આપણી આજુબાજુ ઘણી વખત એવી ઘટનાઓ થતી હોય છે કે જે ઘડીભર આપણને વિચારતા કરી મુકે છે એવી જ એક સત્ય ઘટનાની વાત આજે તમને કહેવી છે.આ ઘટનાના વાર્તા તત્વને જાળવી સ્થળ અને પાત્રોના નામ બદલ્યા છે.
ચાર વરસ પહેલા ગુજરી ગયેલ ગોવિંદજી ભાઇના કુટુંબમાં,પરણેલ દીકરો મનસુખ એની ઘરવાળી માલતી અને ત્ર દીકરી કાંતા,રમા અને શાંતા(સંતુડી) તેના સાથે મનસુખથી નાના બ ભાઇ મનહર ને મહેશ એક બે માળના ઘરમાં રહેતા હતા.તે કુટુંબમાં મારી અને મનહર સાથે ભાઇબંધી.હું જ્યારે મુંબઇથી કચ્છ આવું ત્યારે મનહરના ઘેર જરૂર જવું એવો નિયમ.
ગોવિંદજીભાઇના એક માશી હતા જે અવાર નવાર તેમના ઘેર આવે.આ માજીને ગામ આખાની ચિંતા એટલે ગામ આખાનું પુછણું અને અલાર મલારની વાતો ગુણવંતીને કરે ને એને આવા જવાબ આપવાનો કંટાળો આવે એટલે એ હશે..એમ…મને ખબર નથી એવા ટૂંકા જવાબ આપે એ આ માજીને ન ગમે.આખર કંટાળીને ગુણવંતીએ ઉપલા માળે જ બેસવાનું શરૂ કર્યું જેથી માશી સામે બેસવાનો મોકો જ ન આવે.પાછા આ માજી જ્યાં જાય ત્યાં એક જ સુર આલાપે આ મારી ગુણી વહુ બહુ મનતોરી…
એક દિવસ હું મુંબઇથી આવ્યો અને મનહરને મળવા ગયો.અમે વાતો કરતા હતા ત્યાં મનસુખની ટેણકી સંતુડી ગોખમાં ઊભી હતી તેણે માજીને શેરીમાં દાખલ થતા જોયા તો ગોખનો કઠોળો પકડી નાચતા કહેવા લાગી
‘એ…ડોસી…આવી…ડોસી આવી…ડોસી’
આ સાંભળી મનહરે કહ્યું ‘ચાલ તને નાટક દેખાડું’ એટલે અમે બંને દાદરના પહેલા પગઠિયા પર બેઠા.માજીએ ઘરમાં પગ મુક્યો તો સંતુડી બે ચાકળા લાવીને સામ સામે પાથર્યા.માજીના હાથમાંથી લાકડી લઇ ખુણામાં મૂકતા કહ્યું
‘જુઓ દાદી તમારી લાકડી આ ખુણામાં મુકી છે જ્યારે જાવ ત્યારે ત્યાં લઇ લેજો ભલે…લ્યો આ ચાકળા પર બેસો’
માજી ચાકળા પર બેઠા તો સંતુડી સામેના ચાકળા પર એક પગ વાળી ને એક પગ ઊભો રાખી તેના પર હાથ ટેકવીને ગાલ પર હાથ મુકી કોઇ જમાનાની ખાધેલ પીઢ વ્યક્તિની જેમ બેઠી.
‘દાદી આજે તમે નિસાળ તરફથી આવ્યા કે હવેલી તરફથી આવ્યા…’હાથના લહેકો કરી હોઠે આંગળી મુકી માજીને પુછ્યું
‘આજે હું હવેલી તરફથી આવી…’
‘હું નિશાળની બાજુમાં આશાપુરા માતાજીને મંદિરે ગઇ હતી મતાજીને લીલા વાઘા પહેરાવ્યા હતા’ ફરી હાથનો લહેકો કરતા સંતુડીએ કહ્યું
‘એને તો બધા વાઘા શોભેછે’
‘ના..રે…ના ઓલ્યા કસુંબલ વાઘા પહેરાવે છે એ તમે જોયા છે..?’પોતાની ભમર ઉપર નીચે કરતા હસીને માજીને સંતુડીએ પુછ્યું
‘હા…હો …ઇ બહુજ શોભે છે’
‘ત્યારે…? અરે હા આ જુવોને બપોર થાવા આવી તો જમીને જ જશોને….’કોળિયો પકડ્યો હોય તેવા લહેકા સાથે માજીને પુછ્યું
‘ના આજે જમવું નથી’
‘તો માલતીને કહું ચ્હા બનાવે…?’
‘હા ચ્હા ચાલશે…’
‘દીકરા માલતી વહુ…. માશીબા માટે ચ્હા બનાવજે…’રસોડા તરફ મ્હોં કરી તેની દાદી ગુણવંતી જેમ લહેકાથી કહ્યું
‘તો પછી ગુણી વહુ ક્યાં છે…?’
‘ઉપલા માળે બેસી ચોખા વિણે છે…’મ્હોં બગાડીને સંતુડીએ કહ્યું
ચ્હા આવી એ પીને માજી ઊભા થયા
‘મારી લાકડી ક્યાં….?’
‘બસ જાવું છે…તો શું આવ્યા ને શું જાવ છો જરા વાર બેસો બેસો..’લાકડી પકડાવતા સંતુડીએ કહ્યું
‘ના મારે હજી લાધીન ઘેર જાવું છે…’કહી માશી ગયા ત્યારે આ નાટક જોઇને મને મનમાં વિચાર આવ્યો કે.સંતુડી આવુ બધું ક્યાંથી શીખી હશે?(સંપૂર્ણ)
Filed under: Stories |
Leave a Reply