કનકતારો એક છે
પ્રેક્ષકો તો છે ઘણા પણ નાચનારો એક છે;
ભુલનારા છે ઘણા સંભારનારો એક છે
મિત્રતાના નેપથ્યમાં પાછળ મળે છે કેટલા;
છોડનારા છે ઘણા નિભાવનારો એક છે
મિષ્ટભાષા વાપરીને મોહ ઉપજાવે પછી;
મોહનારા છે ઘણા સમજાવનારો એક છે
છે સબંધોના અહીં તાણા અને વાણા ઘણા;
તોડનારા છે ઘણા પણ સાંધનારો એક છે
રાહમાં સંગાથ કરવા ચાલતા સાથે રહી;
ટાળનારા છે ઘણા પણ ચાલનારો એક છે
ભેદ કો પામી તમારો ધાક ને ધમકી દઇ;
ખોલનારા છે ઘણા પણ ઢાંકનારો એક છે
આ “ધુફારી” પાસ તો પારસમણી સમ છે નજર;
ચમકનારા છે ઘણા પણ કનકતારો એક છે
૨૮-૦૬-૨૦૧૫
Filed under: Poem |
Leave a Reply