‘યશોદા મૈયા (૨)’
(ગતાંકથી આગળ)
‘મા…મારી છાતી સુકાઇ ગઇ છે અને મારૂં બાળક ભુખ્યું છે…’કહેતા લાખી રડી પડી.
માલામા એક વાટકો લઇ વાડામાં જઇ બકરીનું દૂધ લઇ આવી.લાખીએ પોતાની કેડે ખોડેલો રૂમાલનો છેડો જબોળી બાળકને દૂધ પિવડાવ્યું પેટ ભરાઇ જતા બાળક ઊંઘી ગયું.
એટલામાં માલામાએ લાખી માટે ચ્હા બનાવી ચ્હા અને રોટલો લાખીને આપ્યો તે ખાઇને બાળકને સોડમાં લઇ લાખી પાથરેલ સેતરંજી પર શાંતિથી ઊંઘી ગઇ.
ભળભાંખણું થતા બકરીઓનો બેં…બેં અવાઝ સાંભળી લાખીની આંખ ઉઘડી ગઇ.માલામા બાળક માટે દૂધ લઇ આવ્યા તે આપતા કહ્યું ‘લે…બિચારૂં ભુખ્યું હશે…’લાખીએ બાળકની ગંદકી સાફ કરી તેને દૂધ પિવડાવી થાબડતા બાળક ઊંઘી ગયું.માલામાએ એને દાતણ આપ્યું તે થઇ જતા બંને સામ સામે બેસી ચ્હા પીધી પછી તળાવ તરફ ગયા.એક લીમડાના ઝાડમાં ઝોલી બાંધી તેમાં બાળકને સુવડાવી હિંચોળ્યો અને પોતે નિત્યક્રમ અને સ્નાનથી પરવારી ઘેર આવી.માલામાએ ગરમ રોટલા ટીપ્યા અને શાક રોટલા ખવાણા.બાળકને દૂધ પિવડાવ્યું એટલામાં રાત રખોપામાં ગયેલ માલામાનો ધણી નરપત આવ્યો.માલામાએ તેને લાખી બાબત બધી વાત કરી તો નરપતે લાખીના માથા પર હાથ રાખી કહ્યું
‘આ નરપત જયાં લગણ જીવતો છે ત્યાં સુધી તારો કોઇ વાળ પણ વાંકો કરી શકે એમ નથી એટલો ભરોસો રાખજે’
લાખીને માલમાએ પોતાના બે જોડી કપડા આપ્યા અને કહ્યું ‘જ્યાં સુધી અહીં છો આ કપડા પહેરજે કોઇ તારી બાજુ પણ નહીં ફરકે.”
લાખી હવે બેફિકર થઇ ગઇ.સિમાડેથી છાણ ભેગુ કરીને લઇ આવી છાણા થાપે,સરપણા અને સુકાયેલ છાણના અડાયા ભેગા કરી આવે,પાણી ભરી લાવે અને બકરીઓની સંભાળ લે.ત્રણ મહિના પછી બાળકનું હાલક ડોલક થતું માથું સ્થિર થતા એક દિવસ માલામા અને નરપતની રજા લઇ એક ખટારામાં બેસી બાજુના શહેરમાં ગઇ અને ત્યાંથી મુંબઇ ચાલી ગઇ.મુંબઇમાં એની એક સખી રહેતી હતી તેના સઘડ લેતી એના ઘેર પહોંચી.બે દિવસ સખીના ઘેર રહી પછી એક મકાન ભાડે લઇ લીધું.પૈસાની ખોટ ન હતી એટલે ઘરમાં જોઇતું બધું વસાવી લીધું અને એક સ્કૂલમાં લાખીને શિક્ષિકાની નોકરી પણ મળી ગઇ.
લાખીને બાળકની જન્મ તારીખ અને સમય ખબર હોતા તેની કુંડલી બનાવી માતા તરિકે પોતાનું અને પિતા તરિકે જીવણનું નામ લખાવી બાળકનું નામ રાખ્યું ગૌતમ.સ્કૂલમાં નામ મંડાવ્યું અને ખુબ કાળજી રાખીને ગૌતમને ભણાવ્યો અને તે ન્યુરોલોઝિસ્ટ ડોકટર થયો.મળતાવળા સ્વભાવ અને સદા હસ્તા ચહેરા વાળા ગૌતમના ઘણા મિત્રો થઇ ગયા.એક હોસ્પિટલમાં અવાર નવાર મદદ માટે ગૌતમને બોલાવવામાં આવતો ત્યારે તેની મદદમાં રહેતી રમાના હૈયે એ વસી ગયો અને રમા તેના હૈયામાં વસી ગઇ
હવે સારૂં કમાતા દીકરાના માંગા લાખી પાસે આવવા લાગ્યા.જમાનો જોયેલ લાખીએ એક દિવસ ગૌતમને પાસે બેસાડી પુછ્યું ‘દીકરા તારા લગ્નના માંગા આવે છે બોલ શું કરૂં…?’
‘મા હું અને રમા સાથે જ કામ કરીયેં છીએ અને અમે લગ્ન કરી લેવાનો વિચાર કર્યો છે પણ……..’
‘તેની તું ફિકર છોડ હું રમાના પપ્પાને મળી આવીશ…તે પહેલા એક વખત રમાને ઘેર લઇ આવ તો હું પણ એને મળી લઉ’ કહી લાખી હસી.
બે દિવસ પછી રમા ઘેર આવી.નાસ્તા-પાણી થઇ ગયા બાદ ગૌતમ અને રમાને પોતાના પાસે બેસાડી બંનેના હાથ પકડી લાખીએ કહ્યું
‘જુઓ મારા વ્હાલા બાળકો જમાનો ખુબ જ ખરાબ છે.સારા કામમાં સતત વિધ્નો આવે આજે તમને બંનેને અંધારામાં ન રાખવા એક અત્યંતની અને ગોપનીય વાત તમને કહેવી છે એ ધ્યાન દઇ સાંભાળજો અને સમજજો’
લાખીએ ગૌતમનો જન્મ ક્યા સંજોગોમાં થયો એ આખી હકિકત આરંભથી અંત સુધી કહી સંભળાવી આ સાંભળી ગૌતમે કહ્યું ‘હું તો એક જ વાત જાણું છું કે તું મારી જશોદામૈયા છે.તેં મારી ભાળ ન લીધી હોત તો હું તો જનમ લેતા જ ક્યારનો મરી ગયો હોત,જીન્દગીની આટલી વિટંબણાઓ સામે લડી તેં મને ડૉકટર બનાવ્યો હવે જો હું તને તરછોડું તો મારા જેવો અભાગિયો અને નગુણો કોઇ નહોય’સાંભળી લાખીની આંખો ઉભરાઇ તેને લુછતા રમાએ કહ્યું
‘મમ્મી ગૌતમ કોણ છે તેથી મને કશો ફરક નથી પડતો આ પેટ છુટી વાત કરી તમે તમારી ફરજ બજાવી હવે અમારો વારો છે’
‘હા…મા રમા સાચું કહે છે હવે તું તારા હૈયા પર કોઇ ભાર ન રાખતી’ગૌતમએ કહ્યું તો રમાએ લાખીનો હાથ થપથપાવતા સંમતી આપી.
લાખી રમાએ આપેલ સરનામે રમાના પિતા ગંગાદાસના ઘેર ગઇ.ગૌતમની અસલ મા કોણ છે તે જણાવ્યા વગર બધી વાત કરી રમાનો હાથની માંગણી કરી તો ગંગાદાસે પણ ખુશ થઇ હામી ભરી અને લગ્નની તારીખ પણ નક્કી થઇ ગઇ.
ગંગાદાસનું નામ મોટું હોતા લગ્ન સમારંભમાં શહેરના મોટા વેપારીઓ હાજર હતા.લગ્ન સ્થળની બહાર ગાડીઓની લાઇન લાગેલી હતી તેમાં બે વ્યક્તિ એક બીજને જોઇ ખુશ ખુશાલ થઇ ગયા.
‘ચતુ તું અહીં ક્યાથી…?’નટુએ પુછ્યું
‘હું જેરામભા શેઠનો ડ્રાઇવર છું પણ તું…?’
‘હું કેશુભાશેઠનો ડ્રાઇવર છું આ તો આવ ભાઇ હરખા આપણે બે સરખા જેવું થયું..’કહી નટુ હસ્યો
બંને ત્યાં મુકેલી ખુરસી પર બેસીને બીડીઓ સળગાવી ત્યાં સુધીમાં ચતુએ જીણી આંખો કરી જોતા નટુને પુછ્યું ‘મને લાગે છે પેલી આપણા ગામની લાખી છે કે નહીં…?’
‘ક્યાં…કયાં….?’નટુએ બાવરાની જેમ આજુબાજુ જોતા પુછ્યું
‘પેલી માંડવા પાસે સફેદ સાડી પહેરેલી ઊભી છે એ….’ચતુએ કહ્યું અને બંને ત્યાં ગયા અને નક્કી થતા કે એ લાખી છે બંને ગંગાદાસ પાસે જઇને કહ્યું
‘શેઠ…તમારો થનાર જમાઇ તો મુસલમાન છે એવી તમને જાણ છે..?”
‘તમને કોણે કહ્યું….?’જીણી આંખે અને કાન સરવા કરતા ગંગાદાસે પુછ્યું
‘આજથી ૨૪-૨૫ વરસ પહેલા અમારા ગામ કમાલપરમાં રમખાણ થયા હતા ત્યારે અમારા ગામના રજાકની ઘરવાળી રૂકિયાંએ આ લાખીના ઘરમાં આશરો લીધેલો ત્યારે લાખીએ પોતાના કપાળનો ચાંદલો એના કપાળપર ચોડી અને પોતાનું મંગળસુત્ર એને પહેરાવેલું. રૂકિયાં ની શોધમાં આવેલ અમોને લાખીએ એ પોતાની માસીયાઇ બહેન કબુ છે એમ કહેલું ગામમાં અમે રૂકિયાંની શોધ કરી પણ અમને મળી નહીં.લાખી તેનું બાળક લઇને રાતોરાત ઘર છોડી ચાલી ગયેલી અને બીજા દિવસે લાખીના જ ઘરમાંથી અમને પ્રસુતા રૂકિયાંની લાશ મળેલી’એક દમ દાંતભીસી ચતુએ કહ્યું તો તેમાં નટુએ સુર પુરાવતા હામી ભરી.વાત પુરી થતા બંનેના કોલરમાંથી પકડી એ.સી.પી મનકરે પોતાના માણસોને સોંપતા કહ્યું
‘લઇ જાવ સાલા બંને વાઘરાઓને….પોલીસને બહું દોડધામ કરાવી આજે માંડ હાથ લાગ્યા છે’
‘માનકર શું છે આ બધુ કોણ છે આ લોકો…?’
‘આજથી ૨૪-૨૫ વરસ પહેલા કમાલપરમાં તોફાન અને રમખાણ થયા હતા તેના સુત્રધાર આ બંને હતા.આજ સુધી એ પોલીસને હાથ નહોતા લાગ્યા આજે બીજાના જીન્દગીમાં આગ ચાંપવા જતા પોતાના મોઢે કબુલ થઇ જતા પક્ડાઇ ગયા’કહી એ.સી.પી માનકર જતો રહ્યો.ચતુ પાસેથી સાંભળેલ વાતની ખાત્રી કરવા ગંગાદાસે લાખીને બોલાવી
‘લાખીબેન તમે મારા સાથે મોટો દાવ રમ્યા છો મને અંધારામાં રાખ્યો….?’એકદમ કડક અવાજે ગંગાદાસે કહ્યું
‘શું વાત કરો છો વેવાઇ…?’લાખીએ હેબતાઇને પુછ્યું
‘પપ્પા ચાલો મોડું થાય છે….’રમાએ આવીને કહ્યું તો રમાના માથા પર લાખીનો હાથ રાખી ગંગાદાસે કહ્યું ‘હવે બોલો ગૌતમ રૂકિયાં નો દીકરો છે ને…?’
‘હા….’બળતા અંગાર પર હાથ પડી ગયો હોય તેમ લાખીએ હાથ ઉપાડતા હામી ભરી
‘આવી દગાબાઝી કરતા આવડી મોટી વાત સંતાડતા તમને શરમ ન આવી…? મારી દીકરીના લગ્ન એક મુસલમાન સાથે કરાવી હું મારો ધર્મભ્રષ્ટ કરવા નથી માંગતો આ લગ્ન નહીં થઇ શકે.’
‘શેઠ ગંગાદાસ તમારી દીકરી રમા ભલે મારી પ્રેમિકા છે પણ મારી માનું થતું આવુ હડહડતું અપમાન સહન કરી હું પણ રમાને પરણવા નથી માંગતો ચાલ મા…’કહીં ગૌતમ લાખીનું બાવડું પકડીને વાડીના દરવાજા તરફ જવા લાગ્યો ત્યાં પાછળ રમાની બુમ સંભળાઇ
‘ગૌતમ ઊભો રહે તને મારા સમ છે…પપ્પા કોઇ પણ જીવ જન્મથી નતો હિન્દુ હોય છે ન મુસલમાન તેને હિન્દુ કે મુસલમાન તેને મળતા સંસ્કાર તેની ઉછેર બનાવે છે….તમે તમારો ધર્મ બચાવો હું મારો ધર્મ નિભાવીશ…’કહી રમા ગૌતમ અને લાખી સાથે જતી રહી’(સંપૂર્ણ)
Filed under: Stories |
Leave a Reply