ફાધર્સ-ડે

father's day

“ફાધર્સ-ડે”

         નાયગારા ફોલ્સ જોવા જવા માટે નક્કી થયા મુંજબ સૌ તપનના વિશાળ એપાર્ટમેન્ટમાં ભેગા થવા સૌ આવવા લાગ્યા.નરેશ આવ્યો ત્યારે મંડલીના લગભગ સભ્યો આવી ગયા હતા.તેણે આવીને સોફા પર બેસી એક નજર ફેરવી કે,કોણ બાકી છે એકાએક તેણે તપનને પુછ્યું

‘ક્યારે નહીં આજે વિકાસ કેમ લેઇટ લતીફ થઇ ગયો…?’

‘પોતે સૌથી છેલ્લો આવ્યો ને ઓલાને લેઇટ લતીફ કહે છે….’ કહી માનસી હસી

‘એ લેઇટ લતીફ નથી મને સવારે જ ફોન આવ્યો હતો કે,એ તેના પપ્પાને મળવા પુણે જાય છે બે દિવસ પછી ફાધર્સ-ડે છે અને તે હંમેશા એ દિવસે તેના પપ્પા સાથે જ હોય છે’અનુપે કહ્યું

‘હા…મને પણ કોલ કરેલો ત્યારે મેં કહ્યું આપણી આ નાયગારા ફોલ્સની ટ્રીપ પછી પણ તું પપ્પાને મળવા જ્‍ઇ શકે છે પણ એ ન માન્યો મને કહ્યું જે કામ એના સમય પર ન થાય તેનું કશું મહત્વ નથી રહેતું આઇ હેવ ટુ ગો’ સુમી એ અનુપની વાતને સમર્થન આપતા કહ્યું

‘પણ એક ભુલ તો ભગવાન પણ માફ કરે અને એમાંના એક એવા માવિત્રો…. જો સાચા હ્ર્દયથી તેમની માફી માંગી હોય તો એ હસ્તા સ્વિકાર કરી લે’અનુપે કહ્યું

‘હા….વર્ષમાં એક વીક પણ આપણે આપણા પપ્પા માટે પણ ન ફાળવી શકીએ તો ધૂળ પડી આપણા જીવન ઘડતરમાં એવો અફસોસ તેમને સતાવે એ કેટલું દુઃખદ હોય તેમના માટે…? ગયા વર્ષે તેણે મને પણ કહેલું’ આટલી વારથી બધાની વાતો સાંભળતી યોગી(યોગિતા)એ સુર પુરાવ્યો.આ ચર્ચા ચાલતી હતી ત્યાં ડોર બેલ વાગી અને તપને દરવાજો ખોલ્યો તો મેકડોનાલ્ડનો ડિલેવરી બોય પાર્સલ લઇ ઊભો હતો.તપને બોકસ ડાઇનિન્ગ ટેબલ પર મુકવા કહી પોતાનું વેલેટ કાઢી પેમેન્ટ કર્યું.

‘ચાલો…ચાલો…આ બર્ગર અને ગાર્લિક બ્રેડ ઠંડા થઇ જશે તો પાછા ઓવનમાં મુકવા પડશે’

         ડાઇનિન્ગ ટેબલ વચ્ચે પડેલ પેપર પ્લેટ પર સૌએ પોતાની પસંદગીની આઇટમ લીધી અને પેપર કપમાં કોકાકોલા રેડ્યા.અહીં ત્યાંની વાતો કરતા બધું ખવાઇ ગયું.લેફટ અપ એલ્યુમિનીયમ ફોઇલમાં લપેટાયું અને બાકી વધેલી કોકા કોલા સાથે બધું સુમી અને તાન્યા ફ્રીઝમાં મુક્યું

         તપને સીડીનો બોક્સ લાવી પુછ્યું ‘બોલો કઇ મુવી જોવી છે ઇન્ગલીસ કે હિન્દી…?’

‘ઇન્ગલીસ તો આપણે ટીવી પર જોતા હોઇએ છીએ……’

‘એક મિનીટ મારા કઝીને મને એક ગુજરાતી નાટક “પપ્પા પધરાવો સાવધાન”ની સીડી મોલકાવી છે એ હું લાવ્યો છું આપણે એ જોઇએ તો કેમ…?’બધા તરફ જોતા જયંતે પુછ્યું

‘વાઉ!! પપ્પા પધરાવો સાવધાન….? નામ નવું છે ચાલો ભલે થઇ જાય…’અનુપે કહ્યું

       સીડી પ્લેઅરમેં સીડી મુંકાઇ તો નરેશે કહ્યું ‘અરે આ…તો…?’

‘ખીચડી વાળો પ્રફુલ્લ…..’જયંતે કહ્યું 

             નાટક પુરું થતા સૌનો એક જ અભિપ્રાય હતો ‘મજા પડી ગઇ..’ તપને કરેલી સગવડ પ્રમાણે સૌ એક બીજાને ગુડ નાઇટ વિશ કરી પોતાની રીતે સુવા ગયા પણ નરેશની આંખમાં ઊંઘ ન હતી.એના કાનમાં યોગિતાએ કહેલી વાત ગુંજયા કરતી હતી.

‘હા….વર્ષમાં એક વીક પણ આપણે આપણા પપ્પા માટે પણ ન ફાળવી શકીએ તો ધૂળ પડી આપણા જીવન ઘડતરમાં એવો અફસોસ તેમને સતાવે એ કેટલું દુઃખદ હોય તેમના માટે…?’

     નરેશની નજર સામે પોતાના જન્મથી આજ દિવસ સુધીના દ્રશ્યોની ચિત્રપટ જેમ ઉજાગર થવા લાગ્યા.

              નરેશ એટલે સૌથી મોટી કાદિ(કાદંબરી),લીલી(લિલાવતી) અને યશુ(યશોધરા પછી સાત વરસે આવેલો એકનોએક ભાઇ.ત્રણ દીકરી પછી એના પપ્પા નિરંજનભાઇએ રાખેલી માનતાથી પોતાનો જન્મ થયેલો એ વાત જ્યારે સમજણો થયો ત્યારે કાદિએ તેને કરેલી કે,આપણી કુળદેવીના સ્થાનકે ભરબપોરે ખુલ્લા પગે તેને કાંખમાં ઘાલીને દશ કિલોમીટર દૂર પપ્પાએ ચાલીને માનતા પુરી કરેલી.કદી ખુલ્લા પગે ચાલવા ન ટેવાયેલા પપ્પાના પગમાં ફોલ્લા પડી ગયેલા જેના ઘાવ એક અઠવાડિયે માંડ રૂજાયેલા એ યાદ આવતા નરેશના શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું.

 • નાનો હતો ત્યારે પપ્પાનો એ લાડકો હતો.

 • ઘરમાં ઘણી વખત બહેનોને ત્રાસ આપતો ત્યારે તેની મા કોકિલા તેને કુતરા હાંકવાની લાકડીથી ફટકારતી અને પોતે પપ્પામાં ભરાતો

 • પપ્પા કહેતા તુંએ શું કોકિ એકના એક દીકરાને લાકડીથી ઢીબવા મંડી છો ત્યારે મમ્મી ખિજાતી તમે જ તેને મારો નરૂ મારો…નરૂ કરી ફટવી માર્યો છે

 • પપ્પાની સુપર શોપી જેવી દુકાન પર એ જતો ત્યારે પપ્પા તેને કાજુ બદામ ખાવા આપતા બદલામાં ત્યાં બેસાડીને પપ્પા ઘડિયા શિખવાડતા અને ઊંઠા સુધી કંઠસ્થ કરાવેલા જેના લીધે પોતે આજે કેલક્યુલેટર વગર મોઢે ગમે તેવા હિસાબ ફટાફટ કરી શકે છે જે એના કલિગો માટે નવાઇની વાત હતી.

 • મેળામાં ફેરવવા તેને કાંધ પર બેસાડીને લઇ જતા અને પોતે પપ્પાના માથા પરની કાળી ટોપી ઉતારી પોતે પહેરતો ત્યારે પપ્પા કહેતા નીચે નહીં પાડતો નહીંતર મેલી થઇ જશે.

 • તેને ન્યુમોનિયા થયેલો ત્યારે પપ્પા મમ્મીને સુવા મોકલી પોતાની પથારી પાસે બેસી રહેલા અને દર અર્ધા કલાકે ટેમ્પરેચર માપતા ત્રણ રાત જાગેલા.

 • ગોલ કાળી મખમલની ભરતવાળી ટોપી માટે તેણે જીદ કરેલી તે તેમણે મંબઇથી મંગાવી આપેલી

 • દિવાળીના દિવસોમાં પપ્પા બધાને નવા કપડા લઇ આપતા પણ પોતે એક ખાસ અલગ રાખેલો ડ્રેસ પહેરતા અને પછી ડ્રાયક્લિન કરાવી યથાવત મુકી દેતા.

 • એક વખત વરસાદના તાજા આવેલા પાણીથી ભરાયેલા તળાવમાં તે નહાવા ગયેલો અને એક કુવા પર પહોંચ્યા બાદ પગે ખાલી ચડી ગયેલી ત્યારે એ કુવાની કુંડી પર જ કલાક વાર બેઠો રહેલો તેની પપ્પાને ખબર પડતા પહેરેલે કપડે પોતાને કિનારે લાવવા પાણીમાં ઉતરીને આવેલા અને આના લીધે જ પોતાને ન્યુમોનિયા થઇ ગયેલો ત્યારે પપ્પા તેની પથારી પાસે જાગતા બેસી રહેલા.

 • એક દિવાળીના ફટાકડાની લાંબી લુમ હાથમાં પકડી ફોડવા જતા તણખાથી હાથ દાઝી જતા લુમનો ઘા કર્યો અને ટોપલીમાં મુકેલા ફટાકડામાં આગ લાગી ગયેલી.

 • સાત ધોરણ પાસ કર્યા પછી પોતે સિમલા ભણવા જવા ભુખ હડતાલ કરેલી આખર દુકાનનું કામ મુકી તેને સિમલા દાખલ કરવા પપ્પા લઇ ગયેલા

 • સિમલામાં ભણતી વખતે તેણે બાઇકની માંગણી કરી અને પપ્પાએ લઇ આપેલી ત્યાં બધા કોમ્પ્યુટર વાપરતા હતા અને તેની માંગણીથી એ પણ પપ્પાએ લઇ આપલું.

 • તેની કેટલી ખોટી સાચી જીદો પપ્પાએ પુરી કરેલી.

 • પપ્પાએ તેની બધી બહેનોને સારા કરિયાવર સાથે વળાવેલી, કોલેજ પુરી કર્યા પછી પપ્પા સાથે રહેવાને બદલે તેણે તેના જીદી સ્વભાવને લીધે જ અમદાવાદમાં નોકરી સ્વિકારી અને ત્યાં તેને મારિયા સાથે પ્રેમ થઇ ગયેલો અને તેને પરણવાની જીદનો પહેલી વાર અસ્વિકાર થતા પોતે ઘર છોડી ચાલ્યો ગયો અને મારિયા સાથે અમેરિકા પહોંચ્યા બાદ મારિયાએ તેને ડિવોર્સ આપી દીધા અને તેના મિત્ર તપનના સહારાથી એ અમેરિકામાં ઠરી ઠામ થયો નહીંતર જેલમાં જવાનો વારો આવત અને આજે એકાકી જીવન વ્યતિત કરતો હતો.

 • પોતે ક્યાંછે તેની જાણ તેણે ઘરમાં કદી કોઇને કરી નહતી.

 • ભારત પાછા આવવાની ઇચ્છા થતી પણ ક્યા મોઢે એ ભારત જાય એ વિચાર આવતા તેણે કેટલી વાર માંડી વાળેલું

                             એક ભુલ તો ભગવાન પણ માફ કરે અને એમાંના એક એવા માવિત્રો…. જો સાચા હ્ર્દયથી તેમની માફી માંગી હોય તો એ હસ્તા સ્વિકાર કરી લે’અનુપે કહેલા શબ્દો યાદ આવતા નરેશે નક્કી કરી લીધું કે,ગમે તે થાય પોતે ભારત જઇને પપ્પાની માફી માંગી લેશે.એ નિર્ણયથી એની આંખ મિંચાઇ ગઇ.સવારના આંખ ખુલી ત્યારે હજુ સૌ ઘોરતા હતા.‘હું ભારત જાઉં છું’એવા ચાર શબ્દો લખીને ડાઇનિન્ગ ટેબલ પર પડેલા પાણીના જગ નીચે મુંકી પોતે પોતાના ફ્લેટ પર આવ્યો.

       પોતાના અહીંના એકાઉન્ટમાંથી જોઇતી ખરીદી કરી અને બાકીના પૈસા પોતને સિમલામાં પૈસા મોકલવા પપ્પાએ જે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જતા બેન્ક ઓફ બરોડાના ગિરીનભાઇએ તેને ડિમાન્ડ ડ્રાફ્ટ લઇ જઇ ત્યાં એન.આર.આઇ એકાઉન્ટ ખોલાવી જમા કરાવવાને સલાહ આપી ડ્રાફ્ટ કાઢી આપ્યા.

           એરપોર્ટ પર આવી ભારત જતી પહેલી જેટ એરવેઝની ટિકીટ લઇ ચેક ઇન કર્યું અને મુંબઇ ઉતર્યો અને દેશમાં જવા ટ્રેઇન પકડી.સ્ટેશનથી એક છકડો પકડી તેમાં સામાન નાખીને દુકાન પાસે છકડો ઊભો રાખ્યો.દુકાનમાં ઘરાકીમાં વ્યસ્ત પપ્પાના પગ પકડી લીધા.આ ઓચિંતાની ઘટનાથી નિરંજનભાઇ ચોંકી ગયા.

‘કોણ છો દીકરા…?’ માથા પર હાથ ફેરવી ખભેથી પકડી નરેશને ઊભો કરતા પુછ્યું

‘હું તમારો અભાગિયો નરૂ….’કહી નિરંજનભાઇને બાથમાં લઇ નરેશ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

‘શાંતથા દીકરા…શાંત થા…’

‘પ્લીઝ પપ્પા મને માફ કરો હું ભટકી ગયો હતો હવે હું તમને મુંકીને ક્યાં પણ નહીં જાઉ મને માફ કરો..મને માફ કરો’ બે હાથ જોડી નરેશ કરગરવા લાગ્યો.

‘ચાલ ઘેર ચાલ….તું અહીં હતો ત્યારે પણ મારો નરૂ હતો અને આજે પણ એ જ નરૂ છો..હોય માણસ માત્ર ભુલને પાત્ર….અરે જાદવજી આ છકડાને આપણે ઘેર લઇ જા’કહી નિરંજનભાઇએ ફ્રીઝમાંથી ઠંડા પીણાની બોટલ ખોલી નરેશને આપી.

          દુકાન વાણોતરને સોંપી નિરંજનભાઇ અને નરેશ ઘેર આવ્યા.કોકિલા રસોડામાં વ્યસ્ત હતી તો ખુણામાંથી લાકડી લઇને નરેશે કોકિલાના પગ પકડી લીધા

‘મમ્મી તારા અભાગિયા નરૂને માફ કર…’કહી લાકડી આપતા કહ્યું

‘જોઇએતો ચાર લાકડી ફટકારી લે હું ઉફ નહીં કરૂં…પણ તારા આ અભગિયા અને વાટ ભટકેલા નરૂને માફ કર…માફ કર’

‘ઉઠ ઊભો થા વાટ ભુલેલો પાછો આવે તેને ભુલેલો ન કહેવાય દીકરા’સજળ આંખે નરેશને બાથમાં લઇને માથા પર હાથ ફેરવતા કોકિલાએ કહ્યું

    પોતાની અટેચી કેશમાંથી એક કવર નિરંજનભાઇને આપી તેમને બાથ ભરી નરેશે કહ્યું

‘હેપ્પી ફાધર્સ-ડે પપ્પા.’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: