બાળા અને બુઢ્ઢા (૨)

dado

(ગતાંકથી ચાલુ)

‘તે શું રમલા તને સવારના પહોરમાં ફુરસદ મળી ગઇ…આવ બેસ બેસ’કહી રમણભાઇ કિચનમાં જઇ પાણી લઇ આવ્યા

‘આ તું પાણી લાવ્યો ઘરમાં કોઇ નથી….?’રમણભાઇએ આસપાસ જોતા પુછ્યું

‘આ ઇલા બજાર ગઇ છે અને સુરિયો એની ઓફિસે ગયો છે ચ્હા બનાવું ને..?’

‘ઇ પછી થઇ રહેશે પહેલા અહીં બેસ ને મારી વાત ધ્યાનથી સાંભળ’રમણભાઇએ વિનોદભાઇનો હાથ પકડી બેસાડતા કહ્યું

‘આ બેઠો બોલ….’આંખ ઝીણી અને કાન સરવા કરતા વિનોદભાઇએ કહ્યું

‘જો વિનીયા મને ગોળ ગોળ વાતની જલેબી પાડતા નથી આવડતી એટલે……’

 ‘આજે જલેબી-ફાફળા ખાઇ આવ્યો લાગે છે….’વિનોદભાઇએ રમણભાઇના પીઠમાં ધબ્બો મારતા મરકીને પુછ્યું

‘વિનીયા વાયડો મ થા વાત સાંભળને..’ખિજાઇને રમણભાઇએ કહ્યું

‘તેં જ શરૂઆત..કંઇ નહી હવે નહીં બોલું બસ….બોલ શું કહેતો હતો…?’વિનોદભાઇએ ગંભીર થઇ જતા પુછ્યુંકહ્યું

‘મારા કમલાને તારી ઇલા ગમે છે ને તારા સુરિયાને મારી લીના તો….’

‘અરે..વાહ ક્યા બાત હૈ….બસ સમજી ગયો આતો રૂડી વાત છે દીકરી આપીને દીકરા વહુ લાવવાની.’વિનોદભાઇએ ખુશખુશાલ થઇ રમણભાઇને બાથ ભીડી

         બંને વિધુરના સગા વહાલામાં કોઇ ન હોવાથી બંને જોડલાના લગ્ન આર્યસમાજ વિધીથી સંપ્પન કરવામાં આવ્યા અને ચારે હનીમુન માટે રવાના થઇ ગયા.ત્યારે વિનોદભાઇએ પુછ્યું

‘બોલ રમલા ખાવામાં શું બનાવું…?’

‘તું તો એવી રીતે પુછે છે કે, હું કહું એ તું બનાવી આપે’રમણભાઇએ વિનોદભાઇના પીઠમાં ધબ્બો મારતા કહ્યું

‘તું બોલ તો ખરો…’ફ્રીઝમાં નજર કરતા વિનોદભાઇએ પુછ્યું

‘તો ચાલ ઉપમા બનાવ જટપટ બની જાય બરાબરને…?’રમણભાઇએ કહ્યું

‘તો ચાલ આ વટાણા ફોલી નાખ અને કાંદા ને ગાજર પણ જીણા સમારી આપ….’વિનોદભાઇએ બધું ટેબલ પર મુંકી છરી પકડાવી.

        બંને મિત્રોએ ઉપમા પાર પાડી સાથે જમવા બેઠા.રમણભાઇએ ઉપમા ચાખી ખુશખુશાલ થતા કહ્યું ‘વાહ!! વિનીયા આ ઉપમા તો તેં સરસ બનાવી છે એલા તો આ સિવાય તું બીજું શું શું બનાવી જાણે છે…?’

‘બધુ જ તારી ભાભી કંચન ગુજરી ગઇ પછી ઇલા અને મારા માટે હું જ રસોઇ બનાવતો હતો…’અતીતમાં જોતા વિનોદભાઇએ કહ્યું

‘હા…રે જોકે મને ચ્હા સિવાય કશું બનાવતા નથી આવડતું પ્રેમિલાના અવસાન પછી લીના જ બધું બનાવતી આવી છે’

             આમ એક બીજાના સહવાસમાં ચાર દિવસ પસાર થ્ઇ ગયા વરઘોડિયા ફરીને પાછા આવી ગયા અને પોતાના સંસારમાં પરોવાઇ ગયા.એક દિવસ વિનોદભાઇને ઇલાએ ફોન કરી કહ્યું

‘પપ્પા તમે દાદા બનવાના છો….’

‘એટલે રમલો નાનો બનશે એમ ને….?વાહ!! આ તેં સરસ સમાચાર આપ્યા.”

             આજુબાજુના પડોશીઓને ભેગા કરી ને ઇલાએ લીનાનો ખોળો ભરાવાની વિધી પાર પાડી ત્યારે સખીઓ સાથે ગુસપુસમાં ખબર પડી કે,ઇલા પણ હવે લાઇનમાં છે સાંભળી બંને મિત્રો વધારે ખુશ થયા.લીનાના ખોળે મયંકનો અને ઇલાના ખોળે ચિંતનનો જન્મ થયો.અવાર નવાર ઇલા લીનાને મળવા આવતી યા લીના ઇલાને મળવા જતી.

       વિનોદભાઇ અને રમણભાઇનો સમય પોત્રને રમાડવામાં અને પ્રેમમાં બેસાડી સાંજે ફરવામાં જ જતો.કમલ ચોકલેટ ખાવાનો શોખીન હતો એટલે જ્યારે મોલમાં જાય ત્યારે ચોકલેટનું આખું બોક્ષ લાવતો રમણભાઇ ક્યારેક એમાંથી ખાતા.જ્યારે તે ખાતા હોય ત્યારે જ ઇલાની નજરે ચડી જતા એટલે એના મનમાં ઠસી ગયું કે,ચોકલેટનો બોક્ષ જલ્દી ખાલી થવાનું કારણ રમણભાઇ છે.

         એક દિવસ માર્કેટમાંથી ઘેર જતી લીનાએ બે પેકેટ જેમ્સ બિન્સ ખરિદેલા તેમાંથી એક  ચિંતન માટે આપી ગઇ.ચારેક દિવસ પછી એક નાની વાટકીમાં જેમ્સ મુકીને ઇલાએ ચિંતનને ખાવા આપી. આંગણામાં એક નાની ઓટલી પર બેસી ચિંતન એ ખાતો હતો.ત્યારે છાપુ લઇને રમણભાઇ બહાર આવ્યા. ચિંતનના હાથમાંની વાટકીમાં છેલ્લી પિન્ક કલરની જેમ્સ જોઇ એ ખાવાની લાલચ રમણભાઇ રોકી ન શક્યા અને એ છેલ્લી જેમ્સ ઉપાડીને હવામાં હાથ વિંજી ‘એ…કાગો લઇ ગીયો…’કહી પોતાના મ્હોંમાં મુકી એ ઇલાએ જોયું અને એની કમાન છટકી એણે નક્કી કરી લીધું કે,આજે તો એ પોતાના પપ્પાને વાત કરી કહેશે કે,એના સસરાને સમજાવે.

           ઇલા જયારે માવતરના ઘરમાં દાખલ થઇ ત્યારે એક નાની અને એક મોટી વાટકીમાં પેસ્ટ્રી મયંકને આપી લીના સમજાવતી હતી ‘આ મોટી વાટકી દાદા મોટા છે એટલે તેમને આપજે અને આ નાની વાટકી તું નાનો છે એટલે તારી હં…કે…જા મારો ડાહ્યો દીકરો…’  

‘લીના…પપ્પા માટે પેસ્ટ્રી…?’ઇલાએ આશ્ચર્યથી પુછ્યું

‘બાળા અને બુઢ્ઢા બંનેને સરખા ગણીએ તો જ આ ઘરસંસાર શાંતિથી ચાલે…તે શું તને આજે ફુરસદ મળી ગઇ….?આવ તને પણ પેસ્ટ્રી ખવડાવું…’ફ્રીઝમાં પેસ્ટ્રી કાઢવા ગઇ

‘મારે નથી ખાવી પેસ્ટ્રી….’ઇલાએ કહ્યું

‘તો ચ્હા બનાવું ને…?’ રસોડાના કામમાં પરોવાતા લીનાએ પુછ્યું

      ઇલા શું કહે કે,એ શું કરવા આવી હતી.લીના પોતાના પપ્પાનું કેટલું ધ્યાન રાખે છે લીના સાસરે આવી દુધમાં સાકર ભળે એમ ભળી ગઇ અને પોતે નાની અમસ્થી વાતનો હોબાળો કરવા અહીં આવી હતી.લીના ઇલા બની ઘરમાં સમાઇ ગઇ પણ પોતે ઇલાની ઇલા જ રહી લીના ન થઇ શકી એટલે એ રમણભાઇને ક્યારે પપ્પા ન બનાવી શકી એ વિચારે એને પોતા ઉપર જ તિરસ્કાર આવ્યો અને પોતાની જ નજરમાં એ વામણી સાબિત થઇ ગઇ.

‘ના ફરી ક્યારેક….’કહી ઇલા ઘર બહાર નીકળી ગઇ.(સંપૂર્ણ)

’૦૫-૦૯-૨૦૧૫

 

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: