત્રોએ એને આપેલો ખિતાબ હતો.નાનો હતો ત્યારે જ પાગલાની મા ગુજરી ગયેલી.બાપ ગામમાં ચ્હાની કીટલી ફેરવતો ને ચાર પૈસા કમાતો પણ તોયે તેના બાપે પાગલાને ભણવા બેસાડેલો ત્યારે સરખે સરખા ભેરૂબંધ સાથે મળીને અમારી ટોળકી બની ગઇ હતી.પાગલાને ગામના ચોકમાં રમવા કરતાં ગામ બહાર સારૂં ફાવતું.તેના બે જ શોખ હતાં નાના તળાવના વડ પર ચોર પોલીસ ની રમત રમવી અને સીનેમા જોવી.તેમાં ખાસ તો નાદિયા જોનકાવસ વાળી ફિલમો જોવી તેને ખુબ ગમતી.
નાદિયાની ફિલ્મ લાગી હોય એટલે સ્કૂલ છુટ્યા પછી કીટલી સાફ કરવાનું કપરકાબી ધોવાનું એવું બધું કામ પોતાની મેળે કરવા લાગતો એટલે પાગલાનો બાપ સમજી જતો અને હસી પડતો ને કહેતો આજ નાદિયાની ફિલમ ચડી લાગે છે. મુક એ બધું ને લે આ ચારઆની કહી પાગલાને પાવલી આપતો.રાત્રે અમારી ટોળકી ફીલમ જોવા જતી. રાતના ટોકીઝમાંથી બહાર આવી ફીલમની જ વાતો કરતા કરતા પોત પોતાના ઘેર જતાં.આમ પણ હું ને પાગલો એક જ શેરીમાં રહેતા હતા.મારી મા હમિદાબાનુ અને પાગલાની મા ગોદાવરીબેન બંનેનું સારૂં બનતું.
પાગલો મારો જીગરજાન ભેરૂ એટલે એના મગજમાં શું ચાલે છે એ બધું મને કહેતો. ફીલમ જોયા બાદ પાગલો આખી રાત નાદિયા કેવી રીતે એક ડાળેથી બીજી ડાળે જાય છે કઇ રીતે એ કોઇને બચાવે છે.એની ચાલકી સ્ટાઇલ બધું ગોખ્યા કરતો હોય કારણ કે,ઘણી વખત વાતમાંથી વાત નીકળે ત્યારે નાદિયાએ કઇ ફીલમમાં શું કરેલું તેની વાત કરતો.તેની ઇચ્છા હતી કે ક્યારેક એ પણ કોઇને નાદિયાની જેમ બચાવે.અમે વડ પર જતાં ત્યારે નાદિયાની જેમ કોણ કુદી શકે કે નાદિયાની જેમ કોણ જલ્દી ચોરને પકડી શકે તેની વાતો થતી.
માણસની જેમ ખમીશ અને બ્રીચીસ પહેરેલી એ નાદિયા ઔરત છે કે મરદ એનો વિચાર અમને ક્યારે આવેલો નહી.અમારી ટોળકીમાં હું પાગલો મનજી કનક,રમલો,કરશન અને માવલો આટલા તો હોઇએ જ બીજા પણ હતાં પણ આતવાર(રવિવાર)સિવાય એ આવતા નહી.ગામના નાકાથી આજે નાદિયા કોણ બનશે એની ચર્ચા થતી અને આખરે વડના ઝાડ પાસે તાળીઓ પાડીને તોળ લેવાતો છેલ્લો રહે એ નાદિયા તેને અમે સાઇકલની ટ્યુબના કટકામાંથી બનાવેલી નાદિયા પહેરતી હતી એવા ચશ્મા પહેરવા આપતા.
‘એક મિનિટ તાળીઓ પાડીને તોળ કેમ લેતા…’અનુપમે વચ્ચે પુછયું
‘બધા ગોલ ઊભા રહેતા પછી બધાની છાતી પર થાપ મારતા બોલવાનું હેનેરી,કેનેરી,ટોપટ્રી,ટેન, હાઇજેક,માઇકલ વેરી,ગુડ,મેન.ઓ મિસ્ટર કેટલા વાગ્યા એક દો ને સાડેતીન જેના પર તીન આવે એ કુડાળામાંથી બહાર નિકળી જાય પછી જે બહાર નીકળી ગયો હોય ત્યાંથી ફરી ગણાય છેલ્લે રહે એ નાદિયા.’ઉમરે ટેબલ પર છાપું પાથરીને સમજાવ્યું
‘હં પછી….’
એક દિવસ ચોર બનેલો કરશન વડલાની ખુબ જ ઉંચી ડાળીએ પહોંચી ગયો.એ દિવસે નાદિયા બનવાનો વારો પાગલાનો હતો.પાગલો અને બીજા મિત્રો કરશનને પકડવા મથી રહ્યા હતા. પાગલો વિચારતો હતો કે આ ટાઇમ પર નાદિયા શું કરે?એટલામાં કરશનની પકડ ડાળી પરથી ઢીલી થતાં એ સીધો પાગલો જે ડાળખી પર બેઠો હતો ત્યાં પાગલા ઉપર પડયો.વડની ડાળખીમાં કરશનનું ખમીસ ભરાઇ ગયું અને પાગલાના હાથમાં કરશનની ચડીની કિનારી આવી ગઇ.પાગલાએ કરશનને પોતે બેઠો હતો એ ડાળખીપર તાણીને પકડી લીધો અને એક હાથથી કરશનને પકડીને અને બીજા હાથે ડાળખીઓ પકડીને નીચે લઇ આવ્યો.કરશનના અંગ ક્યાંક કયાંક થોડુક છોલાયેલું પણ તોય આટલા ઊંચે ગયા પછી પણ પકડાઇ ગયો એટલે એનું મોઢું પડી ગયું. પાગલાએ તેને બાથમાં લઇને કહેલું આમાં ઢીલો શું થઇ ગયો આ તો રમત હતી કરશને કહેલું કે તેં પાગલા આજે તેં મને બચાવ્યો નહોત તો હું તો વડના ઓટલા પર પડીને મરી જાત.આ વાત તેણે સ્કુલમાં પણ બધાને કરેલી અને ત્યાર બાદ બધા ભેરૂએ ભેગા થઇને ને એનું નામ પાડ્યું પાગલો નાદિયા અને પછી નાદિયા એટલે પાગલો.
પાગલો જુવાન થયો એ પહેલા જ એના બાપને ટીબી થયો અને મરી ગયો. પાગલો હવે એકલો પડી ગયો એટલે પાગલાએ ભણવાનું મુકીને બાપની ચ્હાની કીટલી સંભાળી લીધી. ગામમાં ફરતો અને પેટ પુરતું કમાઇ લેતો.એક દિવસ કરશન મુંબઇથી આવ્યો.બપોરે હું પાન ખાવા માવા માલમની દુકાને આવ્યો ત્યારે એ મને મળ્યો અને મને પાગલો ક્યાં મળશે એમ પુછ્યું ત્યારે મેં કહ્યું ગામમાં ક્યાંક હશે ચ્હાની કીટલી લઇને બાપની જેમ.ગામ આખામાં ફરે છે..હા રાતના ૧૧ વાગ્યા પછી તળાવની પાળે જરૂર મળશે..બે પાંદડે થયેલ કરશને ગાંઠ વાળી લીધી કે મને મરતો બચાવવાનું થોડુ પણ ઋણ અદા કરવાનો આ સારો અવસર છે. રાત્રે પાગલો તળાવની પાળે આવે તે પહેલાં કરશન અને હું ભેગા થયા.કરશને પોતાના મનની વાત મને કરી અને મેં કહ્યું આમ થઇ શકે તો સારૂં.થોડીવાર રહી ને પાગલો આવ્યો એટલે કરશને તેને ઊધડો લીધો આ કંઇ રીત છે યાર તને શોધવો હોય તો ગામ આખો ખુંદવો પડે તેના કરતાં તું હોટલ ખોલ તો એક ચોક્કસ સરનામું તો હોય એવું અષ્ટમ પષ્ટમ સમજાવ્યો મેં પણ સુર પુરાવ્યો અને પ્રાગજી ચ્હા–ઘર નામની હોટલ ખુલી ગઇ.
આમ પણ એકલો અને અલગારી જીવ પુરતું ધ્યાન આપતો હોવાથી હોટલ સારી ચાલતી અને સારૂં કમાઇ લેતો.બહુજ મોડીરાતે હોટલ બંધ કરતો અને વીશીમાં ખાઇ લેતો અને રાત્રે ગામ બહાર ફરવા નીકળી જતો.ક્યારેક કોઇ ભેરૂ મળી જાય તો ઠીક નહીતર લગભગ એકલો જ હોય.તળાવના તાક ઉપર એ બેઠો હોય ક્યારેક બાજુના કુવાની પાસેની કેબીનના ઓટલા પર લંબાવી દે.ઘેર વાટ જોનારૂં તો કોઇ હતું નહી એટલે આંખો ઘેરાવા લાગે ત્યારે ઘેર જાય્. નાદિયા એ ઔરત છે એ જ્યારે કરશને તેને સમજાવ્યું ત્યારે પોતાના નાદિયાના નામ તરફના મોહ માટે ક્ષોભ થતો હતો અને ગુસ્સો પણ આવતો પણ હવે એ કોને કોને વારવા જાય?નામ તો છપાઇ ગયું હતું. છતાં નાદિયા જેવું કામ કરવાનો મોહ હજુ છુટ્યો ન્હોતો.
એક દિવસ પાગલો ગામ બહાર નીકળ્યો ત્યારે મોટા તળાવનીપાળે રમલો અને માવલો વડ નીચે બેઠા હતા.તેમને પાગલાને જતો જોયો એટલે પોતાની પાસે બોલાવ્યો ત્રણે વાતો કરી અને રમલો અને માવલો તો જતા રહ્યા અને પાગલાએ પાળ ઉપર જ લંબાવ્યું.સુકા તળાવને જોઇને તેને થયું ભરેલું હોય ત્યારે આ ટોપણસર કેવું મસ્ત લાગે છે. જયારે આ તળાવ ભરેલું હોય ત્યારે હું અને પાગલો તાક ઉપરથી ભુસકો મારતા અને પહેલાં ચંદનચૂડી પર ત્યાંથી લુલડી પર પછી પતાસા પર વિસામો ખાઇને સીધા બીજા છેડે જાબ કુવા પર જતાં અને ત્યાં બન્ને એક એક તોડલા પર બેસીને વિસામો ખાતા અને પછી પાછા તાક પર પાછા આવતા. (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply