(ગતાંકથી આગળ) એ ગમખ્વાર અક્સ્માતમાં અનુપમની જિન્દગી જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી હતી. એ અકસ્માતના લીધે જ અનુપમની ઓળખાણ પાગલા જેવા સાચા અને નિઃસ્વાર્થ માનવીથી થયેલ. આ વિચારોના વમળમાં અનુપમની ગાડી ધીમી પડી ગઇ એટલે અનુપમ પાછળ આવતી ગાડી અનુપમને ઓવરટેક કરી આગળ વધી.ચાલકે અનુપમ સામે એક વેધક નજર કરી આગળ નીકળી ગયો.અનુપમે વિચારો ખંખેરીને ગાડીની સ્પીડ વધારી અને ઘેર આવ્યો.
બારણા પાસે જ બે સુટકેસ અને એક હેન્ડબેગ તૈયાર પડ્યા હતાં.અંજલી રસોડામાંથી હાથ લુછ્તાં બહાર આવી.
“તને કિશોરભાઇનો ફોન આવ્યો….?મેં તેમને ઓફિસમાં ફોન કરવા કહેલું”
“હા..અને તેમણે કરેલા ફેક્સ મુજબની દવાઓ મારી બ્રિફકેસમાં છે”
“ભલે રહી બ્રિફકેસ તો તને જોઇશે ને…?તારી અર્ધી ઓફિસ તો એમાં હશેને…?”
“હા”
“તું જરા ફ્રેસ થઇજા એટલે જમવા બેસીએ”
જમવા દરમ્યાન તથા બાદમાં પાગલા વિષે ઘણી વાતો થઇ.ત્યાર બાદ બધુ ટાઇમટેબલ પ્રમાણ થઇ ગયું.સીતારામ તેમને કચ્છએક્સપ્રેસના ફર્સ્ટક્લાસના કોચમાં બેસાડીને જતો રહ્યો.અનુપમે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા હાથમાં લીધું અને અંજલીએ ફેમિના.મેઇન આર્ટિકલ વાંચી અનુપમે ઉપર જોયું તો ફેમિના અંજલીના ખોળામાં પડ્યું હતું અને અંજલી ઝોકે ચઢી ગઇ હતી. અનુપમે એને જગાડી કહ્યું
“બેટર છે કે તું સુઇજા હું પણ સુઇ જાઉ છું”
ફેમિના બાજુમાં મુકતાં અંજલીએ અનુપમ સામુ જોઇ મલકી પછી સંમતીસૂચક માથું ધુણાવી ને એણે બર્થપર લંબાવ્યુ અને અનુપમની પણ આંખ ઘેરાતી હોવાથી અનુપમે એનું અનુકરણ કર્યું.
લગભગ બે કલાક પછી અનુપમની આંખ ખુલી.ગાડી કોઇ નાના સ્ટેશનના યાર્ડમાં સિગ્નલ ન મળતા ઊભી હતી.અનુપમે હેન્ડબેગ ખોલી નેપકીન અને નાઈટસુટ કાઢયું.વોસરૂમમાંથી ફ્રેશ થઇ પોતાની સીટ પર આવ્યો ત્યારે ગાડી સ્પીડ પકડી ચુકી હતી.હેન્ડબેગમાંથી ફ્લાસ્ક કાઢીને કોફી મગમાં ઠલવી અને હળવી ચુસ્કી લેતાં અનુપમ બારી બહાર જોવા લાગ્યો.રેલ્વે ટ્રેકની બાજુમાં ચાલતા હાઇવે પર એક કાર પુર ઝડપે જઇ રહી હતી.પોતાની ગાડી પણ આમ જ એક વખત ગાંધીધામથી માંડવી જઇ રહી હતી….અનુપમ ભુતકાળમાં સરકી ગયો. (ક્રમશ)
ત્યારે હજુ અનુપમના લગ્ન ન્હોતા થયા એટલે એક અલગારી જીવ હતો.રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી પપ્પાએ વારસામાં આપેલ ઓફિસ સંભાળવા અચુક હાજરી આપવાની.બાકી દામોદરકાકા તો હતાં જ એમના માર્ગદર્શન મુજબ કરવાનું.મરણપથારીએ પડેલા તેના પપ્પાએ કહેલું અહીં દામોદરકાકાની અને માંડવીમાં કિશોરભાઇની મરજી ઉપરવટ ક્યારે ન જતો સદા તેમનું માન જાળવજે અને ઓફિસના કોઇ પણ માણસ પર ક્યારે શક ન કરતો કે તેમના સાથે તોછળાઇ ન કરતો.
એક દિવસ સાંજના અનુપમ ઘેર જતો હતો ત્યાં કરશને આવીને કહ્યું
“ભાઇ ઘેર જતાં પહેલાં દામોદરકાકાને મળીને જજો”
“ભલે”
અનુપમ પોતાની બ્રીફકેસ લઇને દામોદરકાકાની કેબીનમાં ગયો.બારણું ખોલી પુછ્યું
“કાકા મને બોલાવ્યો…..?”
“હા..આવ અનુ બેસ..હું જરા આ પુરૂ કરી લઉ”કહી કાકા ચેક સાઇન કરવા લાગ્યા.કામ પુરુ કરી ચેકબુક બાજુમાં મુકીને બેલ મારી એટલે કરશન આવ્યો.
“આ ચેકબુક મનહરને આપી આવ ને કહેજે આજે જ બધાને ફોન કરી બોલાવીને આપી દે” ચેકબુક આપતાં દામોદરકાકાએ કહ્યું
“જી..”
ત્યાર બાદ ટેબલના ડ્રોઅરમાથી એર ટિકિટ આપતાં અનુપમને કહ્યું તારે કાલની ફ્લાઇટમાં ભુજ જવાનું છે.મેં રાજારામને કહ્યું છે એ તને ઘેરથી પિક-અપ કરી એરપોર્ટ પર ડ્રૉપ કરી દેશે.મેં માંડવી કિશોરભાઇને ફોન કરી દીધો છે સાલે મહમ્મદ તને ભુજ એરપોર્ટ પર લેવા આવશે.”
“કેમ એકાએક…..?”
“અરે હા મેઇન પોઇન્ટ કિશોરભાઇનો આજે ફોન આવેલા માંડવીમાં “જમુભાની ડેલી”તરિકે ઓળખાતી તારી વડિલોપારજિત પ્રોપર્ટીના બધા મકાનોમાં ભૂકંપને લીધે તિરાડો પડી ગઇ છે.. નગરપાલિકા હવે દબાણ કરેછે કે,આ ઇમારતો જોખમી થઇ ગઇ છે અને ક્યારે પણ ધરાસાઇ થઇ શકે છે,જેથી આજુ બાજુમાં હોનારત થવાની શક્યતા છે.બધી પ્રોપર્ટી તારા નામથી છે એટલે જરૂરી ડોક્યુમેંટ્સપર તારી સહી જોઇશે.ઇમારતો પાડતા પહેલાં એક નજર મન ભરીને જોઇ લે”
“અરે…કાકા એ જુના મકાનોમાં શું જોવાનું હોય…?”
“આજના જમાનામાં લાકડામાં કરેલ આવી નકશી ક્યાંક જ જોવા મળશે….તું જોઇશ એટલે બધું સમજાઇ જશે”
“તો તો જોવી જ પડશે..ચાલો હું રજા લઉ..?”કહી અનુપમે ટીકિટ બ્રિફકેસમાં મુકી અને તે ઓફિસ માંથી બહાર આવ્યો.
“ચાલો ભાઇ તમને ઘેર મુકી આવું” કહી.રાજારામે પાછલી સીટનું બારણું ખોલ્યું
“કેમ..?”
“દામોદરકાકાએ કહ્યું છે તમને હું ઘેર મુકી જાઉ”
“ઓ..કે”કહી અનુપમ પેસેન્જર સીટમાં ગોઠવાયો.રાજારામે સ્ટીયરિન્ગ સંભાળીને ગાડી સ્ટાર્ટ કરી અને અનુપમે કોટના ગજવામાંથી કાઢી ઇયરપ્લગ્સ કાનમાં ભેરવ્યા.
“ભાઇ ગાડી પાર્કિન્ગમાં જ મુકુ છું અને આજે હું ગંગારામની ખોલીમાં જ છું.સવારે તમને એરપોર્ટ પર મુકીને ઓફિસે જઇશ”
“ભલે ગંગારામને મોકલાવજે”અનુપમે બ્રિફકેસ સંભાળતા કહ્યું
“જી”
“ભાઇ…નાસ્તો લાવું ને…?” મહારાજે આવીને પુછ્યું
“હા અને સાથે કોફી પણ ત્યાં સુધી હું જરા ફ્રેશ થઇ આવું”
અનુપમ નીચે આવ્યો ત્યારે રાજારામ,ગંગારામ અને મહારાજ ત્રણે રસોડાની ફ્લોરપર બેસી ચ્હા પીતા પીતા હસી રહ્યા હતાં.
“કેમ ભાઇઓ શું ચાલે છે….?”અનુપમે ડાઇનિન્ગ ટેબલની ખુરશીપર બેસતાં પુછ્યું
“કંઇ નહી ભાઇ….”મહારાજે નાસ્તાની પ્લેટ અને કોફીનો મગ મુંકતાં કહ્યું
“કેમ મને કહેવા જેવું નથી….?”અનુપમે મગ ઉપાડતા પુછ્યું
“રાજારામ પોતાના ઘરની શેરીના ખુણે રહેતા પીયકડ નુર મહમ્મદની વાત કરતો હતો.કાલે નુરાની ઘરવાળી અમિનાએ તેની ચપ્પલથી પીટાઇ કરીને ઘરની બહાર કાઢી મુક્યો અને કહેતી હતી જો આજ પછી નુરો પી ને આવશે તો ભાવરાવ કલાલની દુકાનેથી દારૂની આખી ડોલ ભરી તેનાથી નુરાને નવડાવીને દીવાસળી ચાંપી દેશે પછી ભલે એને પોલીસ પક્ડી જાય”
“ભારે જબરી બાઇ ……પછી…?”અનુપમે નાસ્તો કરતાં પુછ્યું
“ત્યારે બિચારો નુરો કાન પકડીને કાકલુદી કરતો રહ્યો પણ અમિનાએ પડયો રહે મુવા આજની રાત ઘરની બહાર કહી ઘરના બારણા વાંસી દીધા અને નુરો આખી રાત ગોઠણમાં માથું નાખી ઠંડીમાં ઠુઠવાતો પડ્યો રહ્યો”રાજારામે હસ્તા કહ્યું
“પછી….?”
“ખબર નથી હવે તો બપોરે જમવા જાઉ ત્યારે ખબર પડે” (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply