લોહીનો સાદ (૨)
(ગતાંકથી શરૂ)
શ્રીકાંત અહીંથી ગયો પછી પાંચમા દિવસે જ તેણે માલવિકાને મિસકોલ કર્યો અને માલવિકાએ કસ્ટમરને હજી ચેરમાં બેસાડી જ હતી એટલે સ્નેહાને તેનો ચાર્જ સોંપી એ કેબીનમાં જતી રહી અને વોટ્સ અપ ચાલુ કર્યું
“માલુ કેમ છે તું..?”
“તારા જ કોલની રાહ જોતી હતી…”
“તો સામેથી કોલ કેમ ન કર્યો…?”
“તું કોણ જાણે કેવા કામમાં ગુથાયલો હોય એટલે ડિસ્ટર્બ કરવું મુનાસિબ ન લાગ્યું…”
“હં…અહીંનું કામ પુરૂ થઇ ગયું છે આ એક્ઝિબીશન દરમ્યાન મળેલ એક અમેરિકન સાથે મારી સારી ઓળખાણ થઇ છે તેને મારા ફોટોગ્રાફ અને મારી ટેકનિક બહુજ ગમી અને એ મને પોતાના સાથે કામ કરવા અમેરિકા બોલાવવા માગે છે.તેણે સિમલા બાબત ઘણું સાંભળ્યું અને ઇન્ગલિસ ડબ હિન્દી મુવીમાં જોયું છે એટલે એના આગ્રહથી હું તેના સાથે સિમલા જાઉં છું.કદાચ બે દિવસ પછી પાછો આવીશ ત્યારે તારા સાથે ઘણી બધી વાતો કરવી છે”
“હું તારા આવવાની રાહ જોઇશ”
“ચાલ મેં રેન્ટ અ કારમાં બુક કરાવેલી કેબ આવી ગઇ છે બાય…”
“બાય…પોતાનું ધ્યાન રાખજે..”
“તું પણ તારૂં અને આપણા આવનારનું ધ્યાન રાખજે….”આ શબ્દો બહાર રાહ જોતી કારમાં જવાની ઉતાવળમાં સેન્ડ કરવાને બદલે ડીલિટ થઇ ગયા.
શ્રીકાંત અને તેનો અમેરિકન મિત્ર ઇયાન પીટરસન વાતો કરતા સિમલા તરફ જઇ રહ્યા હતા. પીટરસન બહુ રોમાંચિત હતો.સિમલામાં પ્રવેશ કરતા હતાં ત્યારે એકાએક મોટો મેઘગર્જનાનો કડાકો થયો માર્ગ પર ભૂસ્ખલંન થતા એક મોટી બરફની શીલા તેમની કાર પર પડી તેના ધક્કાથી કાર બીજી તરફની ખાઇમાં પડી.ત્યાર બાદ અચાનક બરફની વર્ષા થવા લાગી અને બધે બરફ છવાઇ ગયો.આના સમાચાર ટીવી પર પ્રસારિત થયા.નજરે જોનારના કહેવા મુજબ એક કાર ખાઇમાં પડી હતી પોલીસને આપેલા નંબર મુજબ એ પેલી રેન્ટ એ કાર વાળી જ ગાડી હતી.
આ તરફ એક મહિનાથી શ્રીકાંતનો પત્તો ન હતો તેનો આસીસ્ટંટ વિક્રાંત પણ શ્રીકાંત દિલ્હી ગયો છે એટલું જ જાણતો હતો.તેની મમ્મી માનવંતીબેન એના મિત્રોમાં તપાસ કરી પણ કંઇ ચોકસ પરિણામ ન આવ્યું.એક દિવસ સવારના તેમને પોલીસનો ફોન આવ્યો કે,શ્રીકાંતની ઠંડીથી જકડાઇ ગયેલી ડેડ બોડી તેમને સિમલાથી મળી છે અને હાલે ગાંધી હોસ્પિટલની મોર્ગમાં પડી છે તો લાશની ઓળખ કરી લાશનો કબજો લઇ જવા આવી જવું.માનવંતી બેન મોર્ગમાં પહોંચ્યા અને સજળ નયણે ગળામાં બાઝેલા ડૂમાથી પોતાના પુત્રની લાશની ઓળખ કરી.વિક્રાંતે સગા સબંધી અને મિત્રોને શ્રીકાંતના અવસાનની જાણ કરી અને અંતિમ ક્રિયા કરાવી.માલવિકાને બીજા દિવસે સમાચાર પત્રથી શ્રીકાંતના ગમખ્વાર અકસ્માતથી અવસાનની જાણ થઇ કારણ કે શ્રીકાંત અને માલવિકાનું પ્રેમ પ્રકરણ કોઇ જાણતું ન હતું.માલવિકા હેબતાઇ થઇ ગઇ હતી.આ પેટમાં પાંગરતા બાળકનું શું કરવું…?બે દિવસ ગુમસુમ રહ્યા બાદ એણે પેટ છુટી વાત પોતાની મા વિમળાને કરી.વિમળાએ પોતાની બેન આનંદીને કરી અને કહ્યું
“ચાલ અનુ આ વાતની જાણ શ્રીકાંતની મમ્મીને કરી આવીએ અને કહીએ કે,માલવિકાના ઉદરમાં શ્રીકાંતનું બાળક છે તેથી તેઓ માલવિકાને પુત્રવધુ તરિકે સ્વિકારી લે.”
“ગાંડી થઇ ગઇ છો…? એક તો એમનો દિકરો ગુજરી ગયો છે તેનું દુઃખ અને આપણે કહિશું કે માલવિકાના ઉદરમાં શ્રીકાંતનું બાળક છે તો તું શું માને છે એ સ્વિકારશે….? રામ ભજો કહેશે કોઇનું પાપ મારા દિકરાનું નામ લઇ અમારા કપાળે મઢવા લાવ્યા છો…?”
“તો શું કરીશું…?”વિમળાએ પુછ્યું
“ગર્ભપાત…”આનંદીએ કહ્યું
“હાય રામ….ના હો એ પાપ મારાથી નહીં થાય…”
“તો એક કામ કર હાલ ઘડી તું આપણા વતન કચ્છ જા ત્યાં આપણું ઘર છે એ ખોલીને રહેજો બાળક ત્રણેક વર્ષનું થાય ત્યાર બાદ પાછા મુંબઇ આવી જજો ત્યાં સુધી હું નવું ઘર ગોતી રાખવાની તજવીજ કરીશ”
આનંદીના સજેશન પ્રમાણે મા દીકરી કોઇને પણ કશી જાણ કર્યા વગર કચ્છ આવી ગયા.
-oo૦oo-
શ્રીકાંતની ડેડ બોડી સાથે તેની જે કંઇ ચીજ વસ્તુ મળી હતી તે પોલીસ તરફથી માનવંતીબેનને સોંપવામાં આવી હતી.એક દિવસ તે પોલીસે પાસેથી મળેલી વસ્તુઓમાં શ્રીકાંતનું મની પર્સ જોતા હતા તેમાંથી માલવિકાએ લખેલી ચીઠ્ઠી હાથ લાગી જે વાંચી માનવંતીબેન એકદમ ભાવ વિભોર થઇ ગયા.મારો પુત્ર તો મેં ખોયો પણ જતા જતા એ મને વારસદાર આપી ગયો.કોણ છે આ માલવિકા….?
તેમણે વિક્રાંતની મદદથી માલવિકા શોધવાના ચક્રો ગતિમાન કર્યા તેમને જાણ થઇ કે છબી ચિકસ બ્યુટી પાર્લરની માલકણ માલવિકા હતી.એ બ્યુટી પાર્લર તો બંધ હતું તપાસ કરતા ખબર પડી કે,ધમધોકાર ચાલતું આ પાર્લર અચાનક કેમ છેલ્લા કેટલા દિવસથી બંધ છે એ માલવિકાની આસિસસ્ટંટ સ્નેહા કે અન્ય કોઇ જાણતું નથી.સ્નેહા પાસેથી માલવિકાના ઘરનું સરનામું મેળવી વિક્રાંતે ત્યાં તપાસ કરી તો માલવિકા અને એની મમ્મી એકાએક ક્યાંક જતા રહ્યા છે એવું પડોશના લોકોમાંથી જાણ થઇ.માનવંતીબેનને એ સમજાઇ ગયું કે,કુંવારી મા થયેલ માલવિકા આજુબાજુના લોકોની નિંદાનું પાત્ર બને તે પહેલા જ મા અને દીકરી શહેર છોડી જતા રહ્યા છે.માનવંતીબેનને જેટલી ખુશી પેલી ચિઠ્ઠી વાંચીને થઇ હતી તેથી વધારે ગનગીનીના વાતવરણમાં એ ઘેરાઇ ગયા.શ્રીકાંત અને માલવિકાના પ્રેમ પ્રકરણનો કોઇને અણસાર સુધા ન હતો ઇવન વિક્રાંત પણ આ વાત જાણતો ન હતો.આડ કતરી રીતે તપાસ કરતા માનવંતીબેનને એ વાત સમજાઇ ગઇ.
-૦-
અહીં કચ્છમાં સ્થાહી થયેલ માલવિકાએ સમય જતા બાળકને જન્મ આપ્યો અને વિમળાએ મહાદેવ મંદિરના પુજારી અને જ્યોતિષાચાર્ય રઘુનાથ પાસેથી કુંડલી બનાવી નામ પાડ્યું દેવાંગ.બાળક દેવાંગ માના ખોળામાંથી નાનીમાના ખોળામાં એમ રમતા મોટો થવા લાગ્યો.સ્કૂલમાં નામ મંડાવ્યું દેવાંગ શ્રીકાંત ત્રિવેદી. ઇન્ગલિશ મિડિયમમાં બારમી પાસ કરી પાછી મુંબઇની વાટ પકડી પણ વિમળા ને તેની બહેનની સલાહથી મુંબઇની કોલેજમાં નામ મંડાવવાને બદલે પુણેનું શિક્ષણ સારૂં છે એમ કહી ત્યાં જવાની સલાહ આપી.
વરસોના વહાણા વાઇ ગયા અને દેવાંગ ન્યુરોલોજીસ્ટ થયો અને પ્રેકટીસ માટે એક પ્રાઇવેટ ક્લિનીકમાં આસીસ્ટંટ તરિકે જોડાયો.ત્રણ વરસના તેના કાર્યકાળ દરમ્યાન તેના હેડ તેની કામગીરીથી ખુબ ખુશ થયા.ત્રીજા વરસના અંતે એક દિવસ માલવિકા દેવાંગના હેડ ડોક્ટર પરાંજપેની મળી અને તેમની સલાહ લીધી કે,દેવાંગ સ્વતંત્ર ક્લિનીક ખોલવા માગે છે તે એકલો તે ચલાવી શકે એમ છે કે નહીં અને ડોકટર પરાંજપેના માર્ગદર્શન હેઠળ દેવાંગે પોતાનું સ્વતંત્ર ક્લિનીક શરૂ કર્યું.
-oo0oo-
એક દિવસ માનવંતીબેન વિક્રાંત સાથે લોનાવલામાં પોતાની કુળદેવી એકવીરા માતાને દર્શને ગયા હતા.દર્શન કરી પાછા ફરતા એકવીરા મંદિરની સીડીઓ પરથી પગ સ્લિપ થતાં તે અડાડિયું ખાઇને ઘબડ્યા અને બેભાન થઇ ગયા.વિક્રાંતે એમને લોનાવલામાંથી એમ્બ્યુલન્સમાં પુણે લઇ ગયો અને હોસ્પિટલમાં દાખલ કર્યા.બધા ટેસ્ટ પછી ડોકટરે સલાહ આપી કે,બેટર ટ્રીટમેન્ટ માટે તેમને ત્રિવેદી ક્લિનીકમાં દાખલ કરવા આ ન્યુરોલોજીસ્ટનો કેસ છે.
એક અઠવાડિયાની ટ્રીટમેન્ટ પછી માનવંતીબેન ભાનમાં આવ્યા.ઘડીભર ભાનમાં આવ્યા બાદ એ કોણ છે અને એને અહીં શા માટે દાખલ કરવામાં આવી છે? એવા સવાલ પુછતા અને પછી આજુબાજુ નજર કરતા બેભાન થઇ જતા.
બે અઠવાડિયા પછી માનવંતીબેન સ્વસ્થ થતા વિક્રાંત પોતાના ડોકટર મિત્રની સલાહ લઇને હોસ્પિટલના ડોકટરને મળીને સલાહ લીધી કે,પેસન્ટને મુંબઇ લઇ જઇ શકાય એમ છે કેમ? ડોકટરની સલાહ મુજબ તેમને એમ્બ્યુલન્સમાં મુંબઇ લઇ જઇ શકાય.
વિક્રાંતે ડોકટરને ડિસ્ચાર્જના ડોક્યુમેન્ટસ તૈયાર કરવા કહ્યું.માલવિકાબેનની બેડ પાસે આવીને કહ્યું
‘માશી આપણે બપોર પછી મુંબઇ જઇશું મેં ડોકટરને વાત કરી છે અને મુંબઇના ડોકટર સાથે પણ બધી વાત કરી લીધી છે’
આ વાત ચાલતી હતી તે દરમ્યાન નર્સ ડોક્યુમેન્ટની ફાઇલ માનવંતીબેનની બેડ પાસેની સાઇડ ટેબલ પર મુકી.માનવંતીબેને ફાઇલ પર “ત્રિવેદી ક્લિનીક” નામ વાંચીને વિક્રાંતને કહ્યું
‘દીકરા વિક્રાંત જરા તપાસ કર આ ત્રિવેદી કોણ છે કદાચ આપણા નજીકના કે દૂરના સગામાં પણ હોઇ શકે…?’
વિક્રાંત તરત જ રિસીસ્પશન કાઉન્ટર ઉપર ગયો અને ત્યાં બેઠેલી લેડીને પુછ્યું
‘આ ડોકટર દેવાંગ એસ.ત્રિવેદીમાં એસનો મતલબ…?’
‘શ્રીકાંત કેંમ…?’
‘ના અમસ્થુ જ અરે હા આજે અહીં દાખલ કરેલ પેસન્ટને ડિસ્ચાર્જ કરવાના છે તો ડોકટર ત્રિવેદીનું એક કાર્ડ આપશો જેથી કંઇ પ્રોબ્લેમ થાય તો કોન્ટેક્ટ થઇ શકે’તો પેલી લેડીએ એક કાર્ડ આપ્યું.કાર્ડ પર ડોકટર દેવાંગના ઘરનું સરનામું ન હતું તો વિક્રાંતે પેલી લેડીને પુછ્યું
‘આ ડોકટર દેવાંગ ક્યાં રહે છે તેમના રેસિડેન્સનું સરનામું આપશો…?’
‘તમે આમ સીઆઇડી જેમ સવાલો કેમ કરો છો….?’
‘સાહેબ ને આ દવાખાનાના પાછળ જ રહે છે…’ત્યાં ઊભેલા વોર્ડ બોયે કહ્યું તો પેલી લેડી તેના તરફ ઘુરકી અને વોર્ડ બોય મલકીને જતો રહ્યો.
વિક્રાંત તરત જ તે બંગલા તરફ ચાલ્યો અને ત્યાં જઇ બેલ મારી તો
‘કોણ….?’અંદરથી સવાલ થયો.
“હું વિક્રાંત છું ભાભી….’શ્રીકાંતના આસિસ્ટન્ટને ઓળખતી આશ્ચર્ય પામી માલવિકાએ દરવાજો ખોલ્યો
‘વિક્રાંત …તમે…અહીં…પુણેમાં….?’
‘ભાભી તમને મળવા આવ્યો છું….’
‘મને…? તમને કોણે કહ્યું કે,હું અહીં છું…અંદર આવો’
વિક્રાંત સોફા પર બેઠો તો કિચનમાંથી પાણી લાવી માલવિકાએ વિક્રાંતને આપી ફરી પુછ્યું
‘મારૂં સરનામું તમને કોણે આપ્યું….?’
‘ભાભી તમારી શ્રીકાંતને લખેલી ચીઠ્ઠી માનવંતીમાશીને મળેલી ત્યારથી તેમણે તમને શોધવા અને પોતાના વારસદારને મળવા તલસતા હતા…’
વિક્રાંતે શ્રીકાંતની ડેડ બોડી મળી ત્યારથી માનવંતીબેનને નડેલ અકસ્માતની વાત અતઃ થી ઇતી સુધી કહી સંભળાવી જે માલવિકાએ રડતા ચહેરે સાંભળીને ‘ઓહ…ગોડ…’કહી બે હાથ મ્હોં પર રાખી રડી પડી. વિક્રાંતે કિચનમાંથી પાણી લાવી માલવિકાને આપતા કહ્યું
‘ભાભી શાંત થાવ…લો પાણી…’
માંડ પોતાનું રડવું ખાળીને પાણી પી માલવિકાએ પુછ્યું ‘મમ્મીને કેમ છે…? મમ્મી ક્યાં છે..?’
વિક્રાંતે હમણાં જ તેની અને માનવંતીબેન સાથે થયેલ વાત જણાવી કહ્યું ‘ભાભી તમે દેવાંગને ઘેર બોલાવી લો ત્યાં સુધી હું માશીને વ્હિલચેરમાં બેસાડીને લઇ આવું છું’કહી વિક્રાંત ગયો.માલવિકાએ ઇન્ટરકોમથી દેવાંગની કેબીનમાં ફોન કરી તાકિદે ઘેર આવી જવા કહ્યું
‘મમ્મી શું થયું કેમ એકાએક….?’
‘તું ઘેર આવી જા પછી વાત….’
દેવાંગ દોડતો ઘેર આવ્યો અને પુછ્યું
‘શું થયું મમ્મી તારી તબિયત તો બરાબર છેને…?’
‘તું તો ઉતાવળો બહું જરા ફ્રેશ થઇ આવ…’કહી માલવિકાએ તેને નેપકીન પકડાવ્યો અને કોઇ જાતની આનાકાની વગર એ બાથરૂમમાં ગયો અને એ જ્યારે બહાર આવ્યો ત્યારે વ્હિલચેરમાં સાથે માનવંતીબેનને લઇ વિક્રાંત દાખલ થયો.
‘આ શું છે મિસ્ટર વિક્રાંત…તમે પેસન્ટને અહીં….મારા ઘરમાં શા માટે લાવ્યા છો…?’
‘દેવાંગ શાંત થા આ મિસ્ટર તારા પપ્પાના ફ્રેન્ડ અને એક વખતના આસિસસ્ટંટ છે વિક્રાંત અંકલ અને વ્હિલચેરમાં કોઇ પેસન્ટ નથી તારી દાદી છે’કહી માવલિકાએ માનવંતીબેનના ચરણસ્પર્શ કર્યા તો ‘દાદી….કહી દેવાંગ માનવંતીબેનના ખોળામાં માથું રાખી રડી પડ્યો.આ દ્રશ્ય મંદિરેથી પાછી આવેલી બારણે ઊભી રહેલી વિમળા સજળ જોઇ રહી. માલવિકા અને દેવાંગને બાથ ભીડી માનવંતીબેન મોટાસાદે રડી પડયા તેને વિમળાએ પાણી પાયું જરા સ્વસ્થ થતાં માનવંતીબેને પુછ્યું ‘માલુ…તું એક વખત મને મળવા અને વાત કરવા પણ ન આવી દીકરા…?’
‘એ પાપ મેં કર્યું છે વેવાણ….’કહી વિમળાએ શ્રીકાંતના અવસાનથી અત્યાર સુધીની વાત બધી કરી.
‘આખર લોહીએ….લોહીને સાદ પાડ્યો નહીંતર હું મારો વારસદાર જોયા વગર…..’માનવંતીબેન કંઇ આગળ બોલે તે પહેલા તેના હોઠ પર હાથ રાખી દેવાંગે માથું ધુણાવી ના કહી અને માનવંતીબેન તેને બાથમાં લઇ માથું ચૂમતા હસ્યા.(સંપૂર્ણ)
૧૫/૧૨/૨૦૧૫
Filed under: Stories |
Leave a Reply