હરિયાનું હાટ (૨)

haat

હરિયાનું હાટ (૨)

              (ગતાંકથી ચાલુ) બીજા દિવસથી ચંદા ગામમાં ફરવા લાગી અને એક પાંચ માળની બિલ્ડિન્ગમાં પાંચમા માળે મકાન ભાડે રાખ્યું.ત્યાં ખપ પુરતી ઘર વખરી પહોંચાડવામાં આવી પછી પેમુ સાદા મેલા ઘેલા કપડા પહેરી મુલાં ને લેવા કચ્છ આવ્યો અને ચાર જોડી કપડા નાખીને મા ને મુંબઇ લઇ આવ્યો.બિલ્ડિન્ગ પાસે ઊભેલી રિક્ષાઓ બતાવી કહ્યું

‘જો બા તને અહીં ચોવીસ કલાક રિક્ષા મળશે અને ઘર વપરાશની જીણી ચીજો, શાકભાજી બધું અહીં જ મળી જશે તારે બજારના ધકકા ખાવાની પણ જરૂર નહીં

અહીં ખુણા પર જ મહાદેવનું અને કાનુડાનું મંદિર પણ છે’સાંભળી મુલાં ખુશ થઇ.

       ઘેર આવ્યા તો સાદી સાડીનો પાલવ માથા પર મુકી મુલાંના ચરણસ્પર્શ કરી ચંદાએ કહ્યું’જયશ્રી કૃષણ બા… સારૂં થયું કે તમે અહીં આવી ગયા,એ નોકરી પર જાય પછી સુનકાર જેવું લાગે છે.હમણાં જ ઘર બદલાવ્યું છે એટલે પડોશી પણ નવા ને પાછા મરાઠા એટલે કોઇ સંપર્ક નથી.’

       મુલાં જ્યારથી આવી હતી ત્યારથી ચંદા બા…બા…કરતી આસપાસ મંડરાયા કરતી હતી.પેમુએ મુલાંને મુબઇ આખી ફેરવી અને જોવા લાયક બધા સ્થળોએ ફેરવી. દિવસો પસાર થવા લાગ્યા.મુલાને કોઇ જાતનું દુઃખ નહતું ઘરમાં જોઇતી ચીજ વસ્તુ,કરિયાણું મસાલા,શાક પાન બધું ચંદા લઇ આવતી.બઝાર જતા પહેલા મુલાંને પુછે પણ ખરી બા તમને કાંઇ જોઇએ છે?પણ દેવ દર્શન માટે તો મુલાંએ જ જવું જોઇએ એટલે બિલ્ડિન્ગની પાંચ સીડી ઉતરવી અને ચઢવી મુશ્કેલ હતી.ત્રણ અઠવાડિયામાં તો મુલાં આ ચઢ ઉતરથી વાજ આવી ગઇ એટલે પેમુને કહ્યું

‘દીકરા હવે તું મને કચ્છ લઇ જા’

‘ના બા અમે પાછા એકલા થઇ જશું કંઇ જરૂર નથી કચ્છ જવાની’ચંદાએ ભીની આંખે મુલાંનો હાથ પકડી કહ્યું

‘ના દીકરા મુંબઇ જોવાની ઇચ્છા હતી એ જોવાઇ ગઇ હવે હું જાઉ’

        આખર હા ના કરતા પેમુ મુલાંને કચ્છ મુકી ગયો.સમય જતા કિલુની સગાઇ એક મુંબઇની છોકરી રમા સાથે થઇ.રમાની નાનીનું ઘર કચ્છમાં હોતા લગ્ન કચ્છમાં જ થયા.નવ યુગલ હનીમુન માટે બહાર ફરવા ગયું ત્યાંથી રમા માવતરે મુંબઇ ગઇ. તેને લેવા કિલુ મુંબઇ જતો હતો ત્યારે મુલાં પાસેથી પેમુનું સરનામું લીધું.સરનામા મુજબ પેમુની ઓફિસે આવ્યો તો પટાવાળાએ કહ્યું ‘પ્રેમજી સાહેબ હજી આવ્યા નથી’

કિલુએ પટાવાળા પાસેથી પેમુના ઘરનું સરનામું લીધું અને જતો રહ્યો.

        પટાવાળાના મોઢે પ્રેમજી સાહેબ સાંભળી અને ઘરનું સરનામું જોતા કિલુને લાગ્યું કે દાળમાં કોકમ કાળું છે.બીજા દિવસે પોતાના સાળાના મિત્રનો કેમેરા લઇને પેમુના સરનામે પહોંચ્યો.પેમુના ઘરની બાઉન્ડ્રી વોલ પાસેના એક લીમડાના ઝાડની આડસમાં ઊભા રહી કિલુએ પેમુના બંગલા અને ગાડીના સ્નેપ લીધા એટલી વારમાં પેમુ બહાર આવ્યો તેણે સરસ સુટ પહેર્યો હતો અને ચંદા નવી સાડીમાં ઝગારા મારતી હતી તેના સ્નેપ લઇ કિલુ ત્યાંથી પલાયન થઇ ગયો.રોલ ડેવલપ કરાવી મોટી સાઇઝની પ્રીટ કઢાવી કવરમાં મુકી ઘેર લઇ આવ્યો.બે દિવસના રોકાણ બાદ કિલુ અને રમા કચ્છ આવ્યા.કિલુએ ચુનીને ફોટા બતાવ્યા તો ચુની હેબતાઇ ગયો કારણ કે,મુંબઇથી મુલાંએ આવીને પેમુના ઘરની જે વાત કરી હતી તેથી આ વસ્તુ સ્થિતી અલગ જ હતી છતા મુલાં ને સાંભળીને દુઃખ થશે તે ઇરાદે વાત ન કરી.

    ચુનીએ ભલે વાત ગુપ્ત રાખી પણ પાપ હંમેશા છાપરે ચઢીને પોકારતું હોય છે એટલે મુલાંની જુની સહેલી ટબાં એને મળી ગઇ એણે પુછ્યું

‘મેં સાંભળ્યું મુલાં તું મુંબઇ ફરી આવી ત્યાં પેમુના બંગલામાં રહેવાની અને ગાડીમાં ફરવાની મોજ પડી હશે નહીં?’            

     બંગલો અને ગાડીનું નામ સાંભળી મુલાં હેબતાઇ ગઇ પણ તોય સ્વસ્થતાથી ટબાંની વાતમાં હા માં હા ભેળવી.ટબાં તો જતી રહી પણ મુલાંના ગળે ડૂમો ભરાઇ આવ્યો…આવી ગંદી રમત પેમુએ મારા સાથે કરી?ત્યારે એને હરિના શબ્દો યાદ આવ્યા ‘મુલાં પેમુ માટે આ તારો ખોટો મોહ છે જે કયારેક તને જ આડો આવશે.’ મુલાંએ ઘેર આવી લખાંને વાત કરી લખાંએ એને ચ્હા-પાણી પિવડાવી શાંત પાડી પછી કિલુએ આપેલ કવર લઇ આવીને ફોટા મુલાંને દેખાડયા.

‘લખાં તેં મારાથી પણ આ વાત સંતાડી..?’

‘મને થયું આ જોઇ સાંભળી તને દુઃખ થશે એટલે ન દેખાડયા પણ વાત તો છાની ન જ રહી’            

‘હરિ સાચું જ કહેતો હતો ‘મુલાં પેમુ માટે આ તારો ખોટો મોહ છે જે કયારેક તને જ આડો આવશે.’મેં આખી જીન્દગી પેમુ પેમુ કર્યું અને તેણે મારાથી સગી માથી આવી મેલી રમત કરી?’

   તે દિવસથી મુલાં અંદરો અંદર હિજરાયા કરતી હતી અને રાતી રાણ જેવી મુલાંની કાયા કંતાતી જતી હતી અને આખર હાડકાની ભરી જેવી થઇ ગઇ.મુલાંને જાણે મોતની એંધાણી મળી ગઇ હોય તેમ એક દિવસ કિલુ માર્ફત એક વકીલને બોલાવી વીલ તૈયાર કરાવ્યું જેમાં પોતે જે રહેતી હતી એ મકાન,હરિનું હાટ અને ચુનીની જેમાં દુકાન હતી એ દુકાન સહિત બધી મિલ્કત ડેવાના નામે કરી સહી કરી આપી.એ કાગળ ચુનીને સોંપી એ હરિને મળવા સ્વર્ગે સિધાવી.ચુનીએ પેમુને મુલાંના અવસાનના સમાચાર તારથી આપ્યા પેમુનો જવાબ આવ્યો કે,બા ના બારમા સુધી પહોંચી આવીશ.નનામી બંધાઇ અને ડેવાએ અગ્નિસંસ્કાર કર્યા.

      મુલાંના અગ્યારમાના દિવસે પેમુ આવ્યો અને મુલાંના ફોટા સામે પોકે પોકે રડયો ત્યારે ચુનીને આ મગરના આંસુ જોઇ ગુસ્સો તો બહુ જ આવ્યો ને ઉપાડીને બે ધોલ ફટકારવાનું મન થયું પણ બહુજ પ્રયત્ને જાતને રોકી રાખી.મુલાંના તેરમાના દિવસે પેમુનો જુનો જોડીદાર ખેમુ તેને મળ્યો.

           ખેમુને મોતીલાલ પહેલાથી જ મળ્યો હતો અને કહ્યું હતું હરિના હાટ બાજુની દુકાન આપાવીશ તો જે કીમત થશે તેના પાંચ ટકા તારા તેમાં પેમુ આવ્યો છે એવા સમાચાર થતા મોતીલાલે ખેમુને કહ્યું પેમુ તારો ભાઇબંધ થાય તો પેમુને સમજાવ.ખેમુએ પેમુના કાને વાત નાખી કે ચુનીની દુકાન હરિએ તેને ભાડે આપી છે એ ખાલી કરાવી જો વેંચીશ તો સારા પૈસા મળશે.પૈસાના લાલચુ પેમુના ગળે આ વાત શીરાની જેમ ઉતરી ગઇ.તેણે આવીને ચુનીને કહ્યું

‘હું તો મુંબઇ જ રહું છું,બાપુજીએ આ દુકાન તમને ભાડે આપી હતી એટલે ખાલી કરી આપો તો વેંચીને હું મુંબઇ ચાલ્યો જાઉં.અમારા મકાન માટે પણ ગ્રાહક તૈયાર છે અને બાપુજી વાળી દુકાનની પણ વાત ચાલે છે અઠવાડિયામાં બધુ પાર પડી જશે’

‘આ બધી મિલ્કત તો ડેવાની છે તેનું વેંચાણ કરનાર તું કોણ?’ચુનીએ હસીને શાંતીથી જવાબ આપ્યો.

‘બાપાનું વાણ…આ બધી મિલ્કત મારા બાપુજીની છે અને બા-બાપુજીના ગયા પછી હું એકલો જ એનો વારસદાર હક્કદાર છું’

‘આ મિલ્કત તારી છે તેનો કંઇ પુરાવો તારી પાસે છે?’ચુનીએ પુછયું

‘હવે ગામ આખુ જાણે છે કે હું હરિ દીકરો છું તો….એક મિનીટ તમે કહો છો કે આ બધી મિલ્કત ડેવાની છે તેનો તમારી પાસે કંઇ પુરાવો છે’જીણી આંખ અને કાન સરવા કરી મલકતા પેમુએ પુછ્યું

‘લે આ રહ્યો તારી મા મુલબાઇનો બનાવેલો વીલ’કહી ચુનીએ એક કાગળ સામે કર્યો તેને જાપટ મરી લેતા પેમુ જોવા લાગ્યો પછી એ કાગળના કટકા કરી હવામાં ઉડાળતા હસીને કહ્યું

‘આ લ્યો તમારો પુરાવો…’તો ચુનીએ બીજા કાગળ આપ્યો તો પેમું જોતો જ રહી ગયો.

‘આ પણ ફાડી નાખ પછી બીજા બે ચાર આપું…મને ખબર હતી તારા જેવો ખુટલ આમ જ કરે તે માટે પંદર કોપી કરાવી રાખી છે અસલ તો બેન્કના લોકરમાં પડયો છે’કહી ચુની હસ્યો તો પેમુ વિલે મોઢે ત્યાંથી જતો રહ્યો.(સંપુર્ણ) 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: