‘યશોદા મૈયા’
‘જીવણ’ કમાલપરના શેઠ ટોપણદાસનો એકનો એક દીકરો હતો.માતા પિતાનો પ્રેમ એ પાંચ વરસનો થયો ત્યાં સુધી જ પામ્યો.પહેલા જીવણશેઠને હાર્ટઅટેક આવ્યો અને પછી માંદી સાજી રહેતી તેમની પત્ની જમનાને એ જમાનામાં ગણતો રાજરોગ ક્ષય લાગુ પડી ગયો જે જીવલેણ સાબિત થયો.
બેનની સારવાર માટે અવાર નવાર આવતી માસી ચાગબાઇએ અનાથ જીવણને પોતાને ઘેર લઇ ગઇ,પણ જીવણના કરમ કાંણી કાચલી જેવા હતા એટલે ત્રણ વરસ પછી એક દિવસ રિક્ષામાં ચાગબાઇ અને જીવણ જતા હતા એ રિક્ષાને અકસ્માત થયો તેમાં રિક્ષા ચાલક અને ચાગબાઇ ત્યાં અકસ્માત સ્થળ પર જ મૃત્યુ પામ્યા પણ નશીબનો બળિયો જીવણ બચી ગયો.આ ગમખ્વાર બનાવના સમાચાર મળતા જીવણને તેની કાકી કાન્તા (જે જીવણ ૨૧ વરસનો થાય ત્યાં સુધી બધી મિલ્કતની ટ્રષ્ટી હતી) પોતાના સાથે લઇ ગઇ.કાકી તો ક્લબમાં,બ્યુટી પાર્લર અને શોપિન્ગ મોલમાં અને હોટલમાં ભાટકવામાંથી ઊંચી ન આવે, તેથી જીવણ પાસે બે ઘડી બેસવાની ફુરસદ એને ન હતી.એ તો જીવણને મોં માગ્યા પૈસા આપી પોતાનો કેડો મુકાવતી હતી.ધુમ મળતા પૈસાના લીધે જીવણ લક્ષણે લાડકો થઇ ગયો. જગત આખાના કુલક્ષણ એમાં ભરાઇ ગયા.વધુ પડતા મોજ શોખના કારણે કાકીને કેન્સરનો જીવલેણ દર્દ લાગુ પડી ગયો.કાન્તાને જ્યારે પોતાની આ બિમારીની જાણ થઇ ત્યાં સુધીમાં વંઠી ગયેલ જીવણને જોતા એને સમજાઇ ગયું કે,જો વસિયતનામાની શરત મુજબ જીવણ ૨૧ વરસનો થાય અને તેને સોંપાસે તો એનું તળિયું દેખાતા વાર નહીં લાગે એટલે કાંતાએ મરતા પહેલા જીવણના લગ્ન લાખી સાથે કરાવી આપ્યા અને બધી મિલ્કત લાખીના નામે કરીને મોટું ગામતરૂં કર્યું.
લાખીને અન્ય મિલ્કત સાથે બે માળનું વિશાળ મકાન મળેલું, જેનો એક દરવાજો એક શેરીમાં અને બીજો દરવાજો બીજી શેરીમાં પડતો હતો અને આ બે દરવાજાના ઓરડાની વચ્ચે એક વિશાળ ઓરડો હતો એમ સળંગ ત્રણ રૂમ હતા.
એક દિવસ કમાલપરમાં ઓચિંતા તોફાન અને રમખાણ ફાટી નિકળ્યા.દારૂના નશામાં ધૂત જીવણે ઘરમાં આવી રાડ પાડી
‘લાખી….પૈસા…આપ…’કહેતા ધબ દઇને ખુરશીમાં બેઠો.લાખીએ ગણકાર્યું નહીં તો જીવણ વિફર્યો
‘ક્યાં ગઇ વાઘરણ સાંભળતી નથી પૈસા આપ…’કહેતા છેવાડાના ઓરડામાં આવી ને આડે પડખે થયેલ લાખીને લાત મારતા કહ્યું ‘બહેરી થઇ ગઇ છો કમજાત પૈસા આપ….’
‘મારી પાસે પૈસા નથી…’લાત લાગતા ઊભી થયેલ લાખીએ કહ્યું
‘જૂઠુ મ બોલ વંતરી મને ખબર છે તારે નથી આપવા એટલે….’કહેતા લાખીનું બાવડું પકડ્યું
અને લાખીની સાસુએ સોંપેલ સોનાનો કડો જે કાન્તાએ લાખીને લગ્ન વખતે પહેરાવેલો એ જૂટવી લાખીને ધક્કો મારી ઓરડા બહાર જતો રહ્યો.બહાર જતા જીવણે ઓરડાનો દરવાજો બહારથી બંધ કરી દીધો.લાખી હજી તો દરવાજા પાસે જ ઊભી હતી ત્યાંતો જીવણની કારમી ચીસ સંભળાઇ ‘લા…ખી’ અને ધબ કરતાક કશીક ભારે વસ્તુ પડવાનો અવાઝ સંભળાયો.લાખી બહાર સંભળાતો કોલાહલ સાંભળી ડરી ગઇ.થોડીવાર પછી સુનકાર થઇ જતા બીજા દરવાજો ખોલીને લાખી ઘરમાં આવી તો લોહીના ખાબોચિયામાં મરેલા જીવણને જોયો.લાખી પાસેથી આંચકી લીધેલો કડો જીવણના હાથ ન હતો પણ જીવણના હાથનો પંજો જ ગાયબ હતો.રોજની મારકુટ અને ગાળા ગાળથી વાજ આવી ગયેલી લાખીને પોતે વિધવા થઇ ગઇ તેનો કોઇ અફસોસ ન હતો.
જીવણે જે દરવાજો બહારથી બંધ કરેલો તે ખોલી લાખી પાછી ઓરડામાં દાખલ થઇ અને હવે જીવણના મડદાનું શું કરવું એમ વિચારતી હતી એટલીવારમાં ફરી કોલાહલ સંભળાયો તે સાંભળી પોતે ખોલેલ દરવાજો હજી બંધ કરે તે પહેલા દરવાજો હડસેલી રૂકિયાં ઘરમાં આવી.
‘લાખી મ…ને બ…ચા…વ….’કહેતા જમીન પર ફસડાઇ પડી.કોલાહલ નજીક આવવા લાગ્યો તો લાખીએ રૂકિયાંને ગળા સુધી ચાદર ઓઢાળી પોતાના કપાળ પરનો ચાંદલો રૂકિયાંના કપાળે ચોડ્યો અને પોતાનું મંગળ સુત્ર ઉતારીને રૂકિયાંને પહેરાવી દીધું.એટલામાં તો એક ટોળું એના ઘરમાં દાખલ થતા
‘લાખી આ કોણ છે….?ટોળામાંના ચતુએ પુછ્યું
‘મારી માસીયાઇ બહેન કબુ છે’
રૂકિયાંના કપાળ પરનો ચાંદલો અને ગળામાં પહેરેલો મંગળ સુત્ર જોઇ ટોળું ચાલ્યું ગયું પણ અંદરોઅંદર થતા ગુસપુસમાં સુર પુરવતા નટુએ કહ્યું ‘રજાકની ઘરવાળી આ તરફ જ આવી હતી’ ટોળું થોડે દૂર ગયું તો ડરી ગયેલી અને પ્રસૃતિના આરે આવેલી રૂકિયાં ‘યા…અલ્લા’ચીસ પાડી અને બીજી જ પળે ઉવાં ઉવાં અવાઝ સંભળાયો.લાખીએ નાડ કાપી બાળકને નવડાવી ને રૂકિયાંને દીકરાના સમાચાર આપવા આવી તો એને જન્નત નશીન થયેલ જોઇ લાખીએ ચાર જોડી કપડા જરૂરી કાગળિયા…રોકડ અને દાગિનાનું એક પોટલું વાળી ચાદરમાં બાળકને લપેટી એના ઘેરથી ગયેલું ટોળું પાછું આ બાજુ આવે તે પહેલા બીજા બારણેથી બહાર નીકળી અંધકારમાં અલોપ થઇ ગઇ.
લાખી સિમાડે આવી ત્યારે એક ખટારામાં કેટલાક ભાઇઓ અને કેટલીક બાઇઓ ગામ મુકી જવાની વેતરણમાં હતા તેમાં લાખી ભળી ગઇ અને એ પણ ખટારામાં બેસી ગઇ.લાખીને આ નવજાત ભુખ્યું હશે તેની ફિકર થતી હતી એટલે પોતાની કુંવારી છાતીએ વળગાડી રાખ્યું હતું.અર્ધા કલાક જેટલો સમય પસાર થયો ત્યાં રસ્તાની એક તરફ મઢુલીમાં બળતા ફાનસનો અજવાળો અને મઢુલી પાછળના વાડામાં બકરીઓ જોઇ ખટારો ઊભો રખાવી લાખી પોટલું અને બાળક સંભાળતી નીચે ઉતરી ગઇ.મઢુલીના બારણા પાસે બેઠેલી આધેડ ઉમરની રબારણ માલામા પાસે પોતાના હાથમાંનું પોટલું ફેંકી લાખી ધબ કરતીક બેસી ગઇ તો માલામાએ પુછ્યું
‘કોણ છો દીકરી અને આ અઘોર રાતના કટાણે ક્યાંથી આવી છો..?’
‘મા…હું કમાલપરની લાખી છું.ગામમાં તોફાન અને રમખાણ ફાટી નિકળ્યા છે,એમણે મારા ધણીને વેતરી નાખ્યો છે એટલે મારા આ બાળકનો જીવ બચાવવા ભાગી આવી…’
‘ફિકર નહીં કર દીકરી અહીં તને કોઇ નહીં રંજાડે…’(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply