“મોટી ભૂલ”
શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં સંધ્યા આરતી ચાલતી હતી.આરતી પુરી થતા સૌ સખી વૃદે મંદિરના નક્કી કરેલા ખુણામાં ભજન કરવા આસન જમાવ્યું.ભાગેરથીએ આજુબાજુ નજર ફેરવતા બાજુમાં બેઠેલ સંતોકને પુછ્યું
‘કેમ આજે ગુણી દેખાણી નહીં…?’
‘ખબર નથી નહીંતર એતો પહેલા ગાડે પાંચોજી હોય’
‘હશે ચાલો ભગવાનનું નામ લ્યો ને ભજન કરો’
નિત્યક્રમ મુજબ ચાર ભજન પુરા થતા સૌ વિખરાયા.ભાગેરથીને પોતાની પ્રિય સખીની ચિંતા થતા પોતાના ઘેર જવાને બદલે સગુણાના ઘરની વાટ પકડી.ઘરમાં દાખલ થતા ભાગેરથીને વાસંતીએ આવકારી
“આવો માશી…ઘણા દિવસે ભુલા પડ્યા….” કહી પાણીનો ગ્લાસ પકડાવી રસોડામાં ગઇ.
‘આજે મંદિરમાં ગુણી દેખાણી નહીં એટલે થયું ચાલ જોઇ આવું તબિયત તો બરોબર છે ને…?’ પાણી પી રસોડામાં દાખલ થતા ભાગેરથીએ કહ્યું.વાસંતીનો ગંભીર ચહેરો જોઇ એના માથા પર હાથ ફેરવતા પુછ્યું
‘શું વાત છે વસુ…દીકરા?’ તો વાસંતી એને બાથ ભીડી રડી પડી.ભાગેરથીએ એને પાણી પાઇ હકિકત જાણી સાંત્વન આપતા પુછ્યું ‘ગુણી ક્યાં છે….?’
‘ઉપર પોતાના રૂમમાં….’સ્વસ્થ થઇ વેશબેસીન તરફ જતા વાસંતીએ કહ્યું
‘જુના વખતમાં રાણીઓ રીસાતી ત્યારે કોપ ભવનમાં બેસતી,તો તેં શું તારા રૂમને જ કોપ ભવન બનાવી દીધું?’ભાગેરથીએ સગુણાની બાજુમાં બેસી સગુણાની પીઠમાં ધબ્બો મારતા કહ્યું
‘ચાંપલી મ થા ભાગી…’પીઠ પરના ભાગેરથીના હાથને ઝાટકો મારતા મ્હોં કટાણું કરી સગુણાએ કહ્યું
‘મને વસુએ બધી વાત કરી જો નવલો ને પદ્મા એક બીજાને પસંદ કરે છે તો તું શું કામ ‘એક ઘરમાં બે બહેનો ન હોય’એ જુની કહેવાતની ફાચર મારે છે.
‘અરે!! પણ એ પાછળ કંઇક કારણ તો હશે ને કે એમને એમ કહેવત પડી ગઇ…?’અવઢવમાં અટવાયલા ચહેરે સગુણાએ પુછ્યું
‘જો ગુણી જે ભુલ મેં કરી એ તું ન કર….”એક નિસાસો નાખતા ભાગેરથીએ કહ્યું
‘મતલબ…?’આશ્ચર્યથી જોતા સગુણાએ પુછ્યું
‘આ મારા અશોકના લગ્ન સ્મિતા સાથે થયા બાદ અમે જ્યારે તુષાર માટે છોકરી શોધતા હતા ત્યારે સ્મિતા અને અશોકે કહ્યું હતું કે,તુષારના લગ્ન સ્મિતાની બહેન સોમા સાથે કરાવી દો બંનેની જોડી જામે એમ હતી બંને એક બીજાને પસંદ કરતા હતા,મને સમજાવવા બંને ઘણું કર્યું અરે! સ્મિતાએ કાકલુદી કરી પણ હું એકની બે ન થઇ અને તારી જેમ ‘એક ઘરમાં બે બહેનો ન હોય’ કહેવતને મેં સાર્થક કરી પણ પરિણામ શું આવ્યું…? સોમા ના લગ્ન ઓલા નપાણિયા પ્રબોધ સાથે થયા અને પ્રબોધમાં ખામી હોતા સોમાને સંતાન ન થયું એટલે એ વાંઝણી કહેવાઇ અને સાસરિયામાં ત્રાસની કંઇ સીમા ન રહી આખર એણે કંટાળીને ઝેર પી જીવન ટુંકાવ્યું.અશોક અમેરિકામાં રહે છે અને સ્મિતાની વિઝાના કાગળિયા ન થયા હતા પણ ત્યાં સુધી સ્મિતા અહીં હતી એના સાથે આંખ મેળવવાની મારી હિંમત નહોતી થતી હવે મને મારા કીધા પર ખુબ પસ્તાવો થાય છે પણ રાંડ્યા પછીનું ડહાપણ શું કામનું..?’
આ બંને સખીની વાત થતી હતી ત્યાં મનસુખરાય રૂમમાં દાખલ થઇ ટોપી ખીલી પર ટીંગાળી
‘એ ટોપી પહેરી લો આપણે નવલા માટે પદ્માનો હાથ માંગવા વેવાણને મળવા જવું છે’ (પુરી)
૦૭-૦૮-૨૦૧૫
Filed under: Stories |
Leave a Reply