‘એમ કો’ આવે નહીં’
આભમાંથી ઉતરીને એમ કો’ આવે નહીં;
આ ધરા પર ચાંતરીને એમ કો’ આવે નહીં
છે કરમ નાયક અને આ માનવી કઠપુતળી;
એ નટોને છેતરી ને એમ કો’ આવે નહીં
આ જીવન અટવાયેલું છે કોટડી કાળી મહીં;
ભીંત એની કોતરીને એમ કો’ આવે નહીં
વાદ ને વિવાદ થાતા છે વિમાસણ કેટલી;
એ વિમાસણ વેતરીને એમ કો’ આવે નહીં
છે મધુરા બંધનો માયા અને મમતા તણાં;
એ બધાને કાતરીને એમ કો’ આવે નહીં
છે હકિકત આયના સમ ના તમે બદલી શકો;
આયનાથી વિસ્તરીને એમ કો’ આવે નહીં
વ્હેમનું ઓસડ નથી લુકમાન પાસે પણ નથી;
છે ‘ધુફારી’ ખાતરી કે એમ કો’ આવે નહીં
૨૧-૦૭-૨૦૧૫
Filed under: Poem |
Leave a Reply