છુટા છેડા

order

છુટા છેડા

             રોજ સવારે છ વાગે યોગાસન માટે બેસતા મધુકરની આંખ ખુલી ત્યારે સામે દિવાલ પરની ઘડિયાલમાં સાડા આઠ વાગ્યાનો સમય જોઇ તેને નવાઇ લાગી.સાધારણ રીતે છ ઉપર પાંચ મિનીટ થઇ જાય તો મયુરી તેને અવશ્ય જગાડતી આજે મયુરીએ તેને કેમ જગાડયો નહીં એ સવાલનો જવાબ પામવા

પલંગ પરથી ઉતરતા મધુકરે બુમ મારી ‘મયુરી………’

                 કંઇ જવાબ ન મળતા તે રસોડા તરફ ગયો, ત્યાંથી ગેસ્ટરૂમમાં,સ્ટોર રૂમમાં, ઉપરના બે બેડરૂમ, અગાસીમાં એમ આખા ઘરનું ચક્કર માર્યા પછી વરંડામાં આવ્યો પણ મયુરી ક્યાંય ન દેખાણી એટલે મધુકરને નવાઇ લાગી આટલી વહેલી સવારે ક્યાં ગઇ હશે? તેણે મોબાઇલ ઉપાડીને મયુરીનો નંબર  ડાયલ કર્યો તો સીટિન્ગ રૂમમાં વાગતી રીંગ સંભાળી સફાળો મધુકર ઘરમાં દાખલ થયો તો સોફા બાજુની ટિપોય પર મયુરીના મોબાઇલ નીચે એક ચબરકીમાં ત્રણ જ શબ્દ ‘હું જાઉ છું’ લખેલા હાથમાં આવ્યા.ક્યાં ગઇ હશે?

             મધુકરે બે ત્રણ જગાએ મયુરી હોઇ શકે એ અંદાઝે ફોન કરી આડ કતરી રીતે મયુરી ત્યાં આવી છે કે કેમ એ જાણવાની કોશિશ કરી પણ ફોગટ.આખર કંટાળીને તેણે બાથરૂમમાં જઇ નિત્યક્રમ પતાવ્યું.રોજ મયુરીના હાથની કોફી પીવા ટેવાયલા મધુકરને પોતે કોફી બનાવીને પીવાની ઇચ્છા ન થઇ એટલે કમને સ્ટોર પર જવા રવાનો થયો.

          સ્ટોરની ઓફિસમાં આવ્યા બાદ કોફી મશીનમાંથી એક કપમાં કોફી લીધી મયુરીની પ્રેમે બનાવેલી કોફી જેવો સ્વાદ ઓફિસની કોફીમાં ક્યાંથી પણ કમને પેટમાં પધરાવી.કામમાં મન પરોવવાની કોશિશ કરી પણ મયુરીએ આમ શા માટે કર્યું એ પ્રશ્નના ઉત્પન થયેલા વમળમાં એ વધુને વધુ ફસાતો જતો હતો.આવા સંજોગો પહેલા ક્યારે સર્જાયા ન હતા તેથી એ ખુબ ગુંચવાઇ ગયો હતો.આ સંજોગોમાં કદાચ તેનાથી બિઝનેસમાં કોઇ ખોટા નિર્ણય લેવાઇ જાય તો વિદેશમાં જમાવેલા બિઝનેસમાં અર્થ નો અનર્થ થઇ જાય તો મોટો ગુંચવાળો ઊભો થાય એટલે બેટર છે કે દૂર જ રહેવું માની…

“હલ્લો…દિનકર પ્લીઝ કમ ઇન…” ઇન્ટર કોમ પર પોતાના આસિસ્ટંટને બોલાવ્યો

‘ગુડ મોર્નિન્ગ સર….’દિનકરે અભિવાદન કર્યું

“હું ફ્લેટ પર જાઉં છું કદાચ બે ત્રણ દિવસ મારાથી સ્ટોર પર નહીં અવાય તો……’

‘ઇટ’સ ઓકે સર આઇ વિલ ટેઇક કેર…..એની પ્રોબ્લેમ સર….કેન આઇ હેલ્પ યુ…?’

‘ના…એવું કંઇ નથી આઇ વિલ મેનેજ….’કહી મધુકર સ્ટોરમાંથી બહાર આવ્યો.

          પાણીમાંથી બહાર આવેલી માછલી જેમ તડફડાટમાં તેણે બે દિવસ વિતાવ્યા.મયુરીનો કબાટ ખાલી હતો એમાંની દરેક વસ્તુ એ પોતાની સાથે લઇ ગઇ હતી.નહીંતર કદાચ કોઇ ડાયરી કે એવું કંઇ હાથ લાગે તો….પણ એ આશા નહીંવત હતી.ત્રીજા દિવસે સવારે તેણે કોફીનો મગ ટિપોય પર મુકી સવારનું છાપું લેવા બારણું ખોલ્યું તો છાપા સાથે એક કવર હાથમાં આવ્યું

        જડપથી બારણું વાંસી તેણે સોફા પર બેસીને ધ્રુજતા હાથે કવરમાંના ડોક્યુમેન્ટસ બહાર કાઢયા એ છુટા છેડાના કાગળિયા હતા.છુટા છેડાના કારણમાં મત મતાંતર લખેલું હતું.મધુકર ઘડીભર કાગળિયાને જોઇ રહ્યો.બે દિવસ પહેલા જ તેમની લગ્નની પહેલી વર્ષગાંઠ હતી જે તેણે અને મયુરીએ બહોળા મિત્ર સમુદાયમાં બહુ પ્રેમથી ઉજવી હતી.છુટા છેડાના કારણમાં મત મતાંતર પરથી એ વીતી ગયેલા આખા વર્ષના પાના ફેરવવા લાગ્યો કે ક્યાંકથી એનો જવાબ મળી જાય…..પણ આતો ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું કપરૂં કામ હતું.

        ડોક્યુમેન્ટસ તેના હાથમાં જ હતા ત્યાં મોબાઇલની રીંગ વાગી અને તેણે ‘હલ્લો…’

કહ્યું ત્યાં સામેથી મયુરીનો અવાઝ સંભળાયો “ડોક્યુમેન્ટસ મળી ગયા….?”

‘મયુ શું છે આ બધું તું ક્યાં છે હું તને મળવા માગું……..’

‘આજે શનિવાર છે સોમવારે મારો વકિલ સાઇન થયેલા ડોક્યુમેન્ટસ લેવા આવશે જો સાઇન નહીં થાય તો મંગળવારે પોલીસને મારી લાશ કોઇ પણ ઝાડ પર લટકતી મળશે અને પોલીસ એનો કબજો લેશે ત્યાર પછી તેને મારી સૂ-સાઇડ નોટ મળશે કે લગ્ન પછી સતત અપાતા માનસિક ત્રાસથી કંટાળીને મેં આ પગલું ભર્યું છે જેને માટે મારા પતિ મધુકર ચોકસી જવાબદાર છે…..’અને ફોન મુકાઇ ગયો.

             મધુકરે ઇનકમિન્ગ નંબર પર રી-ડાયલ કર્યું તો એ સ્વીચ ઓફ હતો મતલબ કે,મયુરીની શોધ કરવી વ્યર્થ છે.ડોક્યુમેન્સ કોરાણે મુકી તેણે કોફીનો મગ મોઢે માંડ્યો અને ઉતાવળમાં ઘૂટડો ભરવા જતા હોઠ દાઝી ગયા અને કોફી છલકાઇને નાઇટ ગાઉન પર પડી.

‘મધુ….એવી શી ઉતાવળ છે કે,ફૂકીને પીતા ભુલી જાય છે…..’મયુરીના શબ્દો કાને અથડાયા તેણે રઘવાટમાં આજુબાજુ નજર કરી પછી પોતાને થયેલ ભ્રમણા પર એક ઘડી માટે તેને હસવું આવ્યું.

          નિત્યક્રમથી પરવારીને બહાર આવ્યો ત્યારે બેડ પર રોજ પહેરવાના કપડા ન દેખાતા સ્વયંને કહ્યું ‘મી.મધુકર હવે જાત મહેનતની ટેવ પાડો….’ પછી મનમાં થયું કપડા પહેરીને ક્યાં જવું છે…? એટલે ટોવેલના ગાઉનમાં જ બેસીને સિગારેટ સળગાવી એક ઊંડો કશ લઇ ધુમાળાનો ગોટો બહાર કાઢ્યો ત્યાં

‘મધુ તને કેટલી વખત કહ્યું છે સિગારેટ પીવી હોય તો બાલ્કનીમાં જા અહીં સિગારેટ પુરી થતાં ડ્રોઇન્ગ રૂમમાં ધુમાળાની વાસ ઘુમરાયા કરતી હોય છે…….’ફરી મયુરીના શબ્દો ગુંજયા અને મધુકર સોફામાંથી ઊભો થઇ બાલ્કનીમાં જતો રહ્યો અને સળગતી સિગારેટ તેણે ફ્લોર પર મુકી પગથી મસળી.

           બાલ્કનીમાં લટકાવેલા નેતરના ઝુલામાં બેસી એ ઝુલવા લાગ્યો અને અતીતના પાના ફેરવવા લાગ્યો.પોતાનું કોઇ સગું વ્હાલું હતું નહીં.પપ્પા એ ભણી રહ્યો તે પછી થોડો વખત જ હયાત હતા અને પછી આ સ્ટોર સોંપીને સ્વર્ગે સિધાવ્યા.એક દિવસ સ્ટોરમાં ખરીદી માટે આવેલ કપલ સાથે બે વરસની ઢિંગલી જેવી કાલું કાલું બોલતી બાળકી જોઇને તેને વિચાર આવ્યો કે,પોતાને પણ વાઇફ હોય બાળકો હોય.

         તેની ત્રણેક સખીઓ હતી તેમને આડ કતરી રીતે પુછી જોયું પણ તેઓ લગ્નને બંધન માનતી હતી હા લીવ-ઇન-રિલેશનથી સાથે રહેવા તૈયાર હતી.એક લગ્ન કરવા તૈયાર થઇ પણ બાળકોને એ પડોજણ માનતી હતી. અને તે દિવસથી એ બેચેન રહેવા લાગ્યો.એક દિવસ તેના આસઇસ્ટંટ દિનકર પુછ્યું

‘સર….ઇફ યુ ડોન્ટ માઇન્ડ એક ક્વેશ્ચન કરી શકું…?’

‘યા….’

‘છેલ્લા બે-ત્રણ દિવસથી તમે અપસેટ લાગો છો એની થિન્ગ રોન્ગ…?’

‘ના એવું કંઇ નથી’મધુકરે ઉડાઉ જવાબ આપ્યો.

        એક દિવસ સ્ટોર પર આવેલ કોઇ મુંબઇ સમાચાર છાપુ ભુલી ગયો હતો તેણે તે હાથમાં લઇ પાના ફેરવવા લાગ્યો તો મુંબઇમાં યોજાનાર સ્વયંવરના સમાચાર વાંચી તેણે આયોજકનું સરનામું અને મોબાઇલ નંબર નોંધી સંપર્ક કર્યો પોતાનું નામ નોંધાવ્યું

“હલ્લો…દિનકર પ્લીઝ કમ ઇન…” ઇન્ટર કોમ પર પોતાના આસિસ્ટંટને બોલાવ્યો

‘યસ સર…..’

‘હું કાલની ફ્લાઇટમાં ઇન્ડિયા જાઉં છું મે બી ત્રણેક વીક થશે તો…..’

‘ડોન્ટ વરી સર આઇ વીલ મેનેજ….’

‘એક કામ કરજે જેનીને કોલ કરી હેલ્પ માટે બોલાવી લેજે’

‘ઓ.કે. એની થિઇન્ગ એલ્સ….?’

‘નો થેન્કસ…’

         બીજા દિવસે મુંબઇની વાટ પકડી.પાંચ છ કન્યાઓ સાથે વિચાર વિમર્સ કરતા તેના જેવી જ વિચાર સરણી અને શોખ ધરાવતી અને એકલી જ રહેતી મયુરી પર તેણે મંજુરીની મહોર મારી.લગ્ન થઇ ગયા પછી બંને આખું ભારત ફર્યા અને ભવિષ્યમાં કદાચ વિદેશ પ્રવાસ થાય તો? એ દ્રષ્ટીએ મયુરીએ બનાવી રાખેલ પાસપોર્ટથી એ મધુકર સાથે અમેરિકા આવી ગઇ અને તેના સાથે સ્ટોરમાં જોડાઇ ગઇ.

         ગુજરાતીઓ દ્વારા યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બંને પ્રેમે ભાગ લેતા.પસંદગીની ફિલ્મો જોતા પસંદગીની વાનગીઓ બનાવતા અને ખાતા રવિવારે અચૂક લોંગ ડ્રાઇવ પર જતા અને મોજમાં દિવસ પસાર થતા હતા.એક દિવસ મધુકર હવે સંતાન થવા જોઇએ એવી વાત કરી તો મયુરીએ એ પોતે પણ એજ ઇચ્છે છે કહી કેવી રોમાંચિત થઇ ગયેલી….? તો મતમતાંતર ક્યાં આવ્યું…?

          શનિવાર આખો એજ વિચારમાં ગયો.મરજીવાની જેમ અતીતના મહાસાગરમાં ઘણી ડૂબકી માર્યા પછી પણ કંઇ હાથ ન આવ્યું.રવિવારે હંમેશ મુજબ લોંગ ડ્રાઇવ જવા ગાડી ગેરેજમાંથી બહાર કાઢી પણ મયુરી વગર……? તેણે ગાડી પાછી પાર્ક કરી ગેરેજનું શટર ડાઉન કર્યું.

       રાતે તેણે સ્વપ્નમાં મયુરીની લાશ મોર્નિન્ગ વોક માટે જતા એ રસ્તા પરના એક ઝાડની ડાળખીએ લટકતી જોઇ અને એ હેબતાઇને મુઠ્ઠી વાળી ભાગતો હતો ત્યારે પાછળ પોલીસ વેનની સાયરન સંભળાઇ અને તેને ઠેસ વાગતા પડી ગયો અને પોલીસે તેને કોલરમાંથી પકડીને ઊભો કર્યો એ કાળિયા ઇન્સ્પેકટરની ડરામણી આંખો જોઇ એ હેબતાઇ ગયો અને એકાએક તેની આંખ ખુલી ત્યારે તે ફ્લોર પર પડ્યો હતો.

          ત્યાંથી ઊઠીને બાથરૂમમાં ગયો.સવારના સાડા પાંચ થયા હતા. સ્વયંને કહ્યું મધુકર કારણ ગમે તે હોય પણ જેણે આટલો પ્રેમ આપ્યો એ મયુરીને ડોક્યુમેન્ટસ પર સાઇન કર્યા વગર આત્મહત્યા માટે વિવશ તો ન જ કરાય….. કહી તેણે હજુ પણ ટિપોય પર યથાવત પડેલા ડોક્યુમેન્ટસ પર સાઇન કરી કવરમાં મુકી હાશનો શ્વાસ લીધો અને યોગાસનમાં ધ્યાન મગ્ન થઇ ગયો.

         મયુરીએ ફોન પર આપેલ સુચના મુજબ સવારે ૯ વાગે વકિલ સાઇન થયેલા ડોક્યુમેન્ટસ લેવા આવ્યો તેને પોતે એક ફરજ પુરી કરતો હોય તેમ કવર સોંપી દીધું.ઘડીભર વિચાર આવ્યો કે,તેને પુછી જુવે કે મયુરી ક્યાં છે પણ પછી માંડી વાળ્યુ એ વિચારે કે સાચો જવાબ નહીં મળે.ઘરમાં દાખલ થ્‍ઇ પોતાની બેચલર લાઇફમાં રહેતો હ્તો તે રીતે એકડે એક થી શરૂઆત કરવા કમર કસી.સ્ટોર પર આવ્યો તો દિનકરે કહ્યું ‘સર! ત્રણ દિવસથી મેડમ સ્ટોર પર આવ્યા નથી…એનીથીંગ રોંગ…?’

‘હવે આવશે પણ નહીં ફરગેટ ઇટ…’        

-૦-

     બે દિવસ પછી છુટાછેડાના ડોક્યુમેન્ટસ પર કોર્ટ દ્વારા અપાયેલી મંજુરી વાળી એક નકલ સાથે મધુકરને એક કવર મળ્યો અધિરાઇથી તેણે કવર ખોલ્યો તો મયુરી દ્વારા લખાયેલો પત્ર હતો.

મધુકર

        મને છુટા છેડા માટે સહકાર આપવા બદલ આભાર.શા કારણે મેં છુટા છેડા લીધા એ વાત તારા મગજમાં સતત ગુમરાયા કરતી હશે તો એનો ખુલાશો કરવો એ તારી એક વખતની કહેવાતી પત્નિ તરિકે મારી ફરજ સમજીને કહું છું. છુટા છેડાના ડોક્યુમેન્ટસમાં જણાવ્યા મુજબ આપણા વચ્ચે કોઇ મતમતાંતર નહોતું તેમજ કહેવાતી સૂ-સાઇડ નોટમાં જણાવવા આવનાર મુજબ તેં મને કોઇ માનસિક ત્રાસ નહોતો આપ્યો પણ આ લગ્ન જીવન જો આગળ ચાલત તો મને જરૂર માનસિક ત્રાસ થાત.

          આપણા એક વરસના લગ્ન જીવન દરમ્યાન હું જ્યારે સારી રીતે તૈયાર થતી ત્યારે તું મને અચૂક બ્યુટિક્વીન કહેતો હતો પણ એ શબ્દ કેટલો પોકળ હતો તેની જાણ આપણા લગ્નની પહેલી વર્ષગાઠની રાતે વિખરાયેલી પાર્ટી પછી પડી, જયારે તારા મિત્રો વચ્ચે  બ્યુટિક્વીન મેરલીન મનરોની વાત કરતા તેં ઉચારેલા શબ્દો (તને નશામાં યાદ નહીં હોય) બ્યુટિક્વીન થઇ તો શું થયું આખર તો એણે કોઇ પુરૂષ નીચે….કહીં તારા મિત્રોને આંખ મારી તું ખંધુ હસેલો એ જોઇ ત્યારે હું હચમચી ગઇ આ જગતમાં બે જ વ્યક્તિ સાચું બોલતા હોય છે એક માશુમ બાળક અને બીજો જે નશામાં ધૂત હોય તારા મનમાં મારા વિષેના મંતવ્ય જાણ્યા પછી તારે સાથે રહેવું અને તારો સામનો કરવો મારા માટે અશક્ય હોવાથી બેટર છે કે આપણે અલગ થઇ જવું જોઇએ તેથી મેં આ માર્ગ અપનાવ્યો છે.મને શોધવાનો પ્રયત્ન વ્યર્થ છે અલવિદા

મયુરી  (પુરી)

૦૭-૦૯-૨૦૧૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: