હરિયાનું હાટ
મોટી બઝારના ચોકના ખુણા પર હરિ(હરિલાલ)ની બે દુકાનો હતી.એક જે હરિયાના હાટ તરિકે ગામ આખામાં જાણિતી હતી અને બીજી બાજુમાં હતી જે ખાલી હતી તેને હરિએ તાળું મારી રાખ્યું હતું.દુકાન ખુણા પર અને મોકાની હોવાથી ઘણા ભાડે લેવા તૈયાર હતા પણ હરિ કોઇને ભાડે આપતો ન હતો.ઘણા તેને સમજાવતા હતા કે અમસ્થી ખાલી પડી છે તેના કરતાં કોઇને ભાડે આપી દે તો બે પૈસા મળશે ને?તેમાં સૌથી જાજો રસ મોતીલાલને હતો જે અવાર નવાર હરિને કહેતો હતો મને ભાડે આપ તું જ્યારે કહીશ ખાલી કરી આપીશ પણ હરિએ હા ન ભણી તેમાં ચુનીને ખબર પડી તો હરિને પુછ્યું
‘તું કોઇને પણ ખાલી દુકાન ભાડે શા માટે નથી આપતો?’
‘ભાડે લેનાર તો કહે છે કે હું જ્યારે કહું ત્યારે ખાલી કરી આપશે પણ જામેલો ધંધોનો વીટો વાળવા કોણ તૈયાર થાય? અને પછી ખાલી ન કરી આપે તો હું એનો હાથ કાપુ કે પગ? પછી પોલીસચોકીના ધક્કા કોણ ખાય હાથે કરી પગ ઉપર કુહાડો મારી કાકા માંથી ભત્રીજો થવું?’
હરિની ઘરવારી હતી મુલાં(મુલબાઇ) અને એકનો એક દીકરો હતો પેમુ(પ્રેમજી)એક જ દીકરો હોતા બહુ લાડકો હતો.હરિ પેમુની રીતભાત અને વર્તન ઉપરથી ઘણી વખત મુલાંને કહેતો ‘આ તારો પેમુ માટે ખોટો મોહ છે ક્યારેક તને જ આડો આવશે’ પણ મુંલા હરિની વાત કાને ધરતી નહતી.
ચુની(ચુનીલાલ) હરિનો નામાવટી હતો.અસલમાં તો તે હરિનો ખાસ મિત્ર હતો.હરિએ તેને એ શરતે નામાવટી તરિકે રાખ્યો હતો કે જો ચુની પગાર લે તો તેને નામું કરવા આપે.ચુનીએ ઘણી હા ના કરી તો હરિએ કહ્યું
‘મારો તો ચોખ્ખો હિસાબ છે બે ભાઇ અને ત્રીજો લેખો(હિસાબ) ભાઇબંધી ભાઇબંધી વખતે ધંધામાં ન હાલે.ગામમાં નામાવટી એક માંગો તો અગ્યાર મળે પણ એ મને નથી જોઇતા’
આખર હરિ નારાજ ન થાય તે હિસાબે ચુનીએ હા કહી.ચુની છુટક નામા સાથે અનાજની દલાલી પણ કરતો હતો.ચુનીની ઘરવાળી હતી લખાં(લક્ષ્મી) ને બે દીકરા હતા ડેવો(દેવજી) ને કિલુ(કલ્યાણજી) કિલુ મોટો અને ભણવામાં હોશિયાર હતો જ્યારે ડેવો ભણતો હતો પણ માંડ માંડ પાસ થાય.સાત ધોરણ ભણ્યો પછી ના પાડી દીધી હવે આગળ નથી ભણવું.
એક દિવસ બંને મિત્રો વાતો કરતા હતા તેમાં ચુનીએ કહ્યું ડેવાએ કહેછે કે, મારે આગળ નથી ભણવું, સાંભળી હરિએ કહ્યું એમ કર મારી પાસે મોકલાવી દે અને બીજા દિવસથી ડેવો હરિની હાટમાં કામે લાગી ગયો.ઘર વપરાશની જીણી જણસ ક્યાં મળશે એ તમને ખબર ન હોય તો હરિયાની હાટ પર જરૂર મળી જાય અને જો હરિયાના હાટે ન મળે તો ગામ આખામાં ક્યાં પણ ન મળે.
ગ્રાહક જણસ માંગે તો હરિ ડેવાને કહે ફલાણી જગાએ પડી છે જા લઇ આવ. હરિયાનું હાટ ડેવાને જાદુઇ દુનિયા લાગી.ઓલ્યો અલાદીન જીન પાસે જે માંગે ને હાજર કરી દે તેમ ગ્રાહક માંગે એ જણસ હરિ હાજર કરી દે.વખત જતા ડેવો હરિયાના હાટના ખુણા ખાંચરાથી માહિતગાર થઇ ગયો.આગળ જતાં ગ્રાહક ચીજ માંગે તે ડેવો હાજર કરી દે એટલે હરિ હવે ખાલી કેશ કાઉન્ટર સંભાળતો હતો.તેને ડેવાને કશું કહેવાની જરૂર નહોતી પડતી એવો એ દુકાનથી માહિતગાર થઇ ગયો. એ વાત હરિએ ચુનીને કરી તો ચુની પણ ખુશ થઇ ગયો ચાલો ડેવો ભણ્યો નહીં તો કંઇ વાંધો નહીં પણ વેપાર કરતા તો શીખી ગયો.એક દિવસ ચુનીએ હરિ પાસે આવી પુછ્યું
‘મારો જુનો ભાઇબંધ માધુ આજે કાંઠા પર એક સોદો પાકો કરતો હતો ત્યારે મને મળ્યો હતો’
‘કોણ માધુ….?’
‘માધુ મંધરો (બટકો)…’
‘હા..હા..ઓળખું છું તો માધુએ શું કહ્યું…?’
‘મારી અને પેલા શેઠની વાતો સાંભળી મને કહ્યું તું શું અહીં ભરાઇ પડયો છો મારી સાથે કરાચી ચાલ ત્યાં બઝાર પણ મોટી છે અને તારી વાત કરવાની છટા પરથી લાગે છે કે,ત્યાં તું જરૂર ચાર પૈસા ભેગા કરી લઇશ તને શું લાગે છે હું કરાચી જાઉ..?’
‘જો તારૂં મન માનતું હોય તો જા ચાર દિવસ ફરી આવ તને લાગે કે, કામ સારૂં મળે છે અને કામ ચાલવા લાગે પછી પાછો આવીને ભાભી ને છોકરાઓને લઇ જજે’
ઘણા વિચાર કર્યા પછી બે અઠવાડિયા બાદ સ્ટીમર મુંબઇથી માંડવી આવી તેમાં બેસીને ચુની કરાચી જતો હતો ત્યારે તેમના ફળિયામાં રહેતા અભલાચાચા એક સંપેતરૂં ચુનીને આપી કહ્યું ત્યાં અસલમને આપજે.
‘અસલમનું સરનામું તો આપો…’
‘કંઇ જરૂર નથી તે તને કરાચીના કાંઠા પર જ મળી જશે મારાભાઇ જુસાની ઘોડાગાડી હાંકે છે’
‘પણ હું કાંઠા પર ઉતરૂં અને કોઇ ગ્રાહક મળી જાય ને ચાલ્યો જાય તો…?
‘નહીં જાય મેં પોસ્ટકાર્ડ લખ્યો છે તે તારી જ રાહ જોતો હશે..’કહી અભલાચાચા હસ્યા
ચુની સ્ટીમરમાં બેસી કરાચી પહોંચ્યો.કાંઠા પર તેને અસલમ મળ્યો તેણે કહ્યું
‘બાપાનો કાગળ આવ્યો હતો કે તું કરાચી આવવાનો છો ચાલ સામાન આપ આપણે ઘોડાગાડીમાં મુકી ગામમાં જઇએ’
‘પણ કરાચીમાં તારા સિવાય હું કોઇને ઓળખતો નથી રહેવા કરવાનું….?’
‘તું ગાડીમાં બેસ તો ખરો બધું થઇ રહેશે’
બંને ગાડીમાં બેઠા પછી અસલમે ગામના સમાચાર પુછ્યા વાતો કરતા અસલમે એક હિન્દુ લોજ પાસે ઘોડાગાડી ઊભી રાખી અને લોજના મેનેજરને કહ્યું
‘કાકુભા આ મારો ભાઇબંધ છે પહેલી વખત કરાચી આવ્યો છે તો તેના રહેવા કરવાની સગવડ કરી આપો’
રૂમ મળી ગઇ ત્યાં સામાન મુકી અસલમ ચુનીને મોટી બઝારમાં લઇ ગયો ત્યાં જાદવજી સાથે મેળાપ કરાવીને વાત કરી
‘જાધુ આ મારો ભાઇબંધ છે ચુની કચ્છમાં છુટા નામા અને અનાજની દલાલી કરતો હતો હવે તેને ચાર પૈસા કેમ મળે તે માટે તું મદદ કરજે’
શરૂઆતમાં તો ચુનીને બધું અડવું અડવું લગતું હતું પણ જાદવજી અને પછી માધુ મંધરાની મદદથી તેને ચાર ઠેકાણે નામાનું કામ મળ્યું અને દલાલીનો કામ પણ જામ્યો એટલે ચુની કુટુંબને લઇ જવા કચ્છ આવ્યો.
‘હું નહીં આવું….’ડેવાએ કહ્યું
‘ભલે મારી પાસે રહેતો અમારી સાથે રહેશે અને જમશે તું ભાભી અને કિલુને લઇજા’ હરિએ ડેવાનો પક્ષ લેતા કહ્યું
આખર હરિએ કહ્યું તેમ ડેવો હરિ પાસે રહ્યો અને ચુની લખાં અને કિલુને લઇને કરાચી ગયો.અહીં પેમુને બેન્કમાં નોકરી મળી એટલે મુલાંએ એક ગરીબ ઘરની છોકરી ચંદા સાથે પેમુના લગ્ન કરાવી આપ્યા.પેમુની ઘરવાળી ગરીબડી દેખાતી હતી પણ જેટલી એ બહાર દેખાતી હતી તેથી ઘણી ઊંડી અંદર હતી.સાસરે આવ્યા પછી ઘરની જાહોજલાલી જોઇ એણે પગ પસાર્યા અને પેમુને અલગ રહેવા સમજાવી લીધો અને પછી એણે કહ્યું તેમ કાવાદાવા કરીને પેમુએ પોતાની બદલી મુંબઇ કરાવી લીધી પછી મગરના આંસુએ રડીને માવિત્રોને કહ્યું
‘બા…બાપુજી તમને અહીં એકલા મુકી જવાની ઇચ્છા તો નથી થતી પણ શું કરૂં?’
આખર હરિ અને મુલાંની રજા લઇ તે મુંબઇ આવ્યો.લોન ડિપાર્ટમેન્ટનો હેડ હોવાથી લોન લેનાર પાસેથી કટકી કરવાનું શરૂ કર્યું.પછી તો ભલા ભાઇ એક નાનો બંગલો ગાડી વગેરે વસાવી લીધા.
અહીં કરાચીમાં લખાં આવ્યા પછી ચુનીને ખરેખર લક્ષ્મીનું અવતરણ થયું અને સારા કામ મળવા લાગ્યા.હાં…હાં કરતા ચાર વરસ પસાર થઇ ગયા.એક દિવસ ચુની જે ભમુશેઠનું કામ કરતો હતો તેના ઘરમાં આગ લાગી અને બધું ફના ફાતિયા થઇ ગયું.હવે ફરીથી ઘર વસાવવા પૈસા જોઇએ.ગોડાઉનમાં પડેલ માલ ભમુશેઠ પાણીના ભાવે વેંચવા તૈયાર હતા પણ કોઇ બધો માલ લેવા તૈયાર ન થયું.ભમુશેઠ તેની ઘરવાળી કાંતા અને બે દીકરાઓને ચુની પોતાને ઘેર લઇ આવ્યો.
‘શેઠ તમે માલની ચીંતા ન કરો એની જવાબદારી મારી મારા પર વિશ્વાસ રાખો ઘીના ઠામમાં ઘી પડી રહેશે ત્યાં સુધી તમે સૌ અહીં મારા ઘેર રહો’
‘પણ હું કેટલા દિવસ અહીં પડી રહું….’ભીની આંખે ભમુ શેઠે પુછ્યું
‘હવે પછી પહેલી સ્ટીમર કરાચીથી કચ્છ જશે તેમાં હું જઇશ અને પૈસાની સગવડ કરી આવું ત્યાં સુધી’
ચુની કચ્છ આવ્યો અને હરિને બધી વિગતે વાત કરી અને તેણે માંગ્યા મુજબના નાણા હરિએ આપ્યા તે લઇ ચુની કરાચી પાછો આવી ભમુશેઠને કહ્યું
‘આ લ્યો પૈસા તમારા અને માલ મારો’
બીજા દિવસે અસલમ સાથે ચુની કાંઠા પર ગયો અને અસલમના ઓળખીતા નાખવાની લાંચ નુરવામાં આવી અને તેમાં માલ લઇને ચુની કચ્છ આવ્યો.હરિની બાજુવાળી ખાલી દુકાનમાં માલ ઉતારવામાં આવ્યો.દુકાનને તાળું મારી ચુની પાછો કરાચી આવી ને ઘરવખરી બધી લઇને લખાં અને કિલુ સાથે કચ્છ આવી ગયો.ચાર દિવસ પછી દુકાનમાં ફર્નિચર બનાવવાનું શરૂ થયું અને દુકાન શરૂ થઇ ગઇ અને દુકાન તો ચાલી પડી તે એવી કે ચાલી કે જેના પ્રતાપે કહેવાય અભર્યા ભરાણા.કિલુ પણ કોલેજમાં ભણ્યો અને સારી સરકારી નોકરી મળી ગઇ.એ પછી એકાદ વરસ પછી કેશ કાઉન્ટર પર બેઠે બેઠે જ હરિએ મોટું ગામતરૂં કર્યું
‘કાકા પૈસા લેજો…’ડેવાએ ગ્રાહકને માલ આપી પૈસા લેવા કહ્યું જવાબ ન મળતા તેણે હરિનો ખભો પકડવા હાથ લંબાવ્યો તો હરિ એક તરફ ઢળી પડયો
‘કાકા….’ ડેવાની રાડ સાંભળી બાજુની દુકાનમાંથી ચુની દોડયો પણ હરિ તો ક્યારનો સ્વર્ગે સિધાવી ગયો હતો.શબને ઘેર લઇ આવ્યા અને બરફની પાટ પર રાખી ચુનીએ દીકરા પેમુને તાર કરી સમાચાર આપ્યા.સામેથી પેમુનો જવાબ વ્યો કે મને રજા મળે એમ નથી તેથી હું નહીં આવી શકું.આખર નનામી બંધાઇ અને ગામમાં હરિ ગુજરી ગયો એવા સમાચાર મળતા આ બહુ જાણિતા માણસની કાણે ગામ આખાના વેપારીઓ અને ઓળખિતા પાળખિતા માણસો આવ્યા.ડેવાએ અગ્નિ સંસ્કાર કર્યા અને લખાંએ મુલાંને સંભાળી લીધી અને ડેવાએ હરિનો હાટ સંભાળી લીધો.
વરસ દહાડા પછી મુલાંએ ડેવા પાસેથી પેમુને કાગળ લખાવ્યો જીવતી છું ત્યાં લગી એક વખત મુંબઇ જોવી છે તો તું મને આવીને લઇજા.પેમુએ કાગળ ચંદાને વંચાવ્યો પોતાની મરજીની માલિક ચંદાને મુલાં મુંબઇ આવે એ પસંદ નહોતું એટલે એણે કારસો ઘડી પેમુ પાસેથી જવાબ લખાવ્યો કે,મેં હમણાં જ ઘર બદલાવ્યું છે જરા ઠરી ઠામ થઇએ પછી હું આવી ને તને લઇ જઇશ.(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply