લોહીનો સાદ

drop

‘લોહીનો સાદ’

       માલવિકા છેલ્લા ચાર દિવસથી મુંઝવણમાં હતી.આખર પોતાની ક્લાયન્ટ ડો.નિહારિકાના ક્લિનિક પર સવારના પ્રેગ્નેનસી ટેસ્ટ કરાવવા ગયેલી સાંજે ડો.નિહારિકાએ તેને  ટેસ્ટનો રિપોર્ટ આપ્યો અને રિઝલ્ટ પોઝીટિવ આવતા એ એકદમ રોમાંચિત થઇ ગઇ. પોતાની કાર સ્ટાર્ટ કરતા શ્રીકાંતને કોલ કરી અને મોબાઇલ સ્પીકર ઓન કરી  ડેસબોર્ડ પર મુકેલ હોલ્ડરમાં  મુક્યો.બે રિન્ગ વાગી અને સામે છેડેથી શ્રીકાંતનો અવાઝ સંભળાયો

‘હલ્લો…હાં બોલ માલુ..”

‘ક્યાં છો તું…..?”

‘બોમ્બે સેન્ટ્રલ રાજધાની એકસપ્રેસમાં દિલ્હી જાઉં છું…બોલ”

‘બોગીના નંબર કેટલા છે…?’માલવિકાએ કાંડા ઘડીયાળમાં જોતા પુછ્યું

‘એ-૨….કેમ…?

     માલવિકાએ કોઇ જવાબ ન આપતા મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો.સમય કટોકટીનો હતો એમાં સમયસર સ્ટેશન પર પહોંચશે કે, કેમ એ સવાલ હતો અને તેમાં રૂબરૂ વાત થઇ શકે એટલો સમય હશે કે, કેમ…? તેથી માલવિકાએ એક બાજુ કાર ઊભી રાખી અને એક સ્લિપ પર લખ્યું

શ્રીકાંત

તારા પ્રેમનું પુષ્પ મારા ઉદરમાં પાંગરે છે,આપણે હવે જલ્દી લગ્ન કરી લેવા જોઇએ

માલવિકા

            સ્લિપની ચાર ઘડી વાળીને પર્સમાં મુકી ગાડી સ્ટાર્ટ કરી અને ખરેખર તે પ્લેટફોર્મ પર પહોંચી ત્યારે છેલ્લી વ્હિસલ મારી ગાડી રવાના થવા લાગી.માલવિકાના અધુરા સંદેશથી શ્રીકાંતને અંદાઝ તો આવી જ ગયો હતો કે, રખે માલવિકા તેને મળવા સ્ટેશન પર આવે.તે બોગીના બારણા પાસેજ ઊભો રહી પ્લેટફોર્મ પરની ગીરદીમાં માલવિકાને શોધતો હતો.તેણે જોયું ખરેખર ગાડી સાથે જ દોડતી માલવિકાએ શ્રીકાંતના હાથમાં પેલી સ્લિપ આપી ત્યાં જ ઊભી રહી હાથથી કોલ કરજે એવો ઇશારો કર્યો . શ્રીકાંત પોતાની સીટ પર આવી પેલી સ્લિપ વાંચી તે પણ રોમાંચિત થઇ ગયો.

        ચાલો રૂબરૂ વાત નહીં થઇ કશો વાંધો નહીં પણ શ્રીકાંતને જે કહેવું હતું એ તો કહેવાઇ ગયું ને? એવી ધરપત સાથે માલવિકા સ્ટેશનમાંથી બહાર આવી અને એની કાર પોતાના બ્યુટી પાર્લર તરફ વહેતી કરી.અંદાઝે એક કલાકના સમય બાદ એના મોબાઇલમાં મીસકોલ આવ્યો અને એણે પોતાના મોબાઇલ પર વોટ્સ-અપ ચાલુ કર્યું

“માલુ ખરેખર ખુબ ખુશીની વાત છે”

“સમય કટોકટીનો હતો એટલે તને એ રીતે જણાવ્યું ખરેખર તો તને બાથ ભીડી કાનમાં કહેવું હતું”

“મારૂં દિલ્હી જવું પહેલેથી જ આયોજીત હતું એટલે ગયો ખરેખર તો બધું કેન્સલ કરી તારી પાસે દોડી આવવાનું મન થયું પણ….”

“હું તારા હ્રદયમાં ચાલતું ઘમસાણ સમજી શકું છું…બાય ધ વે પાછો ક્યારે આવીશ…?”

“એક અઠવાડિયા પછી જોકે મારી ઇચ્છા તો ચાર દિવસમાં જ પાછા આવવાની છે…”

‘બહુ ઇમોશનલ ન થા અને તેના લીધે આખું આયોજન ન બગડે તેનું ખાસ ધ્યાન રાખજે”

“માલુ…માલુ….”

“ગુડ નાઇટ હવે સુઇ જા…”કહી માલિકાએ મલકીને મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો.

              શ્રીકાંત એક એલર્ટ ફોટોગ્રાફર હતો.એના ઘણા બધા સ્નેપ્સનું એક્ષિબીશન દિલ્હીની લા-પ્લાઝા ગોલ્ડનના હોલમાં આયોજીત કરવામાં આવ્યું હતું.એના સ્નેપ્સ જોતા એની બાજ જેવી ચકોર આંખથી જોયેલા અને આંખના પલકારા જેવી જડપથી લીધેલા એ ફોટોગ્રાફસ જોતા લોકોને તેની આ આગવી છટા પર આફ્રીન થઇ જતા હતા. એમાં ડ્રેસિન્ગ ટેબલ પાસે બેસી કાનમાં ઇયરિન્ગ પહેરતી એક યુવતીનો ફોટોગ્રાફ અનન્ય હતો.ડ્રેસિન્ગ સ્ટુલ પરની બેઠેલી યુવતીનો અરિસામાં પડતો પ્રતિબિંબ અને એના ફોટોગ્રાફનો સમન્વય જોઇ કેટલા એ ફોટોગ્રાફ ખરીદવા માંગતા હતા પણ શ્રીકાંત હસીને સહવિનય ના પડી કહેતો નોટ ફોર સેલ.

                            એક લગ્ન સમારોહમાં તેણે બ્રાઇડના શણગાર માટે આવેલી છબિ ચિક્સ બ્યુટી પાર્લરની માલિક માલવિકાનો પાડેલો એ ફોટોગ્રાફ શ્રીકાંત શા માટે વેંચાણમાં મુકે..? એના લીધે તો તેની સ્વપ્ન સુંદરી માલવિકા તેને મળી  હતી. મુંબઇની એક ફિલ્મ કંપની તરફથી આયોજીત ફોટોગ્રાફી કોમ્પિટીશનમાં પહેલી વખત માલવિકાનો એ ફોટોગ્રાફ મોકલ્યો હતો જેને પહેલા ઇનામ તરિકે રૂપિયા એકાવન હજારનો ચેક અને ટ્રોફી મળેલ.બીજા દિવસે ટોક ઓફ ટાઉન કોલમમાં એ જ ફોટોગ્રાફ સ્થાનિક સમાચાર પત્રમાં છપાયો ત્યારે એ વાતની જાણ માલવિકાને એની આસિસટંટે સ્નેહાએ સમાચાર પત્રની નકલ તેના સામે ધરીને કરી.

                      માલવિકાને પોતાનો ફોટોગ્રાફ જોઇને એકી ચોટ તો ખુબ રોમાંચિત થઇ પણ પોતાને માધ્યમ બનાવી શ્રીકાંતે નામના મેળવી એ બદલ જરા ગુસ્સો પણ આવ્યો એટલે તે પોતાની કારમાં શ્રીકાંતના શ્રી ફોટો સ્ટુડિયો પર આવી ત્યારે શ્રીકાંત એક મેરેજ સેરીમનીના આલ્બંબ પર કામ કરી રહ્યો હતો તેના કોમ્પ્યુટર પાસે સમાચાર પત્રની નકલ પછાળતા માલવિકાએ પુછ્યું

“મી.શ્રીકાંત શું છે આ બધું….? મારા ફોટોગ્રાફ મારી રજા વગર કેમ છાપામાં આપ્યો…?”

‘જુઓ મેડમ માલવિકા આ મારા ફોટોગ્રાફી સ્કિલનો નમુનો છે,એમાં આપનું હોવું એ એક યોગાનુયોગ છે એમાં તમે ન હોત કદાચ બીજી કોઇ વ્યક્તિ પણ હોઇ શકત.હા આ ફોટોગ્રાફથી મને તમારી લાગણીને ઠેસ પહોંચાડવાનો કોઇ ઇરાદો નથી,છતા પણ તમોને એમ લાગતું હોય તો આ ફોટોગ્રાફ માર્ફત મને મળેલ આ ટ્રાફી અને આ રૂપિયા એકાવન હજારનો ચેક આપને દંડ તરિકે આપી શકું તે સિવાય બીજું મારાથી બીજું કંઇ થઇ શકે એમ નથી…”કહી શ્રીકાંતે ડ્રોવરમાંથી એક ચેક અને ટેબલ પર પડેલી ટ્રોફી માલવિકા સામે ધરી.માલવિકા ઘડીભર એ બંને વસ્તુ સામે જોઇ ને પછી મલકીને કહ્યું

“ના…એની કંઇ જરૂર નથી…”

       માલવિકાને પાછી ફરતી જોઇને શ્રીકાંતે કહ્યું

‘મેડમ તમે મારા સ્ટુડિયો પર પહેલી વખત આવ્યા છો તો એક કપ ચ્હા સાથે પી શકાય…?”

“ઓકે…”કહી માલવિકા શ્રીકાંત સામેની ખુરશી પર બેઠી.આ તેમની પ્રથમ ઓળખાણની સુખદ પળ હતી.

          બંનેનો વ્યવસાય એવો હતો એટલે ચોલી-દામનનો સાથ એમ કહી શકાય.બંને અવાર નવાર કોઇ મેરેજ સેરીમનીમાં આમને સામને થઇ જતા અને સાથે સોફ ડ્રિન્કસ પીતા અને પછી ક્યારેક બુફેમાં સાથે જમતા અને વાતો કરતા.એક વખત એક હોટલની લિફટમાં બંને સાથે ફસાઇ ગયા ત્યારે લિફટના અંધારામાં માલવિકા ખુબ ગભરાઇ ગઇ હતી,શું કરવું એની અવઢવમાં હતી ત્યાં માલિકની મહેરબાનીથી લિફટ શરૂ થઇ ગઇ ત્યારે લિફ્ટમાં ચાલુ થયેલ લાઇટમાં એણે જોયું કે શ્રીકાંત એ ઊભી હતી બરાબર તેના સામેના ખુણે આદબવાળીને ઊભો હતો.એ જોઇ એને શ્રીકાંત પ્રત્યે માન થયું કે અન્ય કોઇ હોત તો આ તકનો લાભ લઇ કંઇ પણ……વિચાર ખંખેરી એ લિફટ બહાર આવી.

           એક મેરેજ સેરીમની પુરી થયા પછી માલવિકા પોતાની કાર લેવા હોટલના પાર્કિન્ગ લોટમાં આવી બરાબર ત્યારે જ લાઇટ ગઇ અંધારામાં પોતાની કાર શોધવી કેમ…? માલવિકા પોતાનો મોબાઇલ ઉતાવળમાં કારમાં જ ભુલી ગઇ હતી એટલે એ મુંજાઇ ગઇ એટલામાં શ્રીકાંતને મોબાઇલની ટોર્ચના અજવાળે પોતાની કાર શોધતો આવતો જોયો. ટોર્ચના અજવાળામાં તેણે માલવિકાને જોઇ પુછ્યું

‘શું થયું મેડમ…એની પ્રોબ્લેમ…?’

‘હું મારો મોબાઇલ કારમાં જ ભુલી ગઇ એટલે કાર શોધવામાં…..’

‘નો પ્રોબ્લેમ…ચાલો આપણે શોધી આવીએ બાય ધ વે કઇ સાઇડમાં તમારી કાર હતી….?’

‘અં….હા પેલી તરફ…’અંગુલીનિર્દેશ કરતા માલવિકાએ કહ્યું

          ટોર્ચનો અજવાળો પડતા માલવિકાને પોતાની કાર દેખાઇ એટલે ધરપત થઇ અને કારનો દરવાજો ખોલતા કહ્યું ‘થેન્કસ…’

‘યુ આર વેલકમ… ‘કહી શ્રીકાંત ટોર્ચના અજવાળે પોતાની કાર તરફ વળ્યો ત્યાં પાર્કિન્ગ લોટની લાઇટ ચાલુ થઇ ગઇ આ બીજો અનુભવ હતો જ્યારે શ્રીકાંતે અંધારાનો કોઇ લાભ ન ઉઠાવ્યો ત્યારે માલવિકાએ પોતાને જ કહ્યું ‘માલુ…આ માણસ જીવન સાથી તરિકે ખોટો નથી’(ક્રમશ)

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: